મથુરા લોકસભા સીટ પર ભાજપના હેમામાલિની અને કોંગ્રેસના વિજેન્દ્ર સિંહ વચ્ચે થશે ટક્કર

મથુરા: મથુરા લોકસભા સીટ પરથી આંતરરાષ્ટ્રિય બોક્સર વિજેન્દ્રરસિંહને કોંગ્રેસે ટિકિટ આપીને મુકાબલો રોચક બનાવી દીધો છે. મથુરા સીટ પરથી બે વખત સાંસદ રહી ચુકેલા હેમામાલિની સામે બોક્સર વિજેન્દ્રર સિંહની સીધી ટક્કર થશે.જાટ બહુમતી ધરાવતી આ સીટ પર કોંગ્રેસે જાટ ઉમેદવારને ઉતારીને સૌને ચોંકાવી દીધા છે.
ભાજપે મથુરાથી બે વખતના સાંસદ ફિલ્મ અભિનેત્રી હેમામાલિનીને ઉમેદવાર બનાવ્યા છે, જો કે આ સીટ પર રાષ્ટ્રિય લોકદળનું સમર્થન પણ હેમામાલિનીને મળ્યું છે. મથુરા લોકસભા સીટ પર બીજા તબક્કા એટલે કે 26 એપ્રિલના રોજ મતદાન થશે, ચૂંટણીના પરિણામો 4 જુનના રોજ આવશે.
આ પણ વાંચો : છોટાઉદેપુર બેઠક પર રાઠવા VS રાઠવાનો જંગ, કોણ બનશે વિજેતા ભાજપના જશુભાઈ કે કોંગ્રેસના સુખરામ?
ભાજપના ઉમેદવાર હેમામાલિનીએ છેલ્લી બે ચૂંટણી એટલે કે 2014 અને 2019 મથુરા લોકસભાથી જીત મેળવી હતી. વર્ષ 2019માં હેમામાલિનીને ટક્કર આપવા માટે 12 અન્ય ઉમેદવારો પણ મેદાનમાં હતા. કોંગ્રેસે મહેશ પાઠક, રાષ્ટ્રિય લોક દળના કુંવર નરેન્દ્ર સિંહ, સ્વતંત્ર જનતા રાજ પાર્ટીએ ઓમ પ્રકાશને મેદાનમાં ઉતાર્યા હતા, તેમ છતાં હેમામાલિનીએ જોરદાર જીત મેળવી હતી. જ્યારે વર્ષ 2014માં પણ હેમામાલિનીએ આ સીટ પરથી ભવ્ય જીત હાસિલ કરી હતી. ભાજપે મથુરા લોકસભા સીટ પર સતત ત્રીજી જીત માટે હેમામાલિનીને મેદાનમાં ઉતાર્યા છે.