આવતીકાલે સવારે ટાઢા પહોરે જ કરી આવજો મતદાન, બપોરે બાદ તો…
મુંબઈઃ આવતીકાલે એટલે કે સોમવારે 20મી મેના દિવસે લોકસભાની ચૂંટણી-2024 (Loksabha Election-2024) માટેનું પાંચમા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. દરમિયાન હવામાન ખાતા (Weather Department) દ્વારા સોમવારના હવામાન વિશે કરવામાં આવેલી આગાહી અનુસાર આવતીકાલે તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસથી 35 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે. પરિણામે આની અસર પાંચમા તબક્કાના મતદાન પર પણ જોવા મળશે, એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
છેલ્લાં કેટલાક સમયથી મુંબઈ સહિત દેશભરમાં ઉષ્ણતામાનમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. હવામાન ખાત દ્વારા સોમવાર 20મી મેના હવામાન વિશે આગાહી (Weather Forecast) કરતાં એવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે મુંબઈગરાને અઠવાડિયાના પહેલાં દિવસે પણ ગરમીમાંથી બિલકુલ રાહત મળે એવા કોઈ એંધાણ નથી દેખાઈ રહ્યા. સતત વધી રહેલી ગરમી માત્ર નાગરિકો જ નહીં પણ રાજકીય પાર્ટી અને નેતાઓની મુશ્કેલીમાં વધારો કરી રહી છે.
હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરાયેલા અંદાજ અનુસાર સોમવારે મુંબઈ અને આસપાસના વિસ્તારમાં તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસથી 35 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે. સતત વધી રહેલી ગરમીને કારણે પાંચમા તબક્કાના મતદાન પર પણ જોવા મળી શકે છે. પરિણામે મતદાતાઓને વહેલી સવારે જ જઈને મતદાન કરવાની અપીલ કરવામાં આવી રહી છે.
આ અઠવાડિયાની વાત કરીએ તો ગુરુવારથી વાતાવરણમાં એકદમ પલટો જોવા મળ્યો છે અને વાતાવરણમાં એકદમ ઉકળાટ જોવા મળી રહ્યો છે, જેને કારણે નાગરિકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. અત્યાર સુધી યોજાયેલા મતદાનના ચાર તબક્કાની ટકાવારી પર પણ ગરમીની ઓછી વધતી અસર જોવા મળી છે.