તુષ્ટિકરણના રાજકારણ માટે ટીએમસીએ ઓબીસીના અધિકારો છીનવ્યા: વડા પ્રધાન મોદી
બારાસાત (પશ્ર્ચિમ બંગાળ): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પશ્ર્ચિમ બંગાળની ટીએમસી સરકારની આકરી ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે વોટ જિહાદ અને તુષ્ટિકરણની રાજનીતિને ચલાવવા માટે ઓબીસી યુવાનોના અધિકારો છીનવી લેવામાં આવ્યા હતા.
બારાસાતમં એક પ્રચાર રેલીને સંબોધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કલકત્તા હાઈ કોર્ટના ચુકાદા પર ન્યાયમૂર્તિ અંગે સવાલ ઉપસ્થિત કરવા બદલ પશ્ર્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીનું નામ લીધા વગર ટીકા કરતાં કહ્યું હતું કે પ્રતિકૂળ ચુકાદો આવ્યો એટલે હવે ટીએમસી પોતાના ગુંડાઓને ન્યાયમૂર્તિ પર છૂટા મુકી દેશે.
કોર્ટે તૃણમૂલ કૉંગ્રેસનો ઓબીસી સમાજ સાથેનો વિશ્ર્વાસઘાત ખુલ્લો પાડ્યો છે. પાર્ટીએ પોેતાની તુષ્ટિકરણનું રાજકારણ અને વોટ જેહાદને ચલાવવા માટે ઓબીસી યુવાનોના અધિકારો છીનવી લીધા હતા.
મમતા બેનરજીએ કહ્યું હતું કે તેઓ આ ચુકાદો સ્વીકારશે નહીં. તેમણે આ ચુકાદો ભાજપના પ્રભાવ હેઠળ આપવામાં આવ્યાનો આક્ષેપ કર્યો હતો.
આ સ્પષ્ટ છે કે ટીએમસીને ગમતું નથી કે લોકો તેમના વિશ્ર્વાસઘાત અને જુઠાણાંનો પર્દાફાશ કરે. મને જોઈને નવાઈ લાગે છે કે આ લોકો ન્યાયતંત્રને કેવી રીતે પડકારી શકે છે. તેમને ન્યાયતંત્ર અને બંધારણ પર કોઈ ભરોસો નથી?
જે રીતે તેઓ ન્યાયમૂર્તિઓ પર હુમલા કરી રહ્યા છે તે અભૂતપૂર્વ છે. મને જાણવું છે કે શું તેઓ ફરી ન્યાયમૂર્તિ પર પોતાના ગુંડાઓને છૂટા મૂકી દેશે, કેમ કે તેમનો પર્દાફાશ થઈ ગયો છે? એમ વડા પ્રધાને પૂછ્યું હતું.
વડા પ્રધાને મમતાના તાજેતરના રામકૃષ્ણ મિશનના અને ભારત સેવાશ્રમ સંઘના કેટલાક સંતો સામેની ટીપ્પણી અંગે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે આ સામાજિક-ધાર્મિક સંસ્થાઓને ધમકાવવામાં આવી રહ્યા છે કેમ કે તેઓ ટીએમસીની વોટબૅંકનું તુષ્ટિકરણ કરવા માગે છે. (પીટીઆઈ)