મોદીએ ફરી એક વખત કૉંગ્રેસ પર સંપત્તિ ફેરવિતરણનો આરોપ લગાવ્યો, જોકે મુસ્લિમ ઉલ્લેખ ન કર્યો
અલીગઢ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વધુ એક વખત કૉંગ્રેસ પર સત્તામાં આવે તો લોકોની સંપત્તિને વિતરિત કરી નાખવાની યોજના ઘડવાનો આરોપ લગાવ્યો હતો, પરંતુ આ વખતે સંપત્તિ મુસ્લિમોને આપી દેવામાં આવશે એવું બોલ્યા નહોતા.
પશ્ર્ચિમી ઉત્તર પ્રદેશના અલીગઢમાં તેઓ ચૂંટણી રેલીને સંબોધી રહ્યા હતા. આ મતદારસંઘમાં મુસ્લિમોની સંખ્યા નોંધપાત્ર છે. મોદીએ વિપક્ષ કૉંગ્રેસ અને સમાજવાદી પાર્ટીની ટીકા કરતાં કહ્યું હતું કે તેઓ તુષ્ટીકરણની નીતિ અપનાવે છે, પરંતુ સમાજના આ વર્ગના સામાજિક-આર્થિક ઉત્થાન માટે કશું જ કરતા નથી.
બીજી તરફ તેમમે જણાવ્યું હતું કે ટ્રિપલ તલાક સામેનો કાયદો, હજ માટેના ક્વોટામાં વધારો જેવા નિર્ણયોને કારણે આ સમુદાયને મદદ થઈ છે.
અહીં ઉલ્લેખનીય છે કે રવિવારે વડા પ્રધાને કૉંગ્રેસ સત્તામાં આવશે તો સર્વેક્ષણ કરીને સંપત્તિનું ફેરવિતરણ કરવાનો ગંભીર આક્ષેપ કરીને વિવાદ છેડ્યો હતો.
આપણ વાંચો: PM મોદી સામેની લડાઈમાં કોંગ્રેસની વિશ્વસનિયતા હવે ખતમ: સીતારામ યેચુરી
ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહના 2006માં આપવામાં આવેલા દેશના સંસાધનો પર મુસ્લિમોનો પહેલો અધિકાર છે વાળા નિવેદનનો આધાર લેતાં તેમણે રાજસ્થાનના બાંસવાડામાં કહ્યું હતું કે કૉંગ્રેસ તમારી સંપત્તિ ઘુસણખોરો અને વધુ બાળકો ધરાવનારા લોકોને આપી દેવા માગે છે.
અલીગઢમાં તેમણે સોમવારે સંપત્તિના ફેરવિતરણના મુદ્દાનું પુનરાવર્તન કર્યું હતું અને ઉમેર્યું હતું કે અમે દેશના લોકોને કૉંગ્રેસ અને વિપક્ષી ઈન્ડી ગઠબંધનના ઈરાદાઓથી સાવચેત કરવા માગીએ છીએ.
કૉંગ્રેસના શહેજાદા કહે છે કે તેમની સરકાર આવશે તો તેઓ તપાસ કરાવશે કે કોણ કેટલું કમાય છે અને તેમની પાસે કેટલી સંપત્તિ છે. આટલું જ નહીં, તેઓ વધુમાં કહે છે કે સરકાર સંપત્તિ જપ્ત કરશે અને તેનું ફેરવિતરણ કરશે. આ તેમના ચૂંટણી ઢંઢેરામાં કહેવામાં આવ્યું છે, એમ તેમણે રાહુલ ગાંધીનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું.
જરા વિચારો, આપણી માતા અને બહેનો પાસે સોનું છે. આ તેમનું સ્ત્રીધન છે. તેને પવિત્ર માનવામાં આવે છે. કાયદામાં પણ તેને રક્ષણ આપવામાં આવ્યું છે. પરંતુ હવે તેઓ કાયદામાં ફેરફાર કરીને આપણી માતા-બહેનોની સંપત્તીને છીનવી લેવાની યોજના બનાવી છે.