લોકસભા ચૂંટણી 2024: મુખ્ય પ્રધાન પુત્ર સામે આયાતી ઉમેદવાર?
કલ્યાણની બેઠક લડવા માગતી ઠાકરે સેના સામે મોટું સંકટ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં શિંદે સેના કરતાં મજબૂત હોવાનું દેખાડવા માટે અત્યારે ઠાકરે સેના કમર કસી રહી છે ત્યારે કલ્યાણમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે સામે આપવા માટે ઠાકરે સેના પાસે કોઈ સ્થાનિક ઉમેદવાર ન હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
આ પહેલાં ઠાકરેએ પોતાના સંબંધી વરુણ સરદેસાઈ અને સુષ્મા અંધારેને આ બેઠક પરથી ચૂંટણી લડાવવાનો વિચાર કર્યો હતો, પરંતુ બંનેએ ના પાડી દીધી હોવાથી હવે ઠાકરે સેના અને પરિણામે મહાવિકાસ આઘાડીને આ બેઠક પરથી આયાતી ઉમેદવાર ઊભો રાખવાની ફરજ પડી છે.
આપણ વાંચો: લોકસભા ચૂંટણી 2024: નહીં ચલેગા: રાજ ઠાકરેને શિંદે સેના સોંપવા સામે કાર્યકર્તાઓનો વિરોધ
વાસ્તવમાં વર્તમાન સાંસદ શ્રીકાંત શિંદે સામે સમર્થ ઉમેદવાર આપવા માટે ઠાકરે સેનાએ પોતાની પાર્ટીમાં ઘણી શોધ ચલાવી પરંતુ શિંદેપુત્ર સામે લડવાની તૈયારી કોઈએ દાખવી નહોતી. આથી હવે આનંદ દીઘેના પુત્ર કેદાર દીઘેને થાણેથી લાવીને કલ્યાણની બેઠક પર ચૂંટણી લડાવવામાં આવશે એવું સંભળાઈ રહ્યું છે.
જોકે, રાજ્યમાં અત્યારે ચાલી રહેલા અજિત પવાર વિરુદ્ધ વિજય શિવતારેના શાબ્દિક યુદ્ધને કારણે મહાયુતીમાં સંકટના વાદળો ઘેરાયાં છે. વાત તો હવે ત્યાં સુધી પહોંચી છે કે અજિત પવાર જૂથના નેતા આનંદ પરાંજપેએ ધમકી આપી છે કે જો અજત પવાર સામે બોલવાનું શિવતારે બંધ નહીં કરે તો શ્રીકાંત શિંદેને કલ્યાણની બેઠક પરથી પરાજયનો સામનો કરવો પડશે.
આ બધાને જોતાં કલ્યાણની બેઠક અત્યારે ફક્ત મહાવિકાસ આઘાડી માટે જ નહીં, મહાયુતી માટે પણ ચિંતાનું કારણ બની રહી છે અને આગામી દિવસમાં શું થાય છે તે જોવાનું રહેશે.