વિપક્ષ બીડમાં ચૂંટણી જંગ બે સમુદાયો વચ્ચેની લડાઈ જેવી કરવા માગે છે: પંકજા મુંડે

બીડ: ભાજપના બીડના ઉમેદવાર પંકજા મુંડેએ એવો દાવો કર્યો છે કે વિપક્ષ આ મધ્ય મહારાષ્ટ્ર લોકસભા મતવિસ્તારના ચૂંટણી જંગને બે સમુદાયો વચ્ચેની લડાઈ તરીકે દેખાડવાનો પ્રયાસ કરી રહ્યો છે.
બીડ જિલ્લામાં ગયા વર્ષના મરાઠા અનામત આંદોલન દરમિયાન હિંસાની ઘણી ઘટનાઓ જોવા મળી હતી, જેમાં વિરોધીઓએ રાજકીય નેતાઓના ઘરોને પણ નિશાન બનાવ્યા હતા. ખાસ કરીને સત્તાધારી ભાજપ-શિવસેના-એનસીપી ગઠબંધનના નેતાઓના ઘરોને પણ નિશાન બનાવ્યા હતા.
પંકજાએ ગુરુવારે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ગુસ્સો સિસ્ટમ સામે હતો અને વ્યવસ્થા સાથે સંકળાયેલા લોકો પર કાઢવામાં આવ્યો હતો.
બીડની ચૂંટણીનો જંગ સહેલો નહીં હોય કેમ કે તેમણે (વિપક્ષોએ) તેને બે સમુદાયો વચ્ચેની લડાઈ જેવું બનાવ્યું છે. આ એકમાત્ર મુદ્દો છે જે તેઓ બનાવી શકે છે, તેથી તેઓ તેને સૂક્ષ્મ રીતે ઉઠાવી રહ્યા છે, એમ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વ. ગોપીનાથ મુંડેની પુત્રીએ જણાવ્યું હતું.
સંભવત: પરિસ્થિતિ મુશ્કેલ હોવાનું અનુમાન કરીને જ ભારતીય જનતા પાર્ટીએ તેમની નાની બહેન અને બે વખતના સંસદસભ્ય પ્રીતમ મુંડેને સ્થાને આ વખતે પંકજાને ટિકિટ આપી હતી.
પંકજાના પિતા ઓબીસીના નેતા હતા અને તેમનો વારસો ચલાવતાં પંકજાએ પણ પોતાને રાજ્યમાં સમુદાયના નેતા તરીકે રજૂ કરવાની કોશિશ કરી છે. જોકે, આવી સ્થિતિ તેના માટે બીડમાં થયેલા હિંસક અનામત આંદોલનની પૃષ્ઠભૂમિમાં તેમની સ્થિતિ મુશ્કેલ બનાવે છે. બીડમાં પંકજાના મુખ્ય હરીફ એનસીપી (એસપી)ના મરાઠાનેતા બજરંગ સોનાવણે છે.
રાજકીય રીતે વર્ચસ્વ ધરાવતા મરાઠા સમુદાયની ક્વોટાની માંગે રાજ્યના રાજકારણમાં ફોલ્ટલાઈન ખોલી છે કારણ કે ઓબીસી નેતાઓ મરાઠા નેતા મનોજ જરાંગેના સ્ટેન્ડનો સખત વિરોધ કરે છે કે તેમના સમુદાયને ઓબીસી કેટેગરીમાં સામેલ કરવામાં આવે તે સામે તેમનો વિરોધ છે. (પીટીઆઈ)