આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

ગૃહ પ્રધાન અમિત શાહના નકલી વીડિયોનું પ્રકરણ: મુંબઈ ભાજપ દ્વારા કૉંગ્રેસ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(એઆઇ)નો ઉપયોગ ખોટી રીતે કરવામાં આવે તો તે ખતરનાક સાબિત થઇ શકે છે, તેવું થોડા જ મહિના પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણ દરમિયાન કહ્યું હતું અને ચૂંટણી આવી છે ત્યારે ખરેખર મોર્ફ વીડિયો બનાવી દુરુપયોગ થઇ રહ્યો હોવાનું કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ફરી રહેલા નકલી વીડિયો પરથી સાબિત થયું છે. આ મામલે રાષ્ટ્રીય કક્ષાએ ખળભળાટ મચ્યો છે ત્યારે મુંબઈમાં પણ આ ઘટનાના પડઘા પડ્યા છે.

આ મામલે ભાજપના મુંબઈ એકમ દ્વારા પણ મુંબઇ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવવામાં આવી છે. મુંબઈના ભાજપ સચિવ પ્રતિક કર્પે દ્વારા મહારાષ્ટ્ર કૉંગ્રેસ(યુથ)ના સોશિયલ મીડિયા હેન્ડલ વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવ્યો હતો.

આપણ વાંચો: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હેલિકોપ્ટરે ટેકઓફ વખતે ગુમાવ્યું સંતુલન…

મહાવિકાસ આઘાડી સંબંધિત મહારાષ્ટ્ર કૉંગ્રેસ યુથના એક્સ એકાઉન્ટ, ફેસબુક એકાઉન્ટ, ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો મૂકવામાં આવ્યો હતો. અમિત શાહના ફેરવવામાં આવી રહેલા નકલી વીડિયોમાં તે ઓબીસી, એસસી, એસટી અનામત નાબૂદ કરવા વિશે બોલતા હોવાનું જણાય છે. જોકે, આ વીડિયો નકલી છે હોવાનું જણાયું હતું. આ પૂર્વે આપેલા ભાષણમાં અમિત શાહે જણાવ્યું હતું કે તેમની સરકાર આવશે તો ગેરબંધારણીય રીતે મુસ્લિમ સમાજને આપવામાં આવેલું અનામત તે કાઢશે.

જોકે, મહાવિકાસ આઘાડીના યુથ કૉંગ્રેસ, એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ -શરદ પવાર)ના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ખોટો વીડિયો વાયરલ કરવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. આ વીડિયો વાયરલ કરીને ભાજપને ખોટી રીતે બદનામ કરીને સમાજના વિવિધ વર્ગ વચ્ચે વૈમનસ્ય નિર્માણ કરવાનો પ્રયત્ન કરાયો હોવાનું પણ ભાજપનું કહેવું છે. ભાજપ દ્વારા આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button