ધર્મના નામે વિભાજન કરનારાને ખુલ્લાં પાડ્યા: નરેન્દ્ર મોદી
વડા પ્રધાન મોદીના મુંબઈમાં વિપક્ષ પર આકરા પ્રહાર
મુંબઈ: લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કા દરમિયાન 20મી મેના રોજ મુંબઈમાં મતદાન યોજાવાનું છે તે પહેલા જ પ્રચારસભા ગજાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈ અને થાણે વિસ્તારમાં પહોંચ્યા હતા અને ખાસ કરીને વિપક્ષને પોતાના નિશાને લીધા હતા. થાણેના કલ્યાણ ખાતે વિપક્ષના મહાગઠબંધન પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે મેં ભારતના લોકોને ધર્મના નામે વિભાજિત કરનારા ઇન્ડિ(મહાગઠબંધન) જોડાણને ખુલ્લાં પાડ્યા છે અને મારી માટે સૌથી મહત્ત્વની ભારત દેશની એકતા છે.
ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ પર નિશાન સાધતા વડા પ્રધાને કહ્યું હતું કે મારા પહેલા વડા પ્રધાન રહેલા ડૉ.મનમોહન સિંહે કહ્યું હતું કે આ દેશના સંસાધનો પર પહેલો હક્ક લઘુમતિઓનો છે. કૉંગ્રેસ દેશના બજેટને હિંદુ બજેટ અને મુસ્લિમ બજેટ એમ બે ભાગમાં વહેંચવા માગતી હોવાનું પણ મોદીએ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે કૉંગ્રેસની યોજના પંદર ટકા બજેટ મુસ્લિમોને ફાળવવાની હતી.
આ પણ વાંચો : તમારો મત દેશના વિકાસ માટે, મોદી જેવા આદર્શ વડા પ્રધાન માટે…: યામિની જાધવનું આહ્વાન
મોદીએ રાહુલ ગાંધીની ટીકા કરતા જણાવ્યું હતું કે મહાગઠબંધન અને કૉંગ્રેસના ‘શહેઝાદા’ ધર્મના નામે રાજકારણ કરી રહ્યા હતા અને કર્ણાટક તેમની પ્રયોગશાળા હતી. તેમણે કર્ણાટકમાં રાતોરાત મુસ્લિમોને ઓબીસી ક્વોટામાં અનામત ફાળવી દીધું અને તેમનો આખા દેશમાં આમ કરવાનો ઇરાદો હતો.
ભાજપ સાથે જોડાણ તોડી કૉંગ્રેસ સાથે જનારી ઉદ્ધવ ઠાકરેની શિવસેના વિશે કહેતા મોદીએ જણાવ્યું હતું કે ઉદ્દવ ઠાકરેની નકલી શિવસેનાએ કૉંગ્રેસના શહેઝાદાને વિનાયક દામોદર સાવરકરની પ્રશંસામાં પાંચ વાક્ય બોલવા કહેવું જોઇએ. મહાગઠબંધને રાહુલ ગાંધીને સાવરકર વિરુદ્ધ બોલવાનું બંધ કહેવું પડ્યું હતું કારણ કે આની અવળી અસર ચૂંટણી દરમિયાન થશે, તેવો તેમને ડર હતો.