અબજો રૂપિયાના માઇનિંગ કૌભાંડના આરોપી ભાજપમાં જોડાયા, જી. જનાર્દન રેડ્ડીએ શું કહ્યું? જાણો
કર્ણાટકમાં માઈનિંગ બેરોન તરીકે જાણીતા જી. જનાર્દન રેડ્ડીએ આજે પોતાની પાર્ટીનું બીજેપીમાં વિલિનીકરણ કર્યું છે. કરોડો રૂપિયાના માઈનિંગ કૌભાંડમાં વર્ષો જેલમાં વિતાવનારા અને નવી પાર્ટી રચી ભાજપ સામે પડેલા જનાર્દન રેડ્ડીએ ભાજપમાં જોડાયા બાદ હવે વચન આપ્યું છે કે તેઓ સતત ત્રીજી વખત દેશમાં ભાજપની સરકાર બનાવશે.
ઉદ્યોગપતિ અને કર્ણાટક રાજ્ય પ્રગતિ પક્ષ (KRPP) ના એકમાત્ર ધારાસભ્ય જી જનાર્દન રેડ્ડીએ સોમવારે તેમની પાર્ટી ભાજપમાં વિલીનીકરણ કર્યું છે. ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પાએ કહ્યું, “જી જનાર્દન રેડ્ડી અને તેમની પત્ની ભાજપમાં જોડાયા છે. આ તેમનો સારો નિર્ણય છે. આનાથી અમારી પાર્ટી મજબૂત થશે, અમે તમામ 28 લોકસભા બેઠકો જીતીશું.”
આપણ વાંચો: ભાઈ-ભત્રીજાવાદ, કૉંગ્રેસ જ નહીં બધી પાર્ટીઓ સંબંધોના સકંજામાં, કર્ણાટકમાં સૌથી વધારે
KRPPના સ્થાપકે પત્રકારોને જણાવ્યું હતું કે, “મેં મારા સમર્થકોની સલાહ લીધા બાદ આ નિર્ણય લીધો છે.” રેડ્ડીએ કહ્યું કે તેઓ બેલ્લારી લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર બી શ્રીરામુલુનું સમર્થન કરશે. પૂર્વ મંત્રી શ્રીરામુલુ 2023ની વિધાનસભા ચૂંટણી બેલ્લારી વિધાનસભા બેઠક પરથી હારી ગયા હતા. જનાર્દન રેડ્ડી બીએસ યેદિયુરપ્પાના નેતૃત્વવાળી ભાજપ સરકારમાં મંત્રી હતા અને માઈનિંગ કૌભાંડમાં જેલમાં બંધ હતા. બાદમાં તેમણે ભાજપથી અલગ થઈને KRPPની રચના કરી હતી.
સીબીઆઈએ કર્ણાટકમાં માઈનિંગ કૌભાંડને “અત્યાર સુધીનું સૌથી કુખ્યાત માઈનિંગ કૌભાંડ” ગણાવ્યું હતું. જનાર્દન રેડ્ડી ઘણા વર્ષોથી રાજ્યમાં ભાજપ સાથે સંકળાયેલા હતા, પરંતુ ગેરકાયદેસર ખાણકામ અને ભ્રષ્ટાચારના મામલામાં તેમની કથિત સંડોવણી બાદ 2011માં તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.
16,500 રૂપિયાના માઈનિંગ કૌભાંડમાં કથિત ભૂમિકા બદલ CBI દ્વારા સપ્ટેમ્બર 2011માં ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કર્ણાટકના બેલ્લારી અને આંધ્રપ્રદેશના અનંતપુરમાં કરોડો રૂપિયાના ગેરકાયદે આયર્ન ઓર માઇનિંગ કર્યું હતું, તે 2015થી જામીન પર બહાર છે. સુપ્રીમ કોર્ટે લાદેલી જામીન શરતો અનુસાર, તેમના પર બેલ્લારી તેમજ આંધ્રપ્રદેશના અનંતપુર અને કડપ્પા જવા પર પ્રતિબંધ છે.