યુવાવસ્થા: સાબદા રહેજો, સાયબર ફ્રોડથી
ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી – શ્ર્વેતા જોષી-અંતાણી
રાત્રિના ત્રણ વાગ્યા પણ આખી રાત જાગેલી મૈત્રીને ક્યાંય ચેન નહોતું. ગઈકાલ સવારથી સમર્થનો કોઈ અત્તો-પત્તો ન હતા એટલે એને ખ્યાલ આવી ગયેલો કે પોતે છેતરાઈ ગઈ છે, પણ તેમ છતાં મન માનતું નહોતું. એક બાજુ પ્રેમમાં દગો થયાનું દુ:ખ, બીજી તરફ પ્રેમના નામે પૈસા ગુમાવવાનું દર્દ મૈત્રી માટે મરવા જેવી પરિસ્થિતિ સર્જી દીધી હતી.
ક્યાં જવું- શું કરવું- કોને કહેવું?
મૈત્રીને કંઈજ સમજ પડતી નહોતી. સવાર પડતાં સુધીમાં મૈત્રીએ અનેક વિચાર કરી નાખ્યા. ખેર, સમર્થના પ્રેમમાંથી તો જાતને સમય જતાં કદાચ બહાર લાવી શકાય, પણ એની મદદ માટે લીધેલી લોનના નાણાં પોતે કઈ રીતે ચૂકવશે એનો કોઈ તાગ મળતો નહોતો. મમ્મી- પપ્પાને વાત કહી શકાય એમ નહોતી. ફ્રેન્ડસને કહેવાથી પોતે મૂરખ સાબિત થવાની હતી ને અજાણ્યા લોકો પાસે જઈ રોદણાં રોવાથી કોઈ અર્થ સરવાનો નહોતો.
હવે કરવું તો કરવું શુ? એને એકવાર ફરી સમર્થને ફોન લગાવવાનો પ્રયત્ન કર્યો, ડેટિંગ એપ અને સોશિયલ મીડિયા પર પ્રોફાઈલ તપાસી લીધી. જેટલા પણ સંપર્ક કરી શકવાના રસ્તા હતા એ બધા પર મૈત્રીએ વારંવાર પ્રયત્ન કર્યા પણ કોઈ જગ્યાએથી છેડો કે સમર્થનું પગેરું નહોતું મળતું.
એ માણસ જાણે આ દુનિયામાંથી જાણે અલોપ જ થઈ ગયેલો.
લાખો આશાસ્પદ યુવતીઓ માફક વીસ વર્ષીય મૈત્રી પણ ઓનલાઈન ડેટિંગ એપ પર લગભગ પોતાની બધી ઓળખ છતી કરી દેતું એકાઉન્ટ ધરાવે છે, જેના થકી એ રોજ પોતાને અનુકૂળ આવે એવા પાર્ટનરની શોધ કરતી રહે છે એમાં એક દિવસ એને ખૂબ સોહામણો, અતિ ધનાઢ્ય, તુરંત આંખને ગમી જાય એવો યુવાન મળે છે. નામ એનું સમર્થ. પહેલી જ ડેટમાં મૈત્રીને મોંઘીદાટ હોટેલમાં ડિનર પર લઈ જવાથી માંડી અવનવી ગિફટ્સ આપતો રહેતો. સતત પ્રેમ દર્શાવતો ને લોભામણા શબ્દો અને મીઠીમીઠી વાતો કરતો સમર્થ સાવ ટૂંકાગાળામાં મૈત્રીનાં મન, મગજ પર કબ્જો જમાવી એનો ભરોસો જીતી લે છે. થોડા દિવસ તો મૈત્રીની દુનિયામાં બધું જ ઓકે ચાલે છે. પોતે એક ખૂબ ધનાઢ્ય કુટુંબનો નબીરો છે તેના પુરાવારૂપે સમર્થ પાણી માફક પૈસા વાપરતો રહે છે. એની જીવનશૈલી પણ પળે પળે એ દર્શાવતી રહે કે પૈસાની જાણે એને કોઈ કમી નથી, પરંતુ એક દિવસ અચાનક મૈત્રીને કહે છે કે, એ પોતાનું બેંક એકાઉન્ટ ઓપરેટ કરી શકે એમ નથી. જો મૈત્રી એને મદદ કરી શકે તો પોતે પછીથી પૈસા પરત કરી દેશે. મૈત્રી હસીખુશી સમર્થના એકાઉન્ટમાં પૈસા જમા કરાવી આપે છે. આ સીલસીલો સતત ચાલુ રહે છે, પણ સમર્થ સાથે સોનેરી ભવિષ્યનાં સપનાં સેવતી મૈત્રી લોન લઈને પણ સમર્થને લાખો રૂપિયાની મદદ કરે છે. અંતે મૈત્રીને જ્યારે ખ્યાલ આવે છે કે એની સાથે દગો થયો છે. સમર્થે આપેલા ચેક ખોટા છે અને હવે સમર્થનો કોઈ અતોપતો નથી ત્યારે એ રીતસર ઠંડીગાર થઈ જાય છે. મદદ માટે સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરવા ગયેલી મૈત્રીને ખ્યાલ આવે છે કે એની માફક અન્ય યુવતીઓ પણ છેતરાયેલી છે.
આજકાલ ઓનલાઈન લગ્ન પસંદગી માટે જીવનસાથી મેળા અને તેને લગતી ડેટિંગ એપ્સનો જે રીતે રાફડો ફાટ્યો છે એ જોતા ખ્યાલ આવે કે જીવનમાં સતત નાવીન્ય ઝંખતી યુવાપેઢી આ ડેટિંગ એપ્સ થકી સતત નિતનવા લોકો સાથે ઘરોબો કેળવવામાં વ્યસ્ત અને મસ્ત રહે છે, જેમાંથી ભાગ્યે જ કોઈને ફાયદો થાય છે. મોટાભાગે આવી એપ્સ પર મળતા અજાણ્યા ચહેરાઓ દ્વારા નુકસાન જ વધુ જોવા મળે છે. કદાચ જ કોઈ એવું નસીબદાર હશે કે જેને આવી ડેટિંગ એપ્સ થકી સાચો જીવનસાથી કે કંપની મળી હોય. મૈત્રી જેવી અમુક કમનસીબ યુવતીઓ પણ નીકળે છે કે જે આવી ડેટિંગ એપ્સ પરના લલચામણા, આકર્ષક વ્યક્તિત્વથી અંજાઈને છેતરાઈ જતી હોય અને અંતે તેના ખૂબ ગંભીર પરિણામોનો ભોગ બની હોય.
મૈત્રી માફક અન્ય યુવતી પોતાના પર ચડેલા લોનના પૈસા ચુકાવ્યા રાખે છે. સમર્થ જેવા અનેક લેભાગુ યુવાનો આવી ડેટિંગ સાઈટ્સ પર એકટિવ હોય છે, જે ખૂબ ચાલાકીથી આવી યુવતીઓના પૈસા પર જલ્સા કરી અતિ વૈભવશાળી જીવન જીવે.
જોકે, દિવસો સુધી રડીરડીને અડધી થઈ ગયેલી મૈત્રી એમ આસાનીથી હાર માને એવી હતી નહીં. અંતે અઠવાડિયા પછી જાતને ન્યાય અપાવવા એ પોતાના તરફથી બધું જ કરી છૂટવા કટિબદ્ધ થઈ.
સમર્થને લઈને પોતાને ન્યાય મળે તો પણ પૈસા નહિ મળે એનો ખ્યાલ હોવા છતાં એ પ્રેસ, મીડિયા તેમજ દુનિયા સમક્ષ આવી અને ખુલ્લેઆમ પોતે કઈ રીતે સમર્થના સાયબર ફ્રોડનો શિકાર બની એ નીડરપણે જાહેર કર્યું. એવું કરવા પાછળનો ઉદ્દેશ્ય એટલો જ કે પોતાની જેમ અન્ય કોઈ યુવતીને ભોગ બનતા અટકાવી શકે
આજની યુવાપેઢીમાં યુવતીઓ આવા અનેક નાના- મોટા ફ્રોડનો શિકાર બનતી આવે છે, કારણ કે પૈસા તેમજ દેખાવ જેવી ઉપરછલ્લી વાતથી એ જલ્દી અંજાય જતી હોય છે. પરિણામે આવા તકસાધુ યુવકની છેતરામણીનો એ તુરંત ભોગ બને છે.
મૈત્રીનો કિસ્સો આંખ ઉઘાડનારો છે. ખાસ કરીને એવી યુવતીઓ માટે કે જે ડેટિંગ એપ પર સાવ અજાણી વ્યક્તિ પર ભરોસો કરવાનું શરૂ કરી દે છે. પોતાના દરેક સિક્રેટ શેર કરવાનું તેમજ પેલા યુવાનની સાચી-ખોટી વાત માનવાનું શરૂ કરી દે છે ને પછી ક્યારેક ધનથી તો ક્યારેક મનથી બ્લેકમેઈલિંગ જેવા ક્રાઈમનો શિકાર બને છે.