વર્ષભરનું સરવૈયું… ઓટલા પરિષદમાં!

લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી
‘બે દિવસથી મહેમાનો હારુ રાંધી રાંધીને થાકી ગઈ છું. જવાનું નામ હો નથી લેતા.’ ‘તે હારું ને રમલી, તને હો કંપની મલી કે નઈં?’ ‘હું ધૂળની કંપની? માથાની દવા જેવાં છે એ બેઉ જણાં! ટી.વી.ના રિમોટ હારુ આખો દિવસ લડલડ કરે, ખાવાપીવામાં લડે. એ બેઉ ઝઘડે, ત્યારે મારી તો સૂડી વચ્ચે સોપારી જેવી દશા થાય છે. ભાઈને રાજકારણ અને ક્રિકેટ સિવાય બીજું જોવાનું ગમતું નથી ને એની વાઇફ શાંતાબેનને ‘બહુ જબ સાસ બનેગી, તબ?’ એ સિરિયલ અને બીજી ‘ફડક’ તેમ જ ‘યે રિશ્તા જન્મો જનમ કા’ જોવા માટે રિમોટ જોઈએ. બંનેને વારાફરતી જોવા સમજાવ્યું, પણ મોટી મોટી હુરતી જેટલી મેં નથી બોલતી, તેટલી એ બેઉએ બોલી બોલીને કાનના કીડા ખેરવી નાખ્યા છે. એ બેની લડાઈમાં મારી તો બધી જ સિરિયલ જોવાની રહી ગઈ. બોલો!’
‘તે ગભરાવાની જરૂર નથી. ઓટલા પરિષદનું મુખ્ય કામ જ એ છે કે જેની સિરિયલ જોવાની છૂટી ગઈ હોય, તો આપણા ગ્રૂપની કોઈ એક બેન એનો સાર કહી દે. હવે જો, તારી તો ફેવરિટ ‘અનુરાધા’ સિરિયલ છે. ખરું ને? તો એનું વિશ્ર્લેષણ કમુબેનને કરવા વિનંતી. એમ પણ વરસના અંતે આપણે ‘સિરિયલનું જીવનમાં મહત્ત્વ’ એ શીર્ષક હેઠળ ચર્ચા રાખીએ જ છીએ. તો બધા વારાફરતી, આખા વરસમાં સિરિયલ પાસેથી શું શું શીખ્યા એ કહો.’
કમુબેન ઊભાં થયાં. સાડીનો છેડો કમરમાં દાબીને ઘોસી દીધો. જાણે કોઈ યુદ્ધ લડવા જવાનાં હોય એવી અદામાં મોટેથી ખોંખારો ખાતાં બોલ્યાં સખીઓ, વરસોથી ચાલતી અને અમરત્વ લઈને જન્મેલી ‘અનુરાધા’ સિરિયલ અને એની એક માત્ર સુપર વુમન નંબર વન હીરોઈન અને એની વહુ લડી લડીને હો એક છત નીચે મ્હોં વાંકાં કરીને પણ રહે છે. એના પરથી એ શીખ મળે છે કે, સાસુ અને વહુનું સગપણ પણ ‘તૂટે સે ન તૂટે યે તો સાસ બહુ કી જોડી’ જેવું અમરત્વ લઈને આવે છે…. માટે આપણે પણ ભલે રોજ ઝઘડા ઝઘડા રમીએ, પણ અંતે સાંજને છેડે સુલેહ કરી લઈએ.’
એટલામાં રેખલીને થયું કે કમરી જ બધું બોલી કાઢહે, તો મારે ભાગે તો બોલવાનું કંઈ આવહે જ ની. એટલે એણે આંગળી ઊંચી કરીને કમુબેનના ગહન વિચારોની વચ્ચે જ ઊભા થઈને કહેવા માંડ્યું:
‘માનો કે ઘરમાં ચાર-પાંચ વહુ હોય અને સાસુને ગાંઠતી ન હોય, તો સાસુને તો ઝેર ખાવાનો જ વારો આવે ને? હજી સુધી સિરિયલોએ એ વાત ઉપર હરખો પરકાસ (પ્રકાશ) પારયો નથી. મારી તો બે જ છે. પન ચાર બરાબર છે. એવી માથાભારે છે કે ની પૂછો વાત! મેં બેઉને ‘અનુરાધા’ સિરિયલ હો દેખાડી ને હમજાવ્યું કે જુઓ, આમાં અનુરાધાએ પહેલા પતિ હારે છૂટાછેડા લીધા ને બીજા કનૈયાને પકરીને બેઠી. પન હજી હો પહેલી વારની હાહુને જ એક મા જેટલો પ્યાર કરે છે. હાથમાં ને હાથમાં ખાવા-પીવાનું આપે છે. ને તમે બે તો મને જોઈને, જાણે કોઈ ડાકણ ના જોઈ હોય, એવું કરો છો!’
તે એક ચતરી કહે: ‘એ બધું સિરિયલમાં લખવાના પેલાને પૈહા મળે ને પેલી હાહુ-વહુને હો પૈહા મળે. બધા જેમ લખેલું હોય તેમ કર્યા કરે. લોકોને હો આવું લરવાવાલું જ બો (બહુ) ગમે. ને પેલી ટી.વી. જોતી વહુઓ વિચારે કે ક્યારે બીજો હપ્તો મુકાય ને હાહુ વહુની કચકચ જોઈએ! હાહુ પણ હારે બેઠીને જોતી હોય. એને એમ કે હાહુને જીતાડહે અને વહુને એમ કે વહુને જીતાડહે. ને ટીવી પર આંખ ફોડી ફોડીને હાહુઓ અને વહુઓ જોયા કરે. ને છેલ્લે એવું તો ભોજલું કાઢે, કે ટી.વી. ફોડી કાઢવાનું મન થાય હાહુ અને વહુ બન્નેને!’ એટલામાં જમનીને એમ કે એ હું કામ રેઈ જાય. તે એ તો લાગલી જ ઊભી થઈને બોલવા માંડી:
‘આવું ને આવું બતાવે, તે મારી તો ચારે ચાર વહુઓ વંઠી ગઈ છે. એક કહે કે સિરિયલમાં કેઈ છે કે પાંખ મલે તો ઊડવું એ તમારો હક્ક છે. એટલે પેલી નાનકી વહુ પાકીટ લઈને રોજ નોકરી હોધવા જાય અને બજારમાં જઈ મારા પોયરાના પૈહા પૂરા કરી આવે છે. બીજી કહે, ‘બા, સિરિયલમાં જુઓ, કેવાં ઘર સજાવેલાં છે! મેં હો નવા ફર્નિચરનો ઑર્ડર આપેલો છે. બધા ભાઈઓએ અને બાએ 50,000 પરમાણે આપી દેવા પડહે. બિલના પાંચ હરખા ભાગ થાહે.’ ને ત્રીજી તો ‘અનુરાધા’ જોઈ જોઈને રોજ એક પોયરાને અનાથાશ્રમમાંથી લાવીને એના ઉદ્ધારમાં પડી છે. મને કહે, ‘અનુરાધાની જેમ મહાન બનવું છે!’ જાતનું પોયરું મને હોંપીને અનાથાશ્રમના પોયરાનો ઉદ્ધાર કરે છે…! ને ચોથી તો કહે, ‘મારો તો હવે આ ઘરમાં જીવ ઘૂંટાય છે. મે તો બૉમ્બે જવાની ને સિરિયલમાં કામ કરવાની.’ મૂઈ આ સિરિયલે તો મારા ઘરને યુદ્ધનો અખાડો બનાવી દીધો છે. ચારે ચારને પાંખો ફફડાવીને ઊડવું છે. બોલો હવે, છે આનો કોઈ ઉપાય?’
ત્યાં તો ગંગા ડોહી ખોંખારો ખાતી ઊભી થઈને બોલી:
‘હું હજી જીવતી છું. જમની, હાંભળ. તારી ચારે વહુને ઘરમાં હખણી રાખવી હોય, તો તું બધા પોયરા ને વહુને ભેગાં કરીને એલાન કર કે આ વરસના અંતમાં જે વહુ ઘરમાં મા બનશે, તેને મારી મિલકતનો અડધો ભાગ આપીશ. એ મિલકત, કે જે ફક્ત ને ફક્ત મારા નામે છે. પછી જો, બધીઓ ઘરમાં કેવી ડાહી થઈને રહે છે તે!’
બધી બહેનો બોલી ઊઠી:
‘ગંગાબા, તમે આવો સરસ આઇડિયા ક્યાંથી લાવ્યાં?’
‘નામ તો નથી યાદ, પણ મેં ટી.વી.માં જ કોઈ સિરિયલમાં જોયું. બધી વહુ બે-ત્રણ મહિનામાં તો ઊલટીઓ કરવા લાગેલી, એવું બતાવેલું. મને તો આ પ્રયોગ કારગત નીવડહે એવું લાગે છે. પ્રયોગ હમજીને કરી તો જો. ‘લાગે તો તીર, નહીં તો તુક્કો.’ એમાં ક્યાં આપણે કંઈ સ્ટેમ્પ પેપર પર લખી આપવાનું છે… પડહે તેવા દેવાહે. હમજી? સભા પૂરી. હવે પછી નવા પ્રશ્નો પર ચર્ચા કરવા ફરી મળીશું.’