કથા કોલાજઃ પૂરી સગવડ ને આદર સાથે ફરી એક વાર હું બોમ્બે ટોકિઝ સાથે જોડાઈ

- કાજલ ઓઝા-વૈદ્ય
(ભાગ: 5)
નામ: મુમતાઝ જહાન દહેલવી (મધુબાલા)
સમય: 20 ફેબ્રુઆરી, 1969
સ્થળ: બ્રિચ કેન્ડી હોસ્પિટલ, મુંબઈ
ઉંમર: 36 વર્ષ
14 ફેબ્રુઆરી, મારો 36મો જન્મદિવસ હતો. મારી તબિયત ખૂબ ખરાબ હતી. અબ્બુ મારા ઓરડામાં આવ્યા. ઊભા રહ્યા. એ કંઈ બોલ્યા નહીં, પણ એમની આંખોમાં દેખાતું હતું કે, એમને મારી આ હાલત જોઈને ક્યાંક અપરાધી હોવાનો ભાવ થતો હશે! સાત વર્ષની ઉંમરથી શરૂ કરીને 36 વર્ષ સુધી મેં સતત કામ કર્યું… 1942માં બસંત'થી શરૂ કરીને 1964માં રજૂ થયેલી ફિલ્મશરાબી’ સુધી રવિવાર કે રજા જોયા વગર રોજ સવારે નવ વાગ્યે મારી ગાડી સ્ટુડિયોના ગેટમાં પ્રવેશતી રહી.
1954માં `બહુત દિન હુએ’ (સાઉથનું પ્રોડક્શન) ના શુટિગમાં સવારે ઊઠીને બ્રશ કરતી વખતે મને લોહીની ઉલ્ટી થઈ, એ દિવસથી આજ સુધી મારી તબિયત રોજ થોડી થોડી લથડતી ગઈ… ગયે અઠવાડિયે-14મી ફેબ્રુઆરીએ પહેલીવાર મેં અબ્બુની આંખમાં પ્રેમ જોયો. આ સ્નેહ, પ્રેમ કે પ્રશંસા જોવા માટે હું તરસી ગઈ હતી, પરંતુ એમના પઠાણ ઉછેરના સંસ્કાર હોય કે પછી સ્ત્રીઓ સાથે અમુક જ રીતે વર્તાય એવી એમની રૂઢિચુસ્ત માન્યતા હશે, પરંતુ અબ્બુએ અમ્મી કે મારી બહેનો સાથે કોઈ દિવસ વહાલથી-સ્નેહથી કે સમજણપૂર્વક વાત કરી નથી. એમને ફક્ત હુકમ આપતા આવડતું.
પૂછવાનું એમના સ્વભાવમાં નહોતું-એ પોતાનો નિર્ણય કરતા અને જણાવી દેતા. બાબત કોઈપણ હોય, એમણે કરેલો નિર્ણય અમારા ઘરમાં છેલ્લો શબ્દ બની રહેતો. મારી કમાણીના પૈસા વાપરતા પહેલાં મારે એમની રજા લેવી પડતી. મને ફક્ત હાથખર્ચી મળતી-ને એમાં પણ એકાદ વાર તો એ ચોક્કસ સંભળાવતા, સ્ટુડિયો સુધી ગાડીમાં જવા-આવવા સિવાય તારે ખર્ચો શું છે? સારા કપડાં ખરીદીને કંઈ ફાયદો નથી-તારે તો સ્ટુડિયોમાં સિનેમાના જ કપડાં પહેરવાના છે...' હું એમને કહી ન શકતી કે,આ મારી કમાણીના પૈસા છે.’ આટલી સફળતા અને સ્ટારડમ પછી પણ હું અબ્બુની સાથે વાત કરતા ગભરાતી! કદાચ એ જ કારણ હતું કે, હું એમને કદી મારા મનની વાત કહી જ ન શકી…
હજી સુધી મારી પાસે એવી કોઈ ફિલ્મ નહોતી આવી જેને માટે લોકો મને સદીઓ સુધી યાદ રાખે… હું પણ એક સારી સ્ક્રિપ્ટ કરવા ઉત્સુક હતી. એ ગાળામાં સૈયદ અમીર હૈદર કમાલ નામના એક કવિ અને સંવાદ લેખકનું નામ બહુ ચર્ચામાં હતું. એમણે મુસાફિર' નામની એક સ્ક્રિપ્ટ લખી જે બોમ્બે ટોકિઝને ગમી તો ખરી, પરંતુ એમણે એમાં ફેરફાર કરવાની તૈયારી બતાવી નહીં એટલે સ્ક્રિપ્ટ પડતી મૂકવામાં આવી. સોહરાબ મોદીની ફિલ્મજેલર’ અને `પુકાર’ના સંવાદ ખૂબ વખણાયા.
એક જાણીતા પત્રકાર ખ્વાજા અહેમદ અબ્બાસે આગ્રહ કરીને એમની એક સ્ક્રિપ્ટ અશોક કુમારને સંભળાવી. પુનર્જન્મ હોવા છતાં આ કથા રહસ્ય કથા હતી. અંધવિશ્વાસને સપોર્ટ કરતી કથા નહોતી, તેમ છતાં કોસ્મિક કનેક્શનની સરસ વાત અહીં રજૂ કરવામાં આવી હતી. બોમ્બે ટોકિઝ, જેમણે હૈદર કમાલની સ્ક્રિપ્ટ રીજેક્ટ કરી હતી એમની જ સાથે ફરી એક વાર કામ કરવાનું નક્કી થયું. હવે એ જ દિગ્દર્શન કરવાના હતા.
અશોક કુમારે પણ એવો આગ્રહ રાખ્યો કે, દિગ્દર્શન બીજું કોઈ નહીં, કમાલ જ કરે, પરંતુ સૈયદ અમીર હૈદર કમાલ જેવું લાંબું નામ એક દિગ્દર્શક માટે યોગ્ય નહીં રહે એવું ધારીને અશોક કુમારે કહ્યું, તમે મૂળ અમરોહાના છો?' હૈદર કમાલે હા પાડી એટલે અશોક કુમારે કહ્યું,અહીં અમારે ત્યાં ઘણા શાયર એમના ગામના નામ સાથે પોતાનું નામ લખે છે. જેમ કે, મજરૂહ સુલ્તાનપુરી, સાહિર લુધિયાનવી… તમે પણ તમાં નામ કમાલ અમરોહી રાખો.’ તો ફાઈનલી નક્કી થયું કે, ફિલ્મમાં દિગ્દર્શન કમાલ સાહેબ કરશે અને એમનું નામ કમાલ અમરોહી રહેશે.
એ વખતે આ રોલ માટે સુરૈયાને પસંદ કરવામાં આવ્યાં હતાં, પરંતુ કમાલ અમરોહીએ દિગ્દર્શક તરીકે સુરૈયાજીને રીજેક્ટ કર્યા. એમને કોઈ નિર્દોષ દેખાતી છતાં અતિશય ખૂબસૂરત છોકરીની તલાશ હતી. એ વખતે એક ફિલ્મી મેગેઝિન નીકળતું, ફિલ્મ ઈન્ડિયા'... એના તંત્રી હતા, બાબુરાવ પટેલ. એ હંમેશાં મારા વખાણ કરતા. મારી દરેક ફિલ્મનો રિવ્યૂ લખતાફિલ્મ ઈન્ડિયા’ એના સમયનું ખૂબ જાણીતું અને લોકપ્રિય મેગેઝિન હતું. બાબુરાવ પટેલ અને કમાલ અમરોહી ખૂબ સારા મિત્રો હતા.
બાબુરાવજીને ખબર પડી કે, કમાલ અમરોહી હીરોઈન શોધે છે, એટલે એક દિવસ એ કમાલ અમરોહીને લઈને સીધા અમારા બાંદ્રાના ઘરે આવી પહોંચ્યા. હું સાવ સાદા સલવાર કમીઝમાં હતી-મેકઅપ વગર. મને જોઈને કમાલજીએ એ જ વખતે નક્કી કરી લીધું કે, એમની નવી ફિલ્મ `મહલ’ની હીરોઈન તો હું જ હોઈશ. જોકે, બોમ્બે ટોકિઝ સાથે મારા અબ્બુએ સંબંધ બગાડેલા એટલે દેવિકારાણી આ વિશે થોડા અચકાતાં હતાં.
જોકે, અશોક કુમાર વચ્ચે પડ્યા અને એમણે આખી વાતને બહુ સરસ રીતે ઉકેલી કાઢી, પરંતુ વાત પતી નહોતી. કામિની'ના પાત્ર માટેનો કોસ્ચ્યુમ અને મેકઅપ કરીને જ્યારે મારો સ્ક્રીનટેસ્ટ લેવામાં આવ્યો ત્યારે ફોટા એટલા ખરાબ હતા કે, કમાલ અમરોહી પોતે જ નિરાશ થઈ ગયા. અશોક કુમારે તપાસ કરી ત્યારે ખબર પડી કે, જાણી જોઈને ફોટા ખરાબ પાડવામાં આવ્યા હતા જેથી કમાલ અમરોહી જ મને રીજેક્ટ કરી દે. અંતે, અશોક કુમારે જાતે હાજર રહીને સ્ક્રીનટેસ્ટની પ્રક્રિયા પૂરી કરાવી અને જે ફોટા આવ્યા એ જોઈને સૌ ચકિત થઈ ગયા.મહલ’નું શુટિગ શરૂ થઈ ગયું…
મોટાભાગના સીન રાત્રે શુટ કરવામાં આવતા. બોમ્બે ટોકિઝમાં રાતના આઠ વાગ્યે મારી ગાડી દાખલ થતી. મારે માટે ખાસ મેકઅપ રૂમ બનાવવામાં આવ્યો જેમાં હું ઊંઘી શકું. એ જમાનામાં એર કન્ડિશનિંગ મશીન ખૂબ મોંઘાં આવતાં, પરંતુ દેવિકારાણીએ જાતે વિદેશથી મશીન મંગાવીને મારા રૂમમાં ફીટ કરાવ્યું. પૂરી સગવડ અને આદર સાથે ફરી એક વાર હું બોમ્બે ટોકિઝ સાથે જોડાઈ.
વાર્તા પુનર્જનમ અને રહસ્યમય હતી એટલે અમે સહુ અમસ્તા પણ એ જ મૂડમાં રહેતા. એક દિવસ રાત્રે સાડા અગિયાર વાગ્યે મને સીન માટે સ્પોટ બોય બોલાવવા આવ્યો. હું બહાર નીકળતી હતી ત્યારે મારા રૂમની સામેથી એક કાળો લાંબા વાળવાળો માણસ ભયાનક ઝભ્ભો પહેરીને ધસી આવ્યો. એ ગાંડાની જેમ નાચવા લાગ્યો. હું ચીસો પાડવા લાગી અને બેભાન થઈ ગઈ. લોકો ભેગા થઈ ગયા. મને પાણી છાંટીને હોશમાં લાવવામાં આવી ત્યારે ખબર પડી કે એ માણસ તો અશોક કુમારનો નાનો ભાઈ આભાસકુમાર ગાંગુલી હતો.
એ દિવસે કોઈને ખબર નહોતી કે, એ તોફાની બારકસ, ભયાનક માણસ એક દિવસ મારો પતિ બનશે અને આખી દુનિયા એના અવાજની દીવાની થશે. (પછીથી આપણે સહુ એને કિશોર કુમારના નામે ઓળખતા થયા…) એ કલકત્તાથી આવ્યો હતો. મુંબઈમાં કામ શોધતો હતો. અશોક કુમારને અસ્થમા હતો એટલે રાતના શુટિગમાં એ ભાઈની કાળજી રાખવા એની સાથે આવતો… પરંતુ, એણે જે હરકત કરી એ પછી એને સેટ પર લાવવાનું બંધ કરવામાં આવ્યું. થોડા દિવસ પછી માફી માગીને એ પાછો આવ્યો. મજાની વાત એ હતી કે, સેટ પર મને સૌથી વધારે મજા એની જ સાથે આવતી. એ મારા જેવો જ હતો. સૌને હસાવતો, તોફાની, બાલિશ હરકતો કરતો. સેટનું વાતાવરણ જીવંત રાખતો.
`મહલ’ રિલીઝ થઈ અને સુપરહિટ થઈ ગઈ. કમાલ અમરોહી એ ગ્રેડના દિગ્દર્શક બની ગયા ને હું, ફરી એક વાર અદભુત સફળતા સાથે એ ગ્રેડની હીરોઈનોમાં ગણાવા લાગી. ફિલ્મનાં ગીતો સુપરહીટ થયા અને ફિલ્મી દુનિયાને એક નવો અવાજ મળ્યો, લતા મંગેશકર!
આજે વિચારૂં છું ત્યારે સમજાય છે કે, માણસના નસીબમાં જે લખ્યું હોય એને કોઈ બદલી શકતું નથી. કિશોર કુમારને હું કેટલાય લાંબા સમયથી ઓળખતી હતી, પરંતુ એમના તરફ મને કોઈ આકર્ષણ થયું નહીં. અમે ખૂબ સારા મિત્રો બની ગયાં, પરંતુ પ્રેમ તો એ વ્યક્તિ સાથે થયો જેની સાથે મારૂં જીવન કદી જોડાઈ શક્યું નહીં (ક્રમશ:)
આપણ વાંચો: તને દીકરો તો મને વહાલી દીકરી!



