લાડકી

ફોકસ: નગરશેઠની પુત્રવધૂએ ગાડામાં છાણાં કેમ ભર્યાં?

-ઝુબૈદા વલિયાણી

બાલ્કનીમાં બેસીને પોતાના ગોઠણ સુધી પહોંચતા લાંબા વાળમાં તેલ નાખી રહેલી નગરશેઠની પુત્રવધૂના હાથમાંથી તેલની બાટલી સરકી પડી. લગભગ દસબાર ફૂટ ઊંચેથી પડવા છતાં બાટલી ફૂટી નહીં ત્યારે પુત્રવધૂ ચોંકી ઊઠી: જરૂર આ પરિવારના પુણ્યનો ઘડો છલકાઈ ઊઠ્યો છે. હવે ગમે તે ઘડીએ પડતી આવવાની. થોડા દિવસ પછી દરબારમાં નગરશેઠ રજાના વાંકમાં આવતાં રાજવીએ ગુસ્સામાં આદેશ આપ્યો:

ફક્ત એક ગાડામાં આવે એટલો સામાન લઈને ચોવીસ કલાકમાં નગર છોડી જાઓ નહીં તો ઘાણીએ પીલીને તેલ કાઢીશ. ઊતરેલા ચહેરે નગરશેઠ ઘરે આવ્યા અને પોતાની સમજદાર ગણાતી પુત્રવધૂને વાત કરી. પુત્રવધૂએ ગાડું ભરીને છાણાં લેવાનું સૂચવ્યું ત્યારે નગરશેઠે કપાળ કૂટ્યું. અરેરે, જેને સમજદાર ગણી છે એ પુત્રવધૂ આ શું સૂચવે છે? પુત્રવધૂએ છાણાંનો જ આગ્રહ રાખ્યો ત્યારે નસીબને દોષ દઈને નગરશેઠે હા પાડી. ગામ વચ્ચેથી છાણાં ભરેલું ગાડું લઈને નગરશેઠનો પરિવાર નીકળ્યો ત્યારે લોકોએ ઠેકડી કરી.

નગરશેઠ શરમિંદગી અનુભવતા નીચું જોઈને ચાલતા રહ્યા. કલાકો સુધી ચાલીને બીજા નગરની સીમામાં પ્રવેશ્યા ત્યારે એક વૃક્ષ નીચે બધા પોરો ખાવા બેઠા. પુત્રવધૂએ એક છાણું લઈને વચ્ચેથી ભાંગ્યું ત્યારે એમાંથી મહામૂલું મોતી નીકળ્યું. એણે સસરાને સાનમાં કહ્યું કે આખું ગાડું છાણાથી ભરેલું છે.નગરશેઠની આંખો હરખનાં આંસુથી છલકાઈ ઊઠી.

સંસ્કાર સરિતા
વાસ્તવમાં ઊંચેથી પડેલી કાચની બાટલી ફૂટી નહીં ત્યારે ચોંડી ઊઠેલી પુત્રવધૂએ સમયનું વહેણ પારખીને છાણામાં મૂલ્યવાન હીરામોતી સંતાડીને સૂકવવાનું શરૂ કરી દીધું હતું. અણીને વખતે એ હીરામોતી નગરશેઠના પરિવારને તબાહ થતું ઉગારી શક્યા. ખરેખર તો પુત્રવધૂ મહામૂલું ઝવેરાત બની રહી ગણાય.

આ પણ વાંચો…ફોકસ : આ દુનિયામાં સૌથી શુદ્ધ પ્રેમ માતાનો

સનાતન સત્ય
આપણા લોકસાહિત્યમાં કહ્યું છે કે, મિત્ર પારખીએ મામલે
સગો પારખીએ સા’ય
ઘરવાળી તે’દિ પારખીએ
જે’દિ કોઠીએ હોય નૈં કાંય

ભગવાન… ક્યાં છે!
લતા સંઘર્ષમય જીવનથી ખૂબ કંટાળી ગઈ હતી.
પતિનો જંગલી સ્વભાવ, સાસુનો કર્કશ મિજાજ, સસરાનો ચોવીસ કલાકનો બકવાસ, નણંદોની કટકટ…અનેક સમસ્યાઓ હતી. એક દિવસ ખોલીના બારણા પાછળના ઘમસાણથી ત્રાસીને એ બહાર આવીને ગેલેરીમાં ઊભી રહી અને મૂંઝવણમાં બોલી ઉઠી…

હે ભગવાન,
તું મને શા માટે ઉપાડી નથી લેતો…?
અને એના કાનમાં અવાજ પડ્યો…
પહેલાં ડાઈવોર્સ તો લઈ લો…!
અને લતા ચોથા માળેથી કેમ પડી ગઈ એનું કારણ અકળ રહ્યું;
માત્ર ભગવાનની હાલત કફોડી થઈ ગઈ છે.

આ પણ વાંચો…ફોકસ પ્લસઃ ચપ્પલની પસંદગી મોસમ અનુસાર

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button