
- કૌશિક મહેતા
ડિયર હની,
દામ્પત્ય જીવનમાં સંતાનનું આગમન એક અવસર હોય છે. આનંદની ઘટના હોય છે. બાળક થાય એ માટે માણસ શું નથી કરતો. કોઈને બાળક ના થતું હોય તો માનતા રાખવામાં આવે છે. ડોક્ટરથી માંડી દોરાધાગા સુધીના ઉપાયો લોકો કરતા હોય છે. બાળક ના હોય એ દંપતી એક ડંખ સાથે જીવતું હોય છે. આ આપણા સમાજની એક વરવી વાસ્તવિકતા છે. આપણને બે સંતાન છે એટલે આપણે એ પીડા અનુભવી નથી, પણ હમણા એક સમાચાર વાંચ્યા અને એ વાંચી બહુ દુ:ખ થયું.
એક દંપતીને બાળક થતું નહોતું અને પતિ એના માટે પત્નીને દોષિત માનતો હતો. વારેવારે મહેણાં મારે. સાસરિયાઓ સંભળાવ્યા કરે: ‘લગ્નને ચાર વર્ષ થઇ ગયા છતાં સંતાન કેમ નથી થતું?’ એવા સવાલો પત્નીને બધા કર્યા કરે. પત્ની શિક્ષિકા. એણે આ ત્રાસથી કંટાળી રાજકોટથી કચ્છ બદલી કરાવી લીધી. અને આખરે તબીબી ટેસ્ટ કરાવ્યા તો ખબર પડી કે, સમસ્યા તો પતિમાં હતી. પત્નીએ તો પોલીસમાં ફરિયાદ પણ કરી છે. પતિ અને સાસરિયાઓ સામે…
આવા કિસ્સા વારેવારે સાંભળવા મળે છે. મોટાભાગના કિસ્સામાં પત્નીને કે વહુને જવાબદાર ગણવામાં આવે છે. આપણા પરિવારમાં આવું ક્યારેય કોઈ સાથે બન્યું નથી. હા, પણ અનેક પરિવારમાં સંતાન ના થાય એ મુદે કલહ થાય છે એનો ભોગ ઘરની વહુ જ બનતી હોય છે. પુરુષને કે પતિને કોઈ કહેતું
નથી. પરણેલી સ્ત્રીને સંતાન ના થાય તો એને સમાજ વાંઝણી કહેવા લાગે છે. આવા લેબલ સાથે જીવવું સ્ત્રી માટે અકારું નીવડે છે. ભારતીય સમાજમાં, બાળક ન થવા પર પત્નીને દોષી ઠેરવવાના કિસ્સાઓ અસંખ્ય છે અને તેનાં પરિણામો ખૂબ જ ગંભીર અને વિનાશકારી હોય છે. આ માત્ર વ્યક્તિગત સ્તરે જ નહીં, પરંતુ સામાજિક અને પારિવારિક સ્તરે પણ ઊંડી અસર કરે છે. મહિલાઓને સતત એવું ફીલ કરાવવામાં આવે-કહેવામાં આવે છે કે એ ‘વાંઝણી’ છે અને પરિવારના વંશને આગળ વધારવામાં નિષ્ફળ રહી છે. આનાથી એમને અતિશય દોષની ભાવના અને અપરાધબોધ થાય છે. સતત સામાજિક દબાણ, ઉપેક્ષા અને અપમાનને કારણે મહિલાઓ ગંભીર હતાશા, ચિંતા અને તણાવનો ભોગ બને છે. કેટલાક કિસ્સાઓમાં, આત્મહત્યાના વિચારો પણ આવી શકે છે.
પોતાને ‘અપૂર્ણ’ અથવા ‘કામની નહીં’ ગણીને એમનું આત્મસન્માન અને આત્મવિશ્વાસ મોટા પ્રમાણમાં ઘટી જાય છે. એમને સામાજિક પ્રસંગ, ધાર્મિક વિધિ અને પારિવારિક મેળાવડાથી દૂર રાખવામાં આવે છે, જેનાથી એ વધુ એકલતા અનુભવે છે. સંતાન ના થાય તો પતિ પર પણ બાળક માટેનું દબાણ આવે છે, જેના કારણે તે પત્નીને દોષી ઠેરવવાનું શરૂ કરી શકે છે. આનાથી પતિ-પત્નીના સંબંધમાં કડવાશ આવે છે, ઝઘડા વધે છે અને પ્રેમ ઓછો થાય છે. ભારતમાં, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં, ઘણીવાર બાળક ન થવાને કારણે પતિ પોતાની પત્નીને છોડી દે છે અથવા છૂટાછેડા લઈ લે છે. સાસરીવાળા અથવા પતિ દ્વારા બીજા લગ્ન કરવાની ધમકી આપવામાં આવે છે અથવા તો પત્નીની ઈચ્છા વિરુદ્ધ બીજા લગ્ન કરી લેવામાં આવે છે. એક અભ્યાસ મુજબ, સંતાન વગરની 29% મહિલાઓ એમના પતિ દ્વારા છૂટાછેડા પામેલી અથવા ત્યજી દેવાયેલી હતી,જ્યારે બાળકોવાળી મહિલાઓમાં આ આંકડો 8% હતો. આ દર્શાવે છે કે સંતાન ન હોવું એ વૈવાહિક સંબંધોમાં ભંગાણનું એક મહત્ત્વનું કારણ બની શકે છે. અને સાચી વાત તો એ છે કે, સંતાન ના થવા માટે પતિ અને પત્ની સરખી રીતે જવાબદાર હોય શકે છે. ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન’ના રિપોર્ટ મુજબ, વિશ્વભરમાં આશરે 10-15% યુગલો વંધ્યત્વનો અનુભવ કરે છે. આશરે 40% કિસ્સામાં વંધ્યત્વનું કારણ પુરુષમાં હોય છે. અને એટલા જ પ્રમાણમાં એટલે કે આશરે 40% કિસ્સાઓમાં વંધ્યત્વનું કારણ સ્ત્રીમાં હોય છે. બાકીના 10-20% કિસ્સાઓમાં, વંધ્યત્વનું કારણ બંને ભાગીદારોમાં જોવા મળે છે એટલે દર વખતે સ્ત્રીને જ દોષ દેવામાં આવે એ યોગ્ય નથી. એનાથી પણ આગળ કે સંતાન ના થતું હોય તો હવે વિજ્ઞાન કામ લાગે છે. ઈંટઋ (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન) જેવી આધુનિક તબીબી પદ્ધતિઓ દ્વારા ઘણાં યુગલો સંતાન સુખ મેળવી રહ્યા છે.
આપણ વાંચો: ફોકસ : સ્ત્રી ઉપર પુરુષની માલિકીની ભાવના શેમાંથી જન્મી હશે?
આ ઉપરાંત બાળક દત્તક લેવું એ પણ એક સન્માનજનક વિકલ્પ છે અને કેટલાક કિસ્સામાં તો સેલિબ્રિટીઝ પણ દત્તક ગ્રહણ કરીને સમાજમાં સકારાત્મક સંદેશ આપી રહ્યા છે. જોકે, આપણા સમાજમાંથી ખોટી માન્યતા દૂર થવી બાકી છે. હા, વિજ્ઞાનના કારણે થોડો ફેર પડ્યો છે, પણ હજુ ય લોકોની માનસિકતા બદલાઈ નથી. એ ક્યારે બદલાશે? આ પ્રશ્નનો જવાબ કોણ આપશે?
તારો બન્ની