કથા કોલાજ: હું ઘરનો મોટો દીકરો નથી તો શું થયું? ઘરની મોટી દીકરી પણ કેમ કમાઈ ન શકે? | મુંબઈ સમાચાર

કથા કોલાજ: હું ઘરનો મોટો દીકરો નથી તો શું થયું? ઘરની મોટી દીકરી પણ કેમ કમાઈ ન શકે?

  • કાજલ ઓઝા-વૈદ્ય

(ભાગ: 1)
નામ: ગીતા બાલી
સમય: 18 જાન્યુઆરી, 1965
સ્થળ: મુંબઈ
ઉંમર: 34 વર્ષ

છેલ્લા 10 દિવસથી હોસ્પિટલમાં એકલી સૂતી છું. ચેપી રોગની હોસ્પિટલમાં અન્ય કોઈને દાખલ થવા દેતા નથી. શમ્મી દિવસમાં એક વાર આવે છે ત્યારે એમને થોડીક વાર માટે અંદર આવવા દે છે, પરંતુ મારા દીકરા આદિત્ય અને કંચનને અંદર આવવા દેતા નથી. મેં શમ્મીને કહ્યું છે… મને ઘરે જવું છે. ડોક્ટર્સ મને કહેતા નથી, પણ હું જાણું છું કે હવે મારી પાસે બહુ સમય નથી. કોમ્પ્લિકેશન્સ વધતા જાય છે, મારી તબિયત બગડી રહી છે. મૃત્યુનો ભય નથી મને, મારાં સંતાનોની ચિંતા છે. આદિત્ય હજી 10 વર્ષનો છે અને કંચન હજી 4 વર્ષની છે. શમ્મીને તો જાતે કોઈ ચીજનું ધ્યાન રાખતા નથી આવડતું…બસ! એટલી જ ચિંતા છે.

ગઈકાલે શમ્મી મળવા આવ્યા ત્યારે દૂર ઊભા ઊભા રડતાં હતા. મને તો સ્પર્શ પણ કરી શકે એમ નથી, શીતળાની બીમારી ભયાનક ચેપી છે. નવાઈની વાત એ છે કે, ભારતમાં હજી સુધી શીતળાના રોગની નાબૂદી થઈ શકી નથી. જન્મ લેતા દરેક બાળકને શીતળાની રસી આપવામાં આવે છે, પરંતુ હું જ્યારે જન્મી ત્યારે આવી રસી કે રોગો વિશે કોઈ જાણકારી ભારતમાં હતી જ નહીં. પરાધીન દેશમાં શિક્ષણનો અભાવ હતો અને એમાંય પંજાબના ગામડાંઓ તો સ્વાતંત્ર્યસેનાનીઓથી ઉભરાતા હતા.

મહાત્મા ગાંધી આફ્રિકાથી ભારત આવ્યા, એ પછી સ્વતંત્રતાના આંદોલનમાં પ્રાણ ફૂંકાયો. 1930માં દાંડી સત્યાગ્રહ થયો. લોકો ઘવાયા ને મહાત્મા જેલમાં ગયા… મારી મા કહેતી કે, રેડિયો ઉપર દાંડીના સમાચાર આવતા, ત્યારે હું સાવ નાનકડી, ઘોડિયામાં સૂતી હતી. પંજાબમાં આમ પણ શિક્ષણ વિશે બહુ જાગૃતિ નહોતી, સ્ત્રીઓને ભણાવવાનો તો રિવાજ જ નહોતો એટલે મારી માને મારી જન્મતારીખ પણ પાકી યાદ નહોતી. મારા પિતા પંડિત કરતારસિંહ ગુરૂદ્વારામાં કીર્તન કરતા. મારી મા એક સીધી-સાદી પંજાબી ગૃહિણી હતી. મારો જન્મ થયો ત્યારે મારું નામ હરકીર્તન પાડવામાં આવ્યું. મારી એક બહેન હરદર્શન અને ભાઈ દિગ્વિજય મારા પછી જન્મ્યાં.

એક સીધા-સાદા, ગરીબ કહી શકાય એવા મોહિયાલ બ્રાહ્મણ પંજાબી પરિવારમાં બિજી (મારા દાદી), દારજી (મારા દાદાજી), મારા પિતા, મારી મા અને અમે ત્રણ ભાઈ-બહેનો એક ઘરમાં રહેતાં હતાં. હું લગભગ 12 વર્ષની હતી ત્યારે 1942ની ચળવળ શરૂ થઈ. પંજાબના ઘર-ઘરમાંથી સ્વાતંત્ર્ય સૈનિકો બહાર પડ્યા. એમાં એક મારા કાકા પણ હતા. ગિરીજાસિંહ-મારા કાકા પકડાયા. એમને જેલમાં નાખવામાં આવ્યા. બ્રિટીશ પોલીસ અમને હેરાન કરતી. અમારા ઘરમાં અવારનવાર છાપો પાડવામાં આવતો, જેનાથી મારી મા કંટાળી. બે દીકરીઓ જુવાન થઈ રહી હતી. એમની સાથે આ પ્રકારની પરિસ્થિતિમાં રહેવું લગભગ અસંભવ હતું. નવાઈની વાત એ હતી કે, બ્રિટિશ પોલીસના એ સૈનિકો મૂળ પંજાબી હતા! એમાંના કેટલાંક તો મારા પિતાના મિત્રો હતા… પરંતુ, બ્રિટિશ હકૂમતને ખુશ કરવાના ચક્કરમાં પંજાબી-શીખ સ્વાતંત્ર્યસેનાનીઓને હેરાન કરવામાં આ દેશદ્રોહીઓ મજા લેતા! મારી મા અને પિતાએ અમૃતસરની નજીક આવેલું અમારું એ ગામ-પિંડ, છોડીને ક્યાંક બીજે વસવાનું નક્કી કર્યું. દારજી અને બિજીએ મારા કાકાની પ્રતીક્ષામાં ગામમાં રહેવાનો નિર્ણય કર્યો. અમે મુંબઈ આવ્યા. હું, મારા પિતા, મારી મા અને મારી બહેન હરદર્શન અને ભાઈ દિગ્વિજય. પરિવારમાં હું સૌથી મોટી, બે ભાઈ-બહેનને સાચવવાની જવાબદારી મારી હતી. મારી મા સિવણકામ કરતી. પિતા એક દુકાનમાં નોકરી કરતા છતાં, પરિવારનું પૂરું થતું નહીં. મારી સ્કૂલ બંધ કરવામાં આવી. હરદર્શન હજી સ્કૂલે જતી હતી ને દિગ્વિજયને તો ભણાવવો જ પડે, કારણ કે આવનારાં વર્ષોમાં એ જ પરિવારનું પૂરું કરશે. અમે તો પરણીને બીજા ઘેર જતા રહીશું એવું મારા પિતા વારંવાર કહ્યા કરતા. એક-બે વાર મેં મારા પિતાને કહેતાં સાંભળ્યા, ‘હરકીર્તનને બદલે જો મોટો દીકરો હોત તો આજે ખભેખભા મિલાવીને મારી સાથે કામ કરતો હોત. આ ઘરની આર્થિક મદદ થઈ જાત…’ મને આ સાંભળીને ખૂબ દુ:ખ થયું. મેં નક્કી કરી લીધું કે, હું જ મારા પરિવારનો દીકરો બનીશ.

અમે જે ચાલીમાં રહેતા હતા ત્યાં કેટલીકવાર હું કાજળથી મૂંછો બનાવીને, પાઘડી બાંધીને લાલા બનતી, તો ક્યારેક માનો દુપટ્ટો ઓઢીને રાજકુમારી બનતી. નૂરજહાં, શમિમ કમાલ, નિર્મલાદેવી જેવી અભિનેત્રીઓના ગીતોની આબાદ કોપી કરતી… ‘યે દુનિયા… યે દુનિયા તુફાન મેલ…’ મારું ફેવરિટ ગીત હતું! અમારી ચાલીમાં પ્રભાત ટોકીઝના એક કર્મચારી રહેતા, એમને મળવા અભિનેત્રી મીના શૌરીના પતિ રૂપ શૌરી આવતા. જે નિર્માતા અને નિર્દેશક હતા.

મીના શૌરી એક પ્રસિદ્ધ અભિનેત્રી હતી. જેણે રૂપ શૌરીની પહેલાં ત્રણ લગ્ન કર્યાં હતાં… એ ખૂબ ચર્ચિત અભિનેત્રી હતાં અને બિન્દાસ જીવન જીવતાં. એ સમયે મીના શૌરીના ચોથા પતિ રૂપ શૌરીએ મારા પિતાને પૂછ્યું કે, એ મને ફિલ્મોમાં કામ કરવા દેશે કે નહીં પહેલાં તો મારા પિતાએ સ્પષ્ટ ના પાડી કારણ કે, એ જમાનામાં છોકરીઓ ફિલ્મોમાં કામ કરે એ વિચાર જ એક બ્રાહ્મણ કીર્તનકારના પરિવાર માટે અસ્વીકાર્ય હતો, પરંતુ રૂપ શૌરીએ મારા પિતાને સમજાવ્યા, ઘરમાં પૈસાની જરૂર તો હતી જ… અને મેં, એક દિવસ સાંભળેલી વાતની દુહાઈ આપીને મારા પિતાને કહ્યું, ‘હું ઘરનો મોટો દીકરો નથી તો શું થયું? ઘરની મોટી દીકરી પણ કમાઈ શકે. મારા ભાઈ-બહેન મારી જવાબદારી છે. આજથી તમે ચિંતા છોડી દો.’ આર.કે. શૌરીની એ ફિલ્મ ‘કોબ્લર’માં મેં પહેલીવાર કામ કર્યું. એક જૂતા બનાવનાર માણસ અમુક પ્રકારના જૂતા બનાવીને પોતાના ગ્રાહકોનું નસીબ બદલી નાખે છે એવી કોમેડી કથા ઉપર આધારિત આ ફિલ્મ લોકોને ગમી. એ પછી મને બોમ્બે ટોકીઝમાંથી દેવિકા રાણીનો ફોન આવ્યો. એમને બોમ્બે ટોકીઝની એક ફિલ્મ માટે બાળ કલાકારની જરૂર હતી. 12 વર્ષની ઉંમરે મેં ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. ઘરમાં આવક આવવા લાગી અને મારા પિતાને થોડી રાહતનો અનુભવ થયો. જોકે, એમણે કદાચ મનોમન એવું નક્કી કર્યું હતું કે, બાળકી તરીકે મને કામ કરવા દેશે, પરંતુ જ્યારે થોડી મોટી થઈશ-યુવાન થઈશ ત્યારે એ ફિલ્મોમાં કામ કરાવવાનું બંધ કરાવી દેશે. જોકે, એવું થઈ શક્યું નહીં…

હું લગભગ 17 વર્ષની હતી ત્યારે ઓરિએન્ટલ સિનેમા તરફથી ‘સુહાગ રાત’ નામની એક ફિલ્મની ઓફર આવી. કેદાર શર્મા ત્યારે પ્રસિદ્ધ દિગ્દર્શક હતા. એમણે બાળ કલાકાર તરીકે મારી ફિલ્મો જોઈ હતી. ભારત ભૂષણ અને બેગમ પારાની સાથે મારો મુખ્ય રોલ હતો. એ સમયે એમણે અમને સાડા ત્રણસો રૂપિયાની ઓફર આપી. મારા પિતા માટે આ બહુ મોટી રકમ હતી. એ ‘ના’ ન પાડી શક્યા… કેદાર શર્માએ કહ્યું કે, બાળકી તરીકે હરકીર્તન નામ બરાબર હતું, પરંતુ હીરોઈન તરીકે હરકીર્તન જરા અઘરું નામ છે, છોકરાના નામ જેવું લાગે છે. એમણે ઘણું વિચારીને મારું નામ ‘ગીતા’ સજેસ્ટ કર્યું. એમને ભગવદ્ ગીતામાં બહુ શ્રદ્ધા હતી. મોહિયાલ બ્રાહ્મણોમાં બાલી સરનેમ બહુ કોમન અને જાણીતી હતી એટલે હરકીર્તન મોહિયાલમાંથી મારું નામ ગીતા બાલી કરવામાં આવ્યું.

‘સુહાગ રાત’ 25 જૂન 1948ના રોજ મુંબઈના એક્સેલસિયર અને લેમિંગ્ટન સિનેમામાં રિલીઝ થઈ હતી, અને 1948ની સાતમી સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ પુરવાર થઈ. ફિલ્મ ઈન્ડિયાના ઓગસ્ટ 1948ના અંકમાં ફિલ્મની સમીક્ષા કરતાં બાબુરાવ પટેલ નામના એક પત્રકારે એ ફિલ્મને ‘ગીતા બાલીની સુહાગ રાત’ તરીકે ઓળખાણ આપીને રાતોરાત મને પ્રસિદ્ધ કરી દીધી! હવે અટકી શકાય એવું નહોતું. ઘરમાં સારા એવા પૈસા આવવા લાગ્યા હતા અને મને પણ કામ કરવાનું ગમવા લાગ્યું હતું. 1948થી 1950 સુધીમાં મેં ચાર ફિલ્મો કરી. અમે મોટા ઘરમાં શિફ્ટ થયા. મારી બહેનને સારી સ્કૂલમાં દાખલ કરવામાં આવી. દિગ્વિજય અંગ્રેજી મીડિયમમાં જવા લાગ્યો…

મને પણ સંતોષ હતો કે, હું ઘરની મોટી દીકરી નહીં, પણ ઘરનો મોટો દીકરો પુરવાર થઈ હતી.
(ક્રમશ:)

આપણ વાંચો:  કથા કોલાજ: અમેરિકાના બે સૌથી પાવરફુલ માણસ સાથે પેરેલલ અફેર રાખવાની મારી લાલચ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button