વેપનાઈઝ્ડ ઈનકોમ્પિટન્સ… અરે,આ વળી શું?

કૌશિક મહેતા
ડિયર હની,
જાણીતા સોશ્યલ નેટવર્કિંગ પ્લેટફોર્મ ‘ટિકટોક’ પર એક વીડિયો બહુ વાયરલ બન્યો હતો… શું હતું એ વીડિયોમાં?
ટીઆરા નામની એક યુઝરે આ વીડિયો શેર કર્યો હતો. એમાં એવું દર્શાવાયું છે કે, એ પતિને કરિયાણાની વસ્તુઓની નાની યાદી આપીને એને ખરીદવા મોકલે છે. યાદીમાં ફક્ત ત્રણ વસ્તુ હતી: દૂધ, ઈંડા, બ્રેડ. પતિ ખરીદી કરીને પાછો આવે છે, ત્યારે તે ફક્ત દૂધ અને ઈંડા લઈને આવે છે, પણ બ્રેડ લાવતો નથી. ટીઆરા એને પૂછે છે : ‘બ્રેડ કેમ ન લાવ્યા?’ ત્યારે પતિ જવાબ આપે છે :
‘મને ખબર ન હતી કે કઈ બ્રેડ લેવાની છે એટલે હું લાવ્યો જ નહીં.’
ટીઆરા આ ઘટનાને કેમેરામાં રેકોર્ડ કરે છે, જેમાં એના ચહેરા પર નિરાશા સ્પષ્ટ દેખાય છે. એ પછી સમજાવે છે કે એના પતિએ જાણીજોઈને આવું કર્યું, જેથી ભવિષ્યમાં એને કરિયાણું ખરીદવાનું કહેવામાં ન આવે. એ કહે છે કે પતિ એને કહી શકે છે કે ‘તું જતી આવજે…તને ખબર છે કે કઈ બ્રેડ લેવાની છે.’
આ વીડિયો લાખો લોકોએ જોયો ને શેર પણ કર્યો. હજારો મહિલાઓએ તેના પર કોમેન્ટ કરીને પોતાના આવા જ અનુભવો શેર કર્યા, જ્યાં પતિ અથવા પાર્ટનર નાની-નાની વસ્તુઓ ખોટી રીતે કરીને અથવા ભૂલી જઈને જવાબદારીઓ ટાળતા હતા.
આ કિસ્સો ‘ટિકટોક’ પર ‘વેપનાઈઝ્ડ ઈનકોમ્પિટન્સ’ શબ્દને વધુ લોકપ્રિય બનાવવામાં મદદરૂપ થયો.
આ પણ વાંચો…ડિયર હની તારો બન્નીઃ માત્ર વહુ જ નથી વગોવતી મોટાં ખોરડાં…
ભારતમાં પણ આવું બનતું રહે છે. સામાન્ય રીતે તો આવાં કામ પત્ની કે ઘરની મહિલાઓ જ કરે છે. કેટલાક ઘરમાં પુરુષ કરે છે. મોટાભાગના પુરુષોને આવાં કામ ગમતા નથી એ વાત પણ સાચી છે. તેં પણ આવાં કામ ઘણીવાર મને સોંપ્યાં છે અને મેં પણ ક-મને કર્યા પણ છે.
હા, કોઈવાર આપેલી યાદીમાંથી એકાદ ચીજ ભૂલી ગયો હોઉં એવું ય બને છે અને ત્યારે તું ય ટીઆરાની જેમ મને ટોકે પણ ખરી. ઘણી વાર હું કોઈ ચીજ લાવ્યો હોઉં અને એમાં ય શાકભાજી કે ફ્રૂટ હોય તો તારું મારે સાંભળવું જરૂર પડે છે કે, ‘તમને લેતા જ નથી આવડતું..!’. અહીં એક વાત મારે કહેવી જોઈએ કે, મેં એવી કોઈ ખરીદીમાં દિલચોરી કરી નથી પેલી ટીઆરાના પતિની જેમ. હા, મને ખરીદી કરતા આવડ્યું નહિ હોય, તારી અપેક્ષાએ ખરો નહિ ઉતર્યો હોઉં એવું બનતું રહ્યું છે. એક બીજા મિત્રને પણ ઓળખું છું, જે એની પત્ની કરતાં વધુ સારી રસોઈ બનાવે છે.,
પણ મોટાભાગની ીઓ એમ જ સમજતી હોય છે કે, એના પતિને આવી બાબતોમાં કાઈ ખબર પડતી નથી…. પણ મેં બે પુરુષો જોયા છે, જે તમારા-ીઓ કરતાં વધુ સારું કામ આ મુદે કરતા હતા.
એક મારા સસરા એટલે કે તારા પિતાને શાક સમારતાં આવડતું હતું એવું તમનેય નહોતું આવડતું અને બીજા એક ફુઆ. …શાકભાજી હોય કે ફ્રૂટ…એમની ખરીદીમાં માસ્ટરી હતી. એક મિત્રની પણ મને ખબર છે કે, એ એની પત્ની કરતાં સારી રસોઈ બનાવે છે. એમ તો કોરોના કાળમાં લગભગ બધા પતિદેવો ઘરમાં સંજવારી- પોતા કરતા થયા હતા. એક વાર મેં પણ રોટલીનો લોટ બાંધ્યો હતો, જેનો વીડિયો મિત્રોને શેર કરેલો તો મને ઠપકો મળ્યો હતો : ‘યાર , આ ધંધો ક્યા શરૂ કર્યો? અમારી ય વાટ શા માટે લગાડે છે! ’
એ વાત સાચી કે, મોટાભાગના પુરુષોને રસોડાના કે ઘરનાં કામ ગમતા નથી. કેટલાક તો આવા કામને ઊતરતાં ગણે છે. સમસ્યા અહીંથી શરૂ થાય છે. જ્યારે એક પાર્ટનર જાણીજોઈને કોઈ કામ બરાબર ન કરે, ત્યારે બધો બોજો બીજા પાર્ટનર પર આવી જાય છે. આજે પતિ અને પત્ની બંને કામ કરતા હોય એવું ઘણા કિસ્સાઓમાં બને છે અને જો પતિ ઘરના કામમાં મદદ ના કરે કે પછી ડોળ કરે ત્યારે પત્ની પર બોજ વધી જાય છે. પરિણામે એકબીજા પ્રત્યેનો આદર ઘટે છે. સંબંધમાં વિશ્વાસ ઓછો થાય છે. જે વ્યક્તિ પર કામનો બોજો આવે છે એને કડવાશ અને ગુસ્સો આવે છે. વારંવાર આવું થવાથી ઝઘડાઓ વધે છે. બંને વચ્ચે ભાવનાત્મક અંતર વધે છે. બને વચ્ચે સંવાદ ઘટતો જાય છે. વાત વધી પડે છે.
ભારતમાં આવા મુદે વાત છૂટાછેડા સુધી પહોંચે એવા કિસ્સા જુજ છે. પણ વિદેશમાં વધતા જાય છે. છૂટાછેડાના કેસોમાં અસહ્ય વર્તણૂક અથવા માનસિક ક્રૂરતા જેવી કાનૂની જોગવાઈઓનો ઉપયોગ કરવામાં આવે છે. ‘વેપનાઈઝ્ડ ઈનકોમ્પિટન્સ’ ને આ કેટેગરીમાં ગણી શકાય છે, કારણ કે આ એક પ્રકારનો સતત અને જાણીજોઈને કરવામાં આવતો ત્રાસ છે. ઘણા કિસ્સાઓમાં, પત્નીઓ આ વર્તણૂકના કારણે થતી માનસિક પીડાને છૂટાછેડાના કારણ તરીકે રજૂ કરે છે, પણ આ ઉકેલ નથી. બંનેએ ખુલ્લા મને વાત કરવી જોઈએ અને જવાબદારી વહેંચી લેવી જોઈએ તો જ સબંધ વધુ ગાઢ બને- મજબૂત બને છે.
એક પ્રશ્ન પૂછું? ‘વેપનાઈઝ્ડ ઈનકોમ્પિટન્સ’ શબ્દ તેં અગાઉ કયારેય સાંભળ્યો છે? આપણા વચ્ચે કેટલીક વાતે ઝગડા થાય છે, પણ એનો અંત પણ તુરંત આવી જાય છે. એટલે આવા શબ્દો આપણા જીવનમાં નડતર બન્યા નથી. પતિઓએ સમજી લેવું પડશે કે ઘરના કામમાં મદદરૂપ નહિ થાવ તો આજના સમયની પત્નીઓ એ વાત સહન કરવાની નથી માટે સાનમાં સમજી જજો, નહિ તો …
તારો બન્ની
આ પણ વાંચો…ડિયર હની તારો બન્નીઃ લાવ, તારા હાથ ચૂમી લઉં!