ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ ઊફ્ફ્, યે જો હોર્મન્સ હૈ…

શ્વેતા જોષી-અંતાણી
હજુ તો માત્ર નવ જ થયાં છે. અત્યારમાં ઘરની લાઈટ્સ બંધ જોઈ સમીરને નવાઈ લાગી. કદાચ મા-દીકરી બહાર ગયા હશે એમ માની ચાવીથી ઘર ખોલતાંવેંત સામે અદભુત દૃશ્ય જોવા મળ્યું. શ્રીજા આજે પોતાના રૂમમાં ભરાયેલી નહોતી. એ સ્વાતિની લગોલગ બેઠી હતી. સામે ટેબલ પર તાંસળો ભરીને પોપકોર્ન છલકાતાં હતાં. ડ્રોઈંગરૂમમાં સ્માર્ટ ટીવીની સ્ક્રીન પરથી રેલાય રહેલા આછા અજવાળામાં પતિ-પત્નીની નજર મળી. ઈશારામાં જ બન્ને એ વાત કરી લીધી.
મા-દીકરીને વર્ષો પછી આમ સાથે કંઈક જોતાં જોઈ સમીર એમાં ખલેલ પહોંચાડ્યા વગર સીધો રસોડામાં ગયો. હળવેથી પાણી પી જમવાની થાળી પીરસી પાસે સોફા પર આવીને બેસી ગયો. આજે ઘણા સમયે એ ત્રણેય ડ્રોઈંગરૂમમાં સાથે છે એ વાત સુખદ હતી. જોકે હજુ સમીરના મનમાં આ બદલાવ કેમ આવ્યો એ સવાલ શમતો નહોતો. ટીનએજ સંતાનના માતા-પિતાએ ફરજિયાત એમની માફક હોર્મોન ઈન્ડ્યુસ્ડ રોલર કોસ્ટર રાઈડની પરાણે મજા માણવી પડતી હોય છે એ આનું નામ.
ટીવી પર ચાલી રહેલી ફિલ્મ પોતાની તરુણાવસ્થા સમયની હતી એ ખ્યાલ સમીરને પાંચ-દસ મિનિટ જોયા પછી આવ્યો. એણે હાથથી સ્વાતિને ઈશારો કર્યો, ‘આજે આ ફિલ્મ કેમ?’ સ્વાતિએ શ્રીજા તરફ આંખ ફેરવી. હાથથી જ ફરી ઈશારો કર્યો, ‘પછી કહું.’ સમીરને એ ઈશારાનો અર્થ સમજવામાં સમય ન લાગ્યો. સમીરને યાદ આવ્યું, શ્રીજા છેલ્લાં થોડાં અઠવાડિયાંથી બહુ જ બદલાઈ ગઈ હતી. ચુપચાપ રહેતી, ભણવામાં એકાગ્રતા ઓછી થયેલી. કોઈ વાત પૂછો તો ચીડાયેલા જવાબો મળતા. કદાચ સ્કૂલનું સ્ટ્રેસ હશે કા મિત્રો સાથે ઝઘડો માની એ બહુ એમાં પડતો નહીં.
આજે સ્વાતિએ ‘ટેન થિંગ્સ આઈ હેટ અબાઉટ યુ’ નામની ફિલ્મ પસંદ કરી એ પાછળનું કારણ હતો ઈશાન. સ્વાતિ માટે આ નામ અજાણ્યું નહોતું, પરંતુ એને એ ખ્યાલ નહોતો આવ્યો કે થોડાં સમયથી શ્રીજાના વર્તનમાં આવેલા નાનાં-મોટાં ફેરફારોનું મૂળ આ છોકરો હશે. શ્રીજાબેનને સ્કૂલમાં થયેલો આકર્ષણનો એ પહેલો-વહેલો અનુભવ, જેના વિશે આજે સાંજે એણે સ્વાતિ પાસે મન ખોલીને વાત કરેલી, કારણ કે, ઈશાન તરફના આકર્ષણના ઉતાર-ચડાવથી બચવા શ્રીજા જે થઈ શકતું હોય એ કરવા તૈયાર હતી.
એ સમજી ચૂકેલી કે લાગણીઓ પોતાના હાથમાં નથી અને લાગણીઓના નામે એ જાતની મેન્ટલ સેનેટી ગુમાવવા માગતી નહોતી. એટલી પાછી મેચ્યોર પણ ખરી. અને તોય આ હોર્મોન છે, જે જસ્ટ માનતા નથી. ઈશાનને જોઈ હૃદયનો ધબકારો ચૂકી જવાય છે. આંખોમાં ચમક આવી જ જાય છે. એની નજીક જતાં શ્વાસ થંભી જાય છે અને ભણવામાં ધ્યાન નથી રહેતું તો નથી જ રહેતું. એટલેજ આજે સ્વાતિએ ઈરાદાપૂર્વક ફિલ્મ પસંદ કરેલી. એને ખ્યાલ ટીનએજ લાગણીઓની ગૂંચવણને ક્યારેક અન્ય કોઈની વાર્તા કે ઉદાહરણ થકી સરળતાથી ઉકેલી શકાતી હોય છે.
ફિલ્મના રોમેન્ટિક સીન ચાલતાં શ્રીજાના ગાલ પર આછો ગુલાબી રંગ ચડી આવતો. ક્યારેક એ ફિલ્મમાં એટલી ગરકાવ થઈ જતી કે પોપકોર્નની મુઠ્ઠી હાથમાં જ રહી જતી… સમીર આ બધું શાંતચિત્તે નિરીક્ષણ કરતો રહ્યો. એના હૃદયે પિતાસહજ સ્નેહ, ચિંતા અને કાળજીનું મિશ્રણ અનુભવ્યું. ‘આકર્ષણ છે,’ સમીરે મનમાં કહ્યું :
‘હોર્મોન્સ..ઉફ્ફ! અને આ હોર્મોન્સના હથોડા સમજવા કોઈ મેન્યુઅલ માર્કેટમાં હાથવગું નથી.’ ટીનએજર સંતાનના માતા-પિતા બનવાનું એટલે ફરજિયાત એમના જીવનના આટાપાટામાં લપેટાવું… એમ વિચારતો સમીર ત્યાંજ બેસી રહ્યો. ફિલ્મ પૂરી થવા આવી ત્યારે સ્વાતિએ ધીમેથી શ્રીજાનો હાથ પકડી કહ્યું :
‘જો, ફિલ્મમાં કેટલું બધું થાય છે. ગેરસમજ, ઉત્સુકતા, ઉતાવળ, ખુશી, ગૂંચવણ. એ બધું નોર્મલ છે, હા? ’
શ્રીજાએ માથું તો હલાવ્યું, પણ એની આંખોમાંથી મૂંઝવણ સ્પષ્ટ ડોકાતી હતી. એને પોતાની લાગણીઓનો ગભરાટ હતો.
ટીવી બંધ થતાં રૂમમાં શાંતિ છવાઈ ગઈ. સમીરે પણ આગળ સરકી કહ્યું:
‘શ્રીજા, અમે તને સમજીએ છીએ. જે લાગણીઓના ઉછાળ તારી અંદર ચાલે છે એ ઘણા સામાન્ય છે. આ ઉંમરે દરેકને થાય, પણ એના લીધે ટેન્શનમાં જીવવું નહીં…’
શ્રીજાએ થોડા મૂંઝાતા મને સમીર પાસે પણ એજ વાત કરી, જે સ્વાતિને કરેલી:
‘ઈશાનને જોઈને અજીબ ફિલિંગ થાય છે. ભણવામાં ધ્યાન નથી રહેતું. Strangely, હું ગભરાઈ જાઉં છું. મને ના ગમે એવું થતું નથી, પણ મને આ બધું નવું-નવીન લાગે છે.’
સ્વાતિએ એના વાળ પર હાથ ફેરવ્યો :
‘આ લાગણીઓ તારી છે. તું એને નિયંત્રિત કરી શકે છે. ઈશાનની હાજરીથી પરેશાન થવાની જરૂર નથી. એની સાથે મિત્રતા કેળવ. વાત કર. જરૂર લાગે તો પ્રોજેક્ટસ અને સ્ટડી પણ કર. બાકી બધું ધીમે-ધીમે સમજાય જશે.’
સમીરે ઉમેર્યું : ‘અને તું એકલી નથી. અમે છીએ ને? યુ કેન શેર યોર ફિલિંગ્સ વીથ અસ, બેટા.’
એ શબ્દો સાંભળતાં શ્રીજાના ચહેરા પર પહેલીવાર હળવું સ્મિત ફેલાયું. જાણે હૃદયનો કોઈ મોટો બોજ હટી ગયો હોય. પેરેન્ટ્સ પાસેથી જ્યારે શબ્દો, સુરક્ષા અને સમજ મળે ત્યારે ટીનએજર સંતાનો શાતા અનુભવતા હશે એનો સ્વાનુભવ થયો જાણે.
આખરે, ત્રણેય મળીને બાઉલમાં બચેલા પોપકોર્ન પૂરા કર્યા. ઘરનો માહોલ ફરી સામાન્ય બન્યો, અને શ્રીજા હવે મોટી થઈ ગઈ છે એનો અહેસાસ સમીરને પહેલીવાર થયો. શ્રીજાએ પોતાની અંદરના પ્રથમ આકર્ષણને વાચા આપી હતી. સ્વાતિએ ટીનએજ દીકરીના હૃદયમાં પહોંચવાનો એક નવો રસ્તો શોધ્યો હતો અને સમીરે એક પિતા તરીકે ટીનએજની ઝંઝાવાતમાં દીકરીને સહારો આપવા તૈયાર થવાનું નક્કી કર્યું હતું. ત્યારે બહાર ભલે રાતનો અંધકાર છવાયેલો રહ્યો, પણ અંદર વિશ્વાસની નવી સવાર ઊગી ચૂકી હતી.
આ પણ વાંચો…ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ આકર્ષણની દુનિયા તરફ ડગ માંડતી દીકરી



