હળદર: હર્બ ઑફ ધ યર 2026

ફોકસ : રેખા દેશરાજ
આંતરરાષ્ટ્રીય જડીબુટ્ટી સંઘે વર્ષ 2026 માટે હળદરને ‘હર્બ ઑફ ધ યર’ તરીકે પસંદ કરી છે. આંતરરાષ્ટ્રીય જડીબુટ્ટી સંઘ દર વર્ષે કોઈ એક જડીબુટ્ટીને તેના ઔષધીય ગુણોને ધ્યાનમાં રાખીને તેને કોઈ એક વર્ષ માટે જડીબુટ્ટીનો ખિતાબ આપે છે. એવામાં આ વખતે પસંદગીનો કળશ હળદર પર ઢોળાયો છે. સવાલ એ પણ થાય છે કે હળદરની પસંદગી કઈ રીતે થઈ? કેમ કે સદીઓથી આયુર્વેદની એક ઔષધિની સાથે સાથે એ ભારતમાં સ્વાદ અને મસાલા તરીકે પ્રસિદ્ધ છે.
ઔષધીય અને આરોગ્યની દૃષ્ટિએ હળદર પર જેટલી શોધો કરવામાં આવી છે એટલી શોધ તો અન્ય કોઈ જડીબુટ્ટી પર નથી થઈ. એનાથી ખ્યાલ આવી જાય છે કે હળદરને આપણે જેટલી માનીએ છીએ એનાં કરતાં એ વધુ અગત્યની છે. આ જ કારણ છે કે તે હર્બ ઑફ ધ યર તરીકે સન્માનિત થઈ છે.
સદીઓથી ભારતમાં અને ભારત દ્વારા વિશ્ર્વના અનેક ભાગોમાં હળદર સ્વાસ્થ્ય, સૌંદર્ય, મસાલા અને ઔષધિના રૂપમાં ઓળખવામાં આવે છે. હળદર એન્ટિ-ઓક્સિડેન્ટથી ભરપૂર હોવાથી ઈમ્યુનિટી વધારવા અને શરીરના સોજાને ઘટાડવામાં કારગર સાબિત થઈ છે.
દુનિયામાં હળદરનું જેટલું ઉત્પાદન થાય છે એના કરતાં 70થી 80 ટકા ઉત્પાદન ભારતમાં થાય છે. 2026 માટે એને પ્રમુખ જડીબુટ્ટીનું સ્થાન મળવાથી એનું આર્થિક, વૈજ્ઞાનિક, સાંસ્કૃતિક અને ભૂ-રાજકીય સ્તર વધી જશે.
અત્યાર સુધી હળદર ભારતીય મસાલા અથવા તો દાદી-નાનીના વિવિધ ઉપાયો માટે જાણીતી હતી. જોકે હવે ‘હર્બ ઓફ ધ યર’નો ટૅગ મળતાં એ વૈજ્ઞાનિક અને ગ્લોબલ વેલનેસનો અવિભાજ્ય અંગ બની જશે. એથી એના પર થનારા સંશોધનોને પણ વેગ મળ્યો છે. એના પર રોકાણ પણ વધી જશે. એથી એમ કહી શકાય કે હળદર હવે રસોડા સુધી જ સીમિત નથી રહી.
-2026માં આપણને હળદરના વિવિધ નવા ઉત્પાદનો જોવા અને જાણવા મળશે, જેના વિશે આપણે કદી કલ્પના પણ નહોતી કરી.
-અનેક ફાર્મા કંપની હળદર આધારિત ઈમ્યુનિટી શોટ્સ જેવા પ્રોડક્ટ્સ લાવવા વિશે વિચારી રહી છે.
- ત્વચાની કાળજી માટે હળદરને વિશ્ર્વભરમાં અગત્યની હર્બ માનવામાં આવે છે. એથી બની શકે કે આ વર્ષે આપણને હળદરને લઈને અનેક ક્રિમ માર્કેટમાં જોવા મળશે.
આંતરરાષ્ટ્રીય જડીબુટ્ટી સંઘ દ્વારા વર્ષ 2026 માટે હળદરને ‘હર્બ ઑફ ધ યર’નું સન્માન આપવાથી વિદેશમાં હળદરની ડિમાન્ડ વધવા માંડી છે. વૈજ્ઞાનિકોની આધિકારીક ટીમ દ્વારા જ્યારે પણ કોઈ વસ્તુને વિશેષ માન્યતા આપવામાં આવે છે ત્યારે આવી વસ્તુની માગ વધવા લાગે છે. એથી એમ કહી શકાય કે ભારતમાં હળદરનું ઉત્પાદન મોટા પાયે વધી જશે.
વિદેશમાં ઉચ્ચ ગુણવત્તાવાળી હળદરને લોકો મહત્ત્વ આપશે. એનાથી ખેડૂતથી લઈને નિકાસકર્તાઓને લાભ મળવાનો છે. સાથે જ વિદેશમાં ભારતની છબી પણ વધુ મજબૂત બનશે. આવનાર વર્ષોમાં ભારતમાં હળદરનું ઉત્પાદન બેથી અઢી ગણું વધારવામાં આવે તો પણ એની માગમાં કોઈ ઘટાડો નહીં આવે. 2026માં હળદરને જીઆઈ ટૅગ પણ મળશે. એથી એમ કહી શકાય કે કિચનમાંથી નીકળીને હળદર ગ્લોબલી ફેમસ થઈ રહી છે.
આપણ વાંચો: ફાઈનાન્સના ફંડાઃ રૂલ ઓફ 114: પૈસા ત્રિગુણા થવાનું મહત્ત્વ આજે કેમ વધુ છે?



