
- ખુશ્બુ મુલાણી ઠક્કર
ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર,
ગુરુ સાક્ષાત પરબ્રમ્હ, તસ્મૈ શ્રી ગુરુ વે નમ:
ગુરુપૂર્ણિમાનો દિવસ આ શ્ર્લોક વગર અધૂરો છે. ગુરુ એટલે અજ્ઞાનરૂપી અંધકારથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જનારી શક્તિ. વ્યવહારિક દૃષ્ટિએ શિક્ષક અથવા માર્ગદર્શકને પણ ‘ગુરુ’ તરીકે સંબોધવામાં આવે છે. ‘ગુ’ એટલે અંધકાર, ‘રુ’ એટલે અંધકારને દૂર કરનાર….અજ્ઞાનનો અંધકાર દૂર કરે તે ગુરુ.
ગુરુપૂર્ણિમાનું હિન્દુ સંસ્કૃતિમાં ખૂબ જ મહત્ત્વ છે. આ દિવસે ગુરુ-શિષ્ય પરંપરા ખાસ યાદ આવે. આમ જોઈએ તો આજે ગુરુ-શિષ્ય પરંપરા બહુ ઝડપથી લુપ્ત થઇ રહી છે. જે વિદ્યાર્થીઓ કલા સાથે જોડાયેલા છે એ લોકો ખાસ ગુરુપૂર્ણિમા જેવો પાવન અવસર ખૂબ જ ઉત્સાહપૂર્વક મનાવે છે. ગુરુ-શિષ્ય પરંપરા ભારતની પ્રાચીન સંસ્કૃતિની એક અનોખી શિક્ષણ પદ્ધતિ છે, જેમાં શિષ્ય (વિદ્યાર્થી) ગુરુ (શિક્ષક) પાસે રહીને શિક્ષણ, જીવનમૂલ્યો અને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરે છે.
આ પરંપરાની શરૂઆત ઋગ્વેદના યુગથી માની શકાય છે, જેમાં વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં રહીને ગુરુકુળ પદ્ધતિથી ભણતા હતા. આ પદ્ધતિ માત્ર શૈક્ષણિક જ્ઞાન પૂરતી સીમિત નહોતી, પરંતુ જીવન જીવવાની રીત, સંસ્કાર, સેવા અને શ્રદ્ધા પણ શીખવતી હતી. ગુરુપૂર્ણિમા સાથે સંકળાયેલી છે ‘ગુરુ- શિષ્ય પરંપરા’.
આ પરંપરાની જો વાત કરીયે તો એકલવ્ય જરૂરથી યાદ આવે. એકલવ્ય એ ભારતીય ઉપખંડના મહત્ત્વના એવું હિન્દુ ધર્મના મહાગ્રંથ ‘મહાભારત’માં દર્શાવવામાં આવેલું એક પાત્ર છે તે હિરણ્ય ઘણું નામના શિકારીનો પુત્ર હતો. ગુરુ દ્રોણે ધનુર્વિદ્યા શીખવવાની ના પાડી તેથી એમની મૂર્તિને ગુરુપદે સ્થાપી વિદ્યા મેળવનાર એકલવ્યની ગુરુભક્તિ મહાન હતી. એના ગુરુએ માંગણી કરતા ગુરુદક્ષિણા રૂપે પોતાના જમણા હાથનો અંગૂઠો એણે ગુરુને સમર્પિત કરી દીધો હતો.
ગુરુપૂર્ણિમા એ માત્ર એ માત્ર પરંપરા નહીં, પણ એક અવસર છે આભાર વ્યકતકરવાનો. શિષ્યભાવ જાગૃત કરવાનો અને જીવનમાં નમ્રતાથી આગળ વધવાનો.. આ અવસરે ‘મુંબઈ સમાચારે’ અમુક ગુરુ-શિષ્ય જોડી સાથે વાત કરી છે. આવો, એમને મળીને જાણીયે એ બધા ગુરુ-શિષ્ય પરંપરા વિશે શું કહે છે…
નમ્રતા મહેતા: હર એક દિવસ ગુરુ પૂર્ણિમા
નમ્રતા મહેતા, દક્ષા મશરૂવાલા
દક્ષા મશરૂવાલા એ એક ઓડિસી ડાન્સર છે. ગુરુપૂર્ણિમા વિશે એ કહે છે કે, આ એક વર્ષો જૂની એવી પરંપરારૂપી એક સાંકળ છે, જે હું મારા ગુરુ પદ્મવિભૂષણ ગુરુ કેલુચરન મહાપાત્ર પાસેથી શીખી એ હવે હું મારા શિષ્યોને શીખવાડું છું. આ પરંપરાને જાળવી રાખવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. દક્ષાજી એક યથાર્થ વાત કરે છે કે, બધા જે શીખવે તે ગુરુ નથી હોતા. ગુરુને સમજવાવાળો વર્ગ અલગ છે. ગુરુની વ્યાખ્યા જ બદલાઈ ગઈ છે.
દક્ષાજી ગુરુપૂર્ણિમાનું સેલિબ્રેશન કઈ રીતે કરે તે જણાવતા કહે છે કે, હું એક પ્રોગ્રામનું આયોજન કરુ છું, જેમાં મારા બધા જ શિષ્યો હોય. હું એમને 10 મિનિટનો પરફોર્મન્સ વીડિયો બતાવું છું કે જેમાં મારા ગુરુએ પરફોર્મ કર્યું હોય. આ વીડિયો બતાવવાનું એક જ કારણ કે, મારા શિષ્યો હાવ-ભાવ જુએ, હાથની મુદ્રા અને ઓવરઓલ બોડી લેન્ગવેજને જુવે. પહેલાના ડાન્સમાં કેવી ભાવ ભક્તિ હતી જે હવે જોવા નથી મળતી.
ત્યારબાદ જે શિષ્યોને ડાન્સમાં 10 થી 12 વર્ષ થઇ ગયા હોય એમને હું સોલો પર્ફોર્મ કરવા માટે સ્ટેજ આપું છું. ત્યાર પછી બીજી કોઈ યંગ ડાન્સર બીજી કોઈ શૈલીમાં પરફોર્મ કરે છે. યંગ ડાન્સરને સ્ટેજ આપવાનું એક જ કારણ કે, એ બીજા માટે એક પ્રેરણા સ્તોત્ર બની શકે. કોઈ પણ કલા શીખવા માટે તેની સાધના કરવી પડે છે, અને તમારી પાસે જો એક સાચો માર્ગદર્શક હોય તો જીવન સાર્થક થઇ જાય છે.
30 વર્ષીય નમ્રતા મહેતા એમના ગુરુ દક્ષા મશરૂવાલાને યાદ કરતા કહે છે કે એ મારી સ્કૂલમાં નૃત્ય શીખવાડતા હતા અને હું એમની પર્સનાલિટીથી ખૂબ આકર્ષિત થઇ ગઈ હતી. છેલ્લાં 25 વર્ષથી હું એમની પાસેથી ઓડિસી નૃત્ય શીખું છું. એ મને એક બાળક તરીકે, એક છોકરી તરીકે અને એક સ્ત્રી તરીકે જોઈ છે.
આ બધા જ ઉંમરના તબક્કામાં હું એમની પાસેથી ઘણું શીખી છું. ગુરુપૂર્ણિમા ઉજવવા માટે કોઈ ચોક્કસ દિવસની જરૂર નથી. મારા માટે તો બધા જ દિવસ એમની સાથે એક ઉત્સવ જ છે. એમની પાસેથી હું માત્ર નૃત્ય નથી શીખી, પરંતુ જીવન કેમ જીવવું તે પણ એમણે મને શીખવ્યું છે.
જાહ્ન્વી શ્રીમાંકર: મારા બંને ગુરુની રીત નિરાળી
સ્વ. કૌમુદીબહેન મુન્શી, જાહ્ન્વી શ્રીમાંકર
જાહન્વી આમ તો આજે એક સફળ ગાયિકા છે. એમ તો ઘણા ગુરુ પાસેથી તાલીમ લીધી છે, પણ અહીં આપણે સ્વ. કૌમુદીબહેન મુન્શી અને સ્વ. પુરુષોત્તમ ઉપાધ્યની વાતકરશું. જાહ્ન્વીએ 9 વર્ષની ઉંમરથી કૌમુદીબહેન પાસ સંગીતનો અભ્યાસ કરવાનું ચાલુ કર્યું, જે એ લગભગ 23 વર્ષ સુધી શીખ્યું. કૌમુદીબહેન સંગીતના હકુમતના એક્કા હતાં.
એ પોતે જ ગીતો કમ્પોઝ કરતા. એમને સાહિત્યનું બહોળું જ્ઞાન હતું. એમણે માત્ર મને સુગમ સંગીત જ નથી શીખવ્યું. કૌમુદીબહેને મને લોક સંગીત, ભક્તિ સંગીત, સેમી કલાસિકલ, ઠુમરી, દાદરા, હોરી, કજરી, હોરી વગેરે પણ શીખવ્યું છે. એ પોતે ગીતો લખતાં અને પોતાનાં જ શિષ્યો પાસે રેકોર્ડિંગ કરાવતા.
ત્યાર બાદ જાહ્ન્વીએ સ્વ. પુરુષોત્તમ ઉપાધ્યાય પાસે લગભગ એક દાયકા સુધી તાલીમ લીધી. જાહ્ન્વી કહે છે કે, સંગીત શીખવાડનારા તો ઘણા છે. પરંતુ બધાની પોત પોતાની એક સ્ટાઇલ-શૈલી હોય છે. જયારે આપણે કોઈ ગુરુ સાથે જોડાઈએ છીએ ત્યારે એમની જે માન્યતા હોય કે એમની જે વેલ્યુ સિસ્ટમ હોય તેનાથી આપણે પ્રભાવિત થઇએ છીએ.
ગુરુપૂર્ણિમાના દિવસને યાદ કરતા જાહ્ન્વી કહે છે કે, તમારા ગુરુ માટે જે ભાવના છે તે તમે ક્યારે પણ વ્યક્ત કરી શકો છો. કૌમુદીબહેન જયારે હયાત હતાં ત્યારે ગુરુપૂર્ણિમાના દિવસે અમે બધા જ સ્ટુડન્ટ કોઈ એકના ઘરે ભેગા થઈ સૌથી પહેલાં ગુરુને વધાવીએ અને ત્યાર બાદ કૌમુદીબહેને જ શીખવાડેલાં ગીતો એમની સમક્ષ રજૂ કરીએ…
જાહ્ન્વી ઉમેરે છે કે, 2016માં મેં ખાસ મારા ગુરુ સ્વ.કૌમુદીબહેન માટે એક પ્રોગ્રામ કરેલો, જેમાં સંગીતની દુનિયાના અનેક જાણીતાં કલાકારો હાજર હતા. એ પ્રોગ્રામની ખાસ વાત એ હતી કે, મેં મારા ગુરુ એટલે કે કૌમુદીબહેનની હાજરીમાં એમને ગૌરવ પૂર્વક સન્માન આપ્યું. આ ગુરુપૂર્ણિમાના અવસરે એમને યાદ કરીને એમણે જે મને શીખવ્યું છે તે પરંપરા હું જીવંત રાખી શકું તે જ પ્રભુને પ્રાર્થના.
નિરલ શાહ : શિષ્યની ખૂબી બહાર લાવે એ ગુરુ…
શેફાલી શાહ, નિરલ શાહ
મુંબઈનાં શેફાલી શાહ ચિત્રકળાનાં શિક્ષક છે. અનેક પ્રતિષ્ઠિત એવૉડ વિજેતા એવા શેફાલીજીએ એમનાં ઘણા શિષ્યોના દિલ પણ જીત્યાં છે. એ માત્ર શિક્ષક જ નથી, પણ એક પ્રેરણાસ્તોત્ર છે. 1988થી એ આ કળામાં સક્રિય થયાં દરમિયાન ઘણા શિષ્યોના સંપર્કમાં આવ્યાં.
ગુરુપૂર્ણિમા વિશે શેફાલીજી કહે છે કે, આજના યુવાવર્ગને તો ખબર પણ નથી, પણ પહેલાના મારા સ્ટુડન્ટ્સ બધા રાહ જોતા હોય કે ગુરુપૂર્ણિમા કયારે આવશે…એ દિવસે અમે શું અમારા ટીચર માટે સ્પેશિયલ કરી શકીયે? સ્ટુડન્ટ્સમાં અંદર અંદર સ્પર્ધા થાય કે કોણ સરસ પ્રેઝન્ટેશન કરશે.
પહેલાં શિષ્યો સાથે એક ફેમિલી જેવું બોન્ડિંગ હતું. પહેલાંના સ્ટુડન્ટ-શિષ્યો તો હજુ મને ગુરુપૂર્ણિમાના દિવસે મળવા આવે છે. પહેલાં શિષ્યોમાં ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા હતી તે હવે જોવા નથી મળતી…
શેફાલી રાજની શિષ્ય નિરલ શાહ અને એમનો પરિવાર શેફાલીજી પાસેથી ચિત્રકલા શીખ્યો છે. નિરલ કહે છે કે, ‘શિક્ષક તરીકે એ કયારે પણ તમને કોઈ વસ્તુ કરવા માટે ફોર્સ નથી કરતા, પણ તમારી અંદર જે ખૂબીઓ છે એને કઈ રીતે સંવારીને એ બહાર લાવે છે… હું છેલ્લા 30 વર્ષથી શેફાલી મિસ માટે ગુરુપૂર્ણિમા ઉજવું છું. આ અવસર તમે કઈ રીતે સેલિબ્રેટ કરો તે મહત્ત્વનું નથી.
આપણ વાંચો: ગુરુ દેવો ભવઃ આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે કેટલા વાગે કરશો પૂજાવિધિ, જાણો
ગુરુ તમારો ભાવ જુએ છે. મને ગુરુપૂર્ણિમાના દિવસે એમની સાથે રહેવું ખૂબ જ પસંદ છે. એમની માટે કોઈ સ્પેશિયલ કાર્ડ બનાવવા કે, એમને કોઈ ખાસ ગિફ્ટ આપવી કે પછી એમની સાથે બહાર જમવા જવું એ જ અમારી ઉજવણી… એમને મને માત્ર ચિત્રકલા જ નથી શીખવી, પણ જીવનમાં કેવા અવનવા રંગ પૂરી એને કઈ રીતે ઉત્તમ બનાવવું એના પાઠ પણ મેં શીખ્યાં છે ….’
ગુરુ પૂર્ણિમાના આજના અવસરે આપણું જીવન ઘડનારા દરેક માર્ગદર્શકને – તમામ ગુરુઓને પ્રણામ સાથે સલામ પણ કરીએ, જેમણે આપની વિચારશક્તિ અને અસ્તિત્વને નવી દિશા આપી છે.