
- નીલા સંઘવી
એમની ઉંમર 92 વર્ષ. હસમુખો ચહેરો- રણકતો અવાજ. આપણે એમને ફોન કરીને પૂછીએ કે, ‘કેમ છો?’ જવાબ મળે, ‘મસ્ત’. આ ઉંમરે તંદુરસ્તી એમના કદમ ચૂમે છે. ખૂબ પહોંચતાં- પામતાં હોવા છતાં ગાડી-ડ્રાઈવર કે ટેક્સીમાં જવાને બદલે બસ-ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. આજે પણ ચાર દાદરા ચઢીને જવાની તાકાત ધરાવે છે. આજે તો યુવાનો પણ લિફ્ટમાં જ ઉપર-નીચે કરે છે, જ્યારે 92 વર્ષના આ યુવાન વડીલ રમીલાબહેન લિફ્ટની સગવડ ન હોય તો આરામથી દાદરા ચઢી-ઊતરી
શકે છે.
સંઘર્ષમય બાળપણમાંથી પસાર થયેલા રમીલાબહેનને આજે પણ માથું દુખવું કોને કહેવાય એ ખબર નથી. ક્યારેય ‘વિક્સ’નો ઉપયોગ કર્યો નથી. બ્લડપ્રેશર-ડાયાબિટીસ જેવી બીમારી એમનાથી જોજન દૂર છે.
માતા-પિતા નાનપણમાં જ ભગવાનને પ્યારા થઈ ગયાં હતાં. ભાંડરડામાં સૌથી મોટા રમીલાબહેન પર પોતાની અને ભાંડરડાઓને સાચવવાની જવાબદારી આવી પડી. જીવનમાં ખૂબ સંઘર્ષ કર્યો. માતા- પિતાનું અવસાન થયું ત્યારે એમની ઉંમર 14 વર્ષની. નાના પાંચ ભાઈ-બહેન એટલે 14 વર્ષની ઉંમરે જ રમીલાબહેન માતા બની ગયાં એમ કહીએ તો જરાય ખોટું નથી. ભાંડરડાને ખૂબ પ્રેમ આપ્યો- સાચવ્યા- ભણાવ્યા- પરણાવ્યાં. બધાં સારું ભણ્યાં. બહેન ડોક્ટર થઈ. બધાંની યોગ્ય વ્યવસ્થા કર્યા પછી રમીલાબહેને લગ્ન કર્યા. લગ્ન કર્યા પછી પતિ સાથે બિઝનેસમાં જોડાયાં. એ જમાનામાં કોઈ સ્ત્રી આવી રીતે વ્યવસાય કરે એ વાત અચરજ પમાડે એવી હતી, પણ એ તો દુકાને બેસતાં.
સેલ્સ ટેક્સ, ઈન્કમ ટેક્સ બધાં વિષે જાણકારી મેળવી, બધું જ શીખ્યા. એમનામાં આવડત જ બહુ. બધું કામ પળભરમાં શીખી જાય.
લગ્ન પછી એમના જીવનમાં સમૃદ્ધિ આવી, છતાં રમીલાબહેન છકી ગયા ન હતાં. પોતે જ્યારે 70 વર્ષના થયાં ત્યારે નક્કી કર્યું કે બસ થયું, હવે બહુ કમાઈ લીધું. વ્યવસાય સમેટી લીધો. પતિની તબિયત પણ નરમગરમ રહેતી હતી. તેથી બંને જણે નક્કી કર્યું-બસ, હવે પૈસા કમાવા નથી હવે પૈસા વાપરવા છે. સમાજ સેવા કરવી છે. બાળપણમાં પોતાને જે મુસીબત વેઠવી પડી તે બીજાને ન વેઠવી પડે એવાં કામ કરવાં. તેથી શિક્ષણ અને વૈદ્યકીય ક્ષેત્રે મદદ કરવાનું એમણે ચાલુ કર્યું. રમીલાબહેનનના મૂળ વતનનું ગામ નાનું. નાની -મોટી બીમારી માટે પણ બાજુના શહેરમાં જવું પડે. એમણે અને પતિએ ગામમાં હોસ્પિટલ બનાવવા માટે પોતાનું યોગદાન આપ્યું. મુંબઈમાં પોતાના સમાજમાં લગ્ન અને અન્ય પ્રસંગો થઈ શકે તેવો બેન્કવેટ હોલ બનાવવામાં પણ બહુ મોટું યોગદાન આપ્યું. જ્ઞાતિના લોનાવલા, પંચગની અને નાથદ્વારામાં પણ સેનેટોરિયમ બંધાવવામાં ઘણું મોટું યોગદાન આપ્યું છે, પોતાની માટે પૈસા વાપરવા હોય તો દસ વાર વિચારે પણ સમાજનું કામ હોય તો ધનની કોથળી ખૂલ્લી મૂકી દે.
રમીલાબહેનને સંતાન નથી તેથી બધી મિલકતનું ટ્રસ્ટ જીવતે જીવત કરી દીધું છે. જેને આપણે ‘જીવતા જગતિયું’ કહીએ એવું. આજે જ્યારે રમિલાબહેન પોતાના ગામમાં જાય છે ત્યારે ત્યાંના રહેવાસીઓ સાથે જીમમાં આજુબાજુમાં નાના નાના ગામમાં ફરે અને જોઈ લે કે કોને શું અને કેટલી જરૂર છે. પછી એ પ્રમાણે મદદ કરે. ગામના 500 જેટલાં વિદ્યાર્થીઓને મદદ કરી ગ્રેજ્યુએટ કર્યા. 92 વર્ષની ઉંમરે રમીલાબહેન આટલાં સામાજિક કાર્ય કરે છે.
રમીલાબહેન ફક્ત પોતાના પિયરમાં જ નહીં સાસરીમાં પણ એટલાં જ પ્રિય છે. આજે બંને પક્ષે ત્રીજી ચોથી પેઢીનાં બાળકો છે બધાં રમીલાબહેનને બહુ પ્રેમ કરે છે અને બહુ માન પણ આપે છે. આપણે મોટેભાગે આટલી વૃદ્ધ વ્યક્તિને મળીએ તો એમની વાતોમાં તબિયતની ફરિયાદ હોય, સંતાનો-પુત્રવધૂઓ માટેની ફરિયાદ હોય અને એ બધા એમ કહેતા હોય કે ‘ભગવાન હવે ઉપાડી લે તો સારું’,
પણ. રમીલાબહેન પાસે આવાં શબ્દો ક્યારેય સાંભળવા ન મળે. એ તો હંમેશાં ખુશખુશાલ જ હોય.
રમીલાબહેનની સમાજ પ્રત્યેની નિષ્ઠા ઉપરાંત એમને નાનપણથી વાંચવાનો બહુ જ શોખ. વિશાળ વાંચનને કારણે તેમણે લખવાનું શરૂ કર્યું. પોતાના અનુભવ લખવા લાગ્યાં. આજે એમનાં 150થી વધારે પુસ્તક પ્રકાશિત થયાં છે અને આ પુસ્તકોની ખાસ વાત છે કે એમનાં પ્રત્યેક પુસ્તકનું શીર્ષક ‘પ’થી શરૂ થાય છે. કોઈ પૂછે કે ‘પ’ પરથી શા માટે તો એ કહે છે: ‘માનવનું પરમ લક્ષ્ય પરમપિતાને પામવાનું છે, માટે…!
રમીલાબહેને લખવાનું શરૂ કર્યું 65 વર્ષે. આમ જેમ ઉંમર વધતી ગઈ તેમ રમીલાબહેનનું કાર્યક્ષેત્ર પણ વધતું ગયું. એમણે પરોપકારનો ‘પ’ આત્મસાત કર્યો છે. ને હમણાં હમણાં એટલે કે એકાદ-બે વર્ષ પહેલાં રમીલાબહેનને ‘હાયકુ’ લખવાનો શોખ જાગ્યો પછી આટલાં ઓછા સમયમાં તેમણે 60,000થી વધારે હાયકુ લખ્યાં છે,જેની નોંધ ‘લિમ્કા બુક ઑફ રેકોડર્સમાં પણ છે !
સહેજે કોઈને પણ પ્રશ્ન થાય કે ‘92 વર્ષે આટલી સરસ તંદુરસ્તીનું શું કારણ હશે?’ કારણ એટલું જ કે એમણે મગજની સમતુલા જાળવી રાખી છે. ગમે તેવા મુશ્કેલ સમયમાં એ શાંત ચિત્તે વિચારીને રસ્તો કાઢી શકે છે.
આપણ વાંચો: બાળક પર તમારાં સપનાં ના થોપો…
બીજા શબ્દોમાં એમ કહી શકાય કે આપણે કહીએ છીએ ને કે ‘મન તંદુરસ્ત તો તન તંદુરસ્ત.’
આ ઉંમરે આટલી બધી પ્રવૃત્તિ… કોઈ ફરિયાદ નહીં, કોઈ લક્ઝરી ભોગવવાની અપેક્ષા નહીં , છતાંયે એમનાં ચિત્તમાં સદા આનંદ… આનંદ… આનંદ.!