જીવનસંધ્યાએ કોઈનું અશક્ય સપનું પૂરું કરવાનું પુણ્ય…

- નીલા સંઘવી
ગોકળદાસને પહેલેથી જ લોકોમાં બહુ રસ. લોકો સાથે હળવું-મળવું એમની સાથે વાતો કરવી ગોકળદાસને ગમે. પ્રૌઢાવસ્થા સુધી તો કામ-ધંધો કરતા હતા એટલે વાર-તહેવારે પ્રસંગોપાત લોકોને મળવાનું થતું. હા, વ્યાપારી અને ગ્રાહકોને મળવાનું અને વાતો કરવાનું થાય. ગોકળદાસ જ્યારે લોકોને મળે ત્યારે બહુ પ્રેમથી વાતો કરે.
વાતો કરતા કરતા એમનાં દુ:ખ દર્દ જાણે. સામી વ્યક્તિના મનની વાત જાણી લે. વ્યક્તિનું દુ:ખ જાણ્યા પછી એમના મનમાં એનું દુ:ખ દૂર કેવી રીતે કરવું એ વિચાર ચાલે. ધીમેધીમે ધંધો દીકરાઓને સોંપીને ગોકળદાસ નિવૃત્ત થઈ ગયા. હવે એમની પાસે સમય જ હતો. વાંચનનો પણ શોખ સાહિત્ય રસિક માણસ એટલે પોતાના સમાજના મેગેઝિનના તંત્રી તરીકે સેવા આપવા માંડ્યા.
તંત્રી તરીકે મેગેઝિન તો ચલાવતા, પણ વધારે એમનું ધ્યાન લોકહિત માટે રહેતું. વળી મેગેઝિન નામનું હથિયાર એમના હાથમાં હતું. એ હથિયારનો એમણે યોગ્ય ઉપયોગ કર્યો. સમાજના માંધાતાઓ પાસે મદદની ટહેલ નાખી શિક્ષણ માટે, મેડિકલ માટે, મેડિક્લેઈમ માટે, કેન્સર માટે, વિધવાઓ માટે સહાય કરવાની યોજનાઓ જાહેર કરી.
કોઈ સારું કામ કરતું હોય તો દાતાઓને પૈસા દેવાનો વાંધો હોતો જ નથી. દાતાઓ ઈચ્છતા હોય છે કે એમના પૈસાનો યોગ્ય ઉપયોગ થાય એટલે ગોકળદાસને ફંડ મળતું ગયું અને એમનો લોકસેવાનો યજ્ઞ ચાલુ થઈ ગયો, પણ એ આ બધું જે કરે છે તેવું ઘણાં લોકો કરે છે. ગોકળદાસને હજુ કંઈક કરવું હતું.
એક વાર ગોકળદાસ સમાજના કોઈ પ્રસંગે બોરીવલીથી આગળના સબર્બમાં ગયા હતા. એ પ્રસંગમાં ઘણાં બધાં લોકો ભાયંદર, નાલાસોપારા, વસઈ, વિરારથી આવ્યા હતાં. મોટાભાગના લોકો બહુ જ સાધારણ સ્થિતિના હતા.
ગોકળદાસે એમની સાથે વાત કરતા બે વસ્તુ એમના ધ્યાનમાં આવી. આમાંના ઘણાં લોકો એવાં હતાં જેઓ શ્રીનાથજીના દર્શન કરવા નાથદ્વારા જવા ઈચ્છતા હતાં, પરંતુ આર્થિક પરિસ્થિતિને કારણે જઈ શકતા ન હતા. ઉંમર લાયક વૃદ્ધોને થતું કે એક વાર પણ જો નાથદ્વારા જઈને શ્રીનાથજીની ઝાંખી થઈ જાય તો જીવન સફળ થઈ જાય.
અને બીજી વાત ગોકળદાસના ધ્યાનમાં આવી કે આમાંથી કેટલાંય લોકો પોતાના જીવનમાં ક્યારેય એરોપ્લેનમાં નથી બેઠાં. આજે પણ આવી સ્થિતિ છે લોકોની એ જાણીને ગોકળદાસને આશ્ર્ચર્ય થયું. એમણે મનમાં ગાંઠ બાંધી કે આ લોકોને શ્રીનાથદ્વારાની યાત્રા કરાવવી છે અને વિમાનમાં પણ બેસાડવા છે.
ગોકળદાસે પોતાના પ્રયત્ન ચાલુ કરી દીધાં. દાતાઓ મળી ગયા. ગોકળદાસની બીજી પણ એક નોંધનીય વાત તે કે એ ફક્ત દાતાઓ પર મદાર નથી રાખતા. જ્યાં કામ અટકે ત્યાં પોતાના તરફથી ખૂટતી રકમ ઉમેરીને પણ કામ પાર પાડે. જે લોકો શ્રીનાથદ્વારાની યાત્રા કરવા માગતા હતાં, જીવનમાં એક પણ વાર શ્રીનાથજીની ઝાંખી કરવા આર્થિક પરિસ્થિતિને કારણે જઈ શક્યા ન હતા તેવાં સિનિયર સિટીઝનને સ્પેશ્યલ બસ કરીને શ્રીનાથજીબાવાના દર્શન કરાવ્યા. નાથદ્વારામાં સરસ જગ્યાએ ઉતારો આપ્યો.
બે દિવસ સુધી આઠે સમાના દર્શન કરાવ્યા. વૃદ્ધોની આંખમાં ઝળઝળિયાં આવી ગયા. એમણે તો માની જ લીધું હતું કે આ જનમમાં તો હવે શ્રીનાથજીબાવાની ઝાંખી કરવાથી રહ્યાં, પણ એમનું અશક્ય લાગતું સપનું ગોકળદાસે પૂરું કર્યું.
આ જાત્રામાં ગોકળદાસ સાથે એમનો પરિવાર પણ જોડાયો, જેથી સાવ અશક્ત વૃદ્ધ હોય તો એમનો હાથ પકડવો કે વ્હીલચેરમાં લઈ જવા મદદરૂપ થઈ શકે. આમ ગોકળદાસે તન-મન-ધનથી વૃદ્ધોની સેવા કરીને એ વૃદ્ધોના આશીર્વાદ મેળવ્યા.
આપણ વાંચો: આજે ગુરુપૂર્ણિમાના અવસરે: શું કહે છે આ શિષ્યો એમના પથદર્શક એવા ગુરુજી માટે…
વૃદ્ધોને યાત્રા તો કરવી હવે એમની ઈચ્છા પૂર્ણ કરવાની હતી એરોપ્લેનમાં બેસાડવાની. એની પણ વ્યવસ્થા ગોકળદાસે કરી. મુંબઈથી અમદાવાદ સવારની વહેલી ફ્લાઈટમાં લઈ ગયા. માત્ર અને માત્ર જે લોકો ક્યારેય એરોપ્લેનમાં બેઠાં ન હોય એમના માટે જ આ વ્યવસ્થા હતી. વૃદ્ધોએ તો કોઈ દિવસ એરપોર્ટ પણ જોયું ન હતું. બધાં રાજીરાજી અને રોમાંચિત થઈ ગયા.
અમદાવાદ પહોંચીને ચા-પાણી નાસ્તો કરાવ્યો. અક્ષરધામ લઈ ગયા. બપોરનું જમણ કરાવીને બસમાં પાછા મુંબઈ લઈ આવ્યા. આવી બે- ત્રણ ટ્રીપ એમણે કરી. જેની કલ્પના પણ ન કરી હોય તેવી પ્લેનની મુસાફરીથી આર્થિક રીતે નબળા વૃદ્ધજનો તો રાજીના રેડ થઈ ગયા. આવી સેવા ખરેખર કોઈ કરી રહ્યું છે અને તમે પણ કરી શકો છો. આ લખવાનું પ્રયોજન એ જ છે કે આ વાંચીને વાંચકો પ્રેરણા લઈ શકે.
વૃદ્ધાવસ્થા એટલે અસહાયતા, વૃદ્ધાવસ્થા એટલે બીમારી, વૃદ્ધાવસ્થા એટલે રોદણાં રડવા એવું નથી. જીવન-સંધ્યાએ સંધ્યા-છાયા હોવી જોઈએ. પોતે કોઈના જીવનમાં ઉજાસ પાથરવાનો છે, છાયા આપવાની છે, પ્લેનમાં વૃદ્ધોને ફેરવવાનો વિચાર ખરેખર નવો છે, આજ સુધી બીજાં કોઈને આવ્યો છે કે નહીં તેની ખબર નથી. આવી તો કેટલીયે સેવા કરી શકાય છે.