લાડકી

જે પુરુષ માટે હું પાગલ હતીએ હવે અજાણ્યો લાગતો હતો

કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય

(ભાગ: ૩)
નામ: પ્રોતિમા બેદી
સ્થળ: માલ્પા (કૈલાસ માનસરોવર)
સમય: ૧૭ ઓગસ્ટ, ૧૯૯૮
ઉંમર: ૪૯ વર્ષ
અમારાં લગ્ન પછી સાત મહિને પૂજા જન્મી. બંને પરિવારો ત્યાં હતાં અને કબીર સતત મારી સાથે મારો હાથ પકડીને ઊભો હતો. મને સારું લાગે એટલે સંગીત મૂકવામાં આવ્યું હતું. મારી પ્રસૂતિ સામાન્ય રીતે જ થઈ. મને બાળક થયું જેની મને હંમેશ ઝંખના હતી. આ તો એક ચમત્કાર જ હતો. અમારાં લગ્નને એક વર્ષ પણ નહોતું થયું તે પહેલાં કબીરે ફિલ્મમાં કામ કરવાનું શરૂ કર્યું અને અમે જુહુના ફ્લેટમાં રહેવાં ગયાં. એ ફિલ્મમાં કામ કરે એ મને બહુ ગમતું નહીં. જીવનના જુદા જુદા સમયે મને રાજ ખોસલા, મહેશ ભટ્ટ, જ્હોની બક્ષી અને ખુદ ગિરીશ કર્નાડ જેવા લોકો ફિલ્મમાં લેવા તૈયાર હતા, પરંતુ મને એમાં બિલકુલ રસ નહોતો. હું મુક્ત જીવન ઈચ્છતી હતી અને ફિલ્મો તમને સંપૂર્ણપણે બાંધી દે છે. કબીરે કામ કરેલી પહેલી ફિલ્મ ‘હલચલ’ હતી જે ઓ.પી. રાલ્હનની હતી. અમે ફિલ્મી સર્કલમાં ફરવા લાગ્યાં અને અમારી જોડી ‘હિટ’ ગણાતી. હું ફિલ્મનો કોઈ મેળાવડો હોય તો કેટલીક સ્ત્રીઓ સાથે બેસતી અને કબીર કઈ રીતે બધી સાથે પેશ આવે છે એ જોયા કરતી.

એકવાર ઓ.પી. રાલ્હને એક મોટી પાર્ટી આપી હતી. ત્યાં શ્રીમતી રાલ્હને મને કોણી મારીને કહ્યું હતું, ‘તારા વરને મજબૂત પકડમાં રાખજે. તને ખબર નથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી કેટલી ખરાબ છે. તું આંખનો એક પલકારો મારતી હોઈશ અને કોઈ એને ઝૂંટવી લેશે.’

હું હસી પડી ને બોલી, ‘ચિંતા કરવાની જરૂર નથી. કબીર એવો નથી. એનું મન બહુ જ જુદી જાતનું છે.’
‘દરેક પત્ની શરૂઆતમાં આવું જ કહે છે’ એ દુ:ખી થઈને બોલ્યા, ‘પણ મેં ઘણી યુવતીઓને દુ:ખ વેઠતી જોઈ છે. મને પછીથી ન કહેતી કે મેં તને ચેતવી નહોતી. એક દિવસ તને મારા શબ્દો યાદ આવશે.’
બીજા કોઈ એક દિવસે, બીજી કોઈ પાર્ટીમાં કોઈકે મારા કાનમાં કહ્યું, ’કબીર અને ઝિન્નત વચ્ચે લફરું ચાલે છે.’ હું છેક નિશાળમાં હતી ત્યારથી ઝિન્નતને ઓળખું છું, અને હું એને ઘણી વાર મળતી. મને ઝિન્નત ગમતી. એ બુધ્ધિશાળી, આકર્ષક અને ફેશનેબલ હતી. બરાબર મારા ટાઈપની જ છોકરી.

‘તો શું થઈ ગયું?’ હું હસી, ‘એનો અર્થ એ કે એની રૂચિ ને સ્તર ખૂબ સારાં છે, નહીં?’ મેં એ બંનેને સાથે જોવાની મનમાં કોશિશ કરી પણ એ દ્રશ્ય સ્થિર ન રહી શક્યું. મેં ખભા ઉલાળ્યા ને પોતે હસી પડી. પાર્ટીમાં મેં જે સાંભળ્યું હતું તે ઘેર જઈ મેં કબીરને કહ્યું. તે હસી પડ્યો.

‘આખી ફિલ્મમાં એની સાથે મારો એક પણ સીન નથી! એ સરસ છોકરી છે. એની સાથે વાત કરવાની મજા આવે છે.’
મેં ત્યાં વાત અટકાવી નહીં. મને ખૂબ ઈર્ષ્યા આવતી હતી તેવું નથી પણ હું કબીર પાસેથી એ કહેવડાવવા માગતી હતી કે એને મારી કેટલી કદર-કાળજી છે. ‘સોનિયા સાહની કહેતી હતી કે એ તારા તરફ ખૂબ આકર્ષાઈ છે. તું એને માટે શું અનુભવે છે?’

‘વેલ, જો અભિનેત્રીને તમે ગમી જાઓ તો તે તમારી પાછળ પડી જાય છે અને જ્યારે એ તમને મેળવી ન શકે ત્યારે તે તમારી સાથે રહી શકાય તેવા રસ્તાઓ શોધે છે એટલે એ પોતાના પ્રોડ્યુસરને તમારું નામ સૂચવે. આપણે બસ ખાલી રમત રમવાની… જો તું આ જ મિજાજમાં હો તો હું તારી સાથે બિલકુલ વધારે ચર્ચામાં પડવા નથી માગતો.’

સવારે ઊઠી ત્યારે મારો ગુસ્સો ઠંડો પડી ગયો હતો અને મને ખ્યાલ આવ્યો કે આ જાતની વસ્તુઓ કેટલી ઘાતક બની શકે છે. મિસ્ટર સ્ટાર બાલ્કનીમાં ઊભા હતા તેમને જોઈને મને જરાક અભિમાન થયું કે એમને અમારામાં વિશ્ર્વાસ હતો કે અમે વિવેકશીલ છીએ. મારો સવાલ છે ત્યાં સુધી અમારું લગ્ન તો કબીરે ફિલ્મ લાઈન લીધી ત્યારથી જ ખતમ થઈ ગયું હતું. ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મેં એને જાણે સોંપી દીધો ને છેવટે ગુમાવી દીધો. એ પછીની પ્રક્રિયા એટલે સતત અમારા બેનું એકબીજાથી વધુ ને વધુ દૂર થતાં જવું. એ થયું ધીમી ગતિએ. એ ખૂબ જ ધીમે ધીમે થયું, એટલું ધીમે કે અમે અમારી આ દૂરીને આવતી જોઈ પણ ન શક્યાં.
પણ હું હજુય પાગલની જેમ કબીરના પ્રેમમાં હતી. જ્યારથી અમે મળ્યાં અને ખાસ કરીને અમે સાથે રહેવાનું શરૂ કર્યું તે પછી હું આ પુરુષથી અંજાયેલી જ રહી હતી. મેં એને હીરો ગણી એની પૂજા કરી હતી. હું કબીરને કહ્યા કરતી કે મેં ઘણા પુરુષોને દુ:ખી કર્યા છે, પરેશાન કર્યા છે અને તેથી ક્યારેક મારો ય બદલો લેવાશે ને હું પણ દુ:ખી-પરેશાન થઈશ. એ ક્ષણના વિચારે હું ભયથી કાંપી ઊઠતી. અંદરખાનેથી મને ખ્યાલ હતો કે કબીર જ એકમાત્ર એવી વ્યક્તિ હતી જે મને હર્ટ કરી શકે તેમ હતો. આ બાબત માટે-વિચ્છેદ માટે હું એટલી બધી તૈયાર થઈ ગઈ હતી કે જ્યારે મને એનો ભાસ થતો ત્યારે હું રાહત પણ અનુભવતી અને છતાં ભીષણ પીડા અનુભવતી. મારી અસલામતી સલામત હતી. અમે બંને લગ્ન બહાર સેક્સ અને સંગી (કંપેનિયન)ની શોધ કરતાં હતાં. એ મારા માટે મોટાભાઈ જેવો બની ગયો. કદાચ એને પોતાને પણ એ અભાવ સાલવા લાગ્યો કે હવેથી મને એનામાંના ‘પુરુષ’ની કોઈ જ જરૂર નથી રહી અથવા કદાચ ખરેખર હકીકતમાં તો એને પોતાને જ મારા માટે સેક્સ્યુઅલ ખેંચાણ ન રહ્યું, તે અંગે તે જ દોષી હોવાનો અનુભવ કરતો હતો. એ જે હશે તે પરંતુ અમારા વચ્ચે કોઈપણ કારણસર સેક્સ સંબંધ બંધ થઈ ગયો.

૧૯૭૧ની શરૂઆતમાં જ મને કસુવાવડ થઈ ગઈ. હું ભાંગીને ભુક્કો થઈ ગઈ. હતાશા (ડિપ્રેશન) એ મારો પૂરો કબજો લઈ લીધો. હું હજુ હોસ્પિટલથી ઘેર આવી કે તરત કબીરે મને કહ્યું કે, ‘સીમા’ ફિલ્મના શૂટિંગ માટે એણે મનાલી જવાનું હતું. એકલા રહેવાના વિચારે મને ભયભીત કરી મૂકી. મને ત્યાં સુધીની બીક લાગી ગઈ કે હું જીવતી જ નહીં રહું. હું એની પાસે રડી પડી.

બિચારો કબીર. હું જોઈ શકી હતી એને માટે જવું કેટલું અઘરું હતું. એ રાત્રે સૂતા પહેલાં હું રડતી રહી. બીજે દિવસે વહેલી સવારે મેં દરિયા તરફ નજર કરી. મને અમારા યુવાન જર્મન પડોશી દેખાયા. એ બીચ પર જોગિંગ કરતા હતા. અમારી બરાબર બાજુના ફ્લેટમાં બીજા ત્રણ જર્મનો સાથે રહે. એ જર્મનો બધા એન્જિનિયર હતા. તે દિવસે એને બરાબર ધ્યાનથી જોયો ત્યારે જ એ કેટલો બધો સોહામણો છે તેનો એકદમ ખ્યાલ આવ્યો, ને તે સાથે ખૂબ સહજ રીતે પૌરુષી પણ. એનું શરીર ખેલાડી કે કુસ્તીબાજનું હતું, ચામડી તાંબા જેવી અને વાળ ભૂખરા.

બે દિવસ પછી મને નાના ચૂડાસમાને ઘેર ગોઠવાયેલી પાર્ટીમાં આમંત્રણ મળ્યું. હું મારી સાથે કોઈ આવે-એસ્કોર્ટ તરીકે તેવું ઈચ્છતી હતી. ફ્રેડ મારી સાથે આવવા રાજી થઈ ગયો. કદાચ ફ્રેડને પાર્ટીમાં બહુ મજા પડી
નહોતી તેથી મેં એને સૂચવ્યું કે આપણે ‘હેલ’ ડિસ્કોથેકમાં ડાન્સ કરવા જઈએ. અમે ખૂબ નાચ્યાં, ખૂબ હસ્યાં અને બંનેને શરાબે ઊંચે ચડાવી દીધાં હતાં. હું અમારી જિંદગીની સંવાદિતાને હચમચાવવા નહોતી માગતી. મને કોઈ લાડ કરે, ભેટે, હૂંફ આપે એ બધું મારે જોઈતું હતું, પરંતુ સેક્સ બાબતે હું અનિશ્ર્ચિત હતી. અમે ઘેર આવ્યા. બહુ જ ભારે હાથે મેં મારા પર્સમાંથી મારા ઘરની ચાવી બહાર કાઢી. મેં આગલું બારણું ખોલ્યું. હું ફ્રેડ સામે હસીને બોલી, ‘થેંક્યુ, ફ્રેડ તું ખૂબ મૂલ્યવાન છે.’ ચૂપચાપ એ થોડોક નીચે વળ્યો, જરાક આગળ આવ્યો. એણે મારા કપાળ પર ચૂમી ભરી અને પછી ઝડપથી ફરી ગયો. એના ઘર તરફના પેસેજમાં ચાલતો થયો. બીજે દિવસે સવારે મેં પૂજાનું ખીલખીલાટ હસવું અને આનંદની કિકિયારીઓ સાંભળી, તે સાથે ફ્રેડનું ઘેરું હાસ્ય પણ. હું એકદમ કોરિડોરમાં ધસી આવી અને જોયું કે પૂજા ફ્રેડના ખભાને ઘોડો બનાવી બેઠી હતી.

ફ્રેડ બોલ્યો, ‘મને તારા માટે જેટલી તડપ છે એની અડધી પણ તને મારા માટે હોય તો અહીં રહે. જો એમ ન હોય તો હમણાં જ જતી રહે અને મને ફરી કદી ન મળતી.’
‘આઈ લવ યુ’ મેં કહ્યું. મારા શબ્દોમાં ડૂસકાં હતાં. મારી ભૂખથી હું જ અચંબો પામી ગઈ. હું ફ્રેડ પાસે રોજ વહેલી સવારે, બપોર પછી જ્યારે એ કામ પરથી પાછો આવતો ત્યારે અને પછી રાત્રે જતી, છતાં આટલું મારા માટે પૂરતું નહોતું. લગભગ આખો મહિનો અમે બે એવી રીતે રહ્યાં જાણે કે દુનિયા આખીનું અસ્તિત્વ જ ન હોય. જાણે હું પરણેલી સ્ત્રી નહોતી, કે એ એવો વિદેશી નહોતો જેને થોડા મહિના જ ભારતમાં રહેવાનું હતું, પછી ચાલ્યા જવાનું હતું. ફ્રેડ, પૂજા અને હું અમે એક સુખી પરિવાર બની ગયાં હતાં. (ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો લીલા મરચાને વરસાદમાં સ્ટોર કરવાની ટીપ્સ જાણો