લાડકી

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી- જિંદગીનાં બંધનો વચ્ચે મુક્તિની ઝંખના

શ્વેતા જોષી-અંતાણી

સુહાની અઢાર વર્ષે એડલ્ટ થઈ ત્યાં સુધીમાં બે વાત પાક્કે પાયે શીખી ચૂકેલી. એક કે આઝાદીની વાતો એવા લોકો માટે હોય છે, જેમની પાસે કરવા માટે કંઈ હોતું નથી. બીજું: દુનિયા સોહામણી લાગે, જ્યારે એને ઘોળીને પી જનાર વ્યક્તિ તમારું હમરાહ બન્યું હોય… આ બંન્ને વાત એણે ઋષિ પાસેથી શીખેલી.

અગિયારમા ધોરણમાં અન્ય શહેરમાંથી ટ્રાન્સફર લઈને આવેલો એ છોકરો. લાંબો, થોડા વિખરાયેલા રહેતા વાળ, શર્ટની અડધી વાળેલી બાંયો. અવાજ ઘૂંટાયેલો ને ખુલેલું હાસ્ય. સ્વભાવે તદ્દન નિષ્ફિકર એવો એ ક્લાસમાં સૌથી છેલ્લે પ્રવેશ કરતો. જ્યારથી આવ્યો ત્યારથી શિક્ષકોના માથાનો દુ:ખાવો બની ગયેલા ઋષિ પાછળ અન્ય સ્ટુડન્ટ્સ દીવાના હતા, કારણ કે શિક્ષક હોય કે સહાધ્યાયી, ક્લાસમાં જવાબ એવી રીતે આપતો જાણે કોઈ વાતની એને પરવાં જ ના હોય.

બીજી તરફ સુહાની ક્લાસમાં ટોપ કરનારા વિદ્યાર્થીઓમાંની એક હતી. ભણેશરી, શાંત અને કામથી કામ રાખનારી. એની દુનિયા ઋષિથી બિલકુલ અલગ, છતાંય જ્યારે એક દિવસ ક્લાસ પત્યા પછી ઋષિ એની પાસે આવ્યો અને સીધું પૂછી લીધું,: ‘હાય, અહીં ઊભા રહેવા મળશે? આર યુ કમ્ફર્ટેબલ?’ એના એક હાથમાં સિગારેટ હતી. એ જોઈ સુહાની ખચકાય ઊઠી, પણ ના પાડી શકી નહીં, કારણકે, ઋષિ એને ગમતો.

આ પણ વાંચો…ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી : ઉછળતી લાગણીના સમુદ્ર વચ્ચે એક શાંત-સ્થિર તરુણીનો મિજાજ પલટાય ત્યારે…

એણે અનેકવાર અરીસા સામે ઊભા રહી ઋષિ સાથે વાત કરવાનું રિહર્સલ કરેલું. સામે ચાલી વાત શરૂ કરવાનું વિચારેલું. ઋષિ કંઈ પૂછે તો એને ‘હા’ પાડવાની પ્રેક્ટિસ કરેલી, પણ હકીકતમાં એ ક્ષણ કંઈક અજીબ હતી. ધુમાડાથી ભરેલી. ના પાડવા મજબૂર કરે એવી ને તેમ છતાં અંદરથી રોમેરોમ પર કબ્જો જમાવનારી.

એ સાંજે બન્ને ટ્યુશન ક્લાસ પાછળ તૂટેલી દીવાલને અઢેલી બેઠા. ઋષિએ ફરી સિગારેટ સળગાવી. જાણે કોઈ મોટો મીર મારતો હોય એ અદાથી એણે સુહાની સામે જોયું. સુહાની ઉધરસ ખાતા બોલી: ‘તું કેમ આ કરે છે?’ જવાબમાં ઋષિએ ખભ્ભા ઉલાળી, આંખ મીંચકારતા કહ્યું,: ‘કારણ કે, હું કરી શકું છું. મને એ વાતથી નફરત છે કે કોઈ મને કંટ્રોલ કરે…’ એણે સિગરેટ બતાવતા કહ્યું:

‘મને જે મરજી પડે એ પ્રમાણે હું કરું..’ સુહાનીના હૃદયમાં એ એક વાક્યએ ઋષિને હીરો બનાવી દીધો, કારણ કે સુહાની જાણતી હતી કે મરજી મુજબ જીવવું એટલે શું? એના મા-બાપ એની દરેક પરીક્ષા, માર્ક્સ, પ્રવૃત્તિ, મિત્રો, ભવિષ્ય બધા પર નજર રાખતા આવેલાં. એવું લાગતું કે જાણે સુહાનીનાં સપનાઓ પણ એમણે નક્કી કરેલાં છે. એની સામે પોતાની મરજી મુજબ જીવતાં, જે ગમે તે કરતાં, સંપૂર્ણ સ્વતંત્રતાના માલિક એવા આ છોકરાથી લગાવ થવા લાગ્યો.

આ પણ વાંચો…ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ કારકિર્દીનાં વર્ષો દરમિયાન અપેક્ષાઓનો બોજ

દિવસો જતાં ધીમે-ધીમે એ વધારે સમય ઋષિ સાથે વિતાવવા લાગી. પહેલા ટ્યુશનમાં બંક મારતી થઈ. પછી એક દિવસ ‘ગ્રુપ સ્ટડીમાં છું’ એમ કહી બહાના બનાવતા શીખી. હરવું-ફરવું, બિન્દાસ્ત રખડવું, વરસાદમાં પલળવું ને કાફેમાં ચાની ચુસ્કી લેતાં ઋષિનાં સ્વચ્છંદી સપનાઓમાં ભાગીદાર બનવું. સુહાનીને જિંદગી હવે ખરેખર સોહામણી લાગવા લાગી. ઋષિ સાથે એને બહુ મજા આવતી….એમાં ને એમાં દિવસો ક્યાં પસાર થઈ જતા, એનો લગીરેય ખ્યાલ રહેતો નહીં. ઋષિ એને કહેતો, ‘મારે તો પહાડોમાં જવું છે. દરિયા કિનારે રખડવું છે. અહીંથી ક્યાંક દૂર ચાલ્યા જવું છે. જ્યાં મને કોઈ જ ના ઓળખતું હોય. જ્યાં સ્કૂલ ના હોય, ભણવાનું ના હોય, પરીક્ષાઓ ના હોય. બસ, એયને મોજ કરવાની, જિંદગી જીવવાની અને ખુશ રહેવાનું..!’.

સુહાની આવા કોઈ અપેક્ષા કે દબાણ વગરના જીવનની વાતો રસપૂર્વક સાંભળતી. પોતે કેટલી બંધનમાં છે એ વિચારે વ્યથિત પણ થતી. એના મનના એક ખૂણામાં મુક્ત જીવનની અનેક કલ્પનાઓ આકાર લેતી રહેતી. એ ઋષિની આઝાદીભર્યા વિચારોને બ્રહ્મવાક્ય માફક જહનમાં ઉતારતી રહેતી. પણ, સુખમય જીવનના ખ્યાલોમાં તિરાડ પડી. પ્રિ-બોર્ડર્સનાં રિઝલ્ટમાં સુહાની એક વિષયમાં ફેલ થઈ. જેમાં પાસ થયેલી એ વિષયોમાં પણ નાપાસ બરાબર જ માર્ક્સ આવેલા. પપ્પાએ બે દિવસ એની સાથે વાત ના કરી. મમ્મી રોઈ-રોઈને અડધી થઈ ગઈ, પણ સુહાનીને નાપાસ થયાનો વસવસો હોય એવું એમને વર્તાયું નહીં એટલે સુહાની પર બંધનો લદાવાના શરૂ થયાં.

એ રાત્રે એણે ઋષિને માંડ શોધ્યો. સ્ટ્રીટ લાઇટ નીચે બેસેલો એ મસ્ત મજાનો પોતાની ધુનમાં ખોવાયેલો હતો. સુહાની હાંફતી હાંફતી એની પાસે પહોંચી: ‘યાર, હું ફેલ થઈ ગઈ…’ ઋષિએ એની સામે જોયું. ફરી એ જ ખભ્ભા ઉલાળી નિષ્ફિકરો જવાબ આપ્યો: તો શું થઈ ગયું? ભણવું-ગણવું તો મજાક કહેવાય. હવે તું મારી જેમ મુક્ત છો. ફ્રી બર્ડ. સમજી? ચાલ, આજે તો થઈ જાય…’ કહી સિગારેટ એની સામે ધરી: ‘તારો મૂડ ઠીક કરવાનો આ સરળ રસ્તો છે…!’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button