એકલા દાદાનું આ હતું ‘બોલતું’ એકાંત… | મુંબઈ સમાચાર
લાડકી

એકલા દાદાનું આ હતું ‘બોલતું’ એકાંત…

નીલા સંઘવી

અમૃતલાલ એમનું નામ. અમે એને ‘દાદા’ કહેતા, કારણ કે એમનાં પૌત્ર-પૌત્રીઓ એમને દાદા કહેતા હતાં. એ અમારા પાડોશી. આજે અમે પતિ-પત્ની ભૂતકાળની સ્મરણયાત્રાએ વળગ્યા હતા અને ‘દાદા’ને યાદ કર્યાં. અમૃતલાલને યાદ કરતા જ મને યાદ આવ્યું, મારે ‘સંધ્યા છાયા’નો લેખ લેખવાનો હતો. તો આ અઠવાડિયાના લેખ માટે અમૃતલાલ દાદા જ યોગ્ય છે.

આમ તો અમૃતલાલનો ભર્યોપૂર્યો પરિવાર હતો, પરંતુ ત્રણ દીકરા અને બે દીકરી પછીની સુવાવડમાં દીકરીને જન્મ આપીને એમનાં પત્ની ગુજરી ગયાં. એ જમાનો સંયુક્ત પરિવારનો હતો. દાદાના ભાઈની પત્નીએ પોતાના બાળકો સાથે અમૃતલાલનાં સંતાનોને પણ ઉછેર્યાં. બંને ભાઈનાં સંતાનો મોટાં થયાં એટલે પછી જુદા થયાં. દાદાની બંને દીકરીઓ અને ત્રણેય દીકરાઓ પણ પરણ્યા. પછી ત્રણેય દીકરાઓ જુદા રહેવા ગયા. દાદા મોટા દીકરા સાથે રહેતા હતા. દાદા જે ઘરમાં રહેતા હતા એ ઘર એમનું હતું. જે મોટા દીકરા સાથે એ રહેતા હતા એના દીકરાઓ પણ મોટા થયા એટલે પોશ એરિયામાં ઘર લીધું અને ત્યાં રહેવા જવાનું હતું. દીકરાએ દાદાને સાથે આવવા કહ્યું પણ એ પોતાનું જૂનું ઘર છોડીને ક્યાંય જવા તૈયાર ન હતા. બધાંની સમજાવટ છતાં દાદા કોઈની સાથે ન ગયા. દાદા એકલા રહેવા લાગ્યા.

આ પણ વાંચો: આ તો દીકરા કે દીપડા?

મારો પરિચય દાદા સાથે હું પરણીને ગઈ ત્યારે થયો. ત્યારે એ ઓલરેડી એકલા હતા. ઘર મોટું હતું. આમ તો અમે રહેતા એ મકાન ફલેટ સિસ્ટમ ન કહી શકાય, પણ અમે પાંચમે માળે રહેતા હતા ત્યાં એક ઘરમાં મારો પરિવાર અને બીજા ઘરમાં દાદા એકલા એટલે એક રીતે શાંતિ હતી.

દાદાને બપોરે અને રાતે દીકરાઓના ઘરેથી ટિફિન આવી જાય. બપોરે એક દીકરાના ઘરેથી અને રાતે બીજા દીકરાના ઘરેથી. પોતાના ચા-પાણી દાદા હાથે જ બનાવી લે.

મારા પરિવારનો દાદા સાથે ઘેર જેવો સંબંધ. દાદા મોજથી જીવે. જમવા ઉપરાંત જે કાંઈ ચીજવસ્તુઓ જોઈતી હોય તે દાદા દીકરાઓને જણાવી દે એટલે દીકરાઓ ટિફિનની સાથે દવા કે નાસ્તો જે કાંઈ મગાવ્યું હોય તે મોકલી આપે.

આ પણ વાંચો: તંદુરસ્તી તમારા પગમાં…

દાદા સાંજે ચાર-પાંચ વાગે તૈયાર થઈને ઘરેથી નીકળે. ખાદીનું ધોતિયું, ખાદીનો ઝભ્ભો અને ખાદીની ટોપી એ દાદાનો પહેરવેશ. આ કપડાં સફેદ બાસ્તા જેવાં. એક સાથે ત્રણ- ચાર જોડ ધોવાના ભેગાં થાય એટલે દાદા ધોવા માટે દીકરાના ઘરે મોકલી આપે અથવા કોઈવાર ઘરે ઘરકામ માટે આવતી કામવાળી બાઈ પાસે પણ ધોવડાવી લે.

સાંજે નીકળે પછી થોડેક દૂર આવેલી દીકરાઓની દુકાને જાય, કોઈવાર કોઈ સગાં-સંબંધીને મળવા જાય. કોઈવાર સિનેમા જોવા જાય. મારા પરિવારજનો અખબાર દાદાને ઘેર જઈને વાચે.

એ સમયે દુરદર્શન પર રવિવારે ફિલમ દેખાડતા. દાદાને ત્યાં હજુ ટીવી ન હતું. તેથી એ અમારે ત્યાં ફિલમ જોવા બેસે. દાદા ફિલમ જોવાના ભારે શોખીન હતા, પણ મુસીબત ત્યાં થાય કે એમને પંખાની હવા બહુ ફાવે નહીં એટલે પંખો ધીમે કરાવે. અહીં એ પોતાનો હક્ક સમજે, સંબંધ જ એવો હતો. અમને ગરમી લાગે તકલીફ પડે પણ દાદાને ફાવે નહીં એટલે ન કરીએ. અમે દાદાને પૂછીએ, ‘એકલાં એકલાં કેમ રહો છો? બધાંની સાથે રહોને. દીકરાઓ આટલા સુખી છે તો ત્યાં ગમશે.’

આ પણ વાંચો: અહા…કેવી મસ્ત મજાની જિંદગી!

‘ના, રે ના મને મારું એકાંત ગમે. ઘણાં વર્ષો બધાંની સાથે રહ્યો. હવે જિંદગીનાં છેલ્લાં વર્ષો મારે મારા એકાંત સાથે જીવવું છે. જુઓ, કોઈની સાથે રહેતા હોઈએ તો એમની અનુકૂળતા પ્રમાણે જીવવું પડે. મારે મારી અનુકૂળતા – મારી ઈચ્છા પ્રમાણે જીવવું છે’ દાદા કહેતા.

કોઈવાર દાદાનું ટિફિન મોડું આવે તો એમને ન ચાલે. પોતાના સમયે જમવા જોઈએ. ટાઈમ કરતા પાંચ-દસ મિનિટ મોડું થાય એટલે આમથી તેમ આંટા મારવા લાગે. બીજી પાંચ-દસ મિનિટ થાય એટલે અમારા ઘેર આવે અને કહે, ‘મને જમવાનું આપી દો, હજુ ટિફિન આવ્યું નથી.’ એટલે અમે થાળી પીરસીને આપી દઈએ. એ જમાનામાં ગણીને રોટલી કરવાનો રિવાજ ન હતો. ઘરમાં એકાદ-બે જણ જમવામાં ભળી જાય તેટલું રાંધવામાં આવતું. દાદા હક્કપૂર્વક જમવાનું માગી લે. આમાં ન તો એમને કશું અજુગતું લાગે કે ન અમને.

આ પણ વાંચો: ઉત્તરાવસ્થાને આમ ઉત્તમાવસ્થા બનાવી શકાય!

દાદા પોતાની થેલીમાં એક પડીકામાં વરિયાળી, બીજા પડીકામાં સોપારી રાખે. અમારે જમ્યા પછી મુખવાસ દાદાના પડીકામાંથી જ ખાવાની આદત થઈ ગઈ હતી. એક મોટી પ્લાસ્ટિકની કોથળીમાં ચણા રાખે. જે નાના બાળકો મળે તેમને ચણા આપે. થોડીક સંતરા પીપર પણ રાખે બાળકોને આપવા માટે. એક આખો મોટો ડબ્બો ભરીને પાર્લે-જી બિસ્કિટ મગાવે. એ મોટા ડબ્બામાં ચાર-ચાર બિસ્કિટના ઘણાં બધાં પેકેટ હોય. બાળકોને, ગરીબોને એ બિસ્કિટ ખવડાવે. અમારે ત્યાં કોઈ વાર હું ઘરે ન હોઉં અને મારાં બાળકોને નાસ્તો કરવો હોય તો દાદા પાસે જઈને બિસ્કિટ લઈ આવે. દાદા ક્યારેય ના ન પાડે. દાદાના ટિફિનમાં મીઠાઈ કે ઊંધિયું કે ફરસાણ જેવી વાનગી આવે તો એ જમતા પહેલા અમારા માટે કાઢી લે અને અમને ચખાડે. એમની પુત્રવધૂઓ પણ આ વાત જાણે એટલે વધારે જ મોકલે. પછી તો ઘરે ટીવી પણ લઈ લીધું હતું. એટલે ટીવી જુએ, રેડિયો સાંભળે. એમને ડાન્સ જોવા બહુ ગમે. હેમામાલિનીના નૃત્યના ભારે પ્રશંસક. આમ મસ્ત મૌલાની માફક જીવતા દાદા શરીરે સ્વસ્થ હતા, પણ લગભગ 85-86 વર્ષની ઉંમરે ઓપરેશન કરાવવું પડ્યું, હોસ્પિટલમાં 3-4 દિવસ રહ્યા ને બધાને અલવિદા કરી ગયા.

કોઈ એક વૃદ્ધ વ્યક્તિ કકળાટ કર્યા વગર એકલી કેવી રીતે જીવી શકે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે અમૃતલાલ દાદા…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button