લાડકી

કે વહુરાણી આવ્યા રે…

કૌશિક મહેતા

ડિયર હની,

મને એ દ્રશ્ય બરાબર યાદ છે જ્યારે તારો ગૃહપ્રવેશ થયો. નવી વહુનું સ્વાગત થયું. એ વિધિ અને એ પ્રસંગના ગીત …અને તારા ચહેરા પર નવા ઘરમાં આવવાનો ઉમંગ અને થોડો ઉચાટ મિશ્રિત ભાવ જોયા હતા. આપણે ત્યાં વહુએ વગોવ્યા મોટા ખોરડા …એવા ગીત છે. સાંસ ગાલી દેવે, સસુરાલ ગેંડા ફૂલ જેવા ગીત છે પણ સાથે વહુનાં આગમન માટે કેવી સરસ મજાની પરમ્પરા છે!

હમણા જ એક લગ્નમાં આવું જ એક મજાનું દ્રશ્ય જોવા મળ્યું. વહુને એક ખુરશી પર બેસાડવામાં આવી છે અને સામે વર પક્ષના બધા સભ્યો સાથે મળી વહુને આવકારતું ગીત ગાઈ રહ્યા છે. આવાં દ્રશ્યો આંખોમાં ભરી લેવાનું મન થઇ જાય છે. એક યુવતી પોતાનું ઘર છોડી સાસરિયામાં સમાઈ જવાની શીખ સાથે આવે છે અને એનું આગમન ઉમળકાથી થવું જ જોઈએ.

આપણે ત્યાં વહુને આવકારવાનાં અનેક ગીતો છે અને એમાં આપણી સંસ્કૃતિ ઝલકે છે. આજની યુવા પેઢીને એની ખબર જ નથી. આ ગીતોનું એક સૌન્દર્ય છે. જેમ કે, એક બહુ જાણીતું ગીત છે…. આંગણિયે વવરાવો અમોલખ આંબા જ્યારે નવી વહુ ઘરમાં પ્રવેશ કરે, ત્યારે તેને આંબાના રોપા સમાન માનીને આ ગીત ગવાય છે.

આંગણિયે વવરાવો અમોલખ આંબા,
કે વહુરાણી આવ્યા રે…
ઘરના ઉંબરાને પૂજો રે ગોરલ ગાયે,
કે વહુરાણી આવ્યા રે…
સાસુજી ઓવારણાં હોંશે હોંશે લ્યો રે,
કે વહુરાણી આવ્યા રે…
નણંદબા તો મોતીડે વધાવે રે,
કે વહુરાણી આવ્યા રે…

નવા સભ્યનું આગમન આ રીતે વધાવાય અને એમાં ઘરના બધા સભ્ય સાથે હોય એ આપણી પારિવારિક ભાવનાનું પ્રતિબિંબ પાડે છે. વહુને ઘરની લક્ષ્મી ગણવામાં આવે છે અને એનું ય ગીત છે.

આજ મારે આંગણિયે અજવાળા થયા,
કે સાક્ષાત્ લક્ષ્મીજી પધાર્યા…
ઝાંઝરના ઝણકારે હૈયા હરખાયા,
કુમકુમ પગલે વહુરાણી આવ્યા…

ગુજરાતી લોકગીતો ભાવનાત્મક અર્થ ધરાવે છે. ‘આંગણિયે વવરાવો અમોલખ આંબા’ના અર્થને સમજવા જેવો છે. નવી વહુની સરખામણી ‘આંબા’ (કેરીનું ઝાડ) સાથે કરવામાં આવી છે. જે રીતે આંબાનું ઝાડ ઘટાદાર હોય છે અને મીઠાં ફળ આપે છે,
તેમ વહુ પણ પરિવારમાં પ્રેમ અને મીઠાશ ફેલાવશે. ‘અમોલખ’ એટલે જેનું કોઈ મૂલ્ય ન આંકી શકાય તેવું. ઘરના ઉંબરાને પૂજો રે ગોરલ ગાયે… આ ઘરનો ‘ઉંબરો’ એ મર્યાદા અને પવિત્રતાનું પ્રતીક છે. ‘ગોરલ ગાય’ એટલે ગાય જેવી પવિત્ર અને શાંત વ્યક્તિ. વહુ જ્યારે ઘરમાં આવે છે ત્યારે ઉંબરાની પૂજા કરીને તેને માન-સન્માન સાથે ગૃહ-લક્ષ્મી તરીકે સ્વીકારવામાં આવે છે.

આવાં ગીતો હિન્દી ભાષામાં છે અને અન્ય ભારતીય ભાષામાં પણ છે. હિન્દીમાં એને ‘બન્ની’ અથવા ‘સ્વાગત ગીત’ કહેવામાં આવે છે. સૌથી જાણીતું અને લોકપ્રિય ગીત છે:

‘આજ મેરે આંગન મેં આઈ હૈ લક્ષ્મી,
ખુશિયોં કા દીપક જલાતી હૈ લક્ષ્મી…’
આજ મેરે ભાગ્ય જાગે, મેરે ઘર આઈ લક્ષ્મી,
સોને કી થાલી મેં ભોજન પરોસું,
પ્રેમ કી ગંગા બહાતી હૈ લક્ષ્મી…
સાસુજી પલક પાવડે બિછાયે,
નનદ રાની ઉનકા રસ્તા સજાયે.’

પલક પાવડે બિછાયે એ એક હિન્દી મુહાવરો છે, જેનો અર્થ થાય છે ‘ખૂબ જ આદર અને પ્રેમ સાથે રાહ જોવી.’ સાસુ પોતાની વહુના સ્વાગત માટે આતુર છે.

વહુ આવે એટલે ઉંબરા પૂજન થાય છે. એનું ય ગીત છે. જ્યારે વહુ પહેલીવાર ઘરનો ઉંબરો ઓળંગે ત્યારે આ પંક્તિઓ ગાવામાં આવે છે:

‘પગલી પડો પ્યારી બન્ની,
ખુશિયાં લાઓ પ્યારી બન્ની…’

બન્ની એટલે નવવધૂ. ઉંબરા પૂજન અને કંકુ પગલાં થાય એ વિધિ બહુ મજાની હોય છે.

તને ખબર નહિ હોય પણ પશ્ચિમના દેશોમાં પણ નવી વહુના આગમનને વધાવવાની રીતિ છે, પણ એ અપાણાથી સાવ જુદી છે. પણ ભાવ કદાચ સમાન છે. પશ્ચિમી દેશોમાં સૌથી લોકપ્રિય પ્રથા એ છે કે વરરાજા પોતાની નવવધૂને પોતાના હાથમાં ઊંચકીને ઘરનો ઉંબરો ઓળંગાવે છે. જૂના સમયમાં એવી માન્યતા હતી કે જો વહુ ઉંબરો ઓળંગતી વખતે ઠોકર ખાય તો તે અપશુકન ગણાય, એટલે પતિ તેને ઊંચકીને ઘરમાં લાવે છે. આજે આ એક રોમેન્ટિક પ્રથા બની ગઈ છે.

અને વહુના આગમનને વધાવવાનાં ગીતો પણ છે. ત્યાં લોકગીતોને બદલે મોટાભાગે પોપ અથવા ક્લાસિક ગીતો વગાડવામાં આવે છે. જ્યારે નવી વહુ પહેલીવાર ઘરમાં અથવા રિસેપ્શન હોલમાં પ્રવેશે ત્યારે આ ગીતો લોકપ્રિય છે: “Home’ નામે એક ગીત છે … ‘Home is wherever I’m with you’ ખૂબ પ્રખ્યાત છે. જેનો અર્થ છે કે હવે વહુ માટે આ ઘર જ તેનું બધું છે.

પશ્ચિમમાં ગીતો ‘Toast’ આપવાની પ્રથા છે. સાસરી પક્ષના લોકો (સસરા કે જેઠ) ગ્લાસ ઉઠાવીને એક નાનકડું ભાષણ આપે છે જેમાં તેઓ કહે છે: Welcome to the family! We are so happy to have you as our daughter….. (પરિવારમાં તમારું સ્વાગત છે! તમને દીકરી તરીકે પામીને અમે ખૂબ ખુશ છીએ.) સંદેશો આપવાની પણ પ્રથા છે જેમાં લખવામાં આવે છે કે, Our home is brighter with you in it. Welcome home, dear! ! (એટલે કે તારા આવવાથી અમારું ઘર વધુ તેજસ્વી બની ગયું છે. સ્વાગત છે, બેટા!) કે પછી To our beautiful daughter-in-law: Thank you for completing our family….(અમારી સુંદર વહુને: અમારો પરિવાર પૂર્ણ કરવા બદલ આભાર.) આ પણ બહુ સુંદર છે, New family, new home, new memories. Let’s make them beautiful together!… નવો પરિવાર, નવું ઘર, નવી યાદો. ચાલો સાથે મળીને તેને સુંદર બનાવીએ!

25 વર્ષ સુધી પોતાના માતા પિતાના ઘેર રહી હોય, ભણી હોય, બાળપણથી માંડી યુવાનીના ઉંબર સીધીની સફર કરી હોય એ યુવતી એ બધી યાદો સાથે સાસરે આવતી હોય છે, બધું છોડી =ને આવતી હોય છે એનો આવકાર ઉમળકાભર્યો ના હોય તો જ નવાઈ.

  • તારો બન્ની

આપણ વાંચો:  કથા કોલાજઃ યુસુફની સાથેનો સંબંધ તૂટ્યા પછી હું કોઈ સાથે જોડાઈ શકતી નહોતી

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button