ઉંમર બનાવે એમને મનમોજી…

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ શ્વેતા જોષી-અંતાણી
‘અરેરે, અમારે શું દિવસ આખો ઢસરડાં જ કરવાના? ચોવીસે કલાક ને ત્રણસો પાંસઠ દિવસ કામ કરતી જાત ક્યારેક બીમાર તો પડે કે નહીં? રોજની માફક સ્ફૂર્તિથી કામ કરતી મા આજે સાવ ઢીલીઢફ છે એ શું તારી નજરે નથી ચડતું?’
મેઘનાનો આવો બબડાટ દાદર ચડતી સાચીની પીઠે અથડાયો. સાચી જવાબ આપવાની દરકાર કર્યા વિના રુમમાં ચાલી ગઈ. એનું વર્તન મેઘનાના મગજને રીતસર હલબલાવી ગયું. એને થયું કે ચક્કર આવીને પોતે પડી જશે. બેલેન્સ જાળવવા એણે પાસે પડેલી ડાઈનિંગ ટેબલની ખુરશીનો હાથો પકડી લીધો. થોડી ક્ષણ એમજ પસાર થઇ હશે ત્યાં ‘મમ્મી હું જાઉં છું, કહી સામો જવાબ સાંભળવાની દરકાર રાખ્યા વગર સાચી ઘરની બહાર નીકળી ગઈ. મેઘના કંઈ બોલે એ પહેલા સ્કૂટર ચાલુ થયાંના અવાજે એના મનને ધણધણાવી મુક્યું.
સ્કૂલમાં મનાઈ હોવા છતાં પણ ધરાર સ્કુટર લઈ ભાગી જતી સાચી પર એને દાઝ ચડી. આની પહેલા બે-ત્રણ વખત નોટિસ આવી ગયેલી કે તમારા બાળકને વાહન લઈ સ્કૂલ મોકલવા નહીં, પણ ટીનએજ જેનું નામ. સાચી તક મળ્યે ધરાર સ્કૂટર લઈ ભાગી જતી. રોજ તો મેઘના એની પાછળ ફર્યા કરતી એટલે પરાણે સાઈકલનો સહારો લેવો પડતો. ‘આજે મમ્મીને ઠીક નથી એટલે પીછો કરી શકશે નહી’. એનો અંદાજો લગાવી સાચીએ સ્કૂટર મારી મૂકેલું.
પાછળ વાહનની ઘરઘરાટી મેઘનાના મગજમાં ક્યાંય સુધી ચકરાતી રહી. ખેર, આખરે તો માનો જીવને? સાચી તો જતી રહી. સ્કૂલમાંથી ફરી ફરિયાદ આવશે તો ખોટું થશે. એમ વિચારી માંદી હોવા છતાં પણ ઉતાવળા પગલે ઘર બંધ કરી એણે સ્કૂલ તરફ પોતાનું વાહન હંકારી મુક્યું. રસ્તામાં એનું મન વિચારે ચડ્યું. અધૂરા મહિને દીકરી જન્મી અને કઈ રીતે બચી એ એનું મન જાણે છે. એ પછી પણ નાનપણમાં સાચી વારંવાર બીમાર પડે. મા તરીકે મેઘનાનું મન ઉચાટથી ઊભરાય જાય. એ સમયે દીકરી માટે રાતભરના ઉજાગરા વેઠવા જાણે સાવ સામાન્ય વાત હતી.
જોકે, અત્યારે પણ દીકરીના સ્વાસ્થ્ય પરત્વે મેઘના એટલી જ સજાગ રહે છે. પોતાનું સંતાન સ્વસ્થ રહે એ માટે પોતે કેટલી અસ્વસ્થતા ભોગવતી આવી છે. જ્યારથી સાચીને તરુણાવસ્થાની પાંખો આવી છે ત્યારથી મમ્મીને ઊલ્ટી થાય તો હવે એને સૂગ ચડે છે. ઉધરસ આવે તો આઘી ભાગે છે. નબળાઈ લાગે તો તું ફીટ રહેવા જીમ કેમ નથી જતી એવી સુફિયાણી સલાહો સૂઝે છે. જાતે ઉડતા શીખી ગયેલી સાચીને મા ને ચાલવામાં પડતી તકલીફ દેખાતી નથી. ક્યારેક તો સાચી એની તરફ નજર સુધ્ધાં નાખતી નથી. એમાં ક્યાંથી ખબર પડે કે મા ને આજે મજા છે કે નહીં ? આવા વિચારોથી મેઘનાની આંખો ભરાય આવી. ગળે ડૂમો બાઝી ગયો. દીકરી અચાનક એકદમ સ્વાર્થી બની ગઈ છે એવો પહેલીવાર અહેસાસ થયો.
સ્કૂલના મુખ્ય દરવાજા પાસે પહોંચતા મેઘનાએ આંખોમાં ઘસી આવેલા આંસુઓને પરાણે ખાળવાની કોશિશ કરી. શરીર તો અસ્વસ્થ હતુંજ. હવે મન પણ અસ્વસ્થતાની લગોલગ પહોંચી ગયું. પતિ કે અન્ય કોઇથી આ પ્રકારની અપેક્ષા રાખવાની એણે વર્ષો થયે મૂકી દીધેલી, પરંતુ દીકરી તરફથી એને આવી અપેક્ષા નહોતી. આ દુનિયામાં બીજું કોઈ નહીં તો પોતાનું સંતાન પોતાના નિ:સ્વાર્થ પ્રેમને ઝીલી શકશે એવી એને ખાતરી હતી, પરંતુ કુંપળમાંથી છોડ બનવાની પ્રક્રિયામાં વ્યસ્ત સાચીને પોતાના મૂળથી વિખૂટા થવાનો ખ્યાલ નહોતો એ પણ હકીકત હતી.
એવામાં સ્કૂલમાં ‘લાઈફ સ્કીલ’નો વિષય ભણાવતા માન્યતા મેમની નજર ઉદાસ આંખે સાચીને શોધતી મેઘના પર પડી. પાસે આવીને એણે હળવેથી પૂછ્યું, ‘તમે બરાબર છો? આર યુ ઓકે? મેઘનાને પાડવી હતી તો હા, પણ માથું નકારમાં હલી ગયું. ‘ઓહ, કંઈ વાંધો નહીં તમે મારી સાથે ચાલો ’ એમ બોલી માન્યતા મેમ એને પોતાની કેબિનમાં લઇ ગયા. થોડીવાર સેટલ થયા બાદ પૂછ્યું,’ શું થયું છે? તમે નિશ્ર્ચિતપણે મને કહી શકો છો.’ જવાબમાં મેઘનાએ બધું જ વર્ણવ્યું. જે એ થોડા સમય પહેલા વિચારી રહી હતી. માન્યતા મેમ તરુણોની પરિસ્થતિઓ સુપેરે સમજતા. એણે મેઘનાને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે, ક્યારેક માત્ર પોતાનું જ વિચારતા તરુણો સ્વાર્થી લાગવા એ સાવ સામાન્ય ઘટના છે.
‘પણ, હજુ થોડાં વર્ષો પહેલા તો એ મારો કેડો નહોતી મૂકતી. તને મજા નથી? ચાલ, ડોક્ટર પાસે જઈએ. મને રસોઈમાં મદદ કરવા દે. તું એકલી કામ કરી થાકી જઈશ. આવી કાળજી કરતી સાચી હવે એવું પૂછતી પણ નથી કે મમ્મી તને કેમ છે.’ ફરી મેઘનાએ ફરિયાદ કરી. એના હાથ પર હથેળી દબાવી માન્યતા મેડમે શાંતિથી જવાબ આપ્યો.
‘માત્ર તમે નહી, પણ જો સાચીના ફ્રેન્ડસની મમ્મીઓને પૂછશો તો એ પણ આ પ્રકારની ફરિયાદ કરશે. હા, તરુણો સ્વાર્થી હોય છે, પરંતુ એટલે નહી કે એ ખરાબ બની ગયા છે.’
મેઘના સામે જોઈ એણે આગળ ચલાવ્યુ :
‘માત્ર તમારી સાચી નહીં, વિશ્વભરમાં બધાં ટીનએજર હોર્મોન ચેન્જીસના શિકાર બને છે. એના કારણે એ self absorbed કે self centered બની જતા હોય છે. આ સમય દરમિયાન શરીરમાં ઓક્સિટોસીન નામનો અંત:સ્ત્રાવ ઉત્પન્ન થાય છે. જે મગજની ઈમોશનલ સાઈડને વધુ ઉજાગર કરે છે. એના કારણે તરુણો પોતાની જરૂરિયાતો પરત્વે વધુ સંવેદનશીલ બને છે.
સંતાનમાં આવેલી આ ટીનએજની નવી ઓળખાણ પચાવતા આપણને વાર લાગે એ સ્વાભાવિક છે. તમે થોડા રિલેક્સ થઈ જાઓ પછી આપણે આ અંગે વધુ વાતો કરીશું… રહી વાત સ્કૂટર લઈ આવવાની. તો એ બાબતે હું સાચી સાથે વાત કરી લઉ છું. પણ આપણે ચોક્કસ ફરી મળીશું. આઈ હોપ તમને થોડું સારું લાગ્યું હશે. ડોન્ટ વરી… ’ કહી મેડમે પોતાની વાત આટોપી લીધી.
આમ મેઘનાને બહુ રાહત તો નહોતી મળી, પણ એ આભાર માની બહાર નીકળી જ રહી હતી કે સાચીને ક્લાસમાંથી બોલાવવા મેડમે બેલ મારી. એ જોઈ એના અસ્વસ્થ મનને થોડો સધિયારો ચોક્કસ મળ્યો. કાશ,દીકરી થોડું સમજે એમ મનોમન પ્રાર્થના કરી અંતે એણે ઘર તરફ ડગ માંડ્યા.
આ પણ વાંચો…ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી: જિંદગીને પરફેક્ટ બનાવવી જરૂરી છે?



