સ્ટાઈલ પ્લસ : કઈ છે યુવાઓની ફેવરિટ હેરસ્ટાઇલ?

- વિવેક કુમાર
2024નું વર્ષ પૂરું થયું અને નવા વર્ષે નવું આવકારવામાં આવી રહ્યું છે. એમાં ફેશન અને સ્ટાઇલ પણ બાકાત નથી. યુવાઓમાં સૌથી વધુ સ્ટાઇલિશ હેર ટ્રેન્ડ કયો છે એનાં પર આપણે નજર નાખીશું. 2024માં ગૂગલ પર સૌથી વધુ કેટલીક હેર સ્ટાઇલને ખૂબ સર્ચ કરવામાં આવી હતી. યુવાઓ નવું અપનાવવા થનગનતાં હોય છે. તેમને સૌથી અલગ અને હટકે દેખાવાની ઇચ્છા હોય છે. તો ચાલો જાણી લઈએ કઈ છે એ હેરસ્ટાઇલ?
સ્વસ્થ અને ચમકદાર હેર સ્ટાઇલ: આ માત્ર એક હેર સ્ટાઇલ જ નહીં, પરંતુ આ એક સ્થિતિ છે. સ્વસ્થ અને ચમકદાર હેર સ્ટાઇલનો અર્થ છે કે એવો લૂક જે તમારા વાળને કુદરતી સુંદરતા આપે અને હેલ્ધી પણ દેખાય. આ સ્ટાઇલ વાળની લંબાઈ, એનો પ્રકાર અને ચહેરાના આકાર પર આધાર રાખે છે. આમ તો વાળની ચમક જાળવી રાખવા માટે એ ખૂબ માવજત માગી લે છે.
આ હેર સ્ટાઇલની કેટલીક વિશેષતાઓ:
વાળમાં કુદરતી ચમક એમાં હેલ્ધી શાઇન અને ફ્રેશનેસ આપે છે.
આ સ્ટાઇલમાં વાળ સ્મૂથ અને સોફ્ટ દેખાય છે.
ડ્રાય અને ડલ વાળને મોઇશ્ર્ચરાઇઝ રાખવામાં આવે છે.
આ સ્ટાઇલમાં વાળને એની ઓવર સ્ટાઇલિંગથી બચાવવામાં આવે છે અને એ કુદરતી સુંદર
દેખાય છે.
ઐશ્ર્વર્યા રાય બચ્ચનના વાળ હંમેશાં ચમકદાર, સિલ્ક અને નેચરલ લૂકમાં દેખાય છે. એના માટે વાળની ખૂબ કાળજી લેવી પડે છે.
મૂડી બ્રાઉન: ખરેખર તો આ વાળને કલર કરવાનો ટ્રેન્ડ છે. મૂડી બ્રાઉન એટલે ડાર્ક ભૂરો રંગ, જેનાં દ્વારા વાળની ચમક પર ધ્યાન આપવામાં આવે છે. આ કલરને હાઇલાઇટ કે કોઈ ઇફેક્ટ વગર વાળમાં લગાવવામાં આવે છે.
મૂડી બ્રાઉન વાળને ક્લાસી લૂક આપે છે.
આ દરેક સ્કિન ટોન માટે ઉપયોગી છે.
મૂડી બ્રાઉન લૂક મેળવવા માટે વાળને નિયમિત રૂપે કંડિશન કરવા જોઈએ, પરંતુ વધારે પડતી હિટથી વાળને બચાવવા જોઈએ. એનાથી વાળને નુકસાન થઈ શકે છે.
મૂડી બ્રાઉન વધુ સમય સુધી જાળવી રાખવા માટે યોગ્ય હેરકૅર ઉત્પાદનોનો ઉપયોગ કરવો જોઈએ.
સાઇડ પાર્ટિંગ હેર સ્ટાઇલ
આ હેર સ્ટાઇલ આ વર્ષે ખૂબ ટ્રેન્ડમાં રહેવાની શક્યતા છે. અમેરિકા, થાઇલેન્ડ, જર્મની અને ભારત સુધી દરેક યુવાઓ પછી એ મેલ હોય કે ફિમેલ હોય તેમને સાઇડ પાર્ટિંગ હેર સ્ટાઇલ આકર્ષક લાગી રહી છે. આમ તો આ કાંઈ નવી સ્ટાઇલ નથી, પરંતુ વર્તમાનમાં એનું ચલણ ખૂબ વધ્યું છે. એને યુવાઓ અલગ રીતે અપનાવી રહ્યાં છે. વાળને સાઇડ પાર્ટિંગ કરીને એને એક સાઇડમાં લઈ જઈને રબરથી પોનીટેલ બાંધવામાં આવે છે. આ લુકને વધુ હટકે દેખાડવા માટે પોનીટેલ બનાવતાં પહેલા એને હેર સ્ટ્રેટનરની મદદથી સ્ટ્રેટ બનાવવામાં આવે છે. દર વખતે આ સ્ટાઇલમાં કાંઈક નવાપણું જોવા મળે છે. યુવતીઓને આ સ્ટાઇલ ખૂબ પસંદ છે.
ફ્રેન્ચ બૉબ હેર સ્ટાઇલ
આ એક ક્લાસિક અને એવરગ્રીન સ્ટાઇલ છે. આ સ્ટાઇલ વીસમી સદીની શરૂઆતમાં ફ્રાન્સમાં ટ્રેન્ડમાં હતી. જોકે આજે એ ગ્લોબલ હેર સ્ટાઇલ બની ગઈ છે.
ફ્રેન્ચ બૉબ હેર સ્ટાઇલ લૂકની વિશેષતાઓ:
આ સ્ટાઇલ ખૂબ જ સરળ અને એના પર વધુ ધ્યાન નથી આપવું પડતું.
ફ્રેન્ચ બૉબ હેર સ્ટાઇલને ફાઇનલ ટચ આપવા માટે સ્ટ્રેટનરથી વાળને સીધા કરીને એના પર શાઇન સ્પ્રે કરવામાં આવે છે.
ફ્રેન્ચ બૉબ હેર સ્ટાઇલમાં બેબી લૂક સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. એમાં વાળને હલકા કર્લ કરીને વેવ્ઝ આપવામાં આવે છે.
આ હેર સ્ટાઇલ ન્યૂડ મેકઅપ અને મિનિમલ જ્વેલરી સાથે સૌથી વધુ સુટ થાય છે. બૉલીવૂડમાં દીપિકા પાદુકોણ આ સ્ટાઇલની સૌથી મોટી આઇકન રહી છે. આ ટાઇમલેસ હેર સ્ટાઇલ છે જે સાદગી અને સ્ટાઇલનું મિશ્રણ દેખાડે છે.
વેટ વેવ્સ હેર લૂક
વેટ વેવ્સ હેર એટલે કે વાળને એવી સ્ટાઇલ કરવામાં આવે છે જેથી કરીને એ ભીના દેખાય. આ હેર સ્ટાઇલ ગ્લેમરસ અને આધુનિક દેખાય છે. આ લૂક મુખ્યત્વે રેડ કાર્પેટ ઇવેન્ટ્સ કે પછી પાર્ટીઓમાં વધુ આકર્ષક લાગે છે.
આ પણ વાંચો…ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી : તરુણાવસ્થાએ ઉકળાટનો કકળાટ
વેટ વેવ્સ હેર લૂકની વિશેષતાઓ:
આ લૂક એવો દેખાય છે જાણે કે તમે હમણાં જ વાળ ધોયા હોય.
આ લૂકમાં વાળમાં હલકી લહેરખી દેખાય છે.
આ લૂકમાં વાળ ચમકદાર અને સ્વસ્થ દેખાય છે. આ ચમક હેરસ્પ્રે, જેલ અને ક્રીમથી આવે છે.
વેટ વેવ્સ હેર લૂક અપનાવવા માટે હેરસ્પ્રે, હેરજેલ અને ક્રીમને સમાનરૂપે લગાવીને ભીની ઇફેક્ટ આપી શકાય છે. એને ફાઇનલ ટચ આપવા માટે હોલ્ડ સ્પ્રે કાં તો શાઇન સ્પ્રે લગાવવાનો હોય છે. જોકે એક વાત ધ્યાન રાખવી કે આ લૂક અપનાવ્યા પછી વાળને વારંવાર હાથ ન લગાવવો. નહીં તો એની શાઇનિંગ અને લૂક બગડી જાય છે.