
- કાજલ ઓઝા-વૈદ્ય
(ભાગ-1)
નામ: લીસા મેરી પ્રેસ્લી
સમય: 2023, 12 જાન્યુઆરી
સ્થળ: યુસીએલએ વેસ્ટ વેલી મેડિકલ સેન્ટર, લોસ એન્જલસ, કેલિફોર્નિયા, યુનાઇટેડ સ્ટેટ્સ
ઉંમર: 54 વર્ષ
મારી આંખો બંધ છે. મારી પાસે ઊભેલો મારો પહેલો પતિ ડેની કીઓ અને મારી બે ટ્વિન્સ દીકરીઓ હાર્પર અને ફિનલે મારી સાથે છે… ધીરે ધીરે એક પછી એક લોકો આવવા લાગ્યા છે. મારી દીકરી રાઈલી લોસ એન્જલસથી નીકળી ગઈ છે. હવે, મારી પાસે બહુ સમય નથી એ વાત કદાચ સૌ સમજી ગયા છે.
આમ તો હૃદયરોગનો હુમલો આવ્યો છે (કાર્ડિયાક અરેસ્ટ) પરંતુ મુખ્ય સમસ્યા મારા આંતરડામાં થઈ રહેલો અવરોધ છે. વજન ઉતારવા માટે બેરિયાટ્રિક સર્જરી કરાવી, પરંતુ એ સર્જરીને કારણે ઊભા થયેલા કોમ્પ્લિકેશન્સ ધીરે ધીરે મારા પાચનતંત્રને નબળું પાડતા રહ્યા. બેરિયાટ્રિક સર્જરીમાં હોજરી નાની કરવામાં આવે, પરંતુ સમસ્યા એ છે કે હોજરી નાની થવા લાગી એની સાથે સાથે મારા આંતરડા પણ સંકોચાવા લાગ્યા.
હું જે ખોરાક ખાઉ એ મારા આંતરડામાં જ અટકી જવા લાગ્યા. સંકોચાઈ ગયેલા આંતરડામાં ખોરાક આગળ વધતો જ નહીં જેથી ધીમે ધીમે પાચનતંત્રની સમસ્યા વધવા લાગી… એ પછી આજે સવારે મને હાર્ટ એટેક આવ્યો, હવે હું અહીં, હોસ્પિટલમાં છું! ડેની ચૂપચાપ અદબવાળીને દૂર ઊભો છે… આમ તો અમારા છૂટાછેડા થયાને વર્ષો થયા છે, ડેની પછી મેં ત્રણ લગ્નો કર્યાં, તેમ છતાં આજે પણ ડેની મારી કાળજી રાખે છે અને મારો દોસ્ત બનીને સારા-ખરાબ સમયમાં ઊભો રહે છે.
હજી બે દિવસ પહેલાં જ અમે સાથે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્ઝના કાર્યક્રમમાં હાજરી આપી. ગયે વર્ષે બનેલી ફિલ્મ ‘એલ્વિસ’ (2022) ને સપોર્ટ કરવા માટે અમે સૌ ત્યાં પહોંચ્યાં હતાં. મારી સાથે મારી મા પ્રિસીલા પ્રેસ્લી પણ આવી હતી. એ ફિલ્મમાં એલ્વિસ પ્રેસ્લીનો રોલ હીરો ઑસ્ટિન બટલરે કર્યો છે. અમે સૌ એ ફિલ્મ અને ઑસ્ટિનને સપોર્ટ કરવા માટે ત્યાં પહોંચ્યા હતા. ફિલ્મ જોઈને મને લાગ્યું કે, જાણે એલ્વિસ ફરીથી જીવંત થઈને પોતાનો જ રોલ કરી રહ્યા હોય.
95th એકેડેમી એવોર્ડમાં એ ફિલ્મને બેસ્ટ પિક્ચર, બેસ્ટ એક્ટર, બેસ્ટ સાઉન્ડ, બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈન, બેસ્ટ સિનેમેટોગ્રાફી, બેસ્ટ મેકઅપ એન્ડ હેરસ્ટાઈલિંગ, બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈન અને બેસ્ટ ફિલ્મ એડિટિંગ માટે નોમિનેટ કરવામાં આવી. ગોલ્ડન ગ્લોબ એવોર્ડમાં પણ ઑસ્ટિન બટલરને ઉત્તમ અભિનેતા તરીકે નોમિનેટ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મને અનેક એવોર્ડ્ઝ મળ્યા. પ્રેક્ષકોએ પણ વધાવી લીધી ત્યારે એવું સમજાયું કે, એલ્વિસ પ્રેસ્લી હજી ભૂલાયા નથી!
ત્યાં મને મળેલા પ્રેસ અને મીડિયાને ઈન્ટરવ્યૂ આપતી વખતે મેં કહ્યું, ‘મને આ ફિલ્મ માટે ગૌરવ છે. ઑસ્ટિનના અભિનય અને ફિલ્મના સ્ક્રીનપ્લે માટે અને દિગ્દર્શન માટે બાર્ઝ લર્હમેનને પણ નોમિનેટ કરવામાં આવ્યા અને એવોર્ડ મળ્યા, જે ખરેખર ડિઝર્વ કરે છે. એમણે મારા પિતાને રૂપેરી પડદે ફરી એકવાર જીવંત કરી દીધા…’
મારા કેલિફોર્નિયાના ઘરે આજે સવારે હું કોફી પીતી હતી ત્યારે મને છાતીમાં દુ:ખાવો થવા લાગ્યો… બેવરલી હિલ્સની હસ્તીઓનો આ ફેવરિટ વિસ્તાર છે. મારું ઘર આધુનિક શૈલીમાં બાંધેલું, પહાડોની વચ્ચે આવેલું એક સુંદર ઘર છે.
મારા દીકરા બેન્જામિનના મૃત્યુ પછી મને ક્યાંય જવું ગમતું નથી, હું છેલ્લાા કેટલાય સમયથી ‘ગ્રેસલેન્ડ’ પણ ગઈ નથી. ગ્રેસલેન્ડ સાથે મારું બાળપણ, મારા જીવનનો ઉત્તમ સમય જોડાયેલો છે, પરંતુ બેન્જામિનના મૃત્યુ પછી મારે માટે ‘ગ્રેસલેન્ડ’ એક એવું સ્થળ બની ગયું જ્યાં મને મારી સ્મૃતિઓ પજવવા લાગી.
આમ જોવા જઈએ તો અમેરિકાના સૌથી વધારે વિઝિટ થયેલા અંગત ઘરોમાંનું આ એક છે. ‘વ્હાઈટ હાઉસ’ પછી સૌથી વધારે પ્રવાસીઓ આ ઘર-ગ્રેસલેન્ડની મુલાકાતે આવે છે. 1991માં આ સ્થળને નેશનલ હિસ્ટોરિક લેન્ડમાર્કનો આદર આપવામાં આવ્યો. મને લાગે છે કે, મારા પિતાનો આત્મા હજી સુધી આ ઘરમાં વસે છે. એમનું સંગીત મને હજી સંભળાય છે.
અમે આ ઘરને જરાય બદલ્યું નથી. મારા પિતાએ કરાવેલું ઈન્ટિરિયર, એમનો બેડરૂમ, જંગલરૂમ, એમના સંગીત માટેનો રૂમ બધું એવું ને એવું સાચવવાનો અમે પ્રયાસ કર્યો છે. મેમ્ફિસ (ટેનિસી)માં આવેલું આ ઘર જ્યારે મારા પિતાએ ખરીદ્યું (1957) ત્યારે મારા પિતાની ઉંમર ફક્ત 22 વર્ષ હતી. એ એમના સમયના સ્ટાર હતા અને ‘કિંગ ઓફ રોક એન્ડ રોલ’ બની ચૂક્યા હતા…
તમને કદાચ સવાલ થતો હશે કે હું કોણ છું? મારા પિતા કોણ? તો એનો જવાબ છે, મારું નામ લીસા મેરી પ્રેસ્લી છે. મારા પિતાનું નામ એલ્વિસ પ્રેસ્લી છે. એ જ એલ્વિસ પ્રેસ્લી જેણે અમેરિકાને પોતાના સંગીત, દેખાવ અને ફિલ્મોથી ગાંડું કર્યું હતું… એ જ એલ્વિસ પ્રેસ્લી, જેનાં વસ્ત્રો, ફેશન અને નૃત્યની આજે પણ કોપી થાય છે.
એમણે 31 ફિલ્મોમાં અભિનય કર્યો જેમાંની 27 સુપરહિટ હતી. એમની કોન્સર્ટમાં લાખો લોકો આવતા. સ્ત્રીઓ એમને જોઈને રડવા લાગતી. એમને કલ્ચરલ આઈકોન કહેવામાં આવતા. 1973માં એમણે આ દુનિયાનો પહેલો લાઈવ ગ્લોબલ ટેલિવિઝન કોન્સર્ટ કરવાની પહેલ કરી, જેને ઘરમાં બેસીને કરોડો લોકોએ જોયો!
હું એ એલ્વિસ પ્રેસ્લીની દીકરી છું. એમના ગ્રેસલેન્ડના ઘરમાં મારો જન્મ થયો, પહેલી ફેબ્રુઆરી, 1968. મારી મા પ્રિસીલા સાથે એલ્વિસ પ્રેસ્લીને પ્રેમ થઈ ગયો હતો. 1959માં એલ્વિસ યુએસ આર્મીમાં બે વર્ષની સેવા આપવા માટે જોડાયા હતા. એના મેનેજર કર્નલ ટોમ પાર્કરે મારા પિતાની ઈમેજ સુધારવા માટે આ નિર્ણય કર્યો હતો.
એ સમયે અમેરિકામાં દરેક યુવકને પોતાના જીવનના બે વર્ષ યુએસ આર્મીને આપવા પડતા. મારા પિતા સુપરસ્ટાર હતા. એમણે મેમ્ફિસનું આ ઘર ‘ગ્રેસલેન્ડ’ ખરીદી લીધું હતું. એમની જીવનશૈલીની કોપી અમેરિકાના યુવકો કરતા જેને લીધે સરકાર અને મીડિયા પર દબાણ ઊભું થયું કે, એલ્વિસને પણ અમેરિકન સામાન્ય યુવકની જેમ સેનામાં સેવા આપવાની ફરજ પાડવી જોઈએ.
કર્નલ ટોમ પાર્કરે આ તકનો પ્રમોશન માટે ઉપયોગ કરવાનું નક્કી કર્યું. એમણે મારા પિતાને સમજાવ્યા કે, એમણે બે વર્ષ સેનાને આપવા જોઈએ… શરૂઆતની આનાકાની પછી એલ્વિસ માની ગયો. અહીં, એને ડ્રાફ્ટ સિસ્ટમના અંતર્ગત સેનામાં મોકલવામાં આવ્યો. ટોમ પાર્કરે મીડિયા અને પ્રેસને આમંત્રિત કર્યા, એલ્વિસ સેનાની બસમાં ચડે એ પહેલાં એને પોતાની વાન પર ઊભો રાખીને પ્રેસ અને મીડિયાને સંબોધન કરવાની છુટ મળી…
આ પ્રસંગ અને એ વખતનું એલ્વિસનું સંબોધન એની રિબેલિયસ (વિદ્રોહી) ઈમેજને તો સાફ કરવામાં મદદરૂપ થયા જ સાથે સાથે એક દેશભક્તની છબી ઊભી થઈ શકી, જે પાછા ફર્યા પછી એલ્વિસને ખૂબ મદદરૂપ થઈ. 58થી 60 દરમ્યાન જર્મનીમાં થયેલા પોસ્ટિંગ દરમ્યાન એલ્વિસ (મારા પિતા)ની મુલાકાત પ્રિસીલા બોલીયૂ (મારી મા) સાથે થઈ. એ એક મોહિત કિશોરી અને એક સુપરસ્ટારની અનોખી મુલાકાત હતી.
એલ્વિસ 23 વર્ષનો હતો અને મારી મા 14 વર્ષની. પ્રિસીલાના પિતા (સાવકા) ત્યાં અમેરિકી વાયુસેનામાં કમાન્ડર હતા. મારા પિતા અને મારી માની પહેલી મુલાકાત સૈનિકોની એક પાર્ટી દરમ્યાન થઈ. એલ્વિસ એ વખતે માત્ર અમેરિકા જ નહીં, બલ્કે બ્રિટન અને યુરોપના અનેક દેશોમાં લોકપ્રિય ગાયક અને રોકસ્ટાર હતા. મારી મા એની ફેન હતી. 20મી સદીની આ સૌથી ચર્ચિત અને સૌથી રોમેન્ટિક લવસ્ટોરી છે… પ્રિસીલા એક સિન્ડ્રેલા હતી, અને એલ્વિસ જાણે કોઈ રાજકુમાર…
એ પછી બંને જણાં ચોરીછુપી મળવા લાગ્યા. પ્રિસીલાના પિતાને જ્યારે આ જાણ થઈ ત્યારે એમણે પ્રિસીલાને સ્પષ્ટ મનાઈ ફરમાવી, કે એ એલ્વિસને નહીં મળી શકે. મુખ્ય કારણ તો એ હતું કે, એલ્વિસ અમેરિકન હતો અને બે વર્ષ પછી એ અમેરિકા પાછો જતો રહેવાનો હતો! એલ્વિસ સુપરસ્ટાર હતો, પ્રિસીલાના પિતાને લાગતું હતું કે, એલ્વિસ એના જર્મનીના નિવાસ દરમ્યાન પ્રિસીલા સાથે ફક્ત ફ્લર્ટ કરે છે, ટાઈમપાસ કરે છે… સિરિયસ નથી.
પ્રિસીલા મારા પિતાને મળી શકતી નહોતી, પરંતુ એ લોકો એકબીજાને પત્રો લખતા. આ પત્ર વ્યવહાર એલ્વિસ સેનામાંથી નિવૃત્ત થઈને બે વર્ષ પછી અમેરિકા ગયો ત્યારે પણ ચાલુ રહ્યો. અંતે, 17 વર્ષની ઉંમરે પ્રિસીલા પોતાના માતા-પિતાને સમજાવીને ગ્રેસલેન્ડના ઘરમાં એલ્વિસ સાથે રહેવા આવી ગઈ. એલ્વિસે પ્રિસીલાના પિતાને વચન આપ્યું કે, એ પ્રિસીલાનું ધ્યાન રાખશે અને એનો અભ્યાસ બંધ નહીં થાય…
અહીંથી શરૂ થાય છે, મારા જન્મનું કારણ બનેલી એક અવિસ્મરણીય લવસ્ટો (ક્રમશ:)
આપણ વાંચો: મુખ્બિરે ઈસ્લામઃ કોઈ દેખે યા ન દેખે અલ્લાહ દેખ રહા હય…