કથા કોલાજઃ મારે તો રોજિંદા જીવન માટે પણ સંઘર્ષ કરવો પડ્યો છે

- કાજલ ઓઝા-વૈદ્ય
(ભાગ: 5)
નામ: લીસા મેરી પ્રેસ્લી
સમય: 2023, 12 જાન્યુઆરી
સ્થળ: યુસીએલએ વેસ્ટ વેલી મેડિકલ સેન્ટર, લોસ એન્જલસ, કેલિફોર્નિયા, યુનાઇટેડ સ્ટેટ્સ
ઉંમર: 54 વર્ષ
એક મા ઉપર પોતાના પુત્રની આત્મહત્યાની અસર શું હોઈ શકે… એ જાણવા માટે તો એ પીડામાંથી પસાર થવું જ પડે! બેન્જામિન બાળપણથી જ શાંત અને એકલવાયો હતો. ડેની સાથેના મારા છૂટાછેડા પછી એ વધુ એકલવાયો થઈ ગયો. એની બહેન રાઈલી સાથે એ વાત કરતો.
પોતાના મનની વાતો રાઈલી સાથે શેર કરતો, પરંતુ જ્યારે રાઈલી ટીનએજમાં આવી અને યુનિવર્સિટી ભણવા ચાલી ગઈ ત્યારે બેન્જામિન પાસે એવું કોઈ નહોતું જેની સાથે એ મનની મૂંઝવણ શેર કરી શકે… જે કંઈ થયું એ માટે હું મારી જાતને જવાબદાર ગણું છું! એક મા તરીકે મારી જવાબદારીઓ અને મારાં પુત્ર પરત્વેનું કર્તવ્ય હું પૂરું કરી શકી નહીં, એ વાત મને આજે કોરી ખાય છે! માઈકલ સાથે મેં લગ્ન કર્યાં ત્યારે બેન્જામિન 3 વર્ષનો હતો… ઝાઝું સમજતો નહોતો.
એ લગ્ન બે વર્ષમાં પૂરા થઈ ગયાં. એ પછીનો મારો બધો સમય મેં મારાં સંતાનોમાં કેન્દ્રિત કર્યો. સાચું પૂછો તો ડેનીએ પણ બેન્જામિન અને રાઈલી માટે ઘણો સમય ફાળવ્યો છે. તેમ છતાં, બેન્જામિન પોતાના જીવનના સંઘર્ષને સમજી કે સ્વીકારી શક્યો નહીં. એ ઘણા ખરા અંશે એલ્વિસ પ્રેસ્લી જેવો દેખાતો હતો એટલે મારા પિતાના ફેન્સ એની પાસેથી એલ્વિસ પ્રેસ્લી જેવા સંગીતની અપેક્ષા રાખતા હતા. એને પોતાનું નામ અને અસ્તિત્વ શોધવું હતું, પરંતુ મીડિયા અને અન્ય ફેન્સ મળીને બેન્જામિનને બીજો પ્રેસ્લી બનાવવાનો પ્રયાસ કરતા રહ્યા.
આ વાતનું બેન્જામિન પર બહુ પ્રેશર રહેતું. એ મને વારંવાર પૂછતો, ‘હું ગ્રાન્ડ પા જેવો દેખાઉં છું?’ હું એને સમજાવતી, શીખવતી કે ડીએનએમાં કેટલાક ગુણો આવે જેને કારણે આપણે આપણા વડીલો જેવા દેખાઈએ… પરંતુ, બેન્જામિન ધીમે ધીમે પોતાના દેખાવથી અને એની સાથે જોડાયેલા લોકોના રિએક્શનથી કંટાળવા લાગ્યો હતો. એને ‘એલ્વિસ પ્રેસ્લી’ નહોતું બનવું, એને બેન્જામિન બનવું હતું જેની તક એને કદી મળી જ નહીં!
આજે જ્યારે હું છેલ્લા શ્વાસ ગણી રહી છું ત્યારે પણ મારી પાસે મારા ત્રણ પતિઓ અને બીજા બોયફ્રેન્ડ્સમાંથી કોઈ હાજર નથી. ફક્ત ડેની, મારો પહેલો પતિ મારી પાસે હાજર છે. ડેની સાથેનો મારો સંબંધ સૌથી શાંત અને સમજદારીપૂર્વકનો રહ્યો. માઈકલ સાથેના મારા અફેર દરમ્યાન પણ ડેનીએ પૂરી સમજદારી દાખવીને કોઈ વિવાદ વગર છૂટાછેડા આપ્યા!
માઈકલ સાથેના લગ્ન પછી હું અને ડેની મળીને બાળકોને ઉછેરતા હતાં ત્યારે નિકોલસ સાથેના લગ્ન થયાં. બેન્જામિન જરાય તૈયાર નહોતો એ પછી માઈકલ લોકવુડ… બેન્જામિન માટે આ બધા આઘાત હતા. અંતે, જ્યારે માઈકલ સાથેના ડિવોર્સ ખૂબ બધા આક્ષેપો અને ગંદકી સાથે પૂરા થયા ત્યાં સુધીમાં બેન્જામિનને મારા માટેનો આદર કદાચ ખતમ થઈ ગયો હતો.
છૂટાછેડાના કેસ દરમ્યાન એક દિવસ બેન્જામિન ગુસ્સે થઈને ઘરમાંથી ચાલી ગયો. એ મોડી રાત્રે પાછો ફર્યો ત્યારે ક્યાંકથી પિસ્તોલ ખરીદીને આવ્યો હતો. 12 જુલાઈ, 2020… એણે પોતાને જ ગોળી મારીને આત્મહત્યા કરી. મારે માટે આ હચમચાવી નાખનારી ઘટના હતી. ડેની અંદરથી ભાંગી ગયો. રાઈલી માટે એના બેબી બ્રધરનું મૃત્યુ એક ભયાનક ડિપ્રેશન લઈને આવ્યું.
સૌએ અમારા પરિવાર સાથે સહાનુભૂતિ બતાવવાનો પ્રયાસ કર્યો. મીડિયાએ પણ આ ઘટનાને દસકાની અત્યંત દુ:ખદ ઘટના તરીકે વર્ણવી, પરંતુ હવે કોઈ ફેર પડવાનો નહોતો. અમે બેન્જામિનને ખોઈ ચૂક્યા હતા…
બેન્જામિનના મૃત્યુ પછી મારી અંદર અપરાધભાવનું એક તોફાન આવ્યું. હું મારા અંગત જીવનના સંઘર્ષોમાં એટલી વ્યસ્ત રહી કે મારાં બાળકોના મનમાં શું ચાલે છે એ જાણવા માટે મેં પૂરતો સમય ફાળવ્યો નહીં એ વાતનો અફસોસ મને આજે, અત્યારે પણ છે. કેટલીકવાર સંજોગો આપણને યોગ્ય રીતે વર્તવા દેતા નથી… મારા સંજોગો પણ મને અવારનવાર અહીંથી તહી ભટકાવતા રહ્યા.
લોકોને લાગતું હતું કે હું મેમ્ફિસનું ઘર અને એલ્વિસ પ્રેસ્લીનો વારસો મેળવીને બિલિયન્સની માલિક બની ગઈ છું, પરંતુ એવું કંઈ હતું નહીં. મારે તો રોજિંદા જીવન માટે પણ સંઘર્ષ કરવો પડ્યો છે. આ બધું ઓછું હોય એમ પ્રિસીલાએ ટ્રસ્ટી તરીકે ગ્રેસલેન્ડનું મેનેજમેન્ટ કર્યું, પરંતુ જ્યારે એ પ્રોપર્ટી અને એલ્વિસની બીજી આવક મને મળવા લાગી ત્યારે પ્રિસીલાએ કેસ કરી દીધો. અમે મા-દીકરી કોર્ટમાં સામસામે ઊભા રહીને મારા મૃત પિતાની આવક માટે ઝઘડ્યા… એ જીવંત હોત તો શું વિચારત, કેવી અનુભૂતિ થઈ હોત!
બેન્જામિન પછી મેં જીવનને નકારવાની શરૂઆત કરી દીધી હતી. હું બને ત્યાં સુધી એકલી જ રહેતી. કેલિફોર્નિયાના સૌથી સુંદર અને પ્રસિદ્ધ વિસ્તારમાં આવેલું ઘર મને ખાવા દોડતું હતું. એકલતાએ મને એટલી બધી ડરાવી દીધી હતી કે, મને સતત મૃત્યુના જ વિચાર આવતા. એ ગાળામાં ડેનીએ મને ખૂબ સહકાર અને સહારો આપ્યો. ડેની અવારનવાર આવતો. મારી સાથે રહેતો.
રાઈલી હવે અભિનેત્રી બની ચૂકી હતી. એકેડેમી એવોર્ડ્ઝ માટે નોમિનેટ થયા પછી રાઈલી પાસે ખૂબ કામ હતું. એ વારંવાર આવી શકતી નહીં… મારી બે દીકરીઓ હાર્પર અને ફિનલે એના પિતા પાસે રહેતી હતી કારણ કે, માઈકલ લોકવુડે દીકરીઓની કસ્ટડી માટે કોર્ટમાંથી હુકમ લીધો હતો…
ટૂંકમાં, એકલવાયું અપરાધભાવથી ગ્રસ્ત જીવન જીવતાં જીવતાં હું થાકી ગઈ છું. બેન્જામિન મારા સ્વપ્નમાં આવે છે. પોતાના મૃત્યુ માટે મને જવાબદાર ઠેરવે છે અને કહે છે કે, મેં એનું ધ્યાન ન રાખ્યું. હું સારી મા નથી બની શકી…
હું ઊંઘમાંથી જાગી જાઉં છું, ડરી જાઉ છું. હવે મારે પણ ઊંઘની ગોળીઓનો સહારો લેવો પડે છે. ડેની અને બીજા લોકો મને દવાઓના સહારે જીવવાની ના પાડે છે, પરંતુ હવે મારી પાસે બીજો કોઈ ઉપાય નથી એવું મને લાગે છે!
મારા પિતાની જેમ જ હું પણ વધતા વજન સાથે સંઘર્ષ કરી રહી છું. મારે પાતળા રહેવું છે, સારા દેખાવું છે, હજી સંગીત બનાવવું છે, અધૂરાં રહી ગયેલાં ગીતો લોકો સુધી પહોંચાડવાં છે… પરંતુ, હવે કશું નહીં થઈ શકે! બેરિયાટ્રીક સર્જરી દરમ્યાન ઊભા થયેલા કોમ્પ્લિકેશન્સને કારણે આજે સવારે મને હાર્ટ એટેક આવ્યો છે. મારું મૃત્યુ નિશ્ર્ચિત છે.
અત્યારે હોસ્પિટલના બિછાના પર સૂતી સૂતી બેહોશ હાલતમાં હું એક જ પ્રાર્થના કરી રહી છું, મારા મૃત્યુ પછી સ્વર્ગમાં મારા પિતાને મળી શકું, બેન્જામિનને મળી શકું અને એમને કહી શકું કે, હું એમને કેટલો પ્રેમ કરું છું! (સમાપ્ત)
આપણ વાંચો: કથા કોલાજઃ મારા પિતાની જેમ માઈકલ પણ દવાઓનો વ્યસની થઈ ગયો હતો