વિશેષઃ આ લાડકીનું જીવન જ એક સ્ટન્ટ છે!

રાજેશ યાજ્ઞિક
ક્યારેક ભાગ્ય આપણને બીજો કોઈ વિકલ્પ જ ન આપે ત્યારે શું કરવું? હિન્દીમાં કહેવત છે : ‘આગે કુઆ પીછે ખાઈ!’ જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે આપણી પાસે હિંમતવાન બનાવ સિવાય બીજો કોઈ ઉપાય જ નથી હોતો. પણ એક મહિલા એવી છે, જેના માટે તેનું જીવન જ એક સ્ટન્ટ છે! જે લાડકીની આજે વાત કરવી છે તે એક ફિલ્મી વ્યક્તિ ખરી, પણ એ હીરોઈન, ડાન્સર, ગાયિકા કે ડિરેક્ટર નથી. એ છે ભારતની પહેલી વ્યવસાયિક મહિલા સ્ટન્ટ કલાકાર રેશ્મા પઠાણ.
રેશ્માએ 1968માં માત્ર 14 વર્ષની નાની ઉંમરે સ્ટંટ ડબલ તરીકે ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે તેમની પાસે એકમાત્ર વિકલ્પ એ હતો કે કાં એ હિંમતવાન બને અથવા પોતાના પરિવારને ભૂખે મરવા દે. એ સમયે તેના પિતા એટલા બીમાર રહેતા હતા કે કોઈ કામ કરવાની સ્થિતિમાં નહોતા. તેની માતા ચોખાની ચોરી કરતી, જેમાં રેશ્મા તેમને મદદ કરતી હતી.
રેશ્મા એ સમયે અન્ય છોકરીઓથી અલગ હતી. ટોમ બોય કહીએ તેવી છોકરા જેવી તેને બધી રમતો ને એના જેવા તોફાન કરવા ગમતા. એ સમયે તેને વિસ્તારમાં પાર્ક કરેલા ટ્રકો, છત અને ફુવારાઓ પર અવનવાં કરતબો કરવામાં રોમાંચનો અનુભવ થતો હતો. આ રોમાંચ તેના માટે થોડા રૂપિયા કમાવાનું સાધન પણ બની ગયો. પરિવારનું ગુજરાન ચલાવવા માટે, રેશ્મા દોરડા પર કલાબાજી બતાવીને રાહદારીઓનું મનોરંજન કરતી.
આખો દિવસ જીવ જોખમમાં મૂક્યા પછી ક્યારેક દિવસમાં ચાર આના, તો ક્યારેક આઠ આનાની પણ તંગી પડતી. આવા જ એક દિવસે નસીબજોગે સ્ટંટ ડિરેક્ટર એસ અઝીમે તેને કરતબ કરતા જોઈ રેશમાને પૂછ્યું કે ‘ફિલ્મોમાં સ્ટન્ટ કરીશ?’ રેશ્માને તો આમેય આવા બધા ખેલ કરવામાં મજા આવતી જ હતી. તેમાં પણ જો તેને રૂપિયા મળતા હોય તો એનાથી રૂડું શું?! તે સમયે, ફિલ્મ ઉદ્યોગમાં કામ કરવું એ મહિલાઓ માટે શરમજનક વ્યવસાય માનવામાં આવતો હતો. ‘સારા ઘરની દીકરીઓ આવાં કામ ન કરે’ તેવું મનાતું. રેશ્મા રૂઢિચુસ્ત પરિવારની હતી એટલે તેના પિતાએ ઘસીને ના પડી દીધી.
રેશ્માના પિતાને અઝીમે ખાતરી આપી કે પોતે અંગત રીતે રેશ્માનું ધ્યાન રાખશે. આખરે ખૂબ મનાવ્યા પછી તેના પિતાએ હા પાડી. આ રીતે રેશ્માનું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પદાર્પણ થયું. અઝીમ આ વ્યવસાયમાં તેના ગુરુ બન્યા.
તેની પહેલી ફિલ્મ હતી ‘એક ખિલાડી બાવન પત્તે’માં વિખ્યાત લક્ષ્મી છાયાના બોડી ડબલ બનવાનું હતું. તે વખત હીરોઈનના બોડી ડબલ પણ પુરુષો જ થતાં કેમકે મહિલાઓ તો સ્ટન્ટ કરતી નહોતી. જે છોકરો બોડી ડબલ બનેલો તે 15-16 રીટેક બાદ પણ યોગ્ય સીન ન કરી શક્યો પછી સ્ટન્ટ માસ્ટર અઝીમે એ સીન રેશ્માને સમજાવ્યો અને રેશ્માએ પહેલા જ ટેકમાં પરફેક્ટ શોટ આપ્યો અને સેટ તાળીઓથી ગુંજી ઉઠ્યો.
રેશ્માનો સંઘર્ષ એનાથી પૂરો નહોતો થયો. સ્ટન્ટ કલાકાર તરીકે તે યુનિયનમાં નોંધણી કરાવવા ગઈ ત્યારે કોઈ તેનું સાંભળવા તૈયાર નહોતું. ત્યાં લોકો કહેતા કે જો છોકરી સ્ટંટ કલાકાર બનશે તો યુનિયનનું નામ ખરાબ થશે!
જોકે તેને મોટો બ્રેક રમેશ સિપ્પીના આઇકોનિક ફિલ્મ ‘શોલે’ (1975)માં મળ્યો. હેમા માલિનીના સ્ટંટ ડબલ તરીકે, તેણે ડાકુઓ ટાંગો ચલાવતી બસંતીનો પીછો કરે છે એ દૃશ્ય ભજવ્યું હતું. એક ખતરનાક ટેક દરમિયાન, ટાંગાનું એક પૈડું યોજના મુજબ તૂટી ન શક્યું, અને ગાડી એક ખડક સાથે અથડાઈ.
રેશ્મા હવામાં ઊંચે ઉછળી અને ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ. તેના પગ પર 17 ટાંકા લેવાની જરૂર હતી, છતાં તેણે હોસ્પિટલમાં દાખલ થવાનો ઇનકાર કર્યો. એને ભય હતો કે જો એને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો એનો રોલ કોઈ બીજો કરી લેશે… વિચાર કરો, કમાવાની કેવી મજબૂરી હશે કે એ ફિલ્મમાં પણ પોતાને મળેલી તક ચાલી ન જાય તે માટે એ જીવનું જોખમ લેવા તૈયાર હતી!
એ ઘાયલ થઈ એના બીજા દિવસે પણ હજુ લોહી વહેતું હતું. એનાથી ચાલી શકાતું નહોતું, છતાં તે સેટ પર પાછી આવી. શોટ દરમિયાન તેના ટાંકા ખુલી ગયા, પણ તેણે કોઈને કહ્યું નહીં. પછી તો આ પ્રકારની એની મક્કમતા રેશમાની ઓળખ બની ગઈ. ‘શોલે’ ના એ દૃશ્ય પછી, ધર્મેન્દ્રજીએ તેને બોલાવી 100 રૂપિયા આપ્યા. તે સમયે તે ખૂબ મોટી વાત હતી. આ 100 રૂપિયાની નોટ રેશ્માએ લગભગ એક દાયકા સુધી કિંમતી સંપત્તિની જેમ સાચવી રાખી. 1984માં નાણાકીય સંઘર્ષ દરમિયાન એ નોટ રેશ્માએ ક-મને વટાવવી પડી….
જોકે ‘શોલે’ના એના સ્ટંટ પછી એ ફિલ્મ ઉદ્યોગમાં ‘શોલે ગર્લ’ તરીકે જાણીતી જરૂર થઈ ગઈ. આમ છતાં, ઇન્ડસ્ટ્રીમાં તેને જાતિવાદ, ઉત્પીડન અને અસમાન વેતનનો પણ ભોગ બનવું પડ્યું, પરંતુ સંજોગો તેને હરાવી ન શક્યા. રેશ્માએ 400 થી વધુ ફિલ્મોમાં દિગ્ગજ અભિનેત્રીઓ માટે બોડી ડબલ તરીકે હજારો સ્ટંટ કર્યા.
તેણે ઘોડાગાડી ચલાવવાથી લઈને ઘોડેસવારી, ઊંચી ઇમારત પરથી કૂદકો મારવો, તલવારબાજી કરવી, દોરડા પર ચાલવું, ચાલતા વાહનમાંથી છલાંગ મારવી જેવાં સ્ટંટ કર્યાં છે. એની હીરોઇનનું લિસ્ટ પણ લાંબું છે, દુર્ગા ખોટે, મીનાકુમારીથી લઈને શ્રીદેવી, રેખા, હેમા માલિની, અમૃતા સિંહ વગેરે વગેરે. તેણે સૌથી વધુ ફિલ્મો હેમા માલિની માટે કરી છે.
રેશ્માની તેની હિંમત અને સંઘર્ષનો એક કિસ્સો જાણવા જેવો છે. અમૃતા સિંહની એક ફિલ્મ માટે તેણે પહેલા માળથી છલાંગ લગાવી હતી. ત્યારે એ પાંચ મહિનાની ગર્ભવતી હતી! ભગવાનની કૃપાથી તેને કે બાળકને કોઈ નુકસાન ન થયું.
તેના જીવન પર ‘શોલે ગર્લ’ નામની એક દસ્તાવેજી ફિલ્મ પણ બની છે. એ પછી લોકોમાં રેશ્મા વધુ જાણીતી થઈ. કાર્યક્રમોમાં બોલાવીને એને સન્માનિત કરતા થયા. નામ તો મળ્યું, પણ એક સ્ટન્ટ કલાકારના સંઘર્ષમાં દામ નથી મળતા.
અન્ય એક સ્ટંટ ડિરેકટર શકુર પઠાણ સાથે શાદી કરીને આજે પણ રેશ્મા એક સાધારણ જીવન જીવે છે. એના ચહેરા પર જીવનમાં પીછો કરતા સંઘર્ષોને ‘શોલે’ની બસંતીની જેમ હરાવી દેવાનો સંતોષ અને ગૌરવ ઝલકતું જરૂર જોઈ શકાય છે.
આ પણ વાંચો…વિશેષ: કેસર-ચંદનની વર્ષા જ્યાં થાય છે, તેવી દિવ્ય મંદિર શૃંખલા!



