લાડકી

હું બાંગ્લાદેશનું યોગ્ય નેતૃત્વ ન કરી શકી એવો આક્ષેપ

કથા કોલાજઃ કાજલ ઓઝા-વૈદ્ય

નામ: શેખ હસીના વાઝેદ
સમય: 2025
સ્થળ: અજ્ઞાત સ્થળ, દિલ્હી, ભારત
ઉંમર: 78 વર્ષ
જે ઉંમરે હું દિલ્હીમાં રહીને મારી સુરક્ષા માટે ઝઝૂમી રહી છું એ જોતાં મને એવું સમજાય છે કે, ભારત મને બહુ લાંબા સમય માટે અહીં નહીં રાખે. મેં પહેલાં લંડન જવાનો પ્રયાસ કર્યો, પરંતુ યુનાઈટેડ કિંગડમ દ્વારા મારા રાજકીય આશ્રય મેળવવાની દરખાસ્તને નકારી કાઢવામાં આવી. યુએઈ, સાઉદી અરેબિયા, બેલારૂસ કે કતારમાં પણ જો મને આશ્રય મળ્યો હોત તો મેં સ્વીકાર્યો હોત.

મારો ભત્રીજો ફિનલેન્ડ રહે છે એટલે મેં ત્યાં જવાનો પણ પ્રયત્ન કરી જોયો. મારો દીકરો સાજીદ વાઝેદ યુએસમાં રહે છે, પરંતુ યુએસ સરકારે બાંગ્લાદેશના મારા શાસન દરમિયાન મારી આકરી ટીકા કરી એટલું જ નહીં, 3 વખત મને યુએન દ્વારા નોટિસ આપવામાં આવી, એથી યુએસ જવાનો પ્રશ્ન ઊભો થતો નથી.

1991માં બીએનપીનો વિજય થયો, પરંતુ હું 3 જગ્યાએથી ચૂંટણી લડી એમાંથી 2માં હારી ગઈ. મેં મારી હાર સ્વીકારીને આવામી લીગના પક્ષ પ્રમુખ તરીકે રાજીનામું આપ્યું, પરંતુ મને પક્ષના નેતાઓએ વિનંતી કરીને પ્રમુખ તરીકે ચાલુ રહેવા આગ્રહ કર્યો. 1994માં બાંગ્લાદેશના રાજકારણે એક જબરજસ્ત વળાંક લીધો. મગુરારમાં ચૂંટણી યોજાઈ, પરંતુ બીએનપીના ઉમેદવારો ગોટાળા કરીને જીત્યા.

1994થી સંસદનો બહિષ્કાર કરવાની શરૂઆત થઈ. જેનું નેતૃત્વ મેં લીધું. ખાલિદા ઝિયા અને મારી વચ્ચે અહીંથી પહેલી તિરાડ પડી. અત્યાર સુધીમાં મને સમજાઈ ગયું હતું કે, ખાલિદા ઝિયાએ મારો ઉપયોગ કરીને પોતાની સત્તા સ્થાપી-પરંતુ હવે એ નહીં ચાલે એવું અમે સૌએ મળીને નક્કી કર્યું. એક અઠવાડિયાની હડતાળ પાડવામાં આવી અને 1995ના અંતમાં અનેક સંસદ સભ્યોએ સામૂહિક રીતે રાજીનામું આપ્યું.

જૂન, 1996થી હું વડા પ્રધાન તરીકે પહેલા કાર્યભાર સાથે ઓફિસમાં દાખલ થઈ. ભારત સાથે 30 વર્ષની પાણી વહેંચણી સંધિ પર હસ્તાક્ષર કર્યા. ઈન્ડેમ્નિટી એક્ટ રદ થયો. ચિત્તાગોંગ વિસ્તારમાં બળવાનો અંત લાવીને મેં યુનેસ્કોનો શાંતિ પુરસ્કાર જીત્યો. 1998માં બંગબંધુ બ્રીજ મેગા પ્રોજેક્ટ પૂરો કરીને નવી ઔદ્યોગિક નીતિ શરૂ કરી જેના પરિણામે બાંગ્લાદેશના અર્થતંત્રમાં જબરજસ્ત સુધારો થયો.

5મી પંચવર્ષીય યોજનામાં બેરોજગાર મહિલાઓ પર ધ્યાન આપીને અમે એક નવી જ દિશા ખોલી. એ સિવાય પણ અનેક નવી યોજનાઓ રજૂ કરીને અમે બાંગ્લાદેશને એક નવા વિશ્વમાં પ્રવેશ કરવા તૈયાર કર્યો. આ બધા છતાં 2001ની સામાન્ય ચૂંટણીમાં બીએનપી અન્ય પાર્ટીઓ સાથે અલાયન્સ કરીને 234 બેઠકો જીતી. મારા પતિના વતનની સીટ પણ હું હારી ગઈ. રાષ્ટ્રપતિ અને કાર્યકારી સરકારની મદદથી ચૂંટણીમાં ગોટાળા કરીને ફોર પાર્ટી અલાયન્સ (બીએનપી)એ પોતાની સરકાર બનાવી. અમે ફરી એક વાર વિરોધ પક્ષમાં ગોઠવાયા.

એ સમય દરમિયાન રાજકીય અશાંતિ અને હિંસામાં વધારો થયો. 3 સાંસદને ગોળી મારવામાં આવી. આવામી લીગની જાહેરસભામાં ગ્રેનેડનો હુમલો થયો. જેમાં 24 પાર્ટી વર્કર્સના મોત થયા. બીએનપીના વરિષ્ઠ ઉપાધ્યક્ષ તારીક રહેમાન સહિત અનેકને દોષિત ઠરાવવામાં આવ્યા જોકે, એ કેસને હાઈ કોર્ટમાં લઈ જઈને એમને નિર્દોષ જાહેર કરીને છોડાવવા માટે ખાલિદા ઝિયાએ ખૂબ મહેનત કરી.

22 જાન્યુઆરી 2007ના રોજ યોજાનારી ચૂંટણી પહેલાના મહિનાઓ રાજકીય અશાંતિ અને વિવાદોથી ભરેલા હતા.ઓક્ટોબર 2006 માં ખાલિદા ઝિયાની સરકારના અંત પછી, વિરોધ પ્રદર્શનો અને હડતાળ થઈ, જે દરમિયાન આગામી મહિનામાં 40 લોકો માર્યા ગયા, કારણ કે કાર્યકારી સરકારનું નેતૃત્વ કોણ કરશે તે અંગે અનિશ્ર્ચિતતા હતી. કાર્યકારી સરકારને બધા પક્ષોને ટેબલ પર લાવવામાં મુશ્કેલી પડી. આવામી લીગ અને મારા સાથીઓએ વિરોધ કર્યો અને આરોપ લગાવ્યો કે કાર્યકારી સરકારે બીએનપીની તરફેણ કરી.

જાન્યુઆરી, 2007માં બાંગ્લાદેશની સ્થિતિ એટલી ખરાબ થઈ કે રાષ્ટ્રપતિ યાજુદ્દીન અહેમદને કટોકટી જાહેર કરવાની સ્થિતિ ઊભી થઈ. લેફ્ટ. જનરલ મોઈનઉદ્દીન અહેમદે સરકારનો કબજો લઈ લીધો. રાજકીય પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને ફકરુદ્દીન અહેમદ સેનાના સમર્થનથી ફરી એક વાર કંટ્રોલ લઈ શક્યા.

18 એપ્રિલ 2007 ના રોજ, સરકારે મારા પાછા ફરવા પર પ્રતિબંધ મૂક્યો, કારણ કે તેમણે ઉશ્કેરણીજનક નિવેદનો આપ્યાં હતાં અને મારા પાછા ફરવાથી અવ્યવસ્થા થઈ શકે છે. આને એક કામચલાઉ પગલું કહેવાયું. કાર્યકારી સરકાર ખાલિદા ઝિયા દેશ છોડવા માટે પણ પ્રયાસ કરી રહી હતી.મેં સ્વદેશ પાછા ફરવાનું વચન આપ્યું હતું, અને 22 એપ્રિલ 2007 ના રોજ, હત્યાના આરોપમાં મારી ધરપકડ માટે વોરંટ જારી કરવામાં આવ્યું હતું. આ ‘સંપૂર્ણપણે ખોટો અને બનાવટી’ કેસ હતો. કોર્ટમાં આરોપો સામે પોતાનો બચાવ કરવાની માગણી કરી.

23 એપ્રિલ 2007 ના રોજ, ધરપકડ વોરંટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું, અને 25 એપ્રિલ 2007 ના રોજ, મારા બાંગ્લાદેશ પ્રવેશ પરનો પ્રતિબંધ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.યુનાઇટેડ સ્ટેટ્સ અને યુનાઇટેડ કિંગડમમાં 51 દિવસ વિતાવ્યા પછી, 7 મે 2007 ના રોજ હું ઢાકા પાછી ફરી, જ્યાં હજારો લોકોના ટોળા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. મેં એરપોર્ટ પર જ પ્રેસ કોન્ફરન્સ સંબોધી, પત્રકારોને કહ્યું કે સરકારે મને પાછી બોલાવવામાં આટલો વિલંબ ન કરવો જોઈતો હતો.

16 જુલાઈ 2007, મારી ધરપકડ મારા ઘરેથી કરવામાં આવી. મને ઢાકાની સ્થાનિક કોર્ટમાં લઈ જવામાં આવી.મારા પર ખંડણીનો આરોપ મૂકવામાં આવ્યો. જામીન નકારવામાં આવ્યા. મને જેલમાં રાખવામાં આવી. આ ધરપકડ રાજકીય રીતે પ્રેરિત હતી.17 જુલાઈ 2007ના રોજ,ભ્રષ્ટાચાર વિરોધી પંચે મને અને ખાલિદા ઝિયા બંનેને નોટિસ મોકલી, અમને એક અઠવાડિયામાં અમારી સંપત્તિની વિગતો પ્રદાન કરવા સૂચના આપી. 11 એપ્રિલના દિવસે મારી વિરુદ્ધ હત્યાના આરોપ દાખલ કરવામાં આવ્યા.

2 સપ્ટેમ્બર, પાવર પ્લાન્ટના બાંધકામ અને બીજા કોન્ટ્રાક્ટમાં મને ભ્રષ્ટાચારી સાબિત કરવામાં આવી. આ બધી પરિસ્થિતિમાં મારો દીકરો, મારી બહેન રેહાના અને મારા પિતરાઈ ભાઈ શેખ સલીમને પણ સંડોવવામાં આવ્યાં. રાજકીય ઉતાર-ચઢાવની વચ્ચે મારી તબિયત એટલી બગડી કે મને મેડિકલ કારણોસર જેલમાંથી છોડવી પડી. સારવાર માટે મારે યુનાઈટેડ સ્ટેટ્સ જવું પડ્યું જ્યાં લગભગ 2 મહિના સુધી હોસ્પિટલમાં રહીને મેં મારી તબિયતની કાળજી લીધી. 6 નવેમ્બર, 2008ના દિવસે હું પાછી આવી. ‘ગ્રાન્ડ અલાયન્સ’ના બેનર સાથે હુસૈન મોહમ્મદ ઈર્શાદના નેતૃત્વ સાથે અમે ચૂંટણીની જાહેરાત કરી… આ એજ મોહમ્મદ ઈર્શાદ હતા જેની સામે મેં અને ખાલિદા ઝિયાએ જંગ છેડી હતી.

6 જાન્યુઆરી, 2009ના દિવસે મેં બીજા કાર્યકાળ માટે વડા પ્રધાન તરીકે શપથ લીધા, પરંતુ બાંગ્લાદેશ રાઈફલ્સના બળવામાં અનેક લોકો મૃત્યુ પામ્યા. લશ્કરી અધિકારીઓ સાથેની મારી મુલાકાતનું રેકોર્ડિંગ બહાર પડ્યું, જેને કારણે ફરી એક વાર ભ્રષ્ટાચારનો આરોપ સળગ્યો. આ રાજકીય આવન-જાવન, આરોપો-પ્રતિઆરોપો અને બાંગ્લાદેશના આર્થિક ઉતાર-ચઢાવની વચ્ચે નાણાકીય વર્ષ 2021-22 સુધીમાં બાંગ્લાદેશનું દેવું સો બિલિયન પહોંચી ગયું. આ ફક્ત 10 જ વર્ષમાં બન્યું. સૌએ એને માટે મને જવાબદાર ઠેરવી અને મારા શાસનકાળ દરમિયાન હું બાંગ્લાદેશનું યોગ્ય રીતે નેતૃત્વ ન કરી શકી એવો આક્ષેપ મારા પર કરવામાં આવ્યો.

ફરી એક વાર જૂન, 2024માં વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા. પોલીસ શસ્ત્રદળો, આવામી લીગ, જુબો લીગ અને છાત્ર લીગના સભ્યો હિંસક થઈ ગયા જેને પરિણામે 2000થી વધારે લોકો મૃત્યુ પામ્યા અને 20 હજારથી વધુ ઘાયલ થયા. વિરોધ પ્રદર્શનના આયોજકોએ મારા રાજીનામાની માગ કરી. 5 ઓગસ્ટ, 2024 એ મેં રાજીનામું આપ્યું. મારે ભારત ભાગી જવું પડ્યું. પહેલાં કાર પછી હેલિકૉપ્ટર અને અંતે વિમાન દ્વારા હું મહામુશ્કેલીએ ભારત પહોંચી…

હવે હું ભારતમાં જ છું. નથી જાણતી કે, હવે શું થવાનું છે. મારી સામે અનેક કેસીસ ખોલવામાં આવ્યા છે. અનેક ભ્રષ્ટાચારના આરોપો, ખંડણીના આરોપો અને બીજા આક્ષેપો સાથે હું આજે અહીં ભારતમાં આશ્રય લઈને મારા દેશ પાછા ફરવાની રાહ જોઈ રહી છું. આજ સુધી મારા પર 19 હત્યાના પ્રયાસ થયા છે. 2004ના જાહેરસભાના ગ્રેનેડ હુમલા દરમિયાન થોડા સમય માટે મેં સાંભળવાની શક્તિ ગુમાવી હતી.

મારી પાસે સ્પેશિયલ સિક્યોરિટી ફોર્સની આજીવન સુરક્ષા છે, પરંતુ ઈન્દિરા ગાંધીને જેમ એમના જ સુરક્ષાકર્મીએ મારી નાખ્યા એમ હું પણ આજની તારીખે કોઈના પર ભરોસો કરી શકું એમ નથી… વતનથી દૂર, રાજકારણમાંથી નિષ્કાશિત, અપમાનિત અને આક્ષેપોનો સામનો કરી રહેલી હું મારા વતન પાછા ફરવાની પ્રતીક્ષા કરી રહી છું.
(સમાપ્ત)

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button