લાડકી

કથા કોલાજઃ બાંગ્લાદેશની રાજકીય ઊથલપાથલનો હું મહત્ત્વનો હિસ્સો છું…!

કાજલ ઓઝા-વૈદ્ય

(ભાગ: 1)
નામ: શેખ હસીના વાઝેદ
સમય: 2025
સ્થળ: અજ્ઞાત સ્થળ, દિલ્હી, ભારત
ઉંમર: 78 વર્ષ

આજે, 31 જાન્યુઆરીએ ખાલિદા ઝિયાનું નિધન થયું. બાંગ્લાદેશની રાજકીય પરિસ્થિતિ ખાલિદા ઝિયાનાં નિધનને કારણે બદલાશે એવું દુનિયાના ઘણા દેશો માને છે, પરંતુ બાંગ્લાદેશની આંતરિક પરિસ્થિતિ હું જાણું છું… ખાલિદા ઝિયાની પાર્ટી-બાંગ્લાદેશ નેશનલ પાર્ટીમાં છેલ્લા થોડા સમયથી એમનું પણ વર્ચસ્વ રહ્યું નહોતું. એમણે જ ઊભેલી કરેલી પાર્ટી જમાત-એ-ઈસ્લામીએ બાંગ્લાદેશ નેશનલ પાર્ટીને પછાડીને પોતાનું વર્ચસ્વ સ્થાપી દીધું છે.

માં નામ શેખ હસીના છે. બાંગ્લાદેશની પ્રધાનમંત્રીના પદ પર હોવા છતાં મારે બાંગ્લાદેશ છોડીને ભાગવું પડ્યું કારણ કે, મારા ઉપર હત્યા કે ફાંસીનો ખતરો તોળાઈ રહ્યો હતો. મને પહેલાં તો સત્તા છોડવા માટે મજબૂર કરવામાં આવી. મેં સત્તા છોડવાની ના પાડી-કારણ કે, હું સત્તા છોડું કે તરત મારા ઉપર ગંભીર અપરાધિક મુકદ્દમા શરૂ કરવાની ધમકી તોળાઈ રહી હતી. એ ન થાત તો મારી હત્યા કરવામાં આવત. જો મુકદ્દમા ચાલ્યા હોત તો ખાલિદા ઝિયા અને એની પાર્ટી બીએનપી મને મૃત્યુદંડ આપવા તૈયાર હતી. હું રાતોરાત બાંગ્લાદેશ છોડીને ભાગી…

હું છેલ્લા કેટલાય સમયથી ભારતમાં રાજનૈતિક શરણ લઈને જીવી રહી છું. મારા દેશથી દેશનિકાલ હોવાની સજા મને એક રાષ્ટ્રવાદી નેતા હોવાને કારણે મળી છે. 78 વર્ષની ઉંમરે દુનિયાની કોઈપણ વ્યક્તિ પોતાને ઘેર પાછી ફરવાનું પસંદ કરે જ્યારે હું ભારતમાં એક અજ્ઞાત સ્થળે વાસ કરી રહી છું. અસુરક્ષિત છું, કારણ કે બાંગ્લાદેશ અને ભારતની ટ્રીટી છે. અત્યારે ભારત પ્રત્યર્પણ કરવાની હા પણ નથી કહી રહ્યું અને ના પણ નથી કહી રહ્યું.

ભારતના નેતાઓ આ જવાબને ટાળી રહ્યા છે, પરંતુ ખાલિદા ઝિયાનાં નિધન પછી બાંગ્લાદેશની રાજનીતિક સ્થિતિ બદલાશે. જમાત-એ-ઈસ્લામીનું વર્ચસ્વ જે રીતે વધી રહ્યું છે એ જોતા બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓની સ્થિતિ પર જોખમ નિશ્ચિત છે. આ બગડતા રાજનીતિક સમીકરણોમાં હું કંઈ નથી કરી શકતી એ વાતે અસહાય અનુભવું છું મારી જાતને. ભારત મારો દેશ નથી-અહીં માં ઘર નથી. મારા સ્વજનો નથી. મારૂં મન રહી રહીને ઘેર પાછા ફરવા ઝંખે છે. અહીં પણ મને કોઈ ગોળી નહીં મારી દે, એ વાતની કોઈ ખાતરી નથી મારી પાસે.

અત્યારે મને રાજનૈતિક આશ્રય આપીને સુરક્ષિત સ્થાને રાખવામાં આવી છે, પરંતુ મને રાજકીય પ્રવૃત્તિ કરવાની છુટ નથી. પાર્ટી મિટિગ કે મારા રાજનૈતિક સાથીઓને મળવાની પરમિશન લીધા પછી જ એમને મળી શકું. સાર્વજનિક રીતે કોઈ ઈન્ટરવ્યૂ આપવાની કે પ્રેસને મળવાની મને છૂટ નથી, એટલે એક રીતે જોવા જઈએ તો હું નજરકેદની સ્થિતિમાં પારકા દેશમાં જીવી રહી છું. ખાલિદા ઝિયા જીવનભર મારા વિરોધી રહ્યાં કારણ કે, 1994ની ચૂંટણીમાં બીએનપીના ગોટાળા અને ચાલાકીથી જીતવાની એમની સ્ટે્રટેજી મેં ઉઘાડી પાડી. એ પછી સંસદનો બહિષ્કાર કર્યો.

1996માં અમે માગ કરી કે, આગામી ચૂંટણીઓ તટસ્થ રખેવાળ સરકાર હેઠળ યોજાય, પરંતુ એ વખતે ખાલિદા ઝિયા શાસક હતાં અને બીએનપી શાસક પક્ષ-એમણે આ માગણીઓ પર કાર્યવાહી કરવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો. અમે `આવામી લીગ’ પાર્ટીના સભ્યોએ સાથે મળીને અભૂતપૂર્વ ઝુંબેશ શરૂ કરી. એક અઠવાડિયા સુધી હડતાળ પાડવામાં આવી. બીએનપીની સરકારે અમારા પર આક્ષેપ કર્યો કે, અમે અર્થતંત્રને મોટું નુકસાન પહોંચાડ્યું.

1995માં આવામી લીગ અને અન્ય પક્ષના સંસદ સભ્યોએ સામૂહિક રીતે રાજીનામું આપ્યું. ફેબ્રુઆરી, 1996ની સામાન્ય ચૂંટણી યોજાઈ ત્યારે બીએનપી સિવાય તમામ પક્ષોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો, જેનાં પરિણામે બીએનપીએ બધી બેઠકો જીતી લીધી… આ ડેમોક્રસીની (લોકશાહીની) મજાક હતી.

હું મુજીબુર રહેમાનની દીકરી છું. મુજીબુર રહેમાન જેને બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા તરીકે ઓળખવામાં આવે છે એ મારા બાયોલોજિકલ પિતા છે. બાંગ્લાદેશની રાજકીય ઉથલપાથલનો હું મહત્ત્વનો હિસ્સો છું. આજે બાંગ્લાદેશમાં જે રીતે હિન્દુઓની કતલ કરવામાં આવે છે એ ખૂની માનસિકતાનો પાયો આજથી 20 વર્ષ પહેલાં નખાયો હતો. મારા પિતા શેખ મુજીબુર રહેમાનની હત્યા કરવામાં આવી. એમની સાથે સાથે મારા ભાઈ, ભાભીઓ, મારી મા અને મારી બહેનોને પણ મારી નાખવામાં આવી.

રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસી આવેલા સૈન્યના કેટલાક વિદ્રોહી અધિકારીઓએ રાષ્ટ્રપતિ ભવન, રેડિયો સ્ટેશન અને વિધાનસભાનો કબજો લઈ લીધો. લેફ્ટ. કર્નલ સૈયદ ફારૂક રહેમાન આ ષડયંત્રનું મુખ્ય બ્રેઈન હતા. લેફ્ટ. કર્નલ અબ્દુર રશીદ મારા પિતાના ઘરે ઘૂસી ગયા, એમણે મારા પિતાને ગોળી મારી એમ કહેવાય છે. મેજર બાઝલૂન હુડાએ મારા પરિવારના સભ્યોને મારી નાખ્યા. મેજર મોહિયુદ્દીન અહેમદે પણ મારા પિતાને ગોળી મારી હતી. એ સિવાય બીજા ઘણા લોકો હતા જેમાંના વીસેક જણાં અમારા ઘરે 32 ધાનમંડીના હુમલામાં સક્રિય હતા.

નવાઈની વાત એ છે કે, 1975થી 1996 સુધી આ કમકમાટીભરી હત્યાનો કેસ પણ ચાલ્યો નહીં. એમાંના કેટલાય લોકો ભાગી ગયા. હું એ વખતે જર્મની હતી અને મારી બહેન રેહાના પણ મારી સાથે હતી. અમને જાણ થઈ કે, મારા આખા પરિવારને મારી નાખવામાં આવ્યો છે અને અમારે થોડા દિવસ સુધી બાંગ્લાદેશ પાછા ફરવાનો વિચાર પણ કરવાનો નથી. હું આ સમાચાર સાંભળીને બેહોશ થઈ ગઈ હતી. કેટલાય દિવસ સુધી હું બોલી શકી નહીં… પ્રેસ અને મીડિયા આ ભયાનક પરિસ્થિતિને વખોડી રહ્યા હતા, પરંતુ એ વખતે ખોંદકર મુશ્તાક અહેમદને રાષ્ટ્રપતિ ઘોષિત કરવામાં આવ્યા. સંવિધાન નિલંબનની પ્રક્રિયા શરૂ થઈ અને હત્યારાઓને સુરક્ષા આપવામાં આવી.

સ્વાભાવિક રીતે, એ વખતે મેં પહેલીવાર ભારત પાસે સંરક્ષણ માગ્યું. મારા પિતા મુજીબુર રહેમાનને ઈન્દિરા ગાંધી સાથે ખૂબ સારા સંબંધો હતા. ઈન્દિરા ગાંધીના રશિયા સાથે સારા સંબંધો હતા. સોવિયત યુનિયનની તરફદારી અને સામ્યવાદી માનસિકતા તરફના ઝુકાવને કારણે જ કદાચ મારા પિતાના વિરોધીઓ વધતા ગયા. મુસલમાન હોવા છતાં મારા પિતા ધર્મ નિરપેક્ષતામાં માનતા. એમણે બાંગ્લાદેશમાં હિન્દુઓને પણ એમનો ધર્મ પાળવાની સ્વતંત્રતા આપી હતી જે ઘણા લોકોને ગમ્યું નહોતું. હું પણ ધર્મ નિરપેક્ષતાનો વારસો લઈને બાંગ્લાદેશની રાજનીતિમાં પ્રવેશી.

પાકિસ્તાન પરત્વે મને આજે પણ અવિશ્વાસ છે. પાકિસ્તાન અને અમેરિકાના સંબંધોને કારણે યુએનમાં પાકિસ્તાન પોતાનું ધાર્યું કરે છે એ આખું વિશ્વ જાણે છે, પરંતુ કોઈ કશું બોલી શકતું નથી. મારા પિતાએ બાંગ્લાદેશની સ્વતંત્રતા માટે અવાજ ઉઠાવ્યો, જેની કિમત ચૂકવી… 1971માં પાકિસ્તાની સેનાએ `ઓપરેશન સર્ચલાઈટ’ હેઠળ ઢાકા અને અન્ય શહેરોમાં જે હિંસા આચરી એના સાક્ષી છીએ અમે સૌ. ઈન્દિરા ગાંધીએ ઈમરજન્સીમાં જે કર્યું એનાથી ઘણો વધારે અત્યાચાર પાકિસ્તાને આજના બાંગ્લાદેશ અથવા પૂર્વી પાકિસ્તાન પર કર્યો!

1947માં જ્યારે પાકિસ્તાન અને ભારત છુટા પડ્યા ત્યારે મારો જન્મ થયો… ગોપાલગંજના તુંગીપારા ગામમાં હું જન્મી ત્યારે મારે બે બહેનો અને ત્રણ ભાઈઓ હતા. મારા પિતા બિલકુલ ઈચ્છતા નહોતા કે, અમે દેશમાં રહીએ કારણ કે, જે પ્રકારનું વાતાવરણ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ બંગાળીઓ માટે ઊભું કર્યું હતું એ પછી પાકિસ્તાનમાં બંગાળી મુસ્લિમો માટે કોઈ ભવિષ્ય નહોતું. મારી મા બેગમ ફઝિલા તુન્નેસા એક જબરજસ્ત સ્ત્રી હતી. મેં એને કદી હારેલી કે થાકેલી જોઈ નથી. આટલાં સંતાનો પછી એ સતત ઘરનું કામ કરતી રહેતી.

સૌની કાળજી રાખતી અને મારા પિતા જે રાજકારણમાં રચ્યા-પચ્યા રહેતા એમને પણ એમના કામકાજમાં મદદ કરતી. મારા પિતા 1954માં સરકારી મંત્રી બન્યા ત્યારે અમે ઢાકા, મિન્ટો રોડ પર રહેવાં ગયાં. ત્યારે મારા પિતા રાજકીય પ્રવૃત્તિઓ સિવાય આલ્ફા ઈન્શ્યોરન્સ કંપનીમાં પણ કામ કરતા હતા. રાજકારણમાંથી એક પણ પૈસો ઘરમાં નહીં લાવવાનો એવો એમનો સિધ્ધાંત હતો. 1960માં અમે ધાનમંડીમાં મારા પિતાએ બાંધેલા બંગલામાં રહેવાં ગયાં, પરંતુ રાષ્ટ્રપતિ થયા પછી પણ એમણે કોઈ દિવસ સરકારી મકાનમાં રહેવાનું પસંદ કર્યું નહીં…

આવા ઉછેર અને માનસિકતા સાથે હું જ્યારે મોટી થઈ ત્યારે મને વિદેશ ભણવા માટે મોકલી દેવામાં આવી. મારી બહેન રેહાના પણ મારી સાથે આવી. અમે બંને બહેનો કે મારા પિતા કોઈ જાણતા નહોતા કે અમને વિદેશ મોકલવાનું મારા પિતાનું આ પગલું અમારો જીવ બચાવશે! જ્યારે મારા પિતા અને ભાઈઓ, ભાભીઓ અને માની કતલ થઈ ત્યારે અમે એ ઘરમાં નહોતાં-માટે બચી ગયાં. (ક્રમશ:)

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button