લાડકી

વિશેષઃ 103 આંતરરાષ્ટ્રીય મેડલ જીતીને બની એ અનેક લાડકીની પ્રેરણા

રાજેશ યાજ્ઞિક

‘મારો પગ આગળ હતો, પણ હું મારી છાતી અને માથું આગળ નમાવી ન શકી. જો એમ થયું હોત તો હું ચોક્કસ એ મેડલ જીતી ગઈ હોત!’

આ શબ્દો છે દેશની ‘ઊડતી રાણી’ પી.ટી. ઉષાના…

આજે 40 વર્ષ પછી પણ 1984 ઓલિમ્પિકની એ ઘટના યાદ કરીને તેની આંખોમાં ઉદાસીના વાદળ છવાઈ જાય છે. માત્ર સેકન્ડના સોમાં ભાગથી એ મેડલ ચુકી ગઈ તેનો વસવસો તેને આજે પણ કોરી ખાય છે.

પી.ટી. ઉષા ભારતીય મહિલા ખેલ જગતનું એક એવું નામ છે, જેને કોઈ ઓળખાણની જરૂર નથી. પણ એ સફળતાની પાછળ રહેલા સંઘર્ષને ઓળખવાની જરૂર છે. આવી સિદ્ધિ પ્રસિદ્ધિ કોઈને મળશે એવી આશા બધાએ આશા છોડી દીધી હતી, પરંતુ પીટી ઉષાએ તે બધાને ખોટા સાબિત કર્યા.

પીટી ઉષાએ ચોથા ધોરણમાં દોડવાનું શરૂ કર્યું હતું. તેના શારીરિક શિક્ષણ શિક્ષકે તેને જિલ્લા ચેમ્પિયન સામે સ્પર્ધા કરવા કહ્યું, જે પીટી ઉષાની શાળામાં જ ભણતી હતી. ઉષાએ તે દોડમાં જિલ્લા ચેમ્પિયનને પણ હરાવી દીધી. એ પછી થોડાં વર્ષો સુધી તેણે તેની શાળા માટે જિલ્લા સ્તરની સ્પર્ધાઓ જીતવાનું ચાલુ રાખ્યું. જોકે તે પછી 1976માં જે બન્યું તે નવા ઇતિહાસની શરૂઆત હતી.

1964માં કેરળમાં આવેલા પય્યોલીમાં જન્મેલી ગોલ્ડન ગર્લ પીટી ઉષા કોચ ઓએમ નામ્બિયારની શોધ છે. 1976માં, કોચ નામ્બિયારે ઉષાને એક રમત પુરસ્કાર સમારોહમાં જોઈ અને તેમની ઝડપી ચાલવાની શૈલીથી એ પ્રભાવિત થયા. નામ્બિયાર તેની ચાલવા દોડવા પરથી પામી ગયા કે આ છોકરી ભારતીય એથ્લેટિક્સનું ભવિષ્ય છે.

સવાલ હતો તેના માતા-પિતાને મનાવવાનો. પુરુષ કોચ પાસે ટ્રેનિંગ કરવાની, સ્પર્ધા માટે ઠેકઠેકાણે ફરવાનું, દીકરીની સલામતીની ચિંતા, તેને એકલી કેમ મુકવી એવું કંઈકેટલુંય દીકરીના માતા-પિતાએ વિચારવું પડે છે. જોકે, ઉષાના એક કાકા શાળામાં શિક્ષક હતા. તેમની સમજાવટથી ઉષાના પિતા માની ગયા. ઉષાને તો રમતગમતમાં રસ હતો જ.

ઉષાએ 1976માં જ, કોચ નામ્બિયાર પાસેથી કોચિંગ લેવાનું શરૂ કર્યું. તે જ્યાં તાલીમ લેતી ત્યાં તેના પિતા લાકડી લઈને આવતા હતા, કારણ કે ત્યાં ખૂબ રખડુ કૂતરાઓ હતાં. તેના કોચ તાલીમ આપવામાં કઠોર હતા. ઘણીવાર રેલવે ટ્રેકને અડીને આવેલા ધૂળિયા રસ્તે પીટીને એ દોડાવતા. દોડતી ટ્રેન સાથે સ્પર્ધા કરવાનું કહેતા. દરિયા કિનારાની રેતીમાં પણ નામ્બિયાર તેની પાસે તાલીમ કરાવતા. રેતીમાં દોડવું કેટલું મુશ્કેલ હોય છે તે આપણે સહુ જાણીએ જ છીએ, પણ આ કઠોરતાથી ઉષાના ઈરાદા ક્યારેય ડગ્યા નહીં .

એ સમયે મહિલા ખેલાડીઓ માટે સુવિધાના નામે મીંડું હતું. મહિલા ખેલાડીઓને જલ્દીથી સ્પોન્સર્સ નહોતા મળતા. ઉષાને સ્કોલરશિપના નામે માત્ર 250 રૂપિયા મળતા હતા! રમતને અનુકૂળ કપડાં, જૂતા, ખોરાક વગેરેનો ખર્ચો કાઢવોએના જેવા સાધારણ પરિવાર માટે અશક્યવત વાત હતી, પણ ઈશ્વરે ઉષાને કોઈ ને કોઈ રીતે મદદ મળતી રહે તેવું ભાગ્ય લખ્યું હતું. 70-80ના દાયકામાં ખેલાડીઓની તાલીમ માટે વ્યવસ્થાઓનો પણ ભારે અભાવ હતો. પી.ટી. ઉષાએ પોતે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે કે 40 ખેલાડીઓ વચ્ચે ગણ્યાગાંઠ્યા બાથરૂમ હતા.

આ પણ વાંચો…વિશેષઃ આ ચાર ભેગા થાય તો અનર્થનું કારણ બને છે…

પણ કોચે જે આગાહી કરી હતી તે સાચી પડી, ઉષાએ ટૂંક સમયમાં 1978માં જુનિયર સ્તરે આંતર-રાજ્ય મીટમાં પાંચ મેડલ જીત્યા. ત્યાર પછી એણે ક્યારેય પાછું વળીને જોયું નથી. તેણે કેરળ સ્ટેટ કોલેજ મીટમાં 14 મેડલ જીતીને સનસનાટી મચાવી દીધી.

1981માં, તેણે સિનિયર ઇન્ટર સ્ટેટ મીટમાં 100 મીટર દોડ 11.8 સેકન્ડમાં અને 200 મીટર દોડ 24.6 સેકન્ડમાં પૂર્ણ કરીને રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો. આ પછી, 1982ની એશિયન ગેમ્સમાં, તેણે 100 અને 200 મીટરમાં સિલ્વર મેડલ જીત્યા. એ પછી માત્ર 16 વર્ષની વયે 1980ના ઓલિમ્પિકમાં તેણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. તે વખતે 100 મીટરની રેસમાં પહેલા રાઉન્ડમાં બહાર થઇ ગઈ હતી, પણ 1984ના ઓલિમ્પિકમાં ઇતિહાસને અને ઉષાને સેકંડના સોમાં ભાગનું છેટું રહી ગયું.

ઉષા 400 મીટર હર્ડલ્સમાં સેકન્ડના સોમા ભાગ માટે બ્રોન્ઝ મેડલ ચૂકી ગઈ, પણ તેના કારણે ભારતીય એથ્લેટિક્સને એક નવી ઊંચાઈ મળી. તે ઓલિમ્પિક રમતોની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની. ભાગ્યે જ કોઈ ભારતીયે વિચાર્યું હશે કે કોઈ પણ ખેલાડી મેડલની આટલી નજીક પહોંચી જશે, અને તે પણ એક મહિલા ખેલાડી.

એ સમયે જન્મેલી કેટલીય દીકરીઓનાં નામ ઉષાના નામ પરથી પાડવામાં આવેલા. 1985માં જકાર્તામાં યોજાયેલી એશિયન ચેમ્પિયનશિપમાં તેણે પાંચ ગોલ્ડ મેડલ જીત્યા હતા, જ્યારે 1986માં એશિયન ગેમ્સમાં ચાર ગોલ્ડ મેડલ! લોકો પીટી ઉષાને ‘પયોલી એક્સપ્રેસ’ તરીકે ઓળખાવા લાગ્યા. આ રીતે તેણે પોતાના જન્મસ્થાનનું નામ પણ રોશન કર્યું. કોચીમાં એક રસ્તાનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે. પોતાની કારકિર્દી દરમિયાન પીટી ઉષાએ 103 આંતરરાષ્ટ્રીય મેડલ્સ ઉપરાંત અગણિત અન્ય ટ્રોફી-મેડલ્સ જીતીને પીટી ઉષા જીવંત દંતકથા બની ગયાં છે.

આ પણ વાંચો…વિશેષઃ જાણો છો ઓમેગા-3થી ભરપૂર ખોરાકના લાભ?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button