ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ સમાધાનને કહો…. `ના'! | મુંબઈ સમાચાર
લાડકી

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ સમાધાનને કહો…. `ના’!

શ્વેતા જોષી અંતાણી

તું બહુ વિચારે છે, સાક્ષી. છોકરીઓ આટલી જીદી નથી હોતી.’ આ વાત સાક્ષીને એના ફોઈ, કાકી, મામી તરફથી વારંવાર સાંભળવા મળતી. મા ઓઝપાય જતી ને પપ્પા ધૂંધવાય ઉઠતા. સાક્ષીને ઠપકો પણ આપી દેતા કેથોડું જતું કરતા શીખ.’

આ બધા તને કહી કહીને થાક્યા હવે.જોકે સાક્ષીએ તો ગણતરી કરવાનું જ છોડી દીધેલું કે, દિવસમાં એને કેટલીવાર ટોકવામાં આવે છે.

મધ્યમ વર્ગીય પરિવારમાં મોટી થયેલી સાક્ષીની ઉંમર તો હતી માત્ર સતરેક વર્ષ,પણ વિચારો એની ઉંમરથી ઘણા આગળ નીકળી ગયેલા. એને બરાબર ખ્યાલ હતો, એને શું કરવું છે. શું જોઈએ છે અને શું નહીં.

એનું સપનું હતું દેશની સર્વશ્રેષ્ઠ આર્કિટેક કોલેજમાં ભણી ખ્યાતનામ સ્ટ્રકચરલ ડિઝાઈનર બનવાનું, જેના માટે એ તનતોડ મહેનત કરતી આવેલી. સવારે પાંચના ટકોરે ઊઠી કોચિંગ જવાનું, પછી સ્કૂલ અને ત્યાંથી પાછા ફરી માને ઘરકામમાં મદદ કરાવી ભણવા બેસી જવું. આ એનું રૂટિન. એ સિવાય કોઈ મગજમારી નહીં, પણ ખાટલે મોટી ખોડ કે એના કુટુંબીજનો અત્યંત જુનવાણી વિચારસરણીના.

મા-બાપ થોડા સમજુ, પણ અન્ય પરિવારજનો તો રીતસર પછાત વિચારોના પડછાયામાં જીવતા. આથી ઘરના માહોલમાં કોઈ બદલાવ આણવો અશક્ય હતો. જ્યારે જુઓ ત્યારે લોકો ટોકવા લાગતા : `કેટલું ભણીશ. છેલ્લે તો તારે લગ્ન જ કરવાના છે ને? છોકરીઓ બહુ ઝાઝું ભણે એમાં વધુ તકલીફો ઊભી થતી હોય છે…’

એમાં એક દિવસ ફોઈ તો હદ વળોટી ગયા. મમ્મી-પપ્પા ઘેર નહોતાં. એટલે એને ભાવતું હતું ને વૈદે કીધું. સીધું
સાક્ષીને પૂછી લીધુ :
`તારા માટે એક છોકરાનું માગું આવ્યું છે. દુબઈમાં જોબ કરે છે. બહુ સારા ઘરનો છોકરો. હા પાડી દે તારી જિંદગી સેટ થઈ જશે…!’

સાક્ષી તો હબક ખાઈ ગઈ. એકાદ મિનિટના મૌન પછી માંડ જાતને સંભાળતા બોલી:

લગ્ન મારી જિંદગીનો પાર્ટ હોઈ શકે છે, પણ અત્યારે નહીં. મારું સપનું બહુ મોટું છે, અને એને પૂરું કરવામાં હું કોઈ જ પ્રકારનું સમાધાન નહીં કરું.હું કોઈની વાર્તામાં હીરોઈન નથી બનવા માગતી. હું ખુદ મારી વાર્તા છું…!’

ફઈને વાત ઉપરથી ટપી ગઈ. મોં મચકોડી `સાક્ષી કેટલી નફ્ફટ છે’ એવું કહેવા કાકી પાસે દોડી ગયાં.

સાક્ષીના મનમાં વાત તદ્દન સાફ હતી. એકવાર જો હું સમાધાન કરીશ ને તો આખી ઉંમર પસ્તાવું પડશે. એણે એની મા ને જિંદગીભર સમાધાન કરતાં જોઈ હતી, અને પ્રણ લીધેલું કે પોતાનાં સ્વપ્નો સાથે એક પણ પ્રકારનું કોમ્પ્રોમાઈઝ નહીં ચલાવે. જોકે સમાજે બાંધેલી માન્યતાઓની દીવાલો એમ ઝડપથી તૂટતી નથી. એક દિવસ ઘરમાં સારા પ્રસંગે એકઠા થયેલા પરિવારજનોની ચર્ચાનો હોટ ટોપિક હતી સાક્ષી.

`કેટલું બધું વિચારવા લાગી છે ને આ છોકરી… આજકાલની છોકરીઓ હાથથી નીકળી જતાં વાર નહીં લગાડે. એની મા ને કંઈ પડી નથી તો આપણે શું?’ આખો દિવસ વાતવાતમાં સાક્ષીના નામે છાજિયા લેતા જોઈ એની મમ્મી અકળાઈ ઊઠી :

સાક્ષી, બસ બહુ થયું. બધા સામે જીક ઝીલવાની હવે ત્રેવડ નથી રહી…’ સાક્ષીએ એના ખભ્ભા પકડી વિશ્વાસપૂર્વક કહ્યું : મમ્મી, એકવાર મારો સાથ આપી દે. હું તને કંઈક બનીને બતાવીશ…’ મા એ માત્ર હકારમાં માથું ધુણાવ્યું ને કહ્યું : `તારામાં હું મારાં સપનાં પૂરાં થતાં જોઉં છું. મારી જેમ એની હોળી નહીં પણ દિવાળી ઉજવી જાણજે…’

થોડા મહિનાઓ પછી સાક્ષીને એક બીજું સત્ય સમજાયું. સમાધાનનું બીજું નામ છે હાર. જો એ હારી જશે તો સપનાઓ સાથે બાંધછોડ કરવી પડશે. હવે, તો કરો યા મરોની માનસિકતા સાથે સાક્ષીએ `નાટા’ની પરીક્ષા આપી. શાનદાર માર્કસ સાથે પાસ થઈ અને ખૂબ જાણીતી આર્કિટેક યુનિવર્સિટીમાં એડમિશન લીધું. કોલેજની શરૂઆતમાં બધું જ નવું હતું.

નવા દોસ્તો, નવો માહોલ, નવી ભાષા. ક્યારેક એને બહુ એકલું લાગતું, પણ અંદરથી એને જાત પર ભરોસો હતો કે હારશે તો નહીં. એક દિવસ ક્લાસમાં બહુ મોટો પ્રોજેક્ટ આવ્યો: `સસ્ટેનેબલ હાઉસિંગ ડિઝાઇન.’ આખી કોલેજના ટોપ પાંચ સ્ટુડન્ટ્સને ઇન્ટરનેશનલ પ્રતિયોગિતા માટે મોકલવાના હતા. સાક્ષીએ સખ્ત મહેનત કરી. જ્યારે એની ડિઝાઇન બતાવવાનો વખત આવ્યો ત્યારે પ્રોફેસરે એની ભૂલ કાઢતા કહ્યું :

તું આ એક નિયમ સાથે જો સમાધાન કરી લઈશ ને તો તારું પ્રેઝન્ટેશનધ બેસ્ટ’ બની શકશે.’
સાક્ષીએ હસીને જવાબ આપ્યો: `સર, આ ડિઝાઇન મારો આઈડિયા છે. નિયમ બદલીશ તો મારો આઈડિયા મરી જશે, અને મારા કામમાં કોઈ બાંધછોડ કરવી મને ગમતી નથી.’

પોતાના પ્રોફેસરને આવું મોંઢેમોઢ સંભળાવી દેવાની કોઈનામાં હિંમત નહોતી. આખો ક્લાસ ચૂપ થઈ ગયો. આ છોકરીના આત્મવિશ્વાસે એ બધાને વિચારવા મજબૂર કરી દીધા કે શું સમાધાન આવશ્યક હોય છે જીવનમાં? કોમ્પ્રોમાઈઝ થકી આગળ વધાય એ કોન્સેપ્ટનો કોળિયો કરી ગયેલી સાક્ષીનું નામ ટોપ ફાઈવમાં સૌથી પહેલું હતું. એમ તો સાક્ષીના જીવનમાં વારંવાર એવા પ્રસંગો આવ્યા જે એના ધ્યેયથી ભટકાવી શકે. કોઈ છોકરાએ આવીને કહ્યું હોય કે ` તું મારી ગર્લફ્રેન્ડ બનીશ કે શું આપણે દોસ્ત બની શકીએ?’

આ પણ વાંચો…ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી : આસપાસ કઈ રીતે વિસ્તરે છે આવું જૂઠ્ઠાણાનું જાળું…

ત્યારે સાક્ષીએ હસીને કહેવું પડેલું : `ના, હું મારાં સપનાઓને પ્રેમ કરું છું. હાલ મારી પાસે બીજા કોઈને પ્રેમ કરવાનો સમય નથી.!’

જ્યારે મિત્રોએ કહ્યું કે : `આટલું બધું શું ભણે છે… રિલેક્સ!’ ત્યારે એને કહેવું પડેલું કે મહેનત ના કરવી એ મારી પરિભાષામાં નથી આવતું.

આજે સાક્ષી એક જાણીતી આર્કિટેક બની ચૂકી છે. શહેરના ટોપ મોસ્ટ ડિઝાઈનરમાં એનું નામ આવે છે. એની ફર્મ નામે – ધ સાક્ષી' ડિઝાઇન્સની ટેગલાઈન છે :અ પ્લેસ વ્હેર નો કોમ્પ્રોમાઈઝ નીડેડ’…. આ એક એવું સ્થળ જ્યાં તમારે બાંધછોડ નહીં કરવી પડે.

હવે લોકોની બોલી બદલાઈ. જીદ્દીને બગડેલી છોકરીએ આખા કુટુંબનું નામ રોશન કરી દીધું. મમ્મી-પપ્પાની આંખોમાં હરખના આંસુ આવતા. સાક્ષી આજે પણ એ જ હતી. સમાધાન ના કરનારી, સિદ્ધાંતો પર ચાલનારી. એક મજબૂત, હિંમતવાન છોકરી.

ક્યારેય તમારાં સપનાઓ, આત્મસન્માન કે ઓળખ સાથે સમાધાન ના કરો. કારણ કે, એવું કરવા જતાં અસ્તિત્વનો પર્યાય બદલી જતો હોય છે. જિંદગીમાં એવા અનેક વળાંકો આવે છે, જ્યારે સમાધાન કરવું આસાન લાગે છે , પરંતુ જો અડગ રહી શકીએ તો સાક્ષીની માફક ઇતિહાસ પણ રચી શકાય છે.

આ પણ વાંચો…ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી : ઈમોશનલ મેનિપ્યુલેટર બનવાથી કંઈ રીતે બચી શકાય…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button