સહી કરતાં પહેલાં વિચારજો…

નીલા સંઘવી
જીવન ઉત્તરાર્ધના આરે ઊભેલાં વડીલોએ અમુક વાતો વિચારવી જોઈએ. કોઈ પણ કાર્ય કરતા પહેલાં સો વાર વિચારવું જોઈએ, કારણ કે ઉંમર થઈ છે. હવે નથી આવક આવવાની. જે મૂડી બચાવી છે તેમાં જ ગુજારો કરવાનો છે. જે મિલકત વસાવી છે તે સાચવીને રાખવાની છે. જો ભૂલ કરી તો ભૂલ ભારે પડી જશે.
જશુમતીબહેને એક ભૂલ કરી. એમની વાત વાચકો સાથે શેર કરવી છે. હાલમાં જશુબહેનની ઉંમર 78 વર્ષ છે. પતિ જશવંતભાઈ સાથે એમનું સરસ દાંપત્ય હતું.
ડો. સુરેશ દલાલની કવિતા જેવું : ‘એક ડોસી હજુ ડોસાને વ્હાલ કરે છે’ એવું. પતિ-પત્ની એક દીકરો અને એક દીકરી જેમ દરેકના જીવનમાં બને છે તેમ સંતાનોને ભણાવ્યાં ગણાવ્યાં અને પરણાવ્યાં. જશવંતભાઈ રિટાયર્ડ થયા પછી પતિ-પત્નીએ સાચા અર્થમાં સહજીવન શરૂ કર્યું.
આપણ વાંચો: બજેટમાં વડીલોની થઇ ગઇ બલ્લે બલ્લે… કર કપાત મર્યાદા થઇ ગઇ બમણી…
આજ સુધી તો સંતાનોને ઉછેરવાની, ભણાવવાની, પરિવારનું ગુજરાન ચલાવવાની જવાબદારી હતી તેથી હંમેશાં કોઈને કોઈ ચિંતા, કોઈ પરેશાની રહ્યા જ કરતી હતી. સંતાનોને પરણાવવામાં પણ કેટલાંયે જોડાંની થેડ ઘસાઈ ગઈ.
આખરે બધું પાર પડ્યું. જશવંતભાઈએ વિચાર્યું : ચાલો, હવે બધું બરાબર થઈ ગયું. સંતાનો પોતાના પરિવારમાં-કામધંધામાં સ્થિર થયાં એટલે જશુભાઈ-જશુબહેન સિનિયર સિટીજન ગ્રૂપમાં જોડાયાં. ગ્રૂપના કાર્યક્રમોમાં જવા લાગ્યાં. પ્રવાસે જવા લાગ્યાં. રોજ સાંજે બગીચામાં જઈને બેસતાં. સરખી ઉંમરના લોકો સાથે ગપ્પાં-ગોષ્ઠિ કરે અને ગમતાનો ગુલાલ કરતાં.
અચાનક એમનાં સુખને કોઈની નજર લાગી ગઈ. આમેય સુખનું આયુષ્ય જ ટૂંકું. સુખ ક્યાં કોઈનું લાંબું ટકે છે? જ્યારે સુખના ઝુલે ઝુલતા હતા ત્યારે જ એમના જીવનમાં ભૂકંપ આવ્યો. જશુભાઈને કેન્સરની બીમારી લાગી ગઈ. છ એક મહિનાની દોડધામ અને સારવાર છતાં જશુભાઈને બચાવી ન શકાયા.
હવે જશુબહેન એકલાં પડી ગયાં. દીકરો-વહુ અને પૌત્ર સાથે એ રહેતાં હતાં, પણ કેટલીક વાર મુસીબત ઘર ભાળી જાય છે. હજુ તો પતિના અવસાનના દુ:ખમાંથી જશુબેન બહાર નીકળ્યા નથી ત્યાં જ કોરોનાનો કહેર શરૂ થઈ જાય છે. હવે તો સૌ ઘરમાં જ કેદ થઈ ગયાં છે. કોરોનાનો ત્રાસ ફેલાયો છે. દેશમાં હાહાકાર થઈ ગયો છે.
આપણ વાંચો: લાડકી બહેન પછી હવે લાડકા વડીલો!
આ કોરોનાની ચપેટમાં જશુબહેનનો પુત્ર પણ આવી જાય છે. એને હોસ્પિટલમાં દાખલ કર્યો.પુત્રનું મોઢું જોવા મળતું નથી. જશુબહેન બહુ મુંઝાય છે, રડે છે પણ કશું કરી શકતાં નથી અને એક કાળરાત્રિએ જશુબેનનો પુત્ર કાળનો કોળિયો બની જાય છે.
પુત્ર ન રહ્યો. જશુબેનના માથે આભ ફાટ્યું છે. ઘરમાં યુવાન વિધવા પુત્રવધૂ અને દસ વર્ષનો પૌત્ર છે. જો પોતે જ ભાંગી પડશે તો આ બંનેને કોણ સાચવશે? જશુબેને કાળજું કઠણ કર્યું. પોતાના દુ:ખને દિલમાં દબાવી દીધું. પુત્રવધૂ અને પૌત્રની સામે પોતે દુ:ખી નથી-મજબૂત છે તેવું બતાવતાં, પણ રાતે એમનાં આંસુઓથી ઓશિકું ભીંજાઈ જતું. પુત્રવધૂ-પૌત્રને પોતાની પાંખમાં લઈને જશુબહેન નવેસરથી જીવન જીવવાનું શરૂ કર્યું.
ધીરે-ધીરે ઘીના ઠામમાં ઘી પડી રહ્યું. પૌત્ર નિષ્ઠાથી ભણવામાં લાગી ગયો. પુત્રવધૂ નોકરી કરતી હતી એ પોતાના કામમાં ધ્યાન આપવા લાગી. જશુબેન ઘર સંભાળી લેતાં હતાં. દુ:ખ તો હતું પણ ત્રણેયે દુ:ખ સાથે જીવવાનું સમાધાન સ્વીકારી લીધું હતું. વચ્ચે વચ્ચે જશુબેનની દીકરી-જમાઈ આવી જતા અને આ પરિવારને સધિયારો આપી જતાં હતાં.
આમ પાંચ-સાત વર્ષ વીતી ગયાં. પૌત્ર મોટો થતો જતો હતો. જશુબેનની ઉંમર વધતી જતી હતી અને પણ તબિયત હવે લથડી હતી. હવે ઘરનું બહુ કામ થઈ શકતું ન હતું.
આપણ વાંચો: સિક્કાની બીજી બાજુ: વડીલોના વાંકે…
એક દિવસ જશુબેનની પુત્રવધૂએ કહ્યું,
‘મમ્મી, આ ઘર તમારા નામે છે, તે હવે મારાં નામે કરી આપો. તમારી તબિયત સારી રહેતી નથી, કાલે તમને કાંઈક થઈ જશે તો પછી આ સોસાયટીવાળા મને હેરાન કરશે. મારાં નામે ઘર કરવાં માટે પૈસા માંગશે અને તમને ખબર છે કે આપણી પાસે કાંઈ વધારે પૈસા નથી. એટલે પાછળથી મગજમારી થાય એના કરતાં તમે હમણાંથી જ મારા નામે ઘર ચડાવી દો તો સારું.’
‘જોઈએ, વિચાર કરીએ.’ જશુબેને કહ્યું. પણ કોઈ કાર્યવાહી કરી નહીં તેથી વહુએ ફરીથી વાત યાદ કરાવી. જશુબેને પોતાના દીકરી-જમાઈ, ભાઈ-ભત્રીજા સાથે આ વિષયમાં વાત કરી. બધાંને થયું ઠીક છે, કરી દો વહુના નામે ઘર. પણ આપણે જે શરતો કહીએ તે એણે માન્ય રાખવી પડશે. બધાં ભેગાં થયાં. જશુબેને સહી કરી આપી.
એની સામે સંબંધીઓએ શરત કરી કે, ‘જગ્યા તારા નામે કરી છે, પણ જશુબેન જીવે છે ત્યાં સુધી આ ઘર તેમનું છે એટલું સમજી લેજે. એમની સાથે તારું વર્તન સારું હોવું જોઈએ. સાજેમાંદે તારે એની સંભાળ લેવી પડશે. જશુબેનને કોઈ તકલીફ પડવી જોઈએ નહીં.’
પુત્રવધૂએ કહ્યું, ‘મમ્મી, મારી મા સમાન છે
તેમને કોઈ તકલીફ નહીં થવા દઉં. અને સહી
સિક્કા થઈ ગયાં. ઘર વહુના નામે થઈ ગયું અને
વિચારો શું થયું હશે?’
હા, તમે સાચુંજ વિચાર્યું છે. જગ્યા પોતાના નામે થતાં જ વહુએ પોત પ્રકાશ્યું. જશુબેનથી કામ થતું નહીં પણ પુત્રવધૂનો આગ્રહ રહેતો કે રસોઈ જશુબેન બનાવે. પોતે કામ પર જાય છે તેથી રસોઈ નહીં થઈ શકે જશુબેન વહુની આંખમાં કણાંની જેમ ખૂંચવા લાગ્યા. વહુએ ફતવો બહાર પાડ્યો.
એણે જશુબેનને કહી દીધું, ‘તમારે આખો દિવસ ઘરમાં બેસી રહેવાનું નથી. તમે સામે બેઠાં રહો છો તો આનંદ બરાબર ભણી શકતો નથી. તમારે રોજ સવારે નવ વાગે ઘરની બહાર નીકળી જવાનું. બપોરે એક વાગ્યા પહેલાં ઘેર નહીં આવવાનું. ફરી ત્રણ વાગે ઘરની બહાર નીકળી જવાનું અને રાતના આઠ વાગ્યા પહેલાં ઘેર નહીં આવવાનું.’
જશુબેન તો ડરી જ ગયાં. આટલાં બધાં કલાક એ કયાં જઈને બેસે ? એક તો અશક્ત શરીર માંડ બેસી શકતાં હતાં. આટલો બધો સમય તેઓ ક્યાં વીતાવે? દેવ-દર્શન કરે, બગીચામાં જાય પણ કેટલાં કલાક? ઘણાં દિવસ જશુબેન આમથી તેમ આંટા મારતાં રહ્યાં પણ પછી થાક્યાં. દીકરી-જમાઈને વાત કરી.
દીકરી-જમાઈએ પોતાની ભાભી સાથે વાત કરી પણ એ તો લાજ્વા ને બદલે ગાજી, ‘અરે, મમ્મી ઘરમાં બેસી કચકચ કર્યા કરે તો આનંદને ભણવાનું ફાવતું નથી. થોડું બહાર જાય તો શું વાંધો છે? ’
ઘણી ચર્ચા થઈ પણ કાંઈ વળ્યું નહીં. અંતે થાકીને દીકરી-જમાઈ જશુબેનને પોતાના ઘેર લઈ ગયા. આજે જશુબેન અને એમના સંબંધીઓ પોતાનું ઘર વહુને નામે કરી દેવા બદલ પસ્તાય છે. છતે ઘરે આજે પોતાની દીકરીને ત્યાં આશ્રય લેવો પડ્યો છે.
આ કથાનો સાર એટલો જ કે જીવતે જીવત પોતાની મિલકત-સંપત્તિ સંતાનોને આપી દેવી નહીં. મર્યા પછી તો બધું એમનું જ છે ને?!