લાડકી

તાળીઓનું સંગઠન જરૂરી છે…

લાફ્ટર આફ્ટરઃ પ્રજ્ઞા વશી

‘રવિવારે ગોસિપ સમારોહ કોના ઓટલા ઉપર રાખવો છે?’
‘રમાબહેન, આ વખતે ગોસિપ સમારોહ ઓટલા ઉપર નહીં, પણ સોસાયટીના ગાર્ડનમાં રાખશું.’
‘નેહાબહેન, કેમ ઓટલો છોડીને ગાર્ડનમાં જવાનાં?’

‘કારણ કે આ વખતે ગોસિપ સમારોહમાં વિષય રાખ્યો છે ‘સાસુ.’ એટલે બૂમબરાડા અને તડાફડીની શક્યતા વધારે છે. ઓટલો આ વિષય માટે સલામત નથી. ગાર્ડનમાં ઝઘડો થશે તો ભલેને સાસુ વહુ બાથમબાથી કરતાં.’

વિષય એટલો બધો સરસ હતો કે દરેક ઘરની વહુઓએ વરસો-થી મનમાં સાચવી રાખેલ ગ્રંથિઓ, સાસુ સામેની ફરિયાદો, સાસુએ કરેલા અન્યાયનું લિસ્ટ સભામાં કઈ રીતે પેશ કરવું એની પૂરી તૈયારી સાથે દરેક વહુ, સાસુ કરતાં પણ વહેલી આવીને ગોઠવાઈ ગઈ હતી. જેમ જેમ સોસાયટીની બહેનો આવતી ગઈ, તેમ તેમ ગાર્ડનમાં શોરબકોર શરૂ થઈ ગયો. આવતાંની સાથે જ, ‘અરે વાહ! તારી સાડી અને મેચિંગ ઘરેણાં ખૂબ જ સરસ છે. ક્યાંથી લીધાં? સાડી ક્યાંથી લીધી? કેટલાની આવી?’

એ પછીના પ્રશ્નોમાં, ‘અલી, તું મોડી કેમ પડી?’
એટલે નેહાબહેને એની સાસુ સામે જોઈને શરૂ કર્યું. ‘હું તો ક્યારની બાને કહેતી હતી કે જલદી રાંધીને મૂકી દેવા દો.’ નહીંતર આપણે મોડાં પડીશું. પણ આ અમારાં બા (સાસુમા) સાંભળે તો ને? (કામનું હોય તો બધું સાંભળે. નહીંતર બંને કાને બહેરાશ આવી જાય.) પાંચમી વાર બરાડા પાડીને કીધું ત્યારે બોલ્યાં કે તારા સસરાને બધું ગરમ જ ખાવા જોઈએ. એટલે એક કામ કર. તું થોડી મોડી આવ. હું વહેલી બાગમાં જઈને હાજરી પુરાવી દઉં છું.’ (કબરમાં પગ છે, પણ એમ નહીં થાય કે એક દિવસ વહુને વહેલાં મોકલીએ ને પોતે ઘરમાં રહીને પોતાના પતિને ગરમ ખવડાવીએ.)

રમાબહેને ગોસિપ સમારોહના ‘સાસુ’ વિષય ઉપર બોલવા માટે નેહાને જ એની વાત ચાલુ રાખવા કહી. ત્યાં નેહાની સાસુએ ગળું ખંખેરીને કહ્યું, ‘રમાબહેન, તમે પ્રમુખ છો એટલે કહી દઉં છું કે એકપક્ષી વાત નહીં ચલાવીશ. જો વહુ, સાસુ વિશે વાતો કરશે તો સાસુઓ પણ એનો જડબાતોડ જવાબ આપશે. અમે ભલે સિત્તેરનાં છીએ, પણ જ્યારે વાત અમારાં જીવન ઉપર છાંટા ઉડાડે એવી હોય તો જવાબ આપવો જ રહ્યો. આ સભામાં જેટલી સાસુઓ બેઠી છે, એમનું આ બાબતે શું માનવું છે?’

‘હા… હા…સાસુઓ પણ જવાબ આપીને જ રહેશે.’
ગાર્ડનમાં આવેલા ભાઈઓને વાતાવરણનો ગરમાટો દઝાડી ગયો. (છતાં મફતની આવી સરસ લાઇવ ટેલિકાસ્ટ ફિલ્મ અને તે પણ મફત! એટલે પૂંઠ ફેરવીને બેસી રહ્યા.)

શોરબકોર વધી ગયો એટલે પ્રમુખ રમાબહેન ઊભાં થઈને મોટેથી ગુસ્સો કરતાં બોલ્યાં, ‘સભાના કાયદા તો બધાને ખબર જ છે. દરેકને નંબર આપેલા છે,

એમ જ બોલવાનું છે. સમય પાંચ જ મિનિટ અને સાસુએ એનો જવાબ આપવાનો. પણ સમય ત્રણ મિનિટ. ચાલો નેહાબહેન, હજી જે બાકી હોય તે બોલી દો.’

નેહાબહેને તરત જ ઊભાં થઈને શરૂ કર્યું.
‘મારાં સાસુજીને હું પૂરું માન આપું છું. જે કહે છે તે બનાવીને ખવડાવું છું. હંમેશાં કહે તેમ કરતી આવી છું. પણ સાસુમા જેનું નામ! તેઓ પોતાનું ધાર્યું જ કરાવે છે. વહુ કંઈ ચાવી આપેલ રમકડું નથી.

દરેક સાસુએ પોતાની વહુને જે રાંધવું હોય તે રાંધવા દેવું જોઈએ. કોઈવાર બહારનું એટલે કે હોટલનું પણ ચલાવી લેવું જોઈએ અને દરેક વાતની ચાડી ચૂગલી કરવી જોઈએ નહીં. મારા પતિ ઘરમાં આવે કે તરત જ મેં શું શું નથી કર્યું એનું લિસ્ટ રજૂ કરી દે છે, પરંતુ શું શું કર્યું એ કેમ બોલતાં નથી? મારા અને મારા પતિ વચ્ચે ફાટફૂટ પડાવવાના પ્રયત્નો કરવાથી એમને શું મળવાનું છે?’

બોમ્બ ધડાકો થયો હોય એમ ઊછળીને વસુમતીબહેન ઊભાં થઈ ગયાં અને બરાડ્યાં: ‘સરાસર જૂઠાણું…! મને તો ખબર જ હતી કે નેહાડી સભામાં મારી બુરાઈ જ કરશે.’

સાસુ-વહુ સામસામે મોટેથી બોલવા લાગ્યાં અને એ જોઈને અન્ય વહુઓને એમ થયું કે આ બંને મળીને અડધો કલાકથી લડે છે, તો આપણો વારો ક્યારે આવશે? પ્રમુખે ઘણીવાર એમને સામસામે આક્ષેપબાજી છોડી બીજાને ચાન્સ આપવા કહ્યું, પણ આવી સુવર્ણ તક છોડવા બંને પક્ષ તૈયાર નહોતાં.

આખરે બીજી એક વહુ રજનીએ ઊભાં થઈને પોતાનાં સાસુ સામેનો મોરચો શરૂ કર્યો.
‘સાંભળો… સાંભળો… સાંભળો… અલી નેહાડી, ખાલી તારી જ એક સાસુ સિતમ ગુજારે છે એવું નથી. આજ સુધી મેં મારો ડૂમો લોકો સમક્ષ જાહેર નહોતો કર્યો, પણ આજે આમ જનતા અને આખા સમાજ સામે જે વાત કહેવા જઈશ એ તમારી આંખ ખોલી નાખશે. તો ભાઈઓ તેમજ બહેનો, હવે મારે પણ તમને જે કહેવું છે તે શાંતિથી સાંભળજો. બને તો તમારું સમર્થન જોરદાર તાળીઓના ગડગડાટથી આપજો, જેથી વિશ્વમાંથી સાસુઓનું કટ્ટરપણું દૂર થશે અને વહુઓને સમાજમાં યોગ્ય સ્થાન અને માન મળશે.’

અને એ સાથે જ બધી વહુઓએ ઊભાં થઈને તાળીઓનો ગડગડાટ વરસાવી દીધો. (રાજકારણમાં પ્રવેશવાની તૈયારી કરેલી, એનું એક રિહર્સલ આ વહુને કામ આવી ગયું.) બે – ચાર બહેનપણીઓને પણ બરાબર પાઠ ભણાવીને આવેલી. એટલે રજનીના સમર્થનમાં પેલી બહેનપણીઓએ વારેવારે અનુમોદન અને તાળીઓ પડાવવાનો ઉપક્રમ ચાલુ જ રાખ્યો.

એમાંની એકે રજનીના કહ્યા મુજબ પર્સમાંથી ટોપી કાઢીને રજનીના માથે પહેરાવતાં પૂરા જોશ અને ઉમંગથી કહ્યું, ’બહેનો, આજે ‘બહેન રજનીએ આપણી આંખો ખોલી નાખી છે. આપણને ઘરમાં અને સમાજમાં આપણા હક, માન-મરતબા, ઇજજત અને સ્થાન માટે શું શું કરી શકાય, જુલમનો સામનો કઈ રીતે કરી શકાય એ શીખવ્યું છે. માટે આજથી બહેન રજનીને આપણી સોસાયટીની તેમજ આપણા મહિલા મંડળની પ્રમુખ બનાવવા ચાહું છું. જેથી આપણો પક્ષ લઈને આપણને ડગલે ને પગલે ન્યાય અપાવી શકે. તો બોલો બહેનો, આપ સહુનું રજનીના પ્રમુખ પદ માટે અનુમોદન છે? જો અનુમોદન આપતાં હોય તો ઊભાં થઈને તાળીઓથી વધાવી લેવા નમ્ર વિનંતી છે.’

એ સાથે શીખવાડીને લાવેલ બીજી પાંચ-છ પીડિત વહુઓ ઊભી થઈને નારા લગાવવા માંડી. ’હમારે નેતા કૈસા હો…’ એટલે બીજી બહેનો સમર્થનમાં બોલી ઊઠી, ‘રજનીબહન જૈસા હો…’

રજનીબહેન માટે નવ્વાણું ટકા સમર્થન મળી ગયું. ફક્ત અચાનક પાસ્ટ પ્રમુખ બનાવી દેવામાં આવેલ રમાબહેન જ મોઢું નીચું કરીને બેઠાં હતાં. વિપક્ષોનું ભારણ વધેલું જોઈને આખરે હથિયાર હેઠાં મૂકતાં

રમાબહેને ઊભાં થઈને કહ્યું, ’બહેનો, એમ પણ હું તો મારી પોસ્ટ વહેલી કે મોડી છોડવાની જ હતી. જેમ સાસુએ ઉંમરને આધીન રહીને એક દિવસ ઘરની તિજોરીની ચાવી વહુને મને કે કમને આપવી પડે છે, એમ હું પણ આજે જ મારી પ્રમુખની પોસ્ટ ઉપર ચોંટી ન રહેતાં (મને એમ પણ વગર પૂછ્યે ઉખેડીને ફેંકી જ દીધી છે ઘરની વહુએ અને સોસાયટીએ!)

ઇજજતભેર અને સ્વમાનભેર મારી ખુરશી, ઉર્ફે પ્રમુખની પોસ્ટ રજની વહુને આપું છું. જેમ જેમ યુગે યુગે પરિવર્તન રૂપી વિપ્લવ આવે છે અને સમય બદલાય છે. એ મુજબ આજે હું બલિનો બકરો બની, અને આવતીકાલે રજની વહુએ પણ કદાચ… પણ હું ઇચ્છું કે એના ઉપર મારા જેવી આફત નહીં આવે. પણ હા, રજનીની સાસુ ઉર્ફે મારી સખી કમુને એટલું જ કહેવાનું કે પોતાનાં સ્વમાન માટે અવાજ ઊંચો કરતાં શીખજે.

જેમ આજે તેં ચૂપચાપ રજનીની વાત, એનાં મહેણાં ટોણાં સાંભળી લીધાં, એમ આખી જિંદગી મૌન રાખશે તો તારે માથે હાલતાં ચાલતાં લોકો ટપલી મારતાં જ રહેશે. (પોતાનાથી તો અવાજ ઊંચો કરીને પોતાના પ્રમુખપદ માટે લડત આપી ન શકાઈ અને મોટી કમુને સલાહ આપે છે!)

ગાર્ડનમાં મોં ફેરવીને જાણે કંઈ જાણતા જ નથી એમ બેઠેલા નિસ્પૃહી સસરાઓમાંથી ચાર-પાંચ ને તો ધ્રુજારી આવી ગઈ. એમાંના રમણીકભાઈ બોલ્યા, ‘ભાઈ, હવે વહુઓનું રાજ આવ્યું છે. એટલે હવે વારેવારે માગણી કરવાની બંધ કરવી પડશે. જેવું ખાવાનું મળે એ ખાઈને વહુનાં વખાણ કરતાં રહેજો. નહીંતર જે મળે છે એમાંથી પણ જશું.’

ત્યાં મોહનભાઈ ઊભા થયા અને બોલ્યા, ‘ભાઈઓ, હવે આપણે પણ સંગઠન બનાવવાનો સમય આવી ગયો છે. વહુ તો વહુ, પણ આપણી પત્ની અને બાળકો પણ આપણી ચિંતા ન કરે તો આપણે શું કરવું જોઈએ? આપણી સલામતી અને સુવિધા માટે આપણે હમણાંથી જ વિચારવું રહ્યું.’ એટલે એક કાકાએ કહ્યું.

‘આજથી તું જ અમારો પ્રમુખ. મોહન, તું ખરા અર્થમાં અમારો મોહન. આ દેશમાં પહેલાં એક ઉદ્ધારક મોહન હતો અને હવે તું ઉદ્ધારક બની જા.’

વહુઓથી બચવા સસરાઓનું એક સંગઠન બની ગયું અને તાળીઓએ એને સમર્થન આપી દીધું.
જય હો સંગઠન કી…

આ પણ વાંચો…લાફ્ટર આફ્ટર: વાસી ઉતરાણ આવી પણ હોય…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button