હાથે કરીને કૂવામાં પડે એને કોણ ઉગારે?

લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી
‘તે હેં પ્રેમા, રિટાયર થયાં પછી હો તારા ગાલ ઉપર લાલી ને ચાલમાં જોશ છે. લાંબા વાળ હજી ઘૂંટણ સુધી લહેરાય છે. વાતમાં જુસ્સો અને પ્રેમાળ હાસ્ય પણ બરકરાર છે. નક્કી પ્રેમા, ક્યાં કોઈ લફરું છે અથવા કોઈ જાદુ ટોના કે પછી ઝાડ પોંછ કરાવી લાગે છે.’ રમલીને પેલ્લેથી મફતનું બધું ખપે. એટલે એણે કહ્યું,
‘પ્રેમા, કોઈ યુક્તિ, કોઈ દવા કે કોઈ યુવાની બરકરાર રાખનારો ડૉક્ટરનો નુસખો હોય, તો અમને કે’ની.’ (કહે) ત્યાં બીજી બેનપણી શોભા બોલી, ‘આ રમલી બધું જ મફત પડાવે છે, પણ અમે તારી પાસે મફત નહીં, સલાહ પણ વેચાતી લેવા તૈયાર છીએ, પણ અમને તારી જેમ યુવાન રહેવાની ટીપ્સ આપને, પ્લીઝ.’ નયનાના પતિ પણ નયનાને લેડિઝ વિંગની મીટિંગમાં મૂકવા આવ્યા હતા. એમણે આ ઉત્કૃષ્ટ ચર્ચા સાંભળીને, જરા વાતને રંગીન બનાવવા મમરો મૂકી આપ્યો.
‘પ્રેમાબહેન, ખરેખર તમે કૉલેજિયનને પણ શરમાવે એવી બ્યુટીને સાચવી છે. અરે! અમિતાભવાળી રેખા હો પાણી ભરે!’ પ્રેમા સહેજ શરમાઈ અને સાડીનો પાલવ દાંત વચ્ચે લઈને થોડી શરમાઈને, બીજે હાથે લહેકો કરતી બોલી: ‘તમે પણ શું, સોહનભાઈ! તમે પણ તો હજી કેવા સરસ કીપ ફીટ અને પડછંદ છો. તમારી સામે તો અમિતાભ પણ પાણી ભરે!’
રમલીએ નયનાને કોણી મારી ને કૈંક ઈશારો કર્યો. એટલે નયનાની બે આંખો તરત જ બાર બની ગઈ. એણે પતિ સોહનને આંખો કાઢીને કહ્યું: ‘કેમ, તમે તો મને મૂકીને તરત ઑફિસના કામે જવાના હતા. તે હવે તમને જવાનું મોડું નથી થતું?’ (જોયો મોટો અમિતાભ! ને જોઈ મોટી રેખાડી! હં…)
મારી બા ઘણીવાર કે’તી (કહેતી), ‘કાણા કૂતરાને હો વખાણ બો’ (બહુ) ગમે. ટોમી… ટોમી… એમ બે વાર પ્રેમે બોલીને હાથ ફેરવો, તો ટોમી પૂંછડી હલાવીને તમને સો ટકા ચાટવા માંડહે.’ બસ, સોહન નામનો ટોમી પણ હવે આલ્સેશિયન બની ગયો હતો. એણે શર્ટના કોલર ઊંચા કર્યા. શર્ટની બાંય સહેજ ઉપર ચડાવી. હાથમાં પહેરેલું સોનાનું જાડું બ્રેસલેટ સરખું કરી હાથ ઊંચો કર્યો અને ગળામાં પહેરેલ સોનાની જાડી ચેનને ઉપર નીચે કરી અને પછી રૂઆબથી બોલ્યો:
‘નયના, કામ તો આખી જિંદગી કરવાનું જ છે. હું વિચારું છું કે ખરેખર પ્રેમાબેનની ટીપ્સ તમારે બધાએ લેવી જ જોઈએ અને આજથી જ બ્યુટીફૂલ બનવાના પ્રયત્નો શરૂ કરવા જોઈએ. (પ્રેમા… બહેન… બહેન તો એણે જેમ તેમ દબાતા અવાજે નયનાની બીકે ઉચ્ચાર્યું.) તમે જ જુઓ. તમે બધા સરખી ઉંમરનાં છો, પણ તમે બધા ગેરેજમાં મૂકવા જેવી લંગડાતી ગાડી જેવાં છો. કોઈના પગ, કોઈના હાથ તો કોઈના ઉપર નીચેના બધા જ સ્પેરપાર્ટ્સે જવાબ આપી દીધો છે. એક આ પ્રેમા… બહેન જ કીપ ફીટ અને બ્યુટીફૂલ લાગે છે. તમારી આખી લેડિઝ વિંગમાં માત્ર એક જ સર્વાંગ સુંદર!’
ત્યાં તો નયનાબહેનની અને રમલીની બધી ઇન્દ્રિયો સતેજ બની ગઈ. નયનાએ છણકો કરીને કહ્યું, ‘એક કામ કરો. તમે બધીઓ ઊભી ઊભી પ્રેમાની ટીપ્સ લ્યો. કારણ કે પ્રેમા તો નવરી છે જ, સાથે અમારા હેન્ડસમ હીરો પણ આજે ઑફિસમાંથી રજા લઈને પ્રેમા પાસેથી સુંદરતા વિશે વિશેષ જ્ઞાન લેવાના છે. ખરું ને, મિસ્ટર હેન્ડસમ?’ સોહન આજે નયનાને ચીડવવાના મૂડમાં હતો કે પછી હાથે કરીને કૂવામાં પડવાનો વિચાર હતો. તે એણે નયના તરફ જોઈને કહ્યું, ‘હે આર્યપુત્રી! જેવી તમારી આજ્ઞા! તમારો બહુ આગ્રહ છે જ, તો હું આજે ઑફિસે રજા લઈને આ પ્રેમા… બહેન પાસે બીજી બધી જીવનોપયોગી ટીપ્સ લઈ જ લઉં. એક કામ કરીએ. આપણે બાજુની ઉડીપી હોટલમાં કૉફી પીતાં પીતાં જરા જ્ઞાનગોષ્ઠિ કરીએ… આવો છો ને રમીલાબેન તમે પણ?’ રમીલા હજી હા જ કહી રહી હતી, ત્યાં નયનાની આંખોનો ગુસ્સો પામી ગઈ. નયના સાથે મોં ફેરવીને મીટિંગમાં જવા લાગી.
પ્રેમા પણ મિસ્ટર સોહનની ચાલ સમજી ગઈ હતી અને હસવાનું ખસવું થાય, એ પહેલાં ‘સોહનભાઈ, જ્ઞાન પરિષદ બીજી વાર કરીશું. નહીંતર નયના નારાજ થશે. મારું તો ઠીક, તમારે તો સાંજે એના હાથનું ડિનર લેવાનું છે.’ એમ કહીને પાછળ જોયા વિના જ પ્રેમા મીટિંગ રૂમ તરફ ભાગી. સોહન એની બગસરાની ગળાની ચેન અને હાથના બ્રેસલેટને પહેરણ નીચે સંતાડી કારમાં બેસીને ભારે હૈયે ઑફિસ તરફ જવા લાગ્યો. મૂડ બદલવા કારનો રેડિયો ઑન કર્યો, તો ગીત વાગ્યું. ‘હાય હાય યે મજબૂરી, યે મૌસમ ઔર યે દૂરી, મોહે પલ પલ હે તડપાતી, તેરી દો ટકીયાકી નૌકરી મેં મેરા, લાખો કા સાવન જાયે…’ માંડ રડવાનું ગીત પૂરું થયું. એંકરે એનું જ્ઞાન પીરસ્યું:
‘ફ્રેન્ડ્સ, જિંદગી કા ક્યા ભરોસા? કભી પતઝડ, કભી સાવન… પર હા, સાવન હો તો હમેં ભીગ લેના ચાહિયે. જૈસે કી પ્રેમ મેં ભીગને કા અવસર બાર બાર નહી મિલતા…’ સોહને ગુસ્સામાં કંટાળીને રેડિયો બંધ કર્યો. (રસ્તામાં થોડું પડેલું છે? ઘરનાં દાળ-ભાત બની ગયાં હોય ત્યારે બાજુવાળી ભલે ગમે તેવી કેક લઈને આવે, પણ પ્રેમથી ઘરમાં રહેવું હોય, તો વખાણ તો પત્નીની બળેલી દાળનાં પણ કરવાં જ રહ્યાં!) ત્યાં જ મોબાઇલ રણક્યો. નયનાનું નામ વાંચી સોહનનાં નયનો ફાટી પડ્યાં. નયનાએ સોહન ‘હેલો’ કરે એ પહેલાં જ બોલવાનું શરૂ કરી દીધું:
‘ક્યાં છે તું? કેટલે પહોંચ્યો? કે પછી પ્રેમા સાથે પ્રેમાલાપ ચાલુ છે? ચાલુ ગાડીએ ચડી જવાની તારી આદત હજી ગઈ નથી. ખરું ને? પેલી બંને તારા જેવી જ ખોટી ચેન કાઢીને ઘરે મૂકી દે અને જ્યાં હોય ત્યાંથી સીધો ઘરે જ પહોંચ. હું તને ટ્રેસ કરું છું, એટલે જૂઠું બોલતો નહીં. ઑફિસ તરફ ગાડી ટર્ન કરવાની જરૂર નથી. તારા બોલેલાં ગહન વાક્યો યાદ કરી રાખજે. હું એના ઘરે આવીને તને જવાબ આપું છું. હવે પછી મને મૂકવા-લેવા આવવાનું બંધ. ઑફિસમાં તારી પી. એ. કે સ્ટેનો જે હોય, તેને છૂટી કરી દેજે. પુત્રનાં લખ્ખણ પારણામાં જ પરખાઈ ગીયાં છે. હવે ગાડી ઘર તરફ લે. હું તારી પાછળ ઉબરમાં છું. એટલે છટકવાની એકે બારી ખુલ્લી નથી, એ સમજી લે. લાકડાના લાડુ ખાધાં છે, હવે એને પચાવ્યે જ છૂટકો! સમજ્યો?!’