લાડકી

મહિલાઓમાં પ્રિય રેડી બ્લાઉઝ

ફેશનઃ ખુશ્બુ મુલાણી ઠક્કર

સાડી સાથે જયારે સારા ફિટિંગ વાળું બ્લાઉઝ પહેરીયે ત્યારે જ ઓવરઓલ લુક સારો આવે છે. પ્રસંગ અને સાડીને અનુરૂપ તમે બ્લાઉઝની પસંદગી કરી શકો એટલેકે, કોન્ટ્રાસ્ટ કલરનું બ્લાઉઝ પહેરવું કે પછી સેલ્ફ ટુ સેલ્ફ જ કલર રાખવો છે. આ બધા સાથે બ્લાઉઝનું ‘ફિટિંગ’ પણ સારું હોવું ખૂબ જ જરૂરી છે. જો બ્લાઉઝ સીવડાવવાનું હોય તો બ્લાઉઝના કારીગર પાસે જ સીવડાવવું. બ્લાઉઝ જયારે સ્ટિચિંગમાં આપીયે ત્યારે જ ખ્યાલ આવે છે કે સીવવા આપવું કે નહીં. બધી જ મહિલાઓને બ્લાઉઝ સીવડાવવા એ સૌથી મોટો ત્રાસ લાગે છે.

દરેક મહિલાઓમાં એક હાથના માપ કરતા બીજા હાથના માપમાં થોડો તફાવત હોય છે. જેથી કરી ફિટિંગમાં થોડો ઘણો ફેરફાર થાય છે. બીજું જો તમારે આ બધી માથાઝીંકમાં ન પડવું હોય તો તમે રેડીમેડ બ્લાઉઝ પહેરી શકો. રેડીમેડ બ્લાઉઝમાં પણ ઘણા ઓપશન આવે છે. કોટન ફેબ્રિકમાં, સિલ્ક ફેબ્રિકમાં અને સૌથી લોકપ્રિય છે સ્ટ્રેચેબલ હોઝિયરી બ્લાઉઝ છે. તમે પ્રસંગ અને સાડીને અનુરૂપ રેડીમેડ બ્લાઉઝની પસંદગી કરી શકો. અચાનક જ ક્યાંક પ્રસંગમાં જવાનું આવે તો રેડીમેડ બ્લાઉઝના હિસાબે અટકાવાતું નથી, બ્લાઉઝની કિંમત પોકેટ ફ્રેન્ડલી હોવાથી 1 સાડી સાથે 2 બ્લાઉઝ પણ વસાવી શકાય છે. ચાલો તો જાણીયે રેડીમેડ બ્લાઉઝ કયા પ્રકારના હોય અને તે કઈ રીતે પહેરી શકાય.

કોટન ફેબ્રિક- કોટન પ્રિન્ટેડ ફેબ્રિકમાં બ્લાઉઝના ઘણા ઓપશન આવે છે. સ્લીવ લેસ, હોલ્ટર, ફૂલ સ્લીવ્ઝ, શોર્ટ સ્લીવ્સ વગેરે વગેરે. કોટન પ્રિન્ટેડ બ્લાઉઝ સાડી સાથે મિક્સ એન્ડ મેચ કરવા માટે સારા લાગે છે. યન્ગ યુવતીઓ પ્રિન્ટેડ હોલ્ટર સ્કર્ટ કે ડેનિમ સાથે પણ મિક્સ એન્ડ મેચ કરે છે. જયારે તમે પ્રિન્ટેડ રેડીમેડ બ્લાઉઝ લેવા જાવ છો ત્યારે તમને ઘણા ઓપશન મળે છે. તમારી બોડી ટાઈપ મુજબ તમે બ્લાઉઝની પસંદગી કરી શકો.

જેમકે, જે યુવતી કે મહિલાનું સુડોળ શરીર હોય તેમણે, હોલ્ટર, શોર્ટ લેન્થ કે પછી સ્લીવલેસ બ્લાઉઝ પહેરી શકાય. જે મહિલાનું શરીર થોડું ભરેલું છે તેઓ એલ્બો સ્લીવ્ઝ પહેરી શકે. જેઓ ખૂબ જ પાતળા હોય તેઓ ફૂલ લીવ્ઝ પણ પહેરી શકે. કોટન પ્રિન્ટ ડબ્લૂઝની એ ખાસિયત હોય છે કે, તેની પ્રિન્ટ ખૂબ જ સુંદર હોય છે અને પ્લેન સાડી સાથે આ બ્લાઉઝ પહેરવાથી આખો લુક ચેન્જ થઇ જાય છે. જો તમારું શરીર ભરેલું હોય તો તમે ઝીણી પ્રિન્ટવાળા ફેબ્રિકમાંથી બનેલા બ્લાઉઝની પસંદગી કરી શકો. જો તમારું શરીર સુડોળ હોય તો તમે મોટા બુટ્ટાવાળી પ્રિન્ટ કે પછી બોલ્ડ જાલ પ્રિન્ટવાળું બ્લાઉઝ પણ પહેરી શકો.

સિલ્ક રેડીમેડ બ્લાઉઝ- પ્યોર સિલ્કમાં જે રેડીમેડ બ્લાઉઝ મળે છે તેમાં પ્રાઈઝમાં વેરિએશન હોય છે. બ્લાઉઝની કિંમત તેની પેટર્ન પરથી નક્કી થાય છે જેમકે, જો રો સિલ્કનું પ્લેન બ્લાઉઝ હોય અને તેમાં માત્ર ગોલ્ડન પાઇપિન હોય તો તેની કિંમત ઓછી હોય છે. સિલ્ક બ્લાઉઝમાં વર્ક પણ હોય છે. આવા બ્લાઉઝ ખાસ કરીને પ્રસંગોમાં જ પહેરવાંના હોય છે તેથી તેમાં વર્કવાળા બ્લાઉઝના ઓપશન વધારે હોય છે.

આ બધા બ્લાઉઝમાં કલર ઓપશન પણ ઘણા હોય છે જેથી સાડી સાથે મેચિંગ પણ આસાનીથી થઈ જાય છે. તમારા પ્રસંગને અનુરૂપ તમે ઓછા કે વધારે વર્કવાળા બ્લાઉઝની પસંદગી કરી શકો. આ બ્લાઉઝની કિંમત પણ રિઝનેબલ હોય છે. જયારે રેડી બ્લાઉઝમાં કલર ઓપશન તમારી સામે હોય ત્યારે પસંદગી કરવી બહુ આસાન બની જાય છે. સિલ્ક ફેબ્રિકમાં સ્ટ્રેચેબલ ઇફેક્ટ નથી હોતી તેથી જયારે બ્લાઉઝ લેવા જાવ ત્યારે ખાસ કરીને બ્લાઉઝ માપીને લેવું. રેડી બ્લાઉઝમાં પેડેડ અને નોન પેડેડ પણ હોય છે. તમારા બોડીને અનુરૂપ તમે પેડેડ અને નોન પેડેડ બ્લાઉઝની પસંદગી કરી શકો.

સ્ટ્રેચેબલ બ્લાઉઝ- સ્ટ્રેચેબલ બ્લાઉઝ ખૂબ જ પ્રચલિત છે. સ્ટ્રેચેબલ બ્લાઉઝ ખાસ કરીને કોટન હોઝિયરી ફેબ્રિકમાંથી બનાવવામાં આવે છે તેથી પહેરવાંમાં ખૂબ જ કમ્ફર્ટેબલ લાગે છે. સ્ટ્રેચબલ બ્લાઉઝમાં બટન નથી હોતા, આવા બ્લાઉઝ ઉપરથી જ પહેરવાના હોય છે. કોટન હોઝિયરી ફેબ્રિકમાંથી બનેલા હોવાથી શરીર પર બરાબર બેસે છે. આ બ્લાઉઝમાં ઓપન નેક, કલોઝ નેક, સ્લીવ લેસ, શોર્ટ સ્લીવ્ઝ, અને ફૂલ સ્લીવ્ઝ એવા ઘણા ઓપશન આવે છે.

આ બ્લાઉઝ ખાસ કરીને પ્લેન ફેબ્રિકમાં વધારે હોય છે. કોટન પ્રિન્ટેડ સાડી સાથે સ્ટ્રેચેબલ બ્લાઉઝ એક ફેન્સી અને અટ્રેક્ટિવ લુક આપે છે. આ બ્લાઉઝ પહેર્યા પછી એક ટી શર્ટ જેવો લુક આપે છે. કલર ઓપશન પણ સારા એવા હોવાથી તમારી સાડી સાથે કોઈ તો મિક્સ એન્ડ મેચ થઇ જ જાય છે. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે, જો તમારું શરીર વધારે ભરેલું હશે અને જો તમે સ્ટ્રેચેબલ બ્લાઉઝ પહેરશો તો, વધારાની ચરબી હાઈલાઈટ થશે. તેથી સ્થૂળ શરીર વાળી મહિલા કે યુવતીએ સ્ટ્રેચેબલ રેડીમેડ બ્લાઉઝ પહેરવાનું ટાળવું.

આ પણ વાંચો…ફેશન: ફોરએવર મીડી ડ્રેસ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button