વાર-તહેવાર: આત્માના આનંદમાં નિમગ્ન બનવાનું મહાપર્વ એટલે પર્યુષણ | મુંબઈ સમાચાર
લાડકી

વાર-તહેવાર: આત્માના આનંદમાં નિમગ્ન બનવાનું મહાપર્વ એટલે પર્યુષણ

  • રશ્મિકાન્ત શુકલ

ધર્મની આરાધના મુખ્યત્વે આત્માનો આનંદ છે, પણ આત્માના આનંદમાં પહોંચવા માટેના અનેક માર્ગ છે, અનેક પ્રકારના આલંબનો છે.

વર્તમાન કાળમાં શ્વેતાંબરો માટે આઠ દિવસ પર્યુષણ છે. પર્યુષણ મહાપર્વના આ દિવસોમાં પ્રત્યેક જૈનોનો ઉલ્લાસ સીમાને આંબી જતો હોય છે, કેમ કે જૈનો માટે પર્યુષણ એ ‘પર્વાધિરાજ’ છે.

પર્યુષણના આ દિવસો દરમિયાન આપણા કાને કેટલાક શબ્દો વારંવાર પડે છે. એનો અર્થ સામાન્ય જૈન કે અ-જૈન કે પછી આજની યુવા પેઢી જાણતી નથી હોતી. એમના લાભાર્થે આ શબ્દોના અર્થ સરળ ભાષામાં અહીં સમજાવ્યા છે .

ઉપવાસ- ઉપ એટલે નજીક અને વાસ એટલે વસવું. આત્માની નજીક વસવું એ ઉપવાસ.

ઉપવાસમાં અસન (પાકું ભોજન) -પાન (પ્રવાહી પીણાં) ખાદિમ (ફળ વિગેરે) – સ્વાદિમ (મુખવાસ વિગેરે) ચાર પ્રકારના આહારનો ત્યાગ કરીને આઠેય કર્મેાની નિર્જરા માટે કરાતું તપ…

આ તપથી શરીર શુદ્ધ થાય છે, શરીર શુદ્ધ થતાં મન શુદ્ધ થાય છે. મન શુદ્ધ થતાં આત્મા શુદ્ધ થાય છે. ઉપવાસ એ Spiritual Willpower Development એટલે કે આધ્યાત્મિક ઇચ્છાશક્તિનો વિકાસ છે.

આ પણ વાંચો…વાર-તહેવાર: બીજાથી કૃષ્ણ ન્યારો કેમ…?

ઉપવાસમાં ઉકાળેલું પાણી જ માત્ર લઇ શકાય છે.

લીલોતરી ત્યાગ-પર્યુષણ જેવા પર્વ દિવસોમાં સંપૂર્ણપણે લીલાં શાકભાજી-ફળ વિગેરેનો સંપૂર્ણ ત્યાગ…

ચૌવિહાર- સૂર્યાસ્ત પછી ચારે પ્રકારના આહારનો સંપૂર્ણ ત્યાગ…

આયંબિલ- એટલે લીલાં શાકભાજી- ફળ -તેલ – ઘી – મસાલા વિનાનું લૂખું- સૂકું ભોજન કરવું તે…

એકાસણું- એટલે શરીરમાં શક્તિ ન હોય તો ઉપવાસ ન કરી શકનાર વ્યક્તિ દિવસ દરમિયાન એક જ બેઠકે એક જ વાર ભોજન લે તે…

બિયાસણું – એટલે ઉપવાસ-આયંબિલ-એકાસણું આદિ તપ ન કરી શકનાર વ્યક્તિએ દિવસ દરમિયાન બે વાર જ ભોજન કરવું તે…

અઠ્ઠમ – એટલે સળંગ ત્રણ દિવસ માત્ર ઉકાળેલાં પાણી સાથે કે ઉકાળેલાં પાણી વિનાનાં કરાતાં ઉપવાસ,જેમાં આહારનો સંપૂર્ણ ત્યાગ હોય છે.

સોળભથ્થું (અઠ્ઠાઇ)- સળંગ આઠ દિવસના ઉપવાસ…

બત્તીસભથ્થું (સોળ ઉપવાસ)- સળંગ સોળ દિવસના ઉપવાસ…

હાલની પરંપરા પ્રમાણે કોઇપણ વ્યક્તિની સળંગ 30 ઉપવાસ કરવાની શારીરિક શક્તિ હોય તો પણ એક સાથે માત્ર સળંગ સોળ ઉપવાસના જ પચ્ચક્ખાણ (પાપના ત્યાગની પ્રતિજ્ઞા) આપી શકાય છે.

માસક્ષમણ- સળંગ 30 દિવસના ઉપવાસ.

પ્રતિક્રમણ- એટલે પાપે આપણા આત્મા પર જે આક્રમણ કર્યું એ પ્રતિ એટલે કે,પાપ સામે વળતું આક્રમણ કરવું તે પ્રતિક્રમણ….

પ્રતિક્રમણના અનેકવિધ પ્રકાર છે, જેમકે…

રાઇઅ પ્રતિક્રમણ – સમગ્ર રાત્રિ દરમિયાન થયેલ પાપોની આલોચના માટે વહેલી સવારે કરાતું પ્રતિક્રમણ

આ પ્રતિક્રમણ પ્રતિદિન કરી શકાય…

દેવસિઅ પ્રતિક્રમણ- સમગ્ર દિવસ દરમિયાન થયેલ પાપોની આલોચના માટે સમી સાંજે કરાતું પ્રતિક્રમણ આ પ્રતિક્રમણ પણ પ્રતિદિન કરવું જોઇએ.

પક્ખિ પ્રતિક્રમણ – પખવાડિયા દરમિયાન થયેલ પાપોની આલોચના રૂપે કરાતું પ્રતિક્રમણ. આ પ્રતિક્રમણ વર્ષ દરમિયાન કુલ 24 વાર કરવામાં આવે છે.

ચઉમાસી પ્રતિક્રમણ- ચાર મહિના દરમિયાન થયેલ પાપોની આલોચના રૂપે કરાતું પ્રતિક્રમણ. આ પ્રતિક્રમણ વર્ષ દરમિયાન કુલ 3 વાર જ કરાય છે…

સંવત્સરી પ્રતિક્રમણ – સંવત્સર (વર્ષ) દરમિયાન થયેલ સમગ્ર પાપોની આલોચના રૂપે કરાતું પ્રતિક્રમણ. આ પ્રતિક્રમણ વર્ષમાં માત્ર એક જ વાર ભાદરવા સુદ ચોથના દિવસે કરવામાં આવે છે.

સામાયિક રાગ-દ્વેષનો ત્યાગ કરીને મન, વચન, કાયાના સર્વ યોગોના પાપોને પરિહાર (ત્યાગ) કરીને બે ઘડી (48 મિનિટ) સમતા ધારણ કરીને જે સદનુષ્ઠાન કરવામાં આવે છે તે સામાયિક….

મિચ્છામિ દુક્કડમ એટલે મારા દુષ્કૃત્યો મિથ્યા થાઓ…

મન વચન કાયાથી ક્ષમા માગવી અને ક્ષમા આપવી એ જ આ પર્યુષણ મહાપર્વનો મહાન સંદેશ છે.

આ પણ વાંચો…વાર-તહેવારઃ …ત્યારથી અત્યાર સુધી જુગાર

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button