
શ્વેતા જોષી-અંતાણી
શનિવારની નમતી બપોરે આધ્યાએ ધમ-ધમ કરતી ડોરબેલ વગાડી. ઘરમાં આવતાવેંત ઉત્સાહિત સ્વરે એણે જાહેર કરી દીધું, ‘હું અને અનુપ મેરેજ કરવા માગીએ છીએ…!’
આધ્યાનાં પેરેન્ટ્સ સુશીલા અને અજય તો ડઘાય ગયાં. જાણે કંઈ સમજમાં આવતું ના હોય એમ ફાટી આંખે આધ્યા સામે જોઈ રહ્યા:
હે, ભગવાન! હજુ તો સતરમાં વર્ષમાં પ્રવેશેલી દીકરી લગ્નની વાતો કરવા લાગી?
‘વ્હોટ નોનસેન્સ!’ અચાનક પપ્પા બરાડી ઉઠ્યા.
મમ્મી તો હજુ પણ જાણે આઘાતમાં હોય એમ સામું જોઈ રહેલી. આધ્યા પોતાના પેરેન્ટ્સની આવી પ્રતિક્રિયા જોઈ મુંઝાઈ ગઈ..
મમ્મી-પપ્પા તો ખૂબ ઓપન માઈન્ડેડ હતાં. એકદમ ફ્રેન્ડલી. એના ક્લાસમેટ છોકરો હોય કે છોકરી ક્યારેય કોઈને ઘેર આવતા રોક્યા નહોતા. અજય અને સુશીલા હંમેશાં આધ્યાની વાતોમાં જોરશોરથી ભાગ લેતા. એના પહેરવા-ઓઢવાં પર કોઈ પ્રતિબંધ નહોતો. કોઈ નીતિ-નિયમો કે નિયંત્રણ પણ નહીં. પપ્પા એને સ્વિમિંગ, સ્કેટિંગમાં લઈ જતા. મમ્મી એની સાથે કોલ્ડ પ્લે સાંભળતી, ‘નાયકા’ કે ‘મેબલીન’ના મેકઅપની વાતો પણ કરતી મા-બાપ બન્ને જાણે આધ્યાની સાથોસાથ ફરી પોતાની ટીનએજને જીવવા લાગેલાં. હસી-મજાક, હલ્લા-ગુલ્લા કરતાં ઘરમાં એ ત્રણેયની કંપની જોરદાર રહેતી. આધ્યાના મિત્રો તો એના પેરેન્ટ્સ પર ઓવારી જતાં. એ બધાએ પોતાની ચૌદ-પંદર વર્ષની જિંદગીમાં જોયેલા બેસ્ટ પેરેન્ટ્સ હતાં આધ્યા પાસે.
આધ્યાને લાગ્યું હતું કે, અનુપ જેવો રૂડો-રૂપાળો, હેન્ડસમ છોકરો જમાઈ તરીકે મળે એનાથી વધારે એમને શું જોઈતું હશે? પણ, આ શું? અહીં તો અપસેટ સર્જાય ગયો. પહેલીવાર આધ્યાના એડવેન્ચરમાં પેરેન્ટસે પાર્ટિસિપેટ ના કર્યું. કદાચ એમને ભરોસો જોઈતો હશે એમ વિચારી આધ્યાએ શરૂ કર્યું:
‘પપ્પા, અનુપ અને હું કઈ અફેર નથી કરતા. બસ, એકબીજાની સાથે અમને મજા આવે છે. અમે અમારા ભવિષ્યની વાતો કરીએ છીએ. અમે સી.એ. કરવા માગીએ છીએ. સાથે નોકરી કરીશું. હું કંઈ ભણવાનું નહીં મૂકી દઉં. જો તમને એવું લાગતું હોય તો, એ તમારી ભૂલ છે. હું ખૂબ મહેનત કરીશ. હું જિંદગીને ખૂબ સારી બનાવીશ. હું મારી લાઇફમાં કંઈક બનીને બતાવીશ…’
આધ્યાની આ ભાષણબાજીએ અજયનું લોહી વધારે ઉકળ્યું. એણે માંડ જાત પર કાબૂ રાખતાં કહ્યું,:
‘તું માત્ર સત્તર વર્ષની છે. આ ઉંમર આવા નિર્ણયો લેવા માટે નથી. તારો એક નિર્ણય આવનારાં સાંઈઠ વર્ષોની જિંદગી નક્કી કરશે. આજે તે જે વાત કરી એ એકદમ વાહિયાત છે, યુ ઈડિયટ.!’
પોતાના પેરેન્ટ્સનું આવું વર્તન પચાવી ના શકતી આધ્યા સામે તાડૂકી:
‘તો તમે શા માટે અનુપને મારી સાથે સ્ટડી કરવા હા પાડતાં?’
‘એ જ તને કહેવા માગીએ છીએ કે, તમારે સાથે ભણવાનું છે. આવી વાતો વિચારવાની નથી. હવે એક વાત ચોખ્ખી સાંભળી લે. તું આને અનુપ સાથેના પ્રેમનો વિરોધ સમજતી હોય તો ભલે. હું તારો બાપ છું… અને હું આવી વાહિયાત વાતો માટે તારી સાથે સહમત નથી…’
આ પણ વાંચો…ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી : અનુભવ થકી સમજાય છે આ જિંદગી…
અચાનક સુશીલા જોરથી બરાડી, ‘જા દૂધ પી અને પરીક્ષાઓની તૈયારી કર….!’
‘મને તમારા પર કેટલો ગર્વ હતો… જ્યારે બીજી બધી છોકરીઓ અનુપની પાછળ ભાગતી ત્યારે હું એને ઇગ્નોર કરતી. છતાં એણે મને પસંદ કરી. તમે ગમે તે કરો, હું તો અનુપ સાથે લગ્ન કરીશ ને એ પણ હમણાં જ કરીશ!’. આવું કહી દરવાજો પછાડતી આધ્યા ચાલી નીકળી.
સામાન્ય રીતે શાંત સરોવરસમા એ ઘરમાં આજે ભૂકંપ મચી ગયેલો. અજયે ધબ્બ દઈને સોફામાં પડતું મેલ્યું:
‘સુશી, સાચું કહું આ છોકરી જે રીતે લગ્નનું નામ લે છે… મને એને ધીબેડી નાખવાનું મન થાય છે. એક કામ કરું, હું એ છોકરાના ઘેર જઈ એને ઠમઠોરી નાખું હવે…’
પતિને શાંત પાડતી સુશીલા સ્ત્રી સહજ ભાવમાં બોલી:
‘તમે ગુસ્સે થશો તો આ વસ્તુ વધારે બગડશે. એના કરતાં કાલે સ્કૂલ જઈ છોકરાની ફરિયાદ કરી દઈએ.’
બીજા દિવસે બન્ને પહોંચ્યા પ્રિન્સિપલ પાસે. આખી વાત સાંભળી એમણે હળવેથી કહ્યું, ‘જુઓ, પહેલી વાત તો એ કે, તમારે અનુપને કશું કહેવાનું થતું નથી’. અજયે મોં મચકોડ્યું.
‘બીજું, ખોટી આવી ચર્ચા કરી બન્ને છોકરાઓને સ્કૂલ કે સમાજમાં બદનામ કરવા કરતાં થોડી શાંતિ જાળવો. આ ઉંમરે સંતાનોને મા-બાપની સલાહો ભાષણબાજી લાગે છે માટે એવું કરવાનો ટાળો. જરૂર લાગે તો હાલ આધ્યાને કોઈ અન્ય જગ્યાએ મોકલી આપો’.
આધ્યાનાં પેરેન્ટ્સને આવી સુફિયાણી વાતો બહુ ગળે ઊતરી નહીં. એ તો કોઈપણ ભોગે અનુપનો ઘડો-લાડવો કરવાના મૂડમાં હતા. ખાસ કરીને અજય હાથ ખંજવાળતો અનુપ સામે આવે એની રાહ જોઈ રહ્યો હતો.
સામે પક્ષે આધ્યાની આવી નાદાની થકી અનુપ હેરાન-પરેશાન થઈ ઉઠ્યો:
‘અરે, યાર આવી વાત મમ્મી-પપ્પાને કરાય? હવે હું તારા ઘેર કેમ આવીશ? હું એ લોકોને શું જવાબ આપીશ?.’
‘લે, આપણે કંઈ ખરાબ થોડું કરીએ છીએ?’ આધ્યા બોલી, પણ અનુપ સમજતો હતો કે, પોતે એમ જ મજાક-મસ્તીમાં કરેલી પ્રેમ કે લગ્નની વાતને આધ્યાએ ગંભીર સ્વરૂપ આપી દીધું છે, જેની જવાબદારી લેવા એ બિલ્કુલ તૈયાર નહોતો. બીજા જ દિવસથી અનુપે કિનારો કરી લીધો. ના એ આધ્યા સાથે ભણવા બેસતો, ના લંચ બ્રેકમાં જમતો. ના કોઈ ફોન કોલ્સના જવાબ આપતો અને ના તો એની સાથે લાઇબ્રેરીમાં જતો. આધ્યાને ઘેર જવાની વાત તો દૂર રહી, એને નજીક આવતા જોઈને પણ એ ઝડપથી ત્યાંથી ખસી જતો.
એક દિવસ આધ્યાએ પરાણે એને પકડ્યો. અનુપે જાહેરમાં એને ઝાટકી નાખી:
‘અરે, યાર રોમેન્ટિક મુવીઝ જોઈ-જોઈને તું તો સાવ ગમાર થઈ ગઈ છે. તારી સાથે થોડી મજાક-મસ્તી શું કરી લીધી, તું તો સાચું માની બેઠી. તું કારણ વગર મને ફસાવી દઈશ. એના કરતાં તું તારું કામ કર અને હું મારું….’ કહી અનુપે ચાલતી પકડી.
આધ્યા કોઈ સામે નજર ના મેળવી શકી. હા, એક વાત એને ચોક્કસ સમજાય હતી કે, પોતે અનુપની મસ્તીને ગંભીરતાથી લઈ બેસેલી એ એની ભૂલ હતી.
ઘેર જઈ મમ્મી-પપ્પાને સામે બેસાડી એણે ફરમાન જાહેર કર્યું: ‘મોમ ડેડ, સાંભળો. મારી ભૂલ હતી. હું સ્વીકારું છું. આજ પછી કેરિયર બનાવી ના લઉં ત્યાં સુધી હું હરામ બરાબર કોઈ છોકરાની વાત કરીશ ને કરું તો મારું નામ બદલી નાખજો!’
સુશી દીકરીને વળગી પડી:
‘અરે, આધ્યા નામ અમને બહુ ગમે છે’. અજયે પણ હસતાં કહ્યું: ‘યેસ, મને પણ બહુ ગમે છે.’
‘એટલે જ તો કહું છું. હું મારં નામ બદલવું પડે એવી નોબત નહીં આવવા દઉં.’ કહી આધ્યાએ આંખ મીંચકારી ને ત્રણે ખડખડાટ હસી પડ્યાં.
આખરે ઘણા દિવસે ઘરમાં ‘થ્રી ઈઝ અ કંપની’ની લાગણી પાછી ફરી હતી.
આ પણ વાંચો…ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી : જો સંપૂર્ણ ન બની શકો તો સુવ્યવસ્થિત બનો…