લાડકી

લાફ્ટર આફ્ટરઃ એક પંથ દો કાજ

-પ્રજ્ઞા વશી

‘મમ્મી, મારી પેલી લટકતી ઝુમ્મરવાળી બુટ્ટી ક્યાં છે? સવારથી શોધું છું. અને પેલી કાળી મેક્સી ધોબીમાંથી આવી કે નહીં?’ ‘મીનુ બેટા, આપણે લગ્નમાં નહીં, બેહણામાં જઈએ છીએ. એ તને યાદ છે ને?’ ‘અને મમ્મી, તને યાદ હશે જ કે તેં હજાર વાર કહ્યું છે કે મીનુ બેટા, હંમેશાં સજીધજીને જ તારે તો ઘરની બહાર નીકળવાનું. ભલે ને પછી પડોશમાં કેમ ન જવાનું હોય! ગમે ત્યારે સારા ઘરનાં તને જોઈ લે અને તેને તું ગમી જાય તો ટાઢા પાણીએ ખસ જાય. એટલે મોમ, હું ટાઢે પાણીએ ખસ કાઢવા માટે કાળા રંગનો લોંગ ગાઉન ને કાળી બુટ્ટી શોધું છું. અને મમ્મા, જો આ રિલ બતાવું. એક સાથે ત્રણ સાડી ફ્રી અને એક ગાઉન સાથે બે ગાઉન ફ્રી. આમ દરેક કપડાં ઉપર બે જોડ તો ફ્રી મળશે. એક બમ્પર સેલ ઇસ્કોન મોલમાં આવ્યું છે.’

‘અરે વાહ! મીનુ, આપણે બેહણામાં જઈએ છીએ એ હોલ પણ આ મોલની બરાબર પાસે જ છે. એટલે મોટી સાઇઝના થેલા લઈ લેજે. અને તારા પપ્પા પાસેથી બધી જાતના કાર્ડ પણ લઈ લેજે. મારી ક્રેડિટ તો પૂરી થઈ ગઈ છે. હજી તારી ક્રેડિટ ઉપર પપ્પા કદાચ કાર્ડ આપે પણ ખરા. જો નહીં આપે તો કઈ રીતે પૈસા પડાવવા એની અગિયાર ટિપ્સ મેં તને શીખવી છે. બાકી મારી ટ્રેનિંગ ઉપર મને પૂરો વિશ્વાસ છે. ફતેહ કરો!’

મીનુને પપ્પા નામની બેન્કમાંથી પૈસા પડાવવાના કામે લગાડી, રમાબહેન ફળિયાના જેટલાં ગાડી અને ડ્રાઇવરવાળા બહેનો હતાં, એમને ‘એક પર બે થી ત્રણ ફ્રી’ નો સોમરસ પીવડાવ્યો કે તરત થેલા અને કાર્ડ લઈને સહુ હાજર! સાંજના મોડું થાય તો ઝોમેટો, સ્વીગી અને ક્યાં તો બધાએ પતિદેવોને સીધા હોટલ પર જ બોલાવી લેવા એમ નક્કી કરી ઍક્શન પ્લાન-એક તરફ કદમ ઉપાડ્યા.

પ્રથમ તો બેહણામાં ‘ફક્ત પાંચ મિનિટ જ બગાડવી’ એવું નક્કી કરીને નીકળ્યાં હતાં. નક્કી થયા મુજબ દરેકે રમાબહેનને જ ફોલો કરવાનાં. એમનાં નકશે કદમ જ ચાલવું. બેહણાના હોલમાં પ્રવેશદ્વાર ઉપર લીંબુ -પાણી આપવામાં આવતું હતું. રમાબહેને ‘ગરમી ઘણી છે. બધા બે બે ગ્લાસ લીંબુ પાણી પી લ્યો.’ એવો આદેશ આપ્યો.. મીનુ એમનાથી વધારે સ્માર્ટ! એટલે એણે કહ્યું, ‘દરેક જણ પાણીની બોટલમાં પણ આ જ્યુસ ભરી લો. સાંજ સુધી કામ આવશે.’

આ પણ વાંચો…લાફ્ટર આફ્ટર : દાંત સાથે ચેડાંના ચક્કર…

બધી માનુનીઓએ તરત જ કહ્યા મુજબ બોટલોથી લઈ વોટર બેગ સુધ્ધાં ભરી લીધી. લોકો ગરમીમાં પાણીની પરબ બંધાવે. જ્યારે આ તો લીંબુ-પાણીની પરબ! વાહ, ભાઈ વાહ! રમાબહેન તો રમાબહેન પણ દીકરી મીનુ તો એનાથી પણ વધારે સ્માર્ટ છે, હોં! આટલું બધું લીંબુનું પાણી આ મોંઘવારીમાં લેવા જઈએ તો આજે કેટલાનું થાય!
બહારના તાપમાંથી અંદરના એ.સી. હોલમાં સહુનો જીવ શાંત થઈ ગયો. ઉપર બે બે ગ્લાસ લીંબુ શરબત. ભાઈ વાહ!
રમાબહેને બીજો આદેશ આપ્યો: ‘બહેનો, અંદર ઠંડક સારી છે. તો આપણે ફોટા પર ફટાફટ ફૂલો ચડાવીને પાછળના એ.સી. નીચે શાંતિથી થોડાં ગપ્પાં મારશું. એટલે પેલી બાજુ જે ચા આપી રહ્યા છે, તે આપણી તરફ પણ આવશે. એટલે જેને ચા વગર માથું દુખતું હોય, તે ચા-કોફી કે બંને પીવું હોય તો બંને પી લેશે. પેટ્રોલ ખર્ચીને આવ્યાં છીએ એ હંમેશાં યાદ રાખવું સમજ્યા ને? આ ચા-પાણી પતે, થોડાં ગપ્પાં પણ પતે, પછી નિરાંતે સેલમાં જશું.’

મૃતકની છબી ઉપર ફટાફટ ફૂલો ચડાવીને બધા પાછળ બેઠાં. ત્યાં દૂરની કાકી સાસુ રમાબહેન પાસે આવીને મીનુને જોઈને બોલ્યાં, ‘રમાવહુ, તારી મીનુ તો કાળા ગાઉનમાં ફિલ્મી હીરોઈન જેવી લાગે છે. મારી પાસે ચાર-પાંચ છોકરાના બાયોડેટા છે. બિઝનેસ મેન છે. ગાડી અને બંગલામાં રાજ કરશે.’ ‘કાકીમા, હું બહેરી નથી. જરા ધીમું બોલો. બધા આ તરફ ડોકિયાં કરીને જુએ છે.’

આ પણ વાંચો…લાફ્ટર આફ્ટર : કવિતા કરવાથી શું થાય?

ત્યાં પાછળના ટોળામાંથી એક બહેન આવ્યાં અને બોલ્યાં, ‘તમારી દીકરી સુંદર અને સુશીલ લાગે છે. જુઓ, આ મારું કાર્ડ. તેમાં એડ્રેસ, ફોન નંબર લખેલો છે. મારા બે અને મારા દિયર-જેઠના પણ બે બે છોકરા કુંવારા છે. દીકરીને જે ગમે એની સાથે ચોકઠું ગોઠવાઈ જશે. ટોટલ છ છોકરા અમારાં જ કુટુંબના છે. અમે પણ હીરાનો બિઝનેસ કરીએ છીએ.’
બાજુમાં બેઠેલાં કાકી સાસુને થયું, મેં મારા ભાઈના વાંઢા છોકરા હારુ વાત ચલાવી ત્યાં આ હીરા ઘહવાવાળી ક્યાંથી ટપકી પડી? એટલે એ કહેવા લાગ્યાં, ‘બહેન, અમારાં કુટુંબમાં તો કોઈ હીરા ઘહવા હારે વાત ચલાવતા નથી. હીરાવાળાના ધંધા ગમે ત્યારે બેહી પડે. એના કરતાં તો હારી નોકરી કરતા હોય અથવા હારો ટકોરાંબંધ ઊજળો ધંધો કરનારા હારા. હું કેવું છે, રમાવહુ તમારું?’

રમાવહુ કહે તો પણ હું કહે? વાતનું વતેસર થઈ જાય તે પહેલાં અહીંથી ભાગવું રહ્યું, નહીંતર ખરેખરનું બેસણું ભારે પડહે.
‘હારું હારું કાકીમા અને બેન, તમારી પણ વાત ધ્યાનમાં રાખીશ. હવે અમારે જરા બીજાના બેહણામાં જવાનું છે માટે અમે નીકળીએ.’ એમ કહીને રમાબહેન એની ફોજ લઈને ભાગ્યાં. બાજુના હોલમાં સેલ જોવા ગયાં, પણ એવાં ધક્કે ચડ્યાં, કે ન પૂછો વાત!

એક સાથે બે ફ્રી જોવામાં એક સારું હોય, પણ બીજાં બે શનિવારીનાં કપડાં જેવાં! કોઈ ઉપર બટન તૂટેલાં, તો કોઈના ઉપર ડાઘા. તો કોઈની બાંય લાંબી-ટૂંકી. કપડાં ખોલી ખોલીને જોવામાં જ બધાને હાંફ ચડી ગયો. ધક્કે ધક્કે ખરીદી કર્યાં વિના બહાર નીકળ્યાં. ત્યાં કાકીહાહુ અને પેલાં હીરા ઘસવાવાળા બિઝનેસમેનનાં ઘરનાં માતાજી સામે મળ્યાં.
‘કેમ અલી રમા વહુ, તું તો બીજા બેહણામાં જવાની હતી ને?’ હાજર જવાબી ને સ્માર્ટ મીનુ બોલી, ‘કાકીમા, એક બેહણામાંથી આ બીજા બેહણામાં જ આવ્યાં છીએ. પેલે ત્યાંથી પણ ખાલી હાથ અને અહીંયાથી પણ ખાલી હાથ…! આ જુઓ, થેલા ખાલી જ છે.’

‘રમા વહુ, તારી મીનુ તો ખરેખર હોશિયાર છે હોં! વિચાર હોય તો કહેજે.’ અને પછી કતરાતી નજરે પેલાં બીજા બહેન તરફ પણ ધરાર જોઈ જ લીધું. કારમાં બેસીને વોટર બેગમાંથી બધાએ લીંબુનું પાણી લઈ પી લીધું… કે વહેલું આવે ઘર!

આ પણ વાંચો…લાફ્ટર આફ્ટર : આવા જેકીનું શું કરવું?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button