રાષ્ટ્ર નિર્માણ તથા સમાજ કલ્યાણ મારા જીવનનું મુખ્ય ધ્યેય રહ્યું…

કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય
નામ: અરૂણા આસફ અલી
સમય: 1994
સ્થળ: દિલ્હી
ઉંમર: 86 વર્ષ
ભારત આઝાદ થયું એ સમયે જે લોકોએ એમાં પોતાનો સમય, શક્તિ અને સંબંધો અર્પી દીધાં એ સૌને મારી જેમ જ નિરાશા થઈ હતી. 1947માં આઝાદી મળી એ પછી ભારત અખંડ રાષ્ટ્ર બન્યું અને પોતાનું બંધારણ અમલમાં આવ્યું ત્યાં સુધી કશું સ્પષ્ટ નહોતું, પરંતુ મંત્રીમંડળ અમલમાં આવ્યું એ પછી કૉંગ્રેસનું વલણ બદલાયું. જે લોકોએ સ્વતંત્રતા સંગ્રામમાં પૂરા હૃદયથી કામ કર્યું હતું એમને આ નવા મંત્રીમંડળના નિર્ણયોથી આઘાત લાગ્યો એટલું જ નહીં, ધીરે ધીરે એમને મોહભંગ થવા લાગ્યો.
પાર્ટીશન વખતે પાકિસ્તાનને પૈસા આપવાના નિર્ણયથી ઘણા લોકો નારાજ થયા. મુસ્લિમ લીગને મળેલા મહત્ત્વને કારણે ગાંધીના વિરોધમાં પણ ઘણા લોકો ઊભા થયા. 1935માં મુસ્લિમ રાષ્ટ્રવાદી પાર્ટીના સદસ્ય તરીકે આસફ અલીને પસંદ કરવામાં આવ્યા હતા. એ પછી મુસ્લિમ લીગના ઉમેદવારની વિરુધ્ધ (પોતે મુસ્લિમ હોવા છતાં) કૉંગ્રેસના ઉમેદવાર તરીકે એ ચૂંટણી જીત્યા એટલું જ નહીં, એમને કૉંગ્રેસના ઉપાધ્યક્ષ તરીકે પદ સંભાળવાનું કહેવામાં આવ્યું. આ બધું ’42થી ’46 દરમિયાન બન્યું, પરંતુ 1947 પછી એમને ભારતીય રાજકારણથી એટલી નિરાશા થઈ કે એ રાજીનામું આપવા તૈયાર થઈ ગયા ત્યારે એમને જવાહરલાલ નહેરુએ સમજાવીને કૉંગ્રેસ પક્ષમાં ટકી રહેવા વિનંતી કરી.
1948થી ભારતના યુવાનોની નારાજગી વધુને વધુ મુખર થવા લાગી. સ્વતંત્રતા સંગ્રામમાં જેમણે ભાગ લીધો હતો એવા લોકોએ ગાંધીજીના નિર્ણયો અને જવાહરલાલ નહેરુની સરકારની કાર્યવાહી સામે રોષ પ્રગટ કરવાની શરૂઆત કરી. 1948ના જાન્યુઆરી મહિનામાં મહાત્મા ગાંધીની હત્યા કરવામાં આવી અને દેશભરમાં અરાજકતા ફેલાઈ ગઈ. ગાંધીનું મૃત્યુ એક રીતે ભારતના યુવાનોના રોષને પ્રતિબિંબિત કરતી બહુ મોટી
ઘટના હતી.
એ સમય મારા પણ મોહભંગનો સમય હતો. પહેલાં સમાજવાદી પાર્ટીની પસંદગી કરીને મેં કૉંગ્રેસ છોડી દીધી. એ જ ગાળામાં આસફ અલીને અમેરિકામાં આઝાદ ભારતના પહેલા રાજદૂત બનાવીને મોકલવામાં આવ્યા. મેં સાથે જવાનો નિર્ણય કર્યો કારણ કે, હવે ભારતીય રાજકારણમાં મારે માટે કશું બચ્યું નહોતું. 1948થી ’49ના વર્ષ દરમિયાન હું અમેરિકા આવ-જા કરતી રહી. 1950માં ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીની સભ્ય બની. સીપીઆઈને નેશનલ ફેડરેશન ઓફ વુમન બનાવવામાં મદદ કરી. રશિયાના નિકીતા કૃશ્ચેવ અને સ્ટાલિનની સાથે સીપીઆઈ ભારતને એક નવી દિશા આપશે એવી મારી ધારણા હતી.
એ ગાળામાં, 1953માં આસફ અલી સ્વિટ્ઝર્લેન્ડમાં હતા. અમેરિકા પછી એમને સ્વિટ્ઝર્લેન્ડમાં ભારતીય રાજદૂત બનાવીને મોકલવામાં આવ્યા. એમણે કૉંગ્રેસથી દૂર રહેવાનો નિર્ણય કરી લીધો હતો એટલે એક્ટિવ રાજકારણમાં ભાગ લેવાની એમની બિલકુલ ઈચ્છા નહોતી. એ જ્યારે બર્ન-સ્વિટ્ઝર્લેન્ડમાં હતા ત્યારે 64 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી એમનું નિધન થયું. હું ત્યારે સ્વિટ્ઝર્લેન્ડમાં નહોતી. અચાનક સમાચાર મળ્યા પછી મારે માટે જીવન જાણે એક સવાલ બની ગયું. અત્યાર સુધી આસફ અલી એક એવી વ્યક્તિ હતા જેની સાથે હું મારા મંતવ્યો, ગમા-અણગમા ખુલ્લા દિલે ચર્ચી શકતી. મારા રાજકીય અભિપ્રાયો પણ કોઈ મુખવટા વગર એમને જણાવી શકતી અને એ પણ મને સાચો નિર્ણય કરવામાં મદદ કરતા… એમના નિધનના સમાચાર પછી હું જાણે સાવ એકલી પડી ગઈ.
1956માં નિકીતા કૃશ્ચેવ પણ સ્ટાલિન સાથે મતભેદ થયા અને એ લોકો અલગ થયા. મને પણ સમજાયું કે, કમ્યુનિસ્ટ પાર્ટી પાસે કોઈ દિશા નથી બલ્કે, અંદરોઅંદરની લડાઈમાં એ લોકો સમય વેડફી રહ્યા છે. સોવિયેત યુનિયનની કોમ્યુનિસ્ટ પાર્ટી (1953-64) અને સોવિયેત યુનિયનના પ્રીમિયર (1958-64) જેણે ડી-સ્ટાલિનાઇઝેશનની જાહેરાત કરીને સમગ્ર સામ્યવાદી વિશ્વમાં વ્યાપક પ્રત્યાઘાતો પાડ્યા હતા. વિદેશી બાબતોમાં, તેમણે મૂડીવાદી પશ્ચિમ સાથે ‘શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ’ની નીતિ અપનાવી જેને વિશ્વએ સ્વીકારી. ક્રુશ્ચેવ શરૂઆતના વર્ષોમાં સ્ટાલિનના ઉત્સાહી સમર્થક હતા, પરંતુ સમય જતાં બંનેને મતભેદ પડ્યા જેને કારણે કમ્યુનિસ્ટ પાર્ટીના લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા. ધાર્મિક સતામણી અને પુરુષવાદી શાસનની સાથે સાથે કેટલાક બેગુનાહ વિરોધીઓને ફાંસી આપવામાં આવી. જર્મની અને યુરોપના કેટલાક દેશોમાં બળવો થયો, જેને ડામી દેવા માટે કમ્યુનિસ્ટ પાર્ટીએ કોઈ આંધળા સત્તાધીશ જેવો વ્યવહાર કરીને વિશ્વના દેશોને આઘાત આપ્યો. મને પણ આઘાત લાગ્યો… મેં સામ્યવાદી પાર્ટી પણ છોડી દેવાનું નક્કી કર્યું.
1958માં જવાહરલાલ નહેરુના આગ્રહથી હું કૉંગ્રેસમાં પાછી ફરી. એમણે મને દિલ્હીની મેયર બનાવી. દિલ્હીમાં સમાજ કલ્યાણ અને વિકાસ માટે કૃષ્ણા મેનન, વિમલા કપૂર, ગુરૂ રાધાકિશન, પ્રેમ સાગર ગુપ્તા, સરલા શર્મા અને સુભદ્રા જોશી જેવા કલ્યાણ અને વિકાસ ઈચ્છતા ધર્મ નિરપેક્ષ લોકો સાથે જોડાઈને મેં કામ કરવાનું શરૂ કર્યું. એ ગાળામાં નારાયણન મારી પાસે આવ્યા અને એમણે લિંક પબ્લિકેશનની શરૂઆત કરી. દૈનિક સમાચાર પત્ર ‘પેટ્રીઓટ’નું કામ મેં સંભાળી લીધું. એ પછીના વર્ષો મેં દિલ્હીમાં જ વીતાવ્યા. સમાજ કલ્યાણ અને રાષ્ટ્ર નિર્માણમાં મારી પૂરી નિષ્ઠાથી કામ કર્યું. હું મારા કાર્યાલયે જવા માટે સાર્વજનિક પરિવહનનો ઉપયોગ કરતી…
એક કિસ્સો યાદ આવે છે, ઠસાઠસ ભરેલી બસમાં હું ચઢી. એક પણ સીટ ખાલી નહોતી, ત્યારે એક સુંદર દેખાતી આધુનિક મહિલા પણ ચઢી. એક યુવાન ઊભો થયો અને એણે પેલી છોકરી માટે સીટ ખાલી કરી. છોકરીએ મારી ઉંમર જોઈને કે કદાચ, મને ઓળખીને એ સીટ મને આપી દીધી… મેં પેલા છોકરાને કહ્યું, ‘બહેનની પહેલાં માનો વિચાર કરવો જોઈએ એવું શીખ્યા નથી?’ બસના સૌ લોકો હસી પડ્યા, પેલો છોકરો શરમાઈ ગયો! દિલ્હીનું મારું જીવન એકંદરે સફળ અને શાંત રહ્યું. વિશ્વશાંતિ સ્થાપવા માટેના મારા પ્રદાન બદલ મને લેનિન શાંતિ પારિતોષિક અને સોવિયેત લેન્ડ નહેરુ પારિતોષિક આપવામાં આવ્યાં હતાં. મને 1986માં ઈન્દિરા ગાંધી એવોર્ડ, 1991માં આંતરરાષ્ટ્રીય સદ્ભાવ માટેનો જવાહરલાલ નહેરુ એવોર્ડ, 1992માં પદ્મવિભૂષણ તથા 1994માં નેશનલ સિટિઝન્સ એવોર્ડ મળેલા.
પાછી ફરીને જોઉ છું તો સમજાય છે કે, 1909થી, 1994… જિંદગીના લગભગ આઠ દાયકા મેં આ રાષ્ટ્રની સેવામાં સમર્પિત રહીને વીતાવ્યા છે. દસ વર્ષની ઉંમરથી શરૂ કરીને 86 વર્ષની ઉંમર સુધી મારે માટે રાષ્ટ્ર નિર્માણ અને શુધ્ધ સાધન સાથે કરવામાં આવેલું સમાજ કલ્યાણ એ જીવનનું ધ્યેય રહ્યું. આજે પણ મારું સ્વાસ્થ્ય સરસ છે અને કામ કરી શકું છું એ માટે ઈશ્વરની આભારી છું… હવે એવું લાગવા માંડ્યું છે કે આ જગતમાં મારી જરૂર ઓછી થઈ ગઈ છે… ક્યારેક આંખ મીંચાશે ત્યારે પણ મારા મનમાં રાષ્ટ્ર નિર્માણ અને સમાજ કલ્યાણ જ અગ્રેસર હશે.
નોંધ: જુલાઈ, 1997માં એમને ‘ભારતરત્ન’ મરણોત્તર એનાયત કરવામાં આવ્યો. 1998માં એમની ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી.
(સમાપ્ત)