લાડકી

કથા કોલાજઃ ફિલ્મ કે નવલકથા કરતાં પણ વધુ દિલચસ્પ વાર્તા જિંદગી સંભળાવતી હોય છે

કાજલ ઓઝા-વૈદ્ય

(ભાગ: 9)
નામ: મુમતાઝ જહાન દહેલવી (મધુ બાલા)
સમય: 20 ફેબ્રુઆરી, 1969
સ્થળ: બ્રિચ કેન્ડી હોસ્પિટલ, મુંબઈ
ઉંમર: 36 વર્ષ

મારી જિંદગી કોઈ ફિલ્મી વાર્તાથી ઓછી નથી… રેગ્ઝ ટુ રિચીઝની કથા! સિન્ડ્રેલા જેવી વાર્તા છે મારી. ઝૂંપડપટ્ટીમાંથી ‘અરેબિયન વિલા’ જેવા બંગલા સુધીનો પ્રવાસ અનેક ઊબડખાબડ રસ્તામાંથી પસાર થયો છે. સારા-ખરાબ, ભલા-બૂરા માણસો, અનુભવો અને પરિસ્થિતિનો સામનો કર્યો છે મેં! જીવનમાં કદી નહોતું વિચાર્યું કે, મારા ઉપર ‘ફ્રોડ’નો આરોપ લાગશે અને અદાલતના કઠેડામાં ઊભા રહીને મારે સફાઈ આપવી પડશે…

આ કથા ‘નયા દૌર’ ફિલ્મ સાથે જોડાયેલી છે. અશોક કુમાર સાથે બી.આર. ચોપરાએ એક ફિલ્મ એનાઉન્સ કરી જેનું નામ હતું, ‘નયા દૌર.’ મારા પિતાએ 32 હજાર રૂપિયા લઈ લીધા અને બાકીના 18 હજાર રૂપિયા ફિલ્મનું અડધું શુટિંગ પતે પછી લેવાનો કોન્ટ્રાક્ટ સાઈન થઈ ગયો. એ ગાળામાં અશોક કુમાર છ ફિલ્મો કરી રહ્યા હતા. એમણે નમ્રતાપૂર્વક બી.આર. ચોપરાને ફિલ્મમાંથી મુક્ત કરવાની વિનંતી કરી.

મારા અબ્બુએ અશોક કુમારના નીકળી જવાના નિર્ણયનો વિરોધ તો કર્યો, પરંતુ એથી વધારે વિરોધ એમણે ત્યારે નોંધાવ્યો જ્યારે અશોક કુમારની જગ્યાએ દિલીપ કુમારને સાઈન કરવામાં આવ્યા. અતાઉલ્લા ખાને એક પબ્લિક નોટિસ બી.આર. ચોપરાને મોકલાવી જેમાં લખ્યું હતું કે, જો મધુબાલા આ ફિલ્મની હીરોઈન હશે તો દિલીપ કુમારને આ ફિલ્મમાંથી કાઢવા પડશે!

અત્યાર સુધી યુસુફે અમારા સંબંધ અને વ્યવસાયિક પ્રશ્નોને અલગ રાખ્યા હતા… ભલમનસાઈથી એમણે અમારા તૂટી ગયેલા સંબંધની અસર એમના વ્યવસાયિક નિર્ણયો પર થવા દીધી નહોતી, પરંતુ જ્યારે મારા અબ્બુએ આવી નોટિસ મોકલી-એ નોટિસ અખબારોમાં પ્રકાશિત કરાવી ત્યારે દિલીપ કુમારે આ વાતને પોતાના અંગત અપમાન તરીકે લીધી. એની જગ્યાએ કોઈપણ હોત તો એમ જ કર્યું હોત ને? આઠ દિવસનું શુટિંગ થઈ ચૂક્યું હતું-બી.આર. ચોપરાના પૈસા લાગી ચૂક્યા હતા. એ શાંતિથી કોઈ નીવેડો લાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પરંતુ મારા અબ્બુ વધુને વધુ મુશ્કેલીઓ ઊભી કરી રહ્યા હતા.

બી.આર. ચોપરાએ અંગત જવાબદારી લીધી કે, દિલીપ કુમાર સાથે મારા ઓછામાં ઓછા સીન હશે એટલું જ નહીં, એમણે અબ્બુને સતત સેટ પર હાજર રહેવાની પરવાનગી આપી… તેમ છતાં, ભોપાલના આઉટડોર શુટિંગમાં જવાની અબ્બુએ સ્પષ્ટ ના પાડી દીધી. એમણે કહ્યું કે, જે શુટ કરવું હોય એ મુંબઈમાં જ થશે. હવે વાત વણસી ગઈ. બી.આર. ચોપરા આઠ દિવસનું શુટિંગ જવા દેવા તૈયાર હતા. એમણે મને ચૂકવેલા પૈસા પાછા માગ્યા. અબ્બુએ ચોખ્ખી ના પાડી, એ તો સાઈનિંગ એમાઉન્ટ છે… કહીને, એમણે હાથ ઊંચા કરી દીધા.

32 હજાર રૂપિયા નાની રકમ નહોતી. બી.આર. ચોપરાએ એક ઈન્ટરવ્યૂ આપ્યો જેમાં 32 હજાર રૂપિયા ચૂકવી દીધા પછી અતાઉલ્લા ખાનની આડોડાઈ વિશે એમણે ઉલ્લેખ કર્યો. હવે પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે, બી.આર. ચોપરાએ મધુબાલા વિરુદ્ધ ક્રિમિનલ કોર્ટમાં કોન્ટ્રાક્ટ કર્યા પછી ફિલ્મમાં કામ કરવાનો, ઈન્કાર કરવા માટે કેસ કરી દીધો.

ગિરગાંવ કોર્ટમાં મુકદ્દમો ચાલ્યો. હું જાણું છું કે, આ ખોટી જ વાત હતી, પરંતુ અબ્બુનું અપમાન કરવાની કે એમની વિરુદ્ધ જવાની મારી તાકાત નહોતી. મને મારી આજ્ઞાકારિતા સતત નડી. દિલીપ કુમારને સાક્ષી તરીકે બોલાવવામાં આવ્યા. એમણે ગિરગાંવ કોર્ટમાં કુરાન પર હાથ મૂકીને એડવોકેટ બી.એમ. મિસ્ત્રીના સવાલનો જવાબ આપ્યો, ‘મને મધુબાલા ખૂબ ગમતી હતી, પણ એ પાંચ વર્ષ પહેલાંની વાત છે. એ સમયે હું વારંવાર તેના ઘરે જતો. મને ખાતરી હતી કે તે મારી સાથે લગ્ન કરશે.

અમે તેના બંગલાના કોઈપણ રૂમમાં આરામથી બેસતા, વાતો કરતા. હું કોઈપણ પ્રતિબંધ વિના તેના રૂમમાં પણ જઈ શકતો. અમે પ્રેમમાં હતા. પછીથી, મને તેના ઘરે જવાની મનાઈ કરવામાં આવી. તેના પિતા, અતાઉલ્લાહ ખાને મને એક પત્ર લખીને મધુબાલાથી દૂર રહેવાનું કહ્યું. મને આ વાતનું દુ:ખ નથી. તેથી, હું નિરાશ પ્રેમી જેવું વર્તન કરી રહ્યો છું એ આક્ષેપ સંપૂર્ણપણે ખોટો છે.’

આ પણ વાંચો…કથા કોલાજઃ એ દિવસોમાં મારી ઓળખાણ દેવ આનંદ સાથે થઈ…

બીજે દિવસે અખબારોએ હેડલાઈન છાપી, ‘મધુબાલાને હું આજે પણ પ્રેમ કરું છું-દિલીપ કુમાર.’ અબ્બુ આ વાતથી ખૂબ નારાજ થયા… ને મને, કોઈ વિચિત્ર પ્રકારની તસલ્લી થઈ. જે માણસને મેં પ્રેમ કર્યો હતો એ માટીપગો કે ડરપોક નથી બલ્કે, એણે મને પ્રેમ કર્યો છે એ વાત એ સ્વીકારે છે એ વાતથી મને ખૂબ સંતોષ થયો.

જોકે, અબ્બુએ મારી પાસે ખોટી ગવાહી અપાવડાવી જેમાં મારે કહેવું પડ્યું કે, ‘દિલીપ કુમાર એક રાત્રે મારા ઘરે આવ્યા. એમણે ખૂબ શરાબ પીધી હતી. એ મને બહાર લઈ જવાનો આગ્રહ કરતા હતા. મેં ના પાડી એથી એમણે મને તમાચો માર્યો… એ પછી અમારો સંબંધ તૂટી ગયો તેથી દિલીપ કુમાર મારા પર વેર લઈ રહ્યા છે…’ મારી જુબાની પછી હું બહાર નીકળતી હતી ત્યારે યુસુફે જે રીતે મારી સામે જોયું એ નજરની તકલીફ અને ફરિયાદ હું આજ સુધી ભૂલી નથી શકી. મને ખબર છે કે હું જુઠ્ઠું બોલી હતી, પણ…
એ પછી યુસુફ સાથે કામ કરવાનું તો સપનાંમાં પણ વિચારી ન શકાય! એણે પણ ગાંઠવાળી લીધી હતી…

નઝીર નામના ચરિત્ર અભિનેતાનો ભાણો કરીમુદ્દીન આસિફ 1938-39માં મુંબઈ આવ્યો. લેડીઝ ટેલરનું કામ શરૂ કર્યું, પરંતુ એનો જીવ તો સિનેમામાં હતો. મામાએ ઘણો પ્રયત્ન કર્યો, પણ જ્યારે કરીમ ન માન્યો ત્યારે એમણે એને જે કરવું હોય તે કરવાની છૂટ આપી. કરીમે પહેલી ફિલ્મ બનાવી, ‘ફુલ’. ભારત-પાકિસ્તાનના ભાગલા પહેલાંની આ ફિલ્મ સુપરહીટ પુરવાર થઈ. કરીમુદ્દીન આસિફ હવે કે.આસિફના નામે જાણીતા થયા.

એમણે બીજી ફિલ્મની જાહેરાત કરી, ‘હીરરાંઝા’ પરંતુ એ ફિલ્મ શરૂ થાય એ પહેલાં ઈમ્તિયાઝ અલી તાજનું લખેલું એક નાટક ‘મોગલ એ આઝમ’ કે.આસિફના હાથમાં આવ્યું. એમણે દુર્ગા ખોટેને જોધાબાઈના રોલમાં, ચંદ્રમોહન નામના અભિનેતાને અકબરના રોલમાં, નરગિસને અનારકલી અને સપ્રુને સલીમના રોલમાં અનુબંધ કરવામાં આવ્યા. જોકે, એ વખતે જ દિલીપ કુમારે સલીમ બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ એ વખતે દિલીપ કુમાર દુબળા-પાતળા અને હાઈટમાં નીચા લાગ્યા! સંવાદ લેખનનું કામ કમાલ અમરોહીને સોંપવામાં આવ્યું…

‘મોગલ એ આઝમ’ને વિશ્વની સૌથી મોંઘી અને અદ્ભુત ફિલ્મ બનાવવાના દ્રઢ નિર્ધાર સાથે કે. આસિફે વિશ્વબજારમાં શોધખોળ કરવા માંડી. કે. આસિફે પોતાની પ્રોડક્શન કંપની શરૂ કરી અને એસ.કે. ઓઝાના દિગ્દર્શનમાં પહેલી ફિલ્મ બનાવી, ‘હલચલ’. ફિલ્મ નિષ્ફળ ગઈ. નરગિસ અને દિલીપ કુમાર વચ્ચે મતભેદ થયો. ફિલ્મ સેન્સરમાં ગઈ ત્યારે નરગિસે કેટલાંક દ્રશ્યો કઢાવી નાખવાનો આગ્રહ રાખ્યો. માખનલાલ જૈન અને રાજેન્દ્ર જૈન નામના પિતા-પુત્રની સાથે કમાલ અમરોહીએ લેખન-દિગ્દર્શનની બાગડોર સંભાળીને ફિલ્મ ‘અનારકલી’ની જાહેરાત કરી દીધી… કોર્ટ કેસ થયા, ઝઘડા થયા અને અંતે, પિતા-પુત્રએ પોતાનું સ્વપ્ન પડતું મૂકવું પડ્યું.

‘અનારકલી’ના રોલ માટે 16થી 22 વર્ષની યુવતીઓને ઓડિશન માટે બોલાવવામાં આવી. પહેલા ઓડિશન પછી દિલીપ કુમાર અને કે.આસિફ સેકન્ડ ઓડિશન લેવાના હતા. પાંચ યુવતીઓ ફાઈનલિસ્ટ સુધી પહોંચી જેમને મુંબઈ બોલાવવામાં આવી, પરંતુ એમાંથી કોઈ દિલીપ કુમારને ગમી નહીં. કે. આસિફ પણ આ પાંચ યુવતીઓના સ્ક્રીન ટેસ્ટથી સંતુષ્ટ તો નહોતા જ…

રાજેન્દ્ર જૈનવાળી ફિલ્મમાં ‘અનારકલી’ના રોલ માટે મને બોલાવવામાં આવી હતી, પરંતુ એ વખતે યુસુફ સાથેના મારા સંબંધો બહુ સારા હતા. એણે દાદરના શ્રી સાઉન્ડ સ્ટુડિયોમાં મને બોલાવીને ‘અનારકલી’ માટે ના પાડવાનું કહ્યું. સામે ‘મોગલ એ આઝમ’માં રોલ અપાવવાનું વચન આપ્યું. મેં ‘અનારકલી’ની ના પાડી દીધી… અને અંતે, કે.આસિફ અને અતાઉલ્લા ખાન સામસામે બેઠા.

મારા અબ્બુએ સ્વભાવ મુજબ અશક્ય શરતો મૂકવા માંડી. યુસુફ હાજર હતા. એમણે મારી સામે જોયું. મારા અબ્બુ નારાજ થઈને જતા રહ્યા. કે.આસિફ પણ ચીડાઈને બહાર જવા તૈયાર થયા, ત્યારે મેં કહ્યું, ‘તમે હમણા કોન્ટ્રાક્ટ કરી લો. ફિલ્મ મારે કરવાની છે. તમે જે કહેશો તે પ્રમાણે કરવા હું તૈયાર છું, પરંતુ અનારકલીનો રોલ તો હું જ કરીશ… યુસુફની અનારકલી બીજું કોઈ જ ન હોઈ શકે.’

કોન્ટ્રાક્ટ થયો. ‘મોગલ એ આઝમ’ની જાહેરાત થઈ અને મને અનારકલીના રોલ માટે પસંદ કરી લેવામાં આવી. હવે દુર્ગા ખોટે તો હતા જ, પરંતુ ચંદ્રમોહનની જગ્યાએ પૃથ્વીરાજ કપૂર અને બહારની ભૂમિકા માટે કે. આસિફની પત્ની નિગાર સુલતાનને પસંદ કરવામાં આવી. દુર્જનસીના રોલ માટે વિલન અજિત અને સલીમના રોલમાં દિલીપ કુમાર ફાઈનલ થઈ ગયા… ત્યારે કોને ખબર હતી કે, અમારા સંબંધો એટલા વણસી જશે કે, ફિલ્મના છેલ્લાં દ્રશ્યોમાં અમે એકબીજા સાથે અબોલા સાથે શુટ કરીશું… (ક્રમશ:)

આ પણ વાંચો…કથા કોલાજઃ મારા લગભગ તમામ નાયક મારા પ્રેમમાં પડી જતા…!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button