લાફ્ટર આફ્ટરઃ લીવ ઇન કે લીવ આઉટ?

પ્રજ્ઞા વશી
આ લીવ ઇન એટલે શું?’ એમ ગંગાબાએ પૂછ્યું. એના જવાબમાં રમીલાએ હુરટી ભાષામાં લંબાણપૂર્વક હમજાવ્યું કે,બા, લીવ ઇન એટલે એક છોકરો અને એક છોકરી (કોઈપણ ઉંમરનાં) પોતાની મરજીથી કોઈ ઘરમાં સાથે રહેવા માંડે, એને લીવ ઇન કહેવાય.’
તે રમલી, એ લોકો સાત ફેરા ફરે કે પછી કોરટમાં લગન કરીને રહે?’ ગંગાબા, કોઈ ફેરા નહીં. મા-બાપ પણ નહીં. બસ, છોકરો અને છોકરી જાતે જ નક્કી કરે અને સાથે રહેતાં થઈ જાય, એને લીવ ઇન કહેવાય.’ `ભગવાન! ભગવાન! આ આજકાલના છોકરા-છોકરીઓનું શું થવા બેઠું છે!’
રમલીએ બાનો આક્રોશ શાંત પાડતાં કહ્યું,: `ગંગાબા, લીવ ઇનમાં રહેવાના ફાયદા ઘણા છે. એક તો કરિયાવર બચી જાય. જાનને જમાડવાનો ખર્ચો બચી જાય અને લાકડે માકડું એની જાતે જ જોડાઈ જાય. એટલે મા-બાપને હાં ઘર, વર, ખાનદાન વગેરે શોધવાની કોઈ ખટપટ જ નહીં.’
તો રમલી, એક કામ કર. તારી ચાર ભટકેલ ઈના, મીના, ડીકા, રીનાને પણ કહી દે કે જાઓ, છોકરો શોધી (પૈસાવાળો) લીવ ઇનમાં રહેવા માંડો. આમ પણ તું રોજબલા ગળે પડી છે’ એમ કહીને બરાડા નાખે છે, એમાં તને થોડી રાહત થશે અને તારી બલાએ જો હારો બકરો પકડી લીધો, તો તારે તો ઘી-કેળાં જ થઈ જહે. હમજી?’
પણ બા, આ લીવ ઇન સાવ તકલાદી હોય છે. આ લીવ ઇન વાળા જેટલા જલદી ઇન થાય, એટલા જલદી આઉટ પણ થઈ જાય!એટલે?’
`એટલે એમ કે એ લોકો બે-ચાર દિવસમાં લડે અને નહીં ફાવે તો પોતપોતાની બેગ લઈને પાછા પોતપોતાનાં પિયર ભેગાં થઈ જાય છે.’
બરાબર હમજાવને અલી.'
તો હાંભળો. હામેવાળી હેમા અમેરિકા ફરવા ગઈ છે, એમ એની બાએ કીધું હતું. ખરૂમ ને? પણ પછી એ બેગ લઈને એક જ મહિનામાં ધોયલાં મોઢે પાછી આવી. એટલે કે એ અમેરિકા નહીં, પણ હુરતમાં એક છોકરા હારે લીવ ઇનમાં રહેવા ગઈ હતી. પણ એની બાને અમેરિકા જવાનું અને નોકરી કરવાનું બહાનું બતાવેલું. પણ પેલા છોકરા સાથે રહેવામાં બંનેએ પોતપોતાનું પોત કેવું છે, એ બતાવી દીધું. એટલે બંને પોતપોતાનાં ઘરે પરત આવી ગયાં.’
`હવે એ બંનેનું હું થહે?’
`બા, એ બંને ફરી પોતપોતાની પસંદગીનો પાર્ટનર, એટલે કે મિત્ર શોધીને સાથે રહેશે લીવ ઇનમાં. અને નહીં ફાવે તો ત્રીજી વાર, ચોથી વાર પણ આવા પ્રયોગ આ છોકરા-છોકરી હવે કરે છે અને એને લીવ ઇન કહેવાય છે. બા, આપણી છોકરીઓને આવી છૂટ થોડી અપાય?’
તે રમલી, આ હિસાબે અમે લોકો કેટલાં કમનસીબ!'
એ કેવી રીતે બા?’ `જો રમલી, મેં તો તારા હહરાને લગનના મંડપમાં જ પહેલી વાર જોયલા. ફેરા ફરતી વખતે ખબર પડી કે અભરાઈ ઉપરના ડબ્બા ઉતારવા અને ઘરની છત ઉપરનાં જાળાં પડાવવા માટે આ માણસ હારો કામમાં આવહે. (જોકે નસીબની કોયલી, તે એમાં હો એ તો કામ ની લાયગા.) પણ રમલી, માટલાં પાંહે ઊભા રહીને પાણી માંગે, તે વળી ડબ્બા ઉતારવાનું કે જાળાં પાડવાનું કામ થોડું કરે? રમલી, ત્યારે જો લીવ ઇન જેવું હોત તો ડબ્બાવાળું કામ જો તારા હહરા ની કરતે, તો આપણે હો પિયર ભેગાં થઈ જતે. અને પછી પાછા બીજો કે ત્રીજો ચાન્સ આપણે હો મારતે.’
આ પણ વાંચો…..લાફ્ટર આફ્ટર : હાથે કરેલાં…યુ નો, કયાં વાગ્યાં…!
`તે બા, તમે બાપુજી હારે આખી જિંદગી ખેંચી કાઢી. તો હવે નિરાંત ને? જ્યારે આ લીવ ઇનવાળાને કારણે તો હવે કોઈ પરણતું જ નથી. એનું હું? આપણી ઈના, મીના, ડીકા, રીના વરણાગીમાં ના ના કરતાં રહ્યાં અને હવે કે’ છે કે અમારે હવે કોઈ બંધન જોઈતું નથી. અમે મસ્તીથી જીવાય એટલું કમાઈ લઈએ છીએ.
એટલે એ સાદી જેલમાં અમારે જવું નથી. તમે જ કહો બા, આ સાત ફેરા હતા, તો સંયુક્ત કુટુંબો જીવી ગયાં. બાકી તો હવે તો છૂટાછેડા, લીવ ઇન ના નાટક, નથી પરણવુંની ફેશન… મુક્ત જીવન જીવવાની લ્હાયમાં સગપણ, સંબંધો અને કુટુંબ વ્યવસ્થા ભાંગી ગઈ છે.’
`તે રમલી, તેં વિચાર્યું છે કે આવું કેમ બને છે? કારણ કે આ નવી પેઢીએ અમારી સાદી જેલની ગૂંગળામણ જોઈ છે. જોહુકમીઓ પણ જોઈ છે. એટલે હવે સ્પ્રિંગ ઊછળી છે. હવે બધા જેમ શ્રીખંડ ચાખીને જ લે કે ખાટો નથી ને? વાસી તો નથી ને? બસ એમ જ, છોકરા છોકરી એકબીજાને પારખી લે, એમાં ખોટું શું છે?’
બા, તમારી વિચારસરણી તો સાવ મોર્ડન, નવા જમાનાની થઈ ગઈ કે શું?'
તે રમલી, આ લીવ ઇન સિવાય હો મેં તો કંઈ નવું જ હાંભળ્યું છે. તે હાચું કે?’હેની વાત કરો છો બા?'
આ છોકરી છોકરી હારે અને છોકરા છોકરા હારે રેવા માંડ્યાં છે. તે એવા ચેનચાળાને હું કેવાય?’
`બા, હવે તમારે આ ઉંમરે આ નવા નવા ગતકડાં વિશે જાણીને હું કરવું છે? તમે તમારે હવે માળા લઈને ફેરવો ને ટી.વી. ઉપરના ભક્તિરસના કાર્યક્રમ જોયા કરો ને.’
`રમલી, તેં મને દુનિયાભરની નવાજૂનીની વાત કરી. પણ હું તો તારા કરતાં હો વધારે જાણું છું. આ આખે આખા છાપાં વાંચું છું અને ટી.વી. પર હો રાતે એક બે વાગ્યા હુધી જાતજાતનું જોઉં છું. એટલે આ આજની નવી દુનિયાના બધા રંગો મેં જોયા છે.
આ છોકરા છોકરા ને છોકરી છોકરી હાથે રહે છે, એને ‘ગે’ કહેવાય ગાંડી! આ એકદમ લેટેસ્ટ હમાચાર તને કહું છું. તને એમ કે આ ડોહીને નવી દુનિયા વિશે કંઈ ખબર નથી. પણ તું ભીંત ભૂલે છે! આપણા દૂરના કાકા છે ને, એનો છોકરો ‘ગે’ છે. એટલે હવે પરણતો નથી. હમજી?’
`તે બા, તમારા સમયમાં કેવો સરસ સમાજ હતો. લોકો કેટલા સારા હતા! હવે તો નથી છાપાં વંચાતાં, નથી ટી.વી. જોવાતું. જ્યાં નજર કરો ત્યાં બધે જાતજાતની ગંદકી અને જાતજાતનાં વ્યભિચારો! તમે તો બા, સારામાં જીવી ગયાં!’
`રમલી, એક વાત હાંભળી લે. દેખાય તે બધું હોનું નથી હોતું. અમારા હમાજમાં હો કાગડા તો કાળા જ હુતા… આજે છે ખુલ્લમ ખુલ્લાં થાય છે, તે ત્યારે અંધારી રાતે પાછળની કાળી કોટડીઓમાં થતું હતું. ત્યારે પણ લીવ ઇન ખેતરો ને કોતરોમાં થતાં અને તૂટી હો જતાં. એની હું વાત કરે…. જૂનાં પુરાણોમાં હો ડોકિયાં કરજે… રાહડા તો ત્યારે હો લેવાતા… આપણે તો ખાલી આંખ જ ખુલ્લી રાખવાની અને મ્હોં બંધ રાખવાનું. હમજી?!’
આ પણ વાંચો….લાફ્ટર આફ્ટર : દાંત સાથે ચેડાંના ચક્કર…