લાફ્ટર આફ્ટર: તમે તો બહુ ડાહ્યાં… | મુંબઈ સમાચાર

લાફ્ટર આફ્ટર: તમે તો બહુ ડાહ્યાં…

-પ્રજ્ઞા વશી

‘કેવું પડે! તમે તો બહુ ડાહ્યાં!’ એમ કોઈ આપણાં ડહાપણ એટલે કે આપણી હોશિયારીનાં વખાણ કરે તો આપણે કંઈ પાછળ થોડાં પડીએ!

એકવાર અમે અમેરિકા ગયાં હતાં, ત્યારે અમારી સખીએ અમારાં સન્માનમાં બહેનોની એક પાર્ટી રાખી હતી. ઘણી ખરી રસોઈ થઈ ગઈ હતી. અમારું કામ ચાખણિયાનું હતું. અમે ચાખતાં ગયાં અને કઈ વાનગીમાં શું શું હજી નાખી શકાય એનું વિવરણ કર્યું :‘

‘યુ નો, અમારાં હુરટીઓ તો ખાવાની શોખીન પ્રજા. એટલે દરેક વાનગી ચટાકેદાર જ બનાવવી પડે’ અમારી કોમેન્ટને ધ્યાનમાં રાખી બધી જ સખીઓએ અમારાં ખૂબ વખાણ કર્યાં. એક બોલી : ‘ખરેખર, હુરટી વાનગીને તોલે બીજી કોઈ વાનગી ટકે નહીં’

આ વખાણથી ફુલાઈ ગયેલાં અમે લોચા, ખમણ, હાંડવા, ભજિયાંના એવાં વખાણ કર્યાં અને સાથે ખુદનાં પણ કરી જ લીધાં. અમે અમારી હોશિયારીનો પ્રકાશ પાડતાં કહ્યું : ‘અમે કોઈપણ વાનગી બનાવતાં હોઈએ તો આખા મહોલ્લામાં એની સુગંધ પ્રસરી જાય. અડોશ પડોશમાંથી સખીઓ તો આવીને સીધી માગણી જ કરે. આજે લોચો ચડાવવાની હોય કે હાંડવો, જે ચડાવે એ ત્રણ ઘરે ચાલે એટલું જ કરજે… તારા હાથની વાનગી તો એટલી લઝીઝ કે હાથ પણ કરડી ખાવાનું મન થાય!’ (ફેંકતાં ફેકતાં જરા વધારે પડતી મેં મારી રસોઈકળા અંગે ફેંક્યું.)

‘બહુ ડાહ્યા બહુ ખરડાય’ એ કહેવત કાશ! મને આ બોલવા પહેલાં યાદ આવી હોત તો ફેંકતાં પહેલાં વિચાર કરત. અમારી સખીએ તો તરત જ દાવ લઈ લેતાં મને કહ્યું :

‘સુરતની પાકશાસ્ત્રની તમામ કળાથી વિભૂષિત હુરટી સખી અહીં હાજર છે. તો ચાલો, આપણે એમના હાથનો લોચો અથવા અન્ય કોઈ વાનગી બનાવડાવીને આપણે પણ શીખીએ અને ઍન્જોય કરીએ!’

આ પણ વાંચો…લાફ્ટર આફ્ટર : હાથે કરેલાં…યુ નો, કયાં વાગ્યાં…!

માર્યા ઠાર…પારકા દેશમાં સખીને ત્યાં ઘણા દિવસથી ધામા નાખ્યા હતા અને તૈયાર તૈયાર ગરમાગરમ ખાધું હોય અને હજી પણ આ ઘરમાં ટકી રહેવું હોય (ડૉલર બચાવવા!) તો કોઈક ઉદ્યમ તો કરવો જ રહ્યો (ડહાપણ અને હોશિયારી કરી, તો ભોગવો!) ‘બહુ બોલે તે બે ખાય’ એમ બા વારંવાર કહેતી અને તેમ તેમ અમે બહુ બોલતાં રહેતાં, પણ અહીં તો બે નહીં, બાર વાગી ગયા એમ સમજાયું, પણ ઘણું મોડું મોડું!

એક તો પહેલેથી જ અમે ભારતના નકશા જેવી રોટલી, ભાખરી વણતાં અને બા કહેતી, ‘ભારતના નકશા જેવી વાંકીચુંકી ને ખુલ્લા દ્વાર જેવી ભાખરી વણહે, તો કરંડિયો હાહરેથી (સાસરેથી) પાછો આવહે!’

આમ છતાં, અમે અમારાં ભાગ્યને પ્રતાપે બાની તમામ ઉક્તિઓને વિફળ બનાવી. અમે ભારતના નકશાને ઠીક કરવા અને ઘરનાનું પેટ ઠારવા માટે એક ઉત્તમ રસોઈયણ બહેનને રાખીને એને ઉત્તમ ટેસ્ટ અંગેનાં પુસ્તકો અને વીડિયો બતાવી બતાવીને કુકિંગ ઍક્સપર્ટ બનાવી દીધી હતી.

મહેમાનો અમારી રસોઈનાં વખાણ કરે ત્યારે અમે કેટલી જહેમતથી અમારી રસોઈયણ બહેનને કેળવી છે એનો ઇતિહાસ કહીએ અને અંતે ઉપસંહાર કરતાં કહીએ કે ‘આટલું શીખવ્યા પછી પણ દાળ, શાક, ફરસાણના મસાલા તો મારે જ કરવા પડે! કારણ કે મારા હસબન્ડને તો મારા હાથની જ રસોઈ ભાવે છે.’

‘જે છે તે બધું મસાલામાં જ છે, ભાભી. વાહ! શું તમારી રસોઈ છે! અમારી ઘરવાળીને પણ મસાલા કેમ કરવા તે શીખવી દેજો.’

અમેરિકાની કડકડતી ઠંડીમાં અમને ગરમી લાગવા માંડી. (બા, રસોઈવાળી અને ઇન્ડિયા યાદ આવી ગયું.) અમને અમારી જાત માટે જે માન અને ગૌરવ હતું તે કડડભૂસ થઈ ગયું. (પણ અમે તો હુરટી! ગતકડાં કરતાં તો આવડે જ ને…)

‘હા…હા, તો એક કામ કરો. તમારી પાસે હમણાં બનાવી શકાય એવું શું શું છે? પલાળેલી ચણાની દાળ હોય તો એ વાટી આપો. આપણે લોચો બનાવીએ.’ (લોચો મારીએ) હવે આગળ યાદ કર્યું અને અમને ગોપાલનો, જલારામનો, જોધલનો, શ્રીજીનો તૈયાર લોચો યાદ આવ્યો. (કાયમ તૈયાર લાવીને જ તો ખાધા કરેલો. હવે બનાવવો કઈ રીતે?)

‘આમ સખીઓ, અમેરિકાનો લોચો એક મિત્રને ત્યાં ખાધેલો, પણ નહીં ભાવેલો. કદાચ એમણે ઇન્સ્ટન્ટ બનાવ્યો હશે. (કદાચ કોઈ લોચાની રીત બોલી પડે એટલે અમે વાત ચાલુ રાખી.) આમ તમને કઈ રીતનો બનાવીશ તો ભાવશે? (હમણાં સુધી લવારા કરતી હતી અને હવે… મૌની બાબા જેવી!) આમ તમને કેટલો તીખો જોઈએ? તમને લીલું મરચું ભાવે કે પછી લાલ સૂકું મરચું નાખું? ’

સખી બોલી : ‘અમારે હુરટી લોચો ખાવો છે. એમાં જે નાખતાં હોય તે નાખીને બનાવને!’

અને અમે પાણી નાખ્યું, પણ અમારો હાથ પણ ધ્રૂજી ગયો અને તપેલીમાંથી પાણીનો ધોધ પૂરજોશમાં (અમારી હોશિયારી ને ડહાપણની જેમ જ!) વાટેલી દાળમાં પડ્યો.

એક બોલી : ‘તમને એવું નથી લાગતું કે પાણી વધારે પડી ગયું છે?’

આ પણ વાંચો…લાફ્ટર આફ્ટર : અબે, આન્ટી કિસકો કહતે હો…?!

તરત જ અમારું ડહાપણ ઓવરફ્લો થયું અને અમે બોલ્યાં : ‘આપણે ત્યાં ખાનારાની સંખ્યા ઘણી છે. પાણી ઓછું હશે તો અડધાને ભાગે તપેલી ચાટવાનો વારો આવશે. હવે તમે જ કહો, મારે શું કરવું?’ એટલે એક બહેન બોલ્યાં; ‘ચણાનો લોટ ઉમેરો.’
અને અમે તરત જ ચણાનો લોટ ધબકાવ્યો અને એ પણ એવા પૂરા જોશથી પડ્યો કે અમારે ફરી પાણી ઉમેરવું પડ્યું. એટલે એકે કહ્યું, ‘કરકરો તો લાગતો જ નથી. પછી આ ખીલશે નહીં. તમે એક કામ કરો. આમાં રવો ઉમેરી દો…’

અમે તો એના હિસાબે ને જોખમે રવો પણ ઉમેર્યો. અમે બધું હલાવતાં હલાવતાં અમારી હોશિયારી ને ડહાપણ પણ હલાવી દીધું. પછી બચાવ પ્રયુક્તિના ભાગરૂપે કહ્યું : ‘જુઓ, આ તો તમે કહ્યું એટલે મેં રવો ઉમેર્યો. બાકી અમે હુરટી તો રવો ઉમેરતાં જ નથી. અમે તો શુદ્ધ ચણાની વાટેલી દાળમાંથી લોચો (મારીએ) બનાવીએ. અહીં તો દાળ ઓછી હતી, એટલે લોટ ને રવો ઉમેર્યો. એટલે શું છે કે કદાચ હુરટી લોચા જેવો ટેસ્ટ ના પણ આવે, પણ અમારા હુરટના લેટેસ્ટ લોચા મુજબ ચીઝ, પનીર લોચો પણ હું આમાંથી બનાવી શકું. એ બાળકો તેમ જ યંગસ્ટર્સને બહુ ભાવે છે. ઓકે? એક જણ ચીઝ છીણો અને એક જણ પનીર…’

આ રામાયણનો અંત ત્યારે આવ્યો જ્યારે બધાની ભૂખે તીવ્ર ગતિ પકડી.

‘બહેનો, ભૂખ ખૂબ લાગી જ હશે. તો ચાલો, બધા જ કામે લાગી જાઓ…’ અને એક મારા જેવી જ અતિ હોશિયાર પોતાનું ડહાપણ ડહોળવા આગળ આવી. મોટો ગૅસ શરૂ કરીને લોચાનું ઢોકળિયું ચડાવીને જાતે જ મસાલો કરીને થાળીઓ ચડાવી દીધી. અમે એ વખતે ખાલી અમારા મોબાઇલમાં લોચાની રેસીપી જોઈને…

‘હવે જરાક મીઠું, છેલ્લે જરાક લાલ મરચું અને કોથમીર તૈયાર રાખજો. ઝીણા કાંદા અને લીલી કોથમીરની ચટણી તૈયાર કરો, તો અસ્સલ હુરટી ટેસ્ટ જ આવી ગયો હમજો… અને હા, લાસ્ટમાં જેને ઉપર પનીર ચીઝ જોઈએ એને પાથરી આપજો. જુઓ, આમ સાદો લોચો, પનીર અને ચીઝનો લોચો તૈયાર…!’

હાશ… આમ જાન બચી તો લાખો પાયે, લૌટકે બુદ્ધુ ઘર કો આયે…!

આ પણ વાંચો…લાફ્ટર આફ્ટર : કવિતા કરવાથી શું થાય?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button