લાફ્ટર આફ્ટરઃ જાને કહાં ગયે વો દિન… | મુંબઈ સમાચાર
પુરુષલાડકી

લાફ્ટર આફ્ટરઃ જાને કહાં ગયે વો દિન…

  • પ્રજ્ઞા વશી

આ જગતમાં મોટીવેટરોનો રાફડો ફાટ્યો છે. વ્હોટ્સ એપ, ઈન્સ્ટાગ્રામ, સામયિક કે પછી વર્તમાનપત્રો ખોલતામાં જ તમારી સામે મોટીવેશનલ ગુરુઓ (નવી બોટલમાં જૂનો દારૂ ભરીને) ઉછીનું કે ઉધાર લાવેલું જ્ઞાન ગળું ફાડી ફાડીને વેરતા જોવા મળે છે. એમાં એક મુદ્દો તો એમણે આપણને લગભગ ગોખાવી જ દીધો છે અને એ એમ કે ‘સુખી થવું હોય તો વર્તમાનમાં જીવો. વર્તમાન સુધારો.’

આમ તો આપણા ઘરમાં જ અનેક મોટીવેટરો આપણને ડગલે ને પગલે જ્ઞાન પીરસતાં જ રહે છે. એકવાર અમે અમારા બાપાને કહ્યું કે ‘તમે વારે વારે કહો છો ને કે હમણાં જ કરી નાખો. જે પણ કરવું છે તે કરવા માંડો. તો બાપા, મને તો હમણાં ને હમણાં બેન્કમાં મૂકેલા બધા પૈસાનું શોપિંગ કરવું છે. મને તો હમણાં ને હમણાં (વર્તમાનમાં) જ બ્રાન્ડેડ કપડાં અને દાગીના લાવીને વટ મારવો છે. જેથી તમારી પણ વાહ વાહ થાય કે રમેશભાઈનાં ઘરનાં બધા છોકરા-છોકરી બ્રાન્ડેડ જ પહેરે છે. આપણા બંનેનો વર્તમાન સુધરી જાય.’

બસ, બીજું તો કંઈ ના થયું પણ બાપાની એક થપ્પડ જરૂર પડી અને અમારાં બાને અને અમને એક કલાકનું લેક્ચર સાંભળવા મળ્યું.

‘વર્તમાનમાં કરવાનું એટલે બાપાનું તૈયાર બેલેન્સ વાપરવાનું એમ નહીં, પણ જાતે હાડકાં વાંકાં વાળીને વર્તમાનને ઊજળો બનાવવાનો. દિવાસ્વપ્ન જોવાનો કે ભૂતકાળ વાગોળવાનો કે બાપાની મિલકત અને તિજોરી સફાચટ કરવાની વાત એમાં નથી આવતી. સમજ્યાં?’

અમે થોડાં અલ્લડ અને ટીખળ કરનારાં હતાં એટલે અમે બા સામે જોતાં કહ્યું, ‘બા, બાપાએ જે કહ્યું છે એ બધું તારે માટે છે. મારે માટે નહીં.’ અને એ સાથે જ અમને એક થપ્પડ વધારે પ્રસાદ રૂપે મળેલી.

દિવસ-રાત ઘરનાં લોકો, શાળા કોલેજમાં ગુરુજનો અને હવે તો સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મ્સ વાળા એકની એક વાત આડી અવળી કરીને પેશ કરે છે. મને એવું લાગે છે કે જેને ઘરમાં કોઈ સાંભળતું નહીં હોય એવા આ લોકો મોટીવેશનની દુકાન ખોલીને બેઠા હશે. કદાચ ઘરમાં એવા મોટીવેશનલ ભાઈઓને એમની પત્નીએ વોર્નિંગ આપી હશે કે એક પણ શબ્દ વધારાનો બોલશો નહીં.

ઉપદેશાત્મક, પ્રોત્સાહક કે સલાહ સૂચનથી ભરેલાં વાક્યો બોલ્યા તો ખાવા પીવાનું બંધ કરવામાં આવશે. અને એમ પણ તમે કાબૂમાં નહીં આવ્યા તો ઉપલે માળે એક રૂમમાં પૂરીને તાળું મારી તમને બંધ કરી દઈશું. તમારું ટિફિન તમને તમારા રૂમમાં જ મળી જશે. ત્યાં તમે મોબાઇલમાં તમારી સ્પીચ અપલોડ કરી કરીને મોટીવેશનલ મહા ગુરુની પદવી પ્રાપ્ત કરી શકો છો. બાકી ઘરમાં રહેવું હોય તો મારા હુકમને વશ થઈને રહેજો.

વર્તમાન સુધારતાં આ મોટીવેશન જ્યારે જ્યારે ઘરમાં આવતાં હશે ત્યારે ‘જરા ખાવાનું આપજો પ્લીઝ…’ એનાથી વધારે બોલવાની હિંમત નહીં જ કરતા હોય! જો કે વર્તમાનમાં જીવનારા સુખી તો છે જ.

બાકી અમારા ઘણા મિત્રો અને કાકા, મામા, દાદી, માસીઓ જ્યારે પણ મળે ત્યારે ‘અમારા જમાનામાં તો અમને એટલું દુ:ખ પડ્યું હતું કે…’ એ પછી એ બધા જે વર્ણન કરે એ લગભગ તમામે તમામ દુ:ખી જીવોનું સરખું જ હોય છે , પણ ભલા માણસ, તમને પડેલાં દુ:ખનું વર્ણન સાંભળીને બોર થવાનું કામ અમારું નથી.

તમારાં દુ:ખનાં પોટલાં અને તમારો ભૂતકાળ તમારી સાથે. દુ:ખો યાદ કરી કરીને નિ:સાસા નાખનારાઓથી દુનિયા ભરેલી પડેલી છે અને એવા દુ:ખીઓ પર હસનારાઓ પણ ઓછા ક્યાં છે ભલા!

અમારે ત્યાં મારાં દાદી એમનું સાસુ પુરાણ શરૂ કરે એટલે ઘરનાં તમામ એકી સાથે બોલે છે. ‘બસ દાદી, સ્વર્ગમાં સિધાવેલ તમારાં સાસુને હવે મોક્ષ આપો. પ્લીઝ… અને સાથે અમારા કાનને પણ રાહત આપો. પ્લીઝ.’

આ મોટીવેશનલ ગુરુઓ પાસે બેસવા કરતાં તો ઘણીવાર ભૂતકાળ વાગોળતાં દાદા – દાદી, નાના- નાની પાસે બેસવું એ એક વટવૃક્ષની શીતળ છાયામાં બેસવા બરાબર છે. દાદી પાસે એમની બનાવેલી (ઉપજાવી કાઢેલી) વાર્તાઓનો ખજાનો કદી ખાલી થતો નથી. અમારા બાપા તો એક બાબરા ભૂતની વાર્તા કહેતા. જેનો અંત એમનાં મૃત્યુ પર્યંત આવ્યો નહીં.
પેલો બાબરો ભૂત પણ બાપાનાં મૃત્યુ સાથે જ મોક્ષ માર્ગે ગયેલો.

દર વેકેશનમાં કાકા, મામા, માસી, ફોઈનાં છોકરાંઓ ગામ આવતાં. ખાસ કેરી ખાવા અને ગામનાં ખેતર-પાદર-ફળિયામાં રમવા અને મસ્તી કરવા. અમારા પિતાજી રોજ રાતે ફળિયામાં સૂતેલાં તમામ બાળકોને ભેગાં કરીને બાબરા ભૂતની વાર્તા કરતા. વેકેશન પતે પણ વાર્તાનો અંત આવે નહીં. વાર્તા જ્યાંથી બાકી રહે ત્યાંથી ફરી બીજે વર્ષે શરૂ થાય, પણ વાર્તાની શરૂઆતમાં અને અંતમાં પણ મોટીવેશનલ અર્કનું મિશ્રણ હંમેશાં રહેતું.

હવે સુખી થવું હોય તો ‘અમારા જમાનામાં તો અમે આમ કરેલું. અમારે કેટલાં દુ:ખો સહન કરવા પડેલાં.’ વગેરે બબડવા ગયાં તો આપણાં બાળકો આપણને તરત જ કહેશે… ‘જેવાં તમારાં કર્મ!’ એ તો ભોગવ્યે જ છૂટકો. તમારી વ્યથા અમને સંભળાવવાથી શું થવાનું? અમારાં કર્મ સારા હશે તો અમે સુખી છીએ. એક કામ કરો. તમે વર્તમાનમાં જીવો, ખુશ રહો અને અમને પણ ખુશ રહેવા દો…ને નવી પેઢી તો બધું શીખીને જ જન્મી છે. એમને મોટીવેટરની જરૂર જ નથી. સમજ્યાં ને!

આપણ વાંચો:  સંધ્યા છાયાઃ `મ’ને લગાડો કાનો (મા) પછી ઈશ્વર પણ લાગશે નાનો!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button