લાફ્ટર આફ્ટરઃ પ્રશ્ન છે પણ ઉત્તર ક્યાં?

- પ્રજ્ઞા વશી
સમગ્ર વિશ્વમાં પ્રશ્નોની વણઝાર ખૂબ મોટી છે. વળી દુ:ખ એ વાતનું છે કે પ્રશ્નોનો ઝટ ઉકેલ આવતો નથી. જેમ જેમ પ્રશ્નોનું કોકડું ઉકેલવા જાવ તેમ તેમ પ્રશ્નોનો ગૂંચવાડો વધતો જ જાય છે. જો કે કેટલાક માણસો હાથે કરીને પ્રશ્નો ઊભા કરે છે. પેલી કહેવત પ્રમાણે ‘હાથે કરીને ચાલતું કૂતરું ઘરમાં ઘાલવાની કુટેવ’ ઘણાને હોય છે અને એ કુટેવની કોઈ દવા બજારમાં હજી સુધી આવી નથી. કદાચ ચીનવાળા પણ પ્રયત્ન કરે તોય સફળ ન થઈ શકે.
નાના નાના માણસોના પ્રશ્નો પણ નાના… કારણ કે એમનાં સપનાંઓ પણ નાનાં જ હોય છે. જ્યારે મોટા માણસોના પ્રશ્નો પણ મોટા, જેમ કે આપણા ટ્રમ્પ સાહેબ ઘણી વાર ચાલતા કૂતરાંને ઘરમાં ઘાલવાની પ્રવૃત્તિ આદરી બેસે છે. જ્યારે પ્રશ્નો ઊભા થાય ત્યારે જ એમને ખબર પડે છે કે મેં કશુંક ઊંધું બાફ્યું છે, પણ તીર એકવાર કમાનમાંથી છટકી જાય અને સામેવાળો ઘાયલ થાય તો એની સારવારમાં ઘણો સમય નીકળી જાય છે. નવા નવા ફતવા બહાર પાડીને પ્રશ્નો ઊભા કરવા કરતાં શાંતિથી પોતાનું ઘર સાચવીને બેસી રહેતાં કોણ મારે છે? પણ ના, કેટલાક દેશના ઉપરીઓએ પણ ચાલતા કૂતરાં ઘરમાં ઘાલવાની કુટેવને કારણે પ્રશ્નોની વણઝાર ઊભી કરી ને એમાં ને એમાં જ પોતાનો કાર્યકાળ પૂરો કરે છે. પછી તો એ ન ઘરનો કે ન ઘાટનો! ખાયા પિયા કુછ નહીં ઔર ગિલાસ તોડા વહ નફે મેં…!
રામાયણ અને મહાભારતમાં પણ પ્રશ્નો ઊભા થયા, કારણ કે એમાં પણ કંઈ કેટલાંય પાત્રોએ ચાલતાં કૂતરાં ઘરમાં ઘાલવાની ભૂલ કરી અને એથી પ્રશ્નો ઊભા થયા. બાકી ઘર બેઠાં મંત્રણા કરીને બધું થાળે પાડી શકાયું હોત , પણ ભાઈ, જ્યારે જ્યારે કોઈ ઉદાહરણ સ્થાપિત કરવાની વાત આવે છે ત્યારે ત્યારે જ પ્રશ્નોનો ખડકલો વધતો જાય છે અને અંતે ‘યુદ્ધ એ જ કલ્યાણ’ જેવી પરિસ્થિતિ ઊભી થાય એમાં કોઈ શું કરી શકે? અરે! ખુદ ભગવાન પણ હાથ ઊંચા કરીને મોં ફેરવી લે છે.
આ અમારા પડોશી વસંતભાઈને જ જોઈલોને …. એમને પણ પ્રશ્નો ઊભા કરીને વાતાવરણ ડહોળી કાઢતાં સરસ આવડે. ‘રમા, મારા પગ બહુ દુ:ખે છે. જરા દબાવી આપશે? અને માથું પણ ફાટે છે. જરા ચંપી માલિશ પણ સાથે કરી નાખ એટલે પત્યું.’
અને એ સાથે જ રમાબહેન મોટેથી બરાડ્યાં :
‘વસંત, તને શરમ નથી આવતી? દસ દસ દિવસ ગામની ભાભીઓ સાથે મોડી રાત સુધી ગરબા રમીને, હા… હા… હી… હી… કરીને હવે પગ દુખ્યા અને માથું પણ દુખ્યું. તે તને એ બધા લટુડા ફટુડા કરવાનું કોણે કીધું હતું? મને ફળિયાના ગરબામાં મૂકીને પોતે આખી રાત રખડ્યા અને હવે માલિશ મારે કરવાનું? જા ને તારી એ ભાભીઓ પાસે. મેવા તું ખાય અને સેવા મારે કરવાની?’
વસંતભાઈ ભર વસંતમાં પાનખરનો અહેસાસ કરતાં કણસવા માંડ્યા, પણ હજી રમા રણચંડી સ્વરૂપમાંથી બહાર ક્યાં આવી હતી.
‘મને તો તું કહેતો હતો કે હું એક પણ કપડાં ખરીદવાનો નથી. પછી તારા કબાટમાં નવ દિવસની નવી નવી નવરંગ કફનીઓ ક્યાંથી આવી? કઈ સગલીએ તને ભેટ આપી તે મને કહે…. નહીંતર હું આ ચાલી મારા પિયર!’
‘હા રમા, હું પણ તને એમ જ કહેવાનો હતો કે ઘણા દિવસથી કશે ગઈ નથી તો તારા ભાઈના ઘરે મન ભરીને રહી આવ.’
‘હા… હા… હું તો જાણતી જ હતી કે તમે હવે મને મારા પિયર રવાના કરીને પેલી ભાભીઓ જોડે મજા લૂંટવાના પ્લાન બનાવશો. જે માણસ પારકી સ્ત્રીના સપનાં જોવા માંડે એવા પુરુષ જોડે મારે રહેવું જ નથી, પણ પિયર જતાં પહેલાં બંને પક્ષના બધા સગાં વહાલાંઓને હું ફોન કરીને ઘરે બોલાવું છું. તું મને કાઢી મૂકીને મજા કરવા માગે છે એ વાત સ્પષ્ટ કરવી બહુ જરૂરી છે.’
આ રીતે રમા જોગમાયા બનીને કાલિકા સ્વરૂપ લેશે એવું વસંતે ક્યાં વિચાર્યું હતું! મજાક કરવામાં વાત આટલી વણસી જશે એવું ક્યાં ધારેલું! પોતે ઊભા કરેલા પ્રશ્નો હવે હલ ના કર્યા તો રમા આખા ગામને ભેગું કરશે અને એ બધા મહિનો માસ શહેરમાં આવીને મજા કરશે. ઉપરથી મને બેસાડીને જાત જાતની સલાહ આપશે એ જુદી.
ગભરાયેલા વસંતભાઈ શરીરનો દુ:ખાવો ભૂલી જઈને પથારીમાંથી બેઠા થઈ ગયા અને રમાને સમજાવી કે મેં તો માત્ર મજાક કરી હતી. પોતે નવ દિવસ ભાભીઓ જોડે નહીં, પણ ભાઈઓ જોડે નવરાત્રી મનાવી હતી. મોબાઇલમાં સેવ કરેલા નવ દિવસના ફોટા બતાવ્યા અને રમાના સમ, બાના સમ (ખોટાં ખોટાં) ખાધાં ત્યારે પ્રશ્ન હલ થયો, નહીંતર નવ દહાડાની મજા રમાના એક ફોને અવળી થઈ જતે.
એ તો કૃષ્ણ રાધાને છોડી રુક્મિણીને પરણ્યા ને દ્રૌપદીને સખી બનાવેલી. એ કદાચ ફાવ્યા એટલા માટે કે રુક્મિણીએ બધું જાણવા છતાં એકે પ્રશ્ન એણે કૃષ્ણને કર્યો નહોતો અને બિચારીએ પિયર જવાની ધમકી પણ આપી ન હતી. આપણી સીતા માતાએ પણ રામે મૂકેલા આરોપ સામે પ્રતિઆરોપ કે પિયર જવાની ધમકી ક્યાં આપી હતી? બાકી જો ધમકી આપી હોત તો રામાયણ અને મહાભારતની સ્ક્રિપ્ટમાં જાતજાતની ટ્વિસ્ટ આવી હોત. (એમ પણ ‘પિયર જતી રહીશ’ જેવી ધમકી સિવાય બીજું એક પણ શસ્ત્ર સ્ત્રીઓ પાસે છે જ ક્યાં?)
અંતે બાજી રમાના હાથમાં આવતાં થોડો ભાવ તો એણે ખાઈ જ લીધો. ’જો વસંત, આટલી વખત તને માફ કરું છું. (માફ કર્યા વગર છૂટકો જ ક્યાં છે?) બીજી વખત આવું નહીં ચલાવી લઉં. (તો શું કરી લેશે? પિયર જતી રહેશે? વસંત મનમાં જવાબ આપે છે.) તેં મારાથી છુપાવીને નવ કફની લીધી તો હવે સામી દિવાળીએ મને પણ નવ સાડી જોઈશે. અપાવશે ને?’ (હમણાં હા કહેવામાં શું જાય છે?)
‘યસ ડાર્લિંગ, તું જે કહે તે શિરોમાન્ય. બસ?’
‘દિવાળીમાં હિલ સ્ટેશન ફરવા લઈ જવાનું અને દિવાળીની સફાઈ કરવા લાગવાની. સમજ્યો?’
બસ, એટલે જ્ઞાની વસંતે જેમ પ્રશ્નોના નિરાકરણ ‘યસ ડાર્લિંગ’ કહી કહીને તત્ક્ષણ સમાવી દીધા, એમ પવન જોઈને ગાડીની દિશા બદલવી તેમ સ્વામી શોર્ટકટ નંદનું પણ કહેવું છે. દુનિયાના નેવું ટકા પ્રશ્નો ‘પછી થઈ રહેશે’ એમ વિચારવાથી અને થોડા નમી જવાથી થોડા સમય માટે પોતાના પ્રશ્નો હલ થઈ જતા હોય છે તો આટલું બરાબાર યાદ રાખીને શીખી લો પછી નવા પ્રશ્નો ઊભા કરવાની તમને પણ છૂટ!
આપણ વાંચો: કથા કોલાજઃ મારે તો રોજિંદા જીવન માટે પણ સંઘર્ષ કરવો પડ્યો છે