લાફ્ટર આફ્ટર: મને એ જ સમજાતું નથી કે… | મુંબઈ સમાચાર

લાફ્ટર આફ્ટર: મને એ જ સમજાતું નથી કે…

-પ્રજ્ઞા વશી

સમગ્ર માણસ જાતને એ જ સમજાતું નથી કે ભગવાન આવું કેમ કરે છે! માંડ માંડ વજન ઉતારીને શરીર સુડોળ કર્યું હોય, ત્યાં માથેથી વાળ ઊતરવા માંડે. શરીર ઉતારવા જીમ, યોગા, ડાયટ અને ભૂખમરો વેઠીને માંડ અરીસા સામે ઊભા રહ્યાં ત્યારે જોયું કે માથાની ઉપર ફરફરતા રેશમી વાળ, ગાલ ઉપર લહેરાતી લટો અને કેડ સમાણા લટકતા મખમલી લીસ્સા વાળ તો હવા થઈ ગયા! જે લટ ઉપર આશિકો કવિતા લખતા હતા એ હવે સામે મળ્યે રસ્તો જ બદલી નાખે છે.

‘આમ તો જીવનમાં ભલા કોઈ સુખી નથી. રાજા રામ – સીતાથી લઈને આપણા સહુ સુધી… કહો, કોણ સુખી છે?’ એમ હાથ જોનારા જ્યોતિષી આશ્વાસન આપીને પોતાનાં ખિસ્સાનું વજન વધારી લેતા હોય છે. અમને આવું આશ્વાસન આપનારા એક જ્યોતિષીને ધારીને જોતાં બ્રહ્મજ્ઞાન લાધ્યું કે આવું જ્ઞાન આપનારા જ્યોતિષાચાર્ય પણ વજન અને વાળ બંનેથી ભારે વ્યથિત લાગે છે.

વજન અને વાળની સમસ્યાથી ત્રાહિમામ ઘણા મિત્રો વ્હોટ્સ એપ નામની વિદ્યાલયમાં પોતાના અનુભવ વહેંચીને પોતાનો બળાપો ઓછો કરી લે છે. નવીનભાઈએ પોતાનો અનુભવ વહેંચતાં લખ્યું:

‘મિત્રો, મારી પત્નીનું વજન એટલું વધી ગયું કે એને ડાયટ કરવા ડોક્ટરે કહ્યું. થોડે થોડે દિવસે ઑનલાઇન ડાયટ પ્લાન આવતો જાય અને અમારી સુધા એની ક્ષુધાને દબાવીને સૂપ અને સલાડ ખાવા લાગી. દર વખતનો ચાર્જ પાંચ હજાર! થયું એવું કે દસ હજાર ખર્ચાયા પછી મેં જોયું કે સુધા તો હજી ગોળમટોળ જ છે અને હું, કે જેણે પાંચ હજાર ખર્ચેલા, એણે આઠ કિલો વજન સૂપ – સલાડ ખાઈને ગુમાવ્યું છે!’

‘મને સૂપ – સલાડથી અશક્તિ લાગે છે. મારાથી નહીં રંધાશે. તમે પણ સૂપ – સલાડ, નહીંતર ચા – બ્રેડથી ચલાવી લ્યો ને.’ મારો કડવો અનુભવ શેર કરું છું. તો મિત્રો, આવાં ગતકડાં જેવા પ્રયોગો કરીને લૂંટાશો નહીં.’

આ પણ વાંચો…લાફ્ટર આફ્ટર: તમે તો બહુ ડાહ્યાં…

હજી એક અનુભવ વ્હોટ્સ એપ ઉપર આવ્યો એટલે તરત બીજો રામભાઈનો આવ્યો :

‘અરે! તમે વજન ઉતારવામાં લૂંટાયા, તો અમે વાળ વધારવાની લ્હાયમાં લૂંટાયા! જંગલની જડીબુટ્ટીનું તેલ એક મોટો બાટલો, સાથે શેમ્પૂ અને સાથે મહેંદીનું આખું પેકેજ મંગાવ્યું. ઑનલાઇન પાંચ હજાર ભરી દીધા. (ફુલ ગેરંટી સાથે!) ‘કુરિયર આજે આવશે… કાલે આવશે…’ કરતા રહી ગયાં. ચિંતામાં ને ચિંતામાં, હતા એટલા વાળ પણ ઊતરી ગયા. પણ હજી સુધી તેલ કે શેમ્પૂ આવ્યાં નથી! માટે આવાં ગતકડાંમાં પડશો નહીં.’

હજી આ અનુભવ ઉપર મનોમંથન કરીને રમેશભાઈ પરવાર્યા, ત્યાં ત્રીજો મેસેજ આવ્યો :

‘હું ઍપાર્ટમેન્ટના અગિયારમા માળે હમણાં જ રહેવા આવ્યો છું. મેં મારે માથે ઘટાદાર વાળ આવે એ આશાએ ફેસબુક ઉપરની કંઈ કેટલીય રેમેડી અજમાવી, પણ આખરે અમિતાભ બચ્ચનની વિગ બનાવનાર એક નામાંકિત મુંબઈના હેર કટિંગ સલૂનમાં મારી વિગ બનાવવાનો ઑર્ડર આપ્યો. મારા દરેક ઍંગલના માથાના ફોટા એણે મંગાવ્યા. મારું ઍડ્રેસ, ફોન નંબર વગેરે… વગેરે… બધી જ નાનામાં નાની વિગતો મંગાવી. અમિતાભ જેવા જ મુલાયમ વાળની વિગના એક લાખ રૂપિયા નક્કી થયા. (નહીં ગમે તો પછી બીજી વિગ બનાવી આપવાની શરતે.) બેન્ક દ્વારા વહીવટ શરૂ શું કર્યો ત્યાં ધડાધડ બેન્કમાંથી પાંચ લાખ રૂપિયા ઊડી ગયા! આજની ઘડી ને કાલનો દહાડો. મેં મારું મોઢું અરીસામાં જોવાનું બંધ કરી દીધું છે અને મારો હાથ માથે ફેરવવાનો પણ બંધ કરી દીધો છે.’

આ વાંચીને રમાબહેન તાડૂક્યાં : ‘જોયું ને? તમે વિગ બનાવવાનાં ગતકડાં કરવાનું સપનામાં પણ વિચારશો નહીં.’

-અને નવીનભાઈ ઓર જોરથી તાડૂક્યા: ‘અને તું શરીર ઉતારવા કેટલા વેડફી ચૂકી છે એનો હિસાબ જરા કરી જો. કેટલા ડોક્ટર બદલ્યા, કેટલા જીમમાં ભર્યા, કેટલા માલિશ કરનારી લઈ ગઈ, કેટલા ફ્રૂટ ને સૂપ કરવામાં વાપર્યા, તેનો હિસાબ મારે પણ લેવો પડશે….જો, સામે રહેતાં રૂપાબહેન કેવાં રૂપાળાં છે! ઓછું ખાવાનું, ઓછું બોલવાનું, નિયમિત વોકિંગ કરવાનું રાખ્યું છે, એટલે એકસરખું શરીર. અને તેં તો…’

‘બસ, બસ હવે… બહુ બોલ્યા… હવે સાવ ચૂપ! તો સાંભળો. રૂપાબહેનનો હસબન્ડ કેવો સ્માર્ટ, કેવો હેન્ડસમ! એકસરખો ઊંચો, પાતળો અને ચાલ તો અમિતાભ જેવી! ને ઉપરથી હસતો ને હસતો… આવતાં જતાં મને પણ કેટલા પ્રેમથી બોલાવે છે! જ્યારે તમે? દિવેલ પીધેલ મ્હોં રાખવાનું. સામે મળો તો કોઈનોય દિવસ બગડી જાય… ઉપરથી ઉપલા માળે જાતજાતનાં તેલ નાખીને કેટલા બગાડ્યા, તેનો હિસાબ મૂક્યો છે ખરો?’

આ પણ વાંચો…લાફ્ટર આફ્ટર : હાથે કરેલાં…યુ નો, કયાં વાગ્યાં…!

ત્યાં એક મેસેજ આવ્યો… બંનેએ વાંચ્યો :

‘જીવનમાં દરેકને બીજાની વસ્તુ હંમેશાં સુંદર લાગે છે. જેમ કે બીજાનું ઘર, કાર, છોકરાં, પતિ – પત્ની વગેરે… પણ એ ભૂલશો નહીં કે જે આપણી સામે અને સાથે છે એ જ આપણું છે. એ જ બેસ્ટ છે એમ માનીને એની સાથે જ વફાદારી રાખવી, નહીંતર બાવા- બાવીની બેઉ બગડશે એ નક્કી છે.!

લિ. સત્યાનંદ બાબા.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button