લાફ્ટર આફ્ટરઃ તાલ સે તાલ મિલાઓ…

- પ્રજ્ઞા વશી
હજી તો રમેશભાઈ ‘અમારા જમાનામાં…’ એટલું જ બોલ્યા. એટલામાં તો દીકરા હનીએ એમની વાત અધવચ્ચે કાપી નાખતાં કહ્યું: ‘પપ્પા, તમારા જમાનાની વાત હવે ઓલ્ડ ફેશન, આઉટડેટેડ અને બોગસ હોય છે. તમારા જમાનાનો રડાકૂટો, રોના ધોના બંધ કીજીએ. નાઉ ચીલ… નયા જમાના, નયે લોગ, નયી સોચ ઔર નયે નાચ ગાને… ઔર નયા તાલ સે તાલ મિલાઓ… લેટ્સ રોક ડુડ….. આ નવરાત્રિમાં આ તમારો હની બધાના છક્કા છોડાવી દેવાનો છે અને મુંબઈના સહુથી મોટા ગ્રૂપના ગરબામાં ફર્સ્ટ પ્રાઇઝ ‘ટેસ્લા ’કાર જીતવાનો છે.’
‘જોયો, મોટો ‘ટેસ્લા’ કાર જીતવાવાળો! દિવાસ્વપ્નો જોવાનું બંધ કર. છેલ્લાં બે વર્ષથી પરીક્ષામાં ભમરડો (ઝીરો) લઈને આવે છે અને દર વર્ષે છ મહિના જુદા જુદા ગરબા ક્લાસમાં પૈસા ભરી ભરીને દોઢિયાનાં સ્ટેપ શીખવા જાય છે, છતાં નથી એકે પ્રાઇઝ મળ્યું અને મોટો ‘ટેસ્લા’ કાર જીતવાનાં સપનાં જુએ છે!
અમારા જમાનામાં અમે ભણતા, ઘરનાં કામ કરતા, બાપા સાથે ખેતરનાં કામો કરતા અને રાત્રે માતાજીના ગરબા ગાતા. એક પણ રૂપિયાના ખર્ચા વિના બે તાળી- ત્રણ તાળીના ગરબા કરતા. નાના- મોટા બધા જ ગરબો ઝીલે અને અહાહાહા! કેવું સરસ પવિત્ર વાતાવરણ હોય! બાળકો પણ સાથે જ ગરબા ફરે એટલે કોઈ ટેન્શન પણ નહીં કે એ લોકો ક્યાં ચરે છે…. આ તમારા જમાનામાં તમે લોકો ગરબા કરો છો કે ડિસ્કો ડાન્સના ફ્લોર ઉપર અડધાં ઉઘાડાં અંગો લઈ… મારાથી તો સહેજ પણ જોયું જતું નથી.
બિચારી માતાજીનું પૂજન તો સાઇડ ઉપર રહી જાય અને ગરબે ફરતી ફુદરડીઓનું પૂજન જ બધા કરવા મંડી પડે છે. અમારું તો કોઈ સાંભળતું જ નથી. રામ જાણે! આ જમાનો ક્યાં જઈ રહ્યો છે! આ બધા નાટક ચેટક ને ભવાઈ ક્યારે બંધ થશે!’
‘ચીલ ડેડ, ચીલ. ખોટે ખોટું પ્રેશર વધારવું બંધ કરો. ઘરમાં બેસી તમે અને મમ્મી ભગવાનની માળા ફેરવો. અને હા પપ્પા, તમે મારી પાછળ ધ્યાન આપવાનું બંધ કરીને તમારી લાડલી રેશમા પર ધ્યાન કેન્દ્રિત કરો. નહીંતર તમારી રેશમા રાની પણ…’
‘શું? શું? તારે શું કહેવું છે? તમે બંને ભાઈ-બહેન અમને નવરાત્રિમાં ઉજાગરા કરાવવાનાં એ વાત નક્કી છે.’
‘તો પપ્પા, એક કામ કરો. બંને જણા ઊંઘવાની દવા લઈને સૂઈ જવાનું રાખો. ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી.’
ત્યાં તો રેશમા પોતાના રૂમમાંથી દોડતી આવી અને તાડૂકી :
‘હનીડા, તું તારી જાતને શું સમજે છે? તું છ મહિનાથી ગરબાના ક્લાસમાં શું કરે છે એ પપ્પાને કહી દઉં ? પપ્પા સાંભળશે ને તો તારી તો વાટ જ લાગી જશે. સમજ્યો? ગરબા ગાવાનું બંધ કરાવીને પપ્પા રમેશચંદ્ર તને સીધા ગામનાં ખેતરમાં બળદિયો બનાવીને ખેતી કરાવશે. સમજ્યો? બીજાની ચાડી ખાતાં પહેલાં વિચારવાનું… નહીંતર ‘ગધા ભી જાય ઔર રસ્સી ભી ચલી જાય.’ એમ પણ બે વર્ષથી તો રિઝલ્ટમાં ધબડકો જ વાળે છે ને હવે ‘ટેસ્લા’ કારનાં સપનાં જુએ છે જાણે મોટો હનીસિંગ!’
‘હવે તો હું તો મરીશ પણ તને પણ મારીશ. તારી તરસ ખાઈને તારી બધી વાત મેં હજી મોમ- ડેડને કરી નથી, પણ હવે તું જોજે… એક પણ શબ્દ વધારાનો બોલી છે તો તારી તો ડબલ વાટ લાગી જશે. પેલા જેકી સાથે તારું…’
‘બસ, હવે બસ. અને તારું મેરી મેકવાન સાથે…’
‘આ શું ચાલી રહ્યું છે? બંને ભાઈ- બહેન કોલેજમાં ભણવા જાઓ છો કે પછી મેરી ને જેકી સાથે દાંડિયા રમવા? કે પછી… રામ! રામ! આ તારી માએ છોકરાંઓને જરા સરખા સંસ્કાર આપ્યાં નથી. ઉપરથી ગામ ઘર છોડાવીને અહીંયા બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાવવા ઘસડી લાવી છે. ‘બાવાની બેઉ બગડી.’ પણ તારી મા, તો ભાઈ…’
ત્યાં જ સોનલબહેન નવા ચણિયાચોળી પહેરીને બહાર આવીને બોલ્યાં: ‘હાય હની, હાય બેબી, લુક ડિયર. હાઉ ડુ આઈ લુક? સી માય વેસ્ટર્ન ચણિયાચોળી.’
‘વાઉ મોમ! ઓપન બેક ચણિયાચોળી. ક્યૂટી ક્યૂટી એન્ડ પ્રિટી કોલેજ ગર્લ! વાહ મોમ, દાંડિયા ક્લાસમાં કોઈ મસ્ત જોડી બનાવી કે નહીં? કે પછી આ રમેશચંદ્ર સાથે…’
‘નો બાબા, નો… આઉટ ડેટેડ પર્સનાલિટી એન્ડ તીન તાલી ગરબા… નો વે હની, ન્યૂ જોડી વિથ ન્યૂ ફ્રેન્ડ.’
‘ઍન્જોય ધ હોલ નવરાત્રિ, બી અ મોડર્ન લેડી.’
ઘરમાં ત્રણ વ્યક્તિ મોડર્ન દોઢિયા કરવા તત્પર બન્યાં છે અને એક તરફ ઘરનો મોભી કફોડી હાલતમાં છે. બે દિવસ ઘરમાં તંગ વાતાવરણ બાદ રાત્રે મીટિંગમાં લાસ્ટ એન્ડ ફાઇનલ નક્કી એ થયું કે એ ત્રણયે બે મહિના પ્રેક્ટિસ કરી છે એટલે એ ત્રણેય ગ્રૂપ ગરબામાં જશે એ નક્કી છે એટલે પપ્પાએ રજા લઈને ક્યાં તો પોતાના ગામે દાદા-દાદી સાથે ત્રણ તાળી ગરબા કરવા, ક્યાં તો હજી પંદર દિવસ બાકી છે તો ક્લાસ જોઇન કરીને દોઢિયા શીખવા અને મમ્મી સાથે જોડી બનાવીને ગ્રૂપ ગરબામાં જવું…
બીજી શરત એ કે મમ્મી-પપ્પાએ રેશમા અને હનીના ગ્રૂપમાં ગરબા કરવા જવું નહીં. રાત્રે ક્યારે આવશે એવું પૂછવું નહીં. કપડાં કેવાં પહેરવાં એ અંગે ભાષણ આપવું નહીં. જોડી કોની સાથે બનાવવી અને ક્યાં જાય છે એમ પૂછવું નહીં. જો શરતનો ભંગ કરવામાં આવશે તો તાલ સે તાલ કદી મળશે નહીં. એના કરતાં ઢોલી પોતાના મનથી જે તાલ મિલાવે તે તાલ ઉપર દસ દિવસ નાચી લેવું અને દશેરાએ ડાહ્યાં થઈને કામ ઉપર ચડી જવું.
બીજું તો ઠીક, પણ પત્ની સોનલના રંગ ઢંગ જોઈને રમેશભાઈએ સોનલ બીજા સાથે જોડી બનાવે તે પહેલાં દોઢિયા જોઇન કરીને આખરે તાલ સે તાલ મેળવી દીધા.
-અને હા, નવરાત્રિને નવમે દિવસે ‘લાંબા જોડે ટૂંકો જાય ને મરે નહીં તો માંદો થાય.’ એ મુજબ સોનલબેનને જેલસ ફીલ કરાવવા માટે રમેશચંદ્ર પડોશણ લતિકાબહેન સાથે જોડી બનાવીને લટ ઉછાળવા ગયા અને ત્યાં જરા વધારે પડતો પ્રભાવ પાડવામાં લતિકાબહેન પણ પોતાની લટકઝટક અને કૂદકાની સ્પીડ વધારી.એમાં પછી રમેશચંદ્રનું એન્જિન હાંફવા લાગ્યું, પણ ઇજ્જતનો સવાલ અને પડોશણ સામે પ્રભાવનો સવાલ હતો.
ગરબા રમતાં પહેલાં રમેશચંદ્રે પત્ની અને પડોશણ સામે પોતાની કલા, શક્તિ અને ઉત્સાહ વિશે જરા વધારે પડતું ભાષણ જો આપ્યું હતું! હવે તો ‘પ્રાણ જાય પણ વચન ન જાય…’ હવે તો ‘યુદ્ધ એ જ કલ્યાણ.’ (નૃત્ય એ જ બચાવ) લતિકા વર્સિસ રમેશચંદ્રને બધાએ મળી તાળીઓથી એવા ઉશ્કેરેલા કે છેવટે ગરબાની છેલ્લી ઝડપી રમઝટમાં લતિકાનો જ એક ધક્કો એવો વાગ્યો કે રમેશચંદ્ર ફંગોળાઈને મહોલ્લાની છેવટની પાક્કી પાળી સાથે અથડાયા અને પગ એવો મચકોડાયો કે મ્હોંમાંથી બરાડો નીકળવા પર જ હતો. પણ ઇજ્જતનો સવાલ હતો. લોકો એક તરફ તાળીઓ પાડીને ઉશ્કેરતા રહ્યા. ‘વેલડન રમેશચંદ્ર, ચલો ચલો. સહુ ચલો જીતવા જંગ બ્યૂગલો વાગે.’
-પણ બિચારા રમેશચંદ્ર… ન તો તાળી પાડી શક્યા કે ન તો બ્યૂગલો સાંભળી શક્યા. સીધા એક મહિનો એમણે ખાટલા સાથે તાલ મિલાવવો પડ્યો, પણ હા, લતિકાની લાત પછી લતિકાએ એમને રોજ રોજ નવી નવી વાનગી તો ખવડાવી જ…
રેશમાએ પણ તો નવ દિવસમાં નવ પાર્ટનર બદલીને રેકોર્ડ બ્રેક બનાવ્યો તે નફામાં! અને ઍવોર્ડમાં ‘ટેસ્લા’ તો નહીં, પણ મેરીને મોનિકા બનાવીને હની આખરે જીતી જ ગયો!
આપણ વાંચો: ફેશનઃ નવરાત્રિ માટે રેડી છો?