દાસ્તાન-એ-CCTV

લાફ્ટર આફ્ટરઃ પ્રજ્ઞા વશી
હવે તો ઍપાર્ટમેન્ટ હોય કે બંગલો કે પછી સોસાયટી, દરેકે દરેક જગ્યાએ સી.સી.ટી.વી. કેમેરા ફરજિયાત મૂકવા જ પડે છે. નાના- મોટા રોડ, રસ્તા, બગીચા, હોટલ, શાળા, મહાશાળા, મંદિર, આશ્રમ કે પછી પોલીસ સ્ટેશન અને હોસ્પિટલથી લઈ કબ્રસ્તાન સુધી સી.સી.ટી.વી. કેમેરા મૂકવા ફાયદાકારક છે.
હમણાં અમારી સોસાયટીમાં એક બંગલામાં માજી એકલાં રહે. એમના ઘરમાં આખો દિવસ એક ફૂલઝડી જેવી કામવાળી કામ કરે અને જાણે હીરોઈન હોય એમ ઘરમાં ઉપરછલ્લું કામ કરી બારીએ ઊભી ઊભી આવતાં જતાં પંખીઓને ચણ નાખતી રહે. ખોટા રવાડે ચડેલી એ કામવાળીએ માજીના ઘરમાંથી પ્યોર ડાયમંડના ઘરેણાં ચોર્યાં અને રફુચક્કર થઈ ગઈ. એ તો સારું કે સી.સી. ટી.વી. કેમેરામાં એ છોકરી ઘરની બહાર નીકળીને એના બોયફ્રેન્ડને પોટલી આપતી દેખાઈ ગઈ.
એ કેમેરામાં એ પહેલાંના આગલા દિવસોના સી.સી.ટી.વી ફૂટેજ જોયા તો એમાં એક બહાર રખડતું પંખી રોજ એ કામવાળી સાથે જે રીતે અટકચાળા કરતું હતું એ જોઈને કઈ રીતે પ્લાન ઘડાયો એના પુરાવા મળી ગયા. એ પછી પેલા કંજૂસ માજીએ તરત જ સી.સી.ટી.વી. કેમેરા મુકાવી દીધા અને કોઈ યંગ છોકરી નહીં, પણ એક આધેડ બહેનને કામ કરવા અને સાથે રહેવા માટે રાખી લીધાં.
આજથી વીસેક વર્ષ પહેલાં આવા કેમેરા પ્રચલિત નહોતા , પણ હવે તો નાના- મોટા સ્કેમ, ધોળે દહાડે લૂંટફાટ અને રાત્રે પણ ચોરીઓનું પ્રમાણ વધી ગયું છે. નવા ફ્લેટમાં જતાં પહેલાં નેહાબહેનને એમના ફ્લેટમાં કેમેરા ફીટ કરવા માટે મયંકભાઈએ સમજાવ્યાં હતાં. પણ નેહાબહેને ‘ખર્ચ કેટલો થશે એ ખબર છે? મારો ભાઈ કહેતો હતો કે મેં દસ વર્ષથી મુકાવ્યા છે, પણ કશા કામના નથી. બહેન, તું ખોટો ખર્ચો કરીશ નહીં…, ’
જોકે બીજે દિવસે જ સવારે પેપરની હેડલાઇન વાંચી નેહાબહેન ગભરાયાં. એટલામાંકામવાળી કે જેને મયંકભાઈ બી.બી.સી. ન્યૂઝ કહેતા એ મધુબહેને આવી ન્યૂઝ આપ્યા કે ‘બાજુની સોસાયટીમાં ધોળે દિવસે ચોરી થઈ ને દસ લાખનાં ઘરેણાં અને પાંચ લાખ રોકડાનજર સામે લઈને ભાગી ગયા. ભરી બંદૂકના નાળચે લૂંટ કરી! બોલો… બંગલામાં સાત જણા હતા, પરંતુ એકેયથી ચૂં કે ચાં ના થયું… ’
નેહાબહેને ઝડપથી માઇક્રોમાં ચા ગરમ કરીને મધુબહેનને હાથમાં આપી અને પૂછ્યું,
‘તે પછી શું થયું? ’
નેહાબહેનને હવે પોતાનું પ્રેશર લો થતું હોય એમ લાગ્યું. બીજું કે મયંકભાઈની સી.સી.ટી.વી. મૂકવાની ઑફર નેહાબહેને ઠુકરાવી દીધી હતી. એટલે હવે બધી જ તવાઈ નેહાબહેન પર જ આવશે. ફરી પૂછપરછ ચાલુ કરી દીધી. ‘તેં મધુ, તું હો બંગલામાં કામ કરવા જાય છે એ જ બંગલામાં ચોરી થઈ કે પછી બીજા બંગલામાં?’
‘હું હજી કામ કરીને બીજા બંગલામાં પહોંચી એટલામાં જ આ બાજુ ચોરી થઈ ગઈ. તરત જ પોલીસની બે-ચાર ગાડી ને કૂતરાં હાજર થઈ ગયાં. આજુબાજુના બધા બંગલામાં પોલીસે પૂછપરછ કરી ને મને તો વગર લેવે દેવે પોલીસચોકીમાં લઈ ગયાં. બોલો, તમને હું ચોર જેવી લાગું છું? હું તો ચોરી થઈ ત્યારે હાજર પણ નહોતી. જેણે કરી હશે એમની કરહે અને મને વારે વારે એકનું એક પૂછહે… તમે કંઈ જોઈલું? કેટલા હતા? કેવા દેખાતા હતા? મ જોયા જ નહોતા, પછી કેટલા ને કેવાનો સવાલ જ ક્યાં આવે છે ?’
‘પોલીસ બીજું શું કહેતા હતા? ’
‘એમણે બંગલામાં સી.સી.ટી.વી. કેમેરા ચેક કર્યા. પણ હેઠિયો કંજૂસ! તે કામવાળાને બીવડાવવા હારુ હનિવારીમાંથી બગડેલા જૂના કેમેરા ખાલી શો માટે મૂકેલા હતા. પોલીસે ઘરનાંને રિમાન્ડ પર લીધાં, એટલે હેઠાણીએ હેઠની કંજૂસાઈની વાત કરી દીધી. હવે મને,માળીને, રસોઈવાળાને, ડ્રાઇવરને અને ધોબીને, બધાને ખબર પડી ગઈ કે કેમેરા નકલી હતા.
એટલે હવે ચિંતા નથી!’
‘એટલે ચિંતા નથી… એટલે તું બંગલામાં… તેં તો કંઈ ખોટું કર્યું નથી ને?’
‘ના, ના, હેઠાણી બા, તમારા હમ ખાઈને કેવ છું કે મેં તો કંઈ ખોટું કામ કર્યું નથી. તમારા તો હું, ભગવાનના હમ પન ખાવા તૈયાર છું.’
પાછળ ઊભેલા મયંકભાઈને હવે મેદાનમાં આવવાનો મોકો મળી ગયો અને એ પણ તલવાર લઈને મેદાનમાં કૂદી પડ્યા.
‘જોયું… જોયું.? મોટી પોતાના ભાઈના ઉદાહરણ આપતી હતી! હવે જોયું ને…? ભારેમાંના સી.સી.ટી.વી. કેમેરા મૂક્યા હોત તો બંગલામાં ચોરી કરનાર ટોળકીની ઓળખ પોલીસને મળી જતે અને એમની શોધમાં પણ ગતિ આવતે. શો ખાતર ના કેમેરા તે કોઈ મૂકતું હશે? ’
‘હા મયંકભાઈ, અમને બીવડાવવા હારુ જૂના બગડેલા કેમેરા મૂકેલા. પોલીસે તો બંગલાના એક એકને બોલાવીને ખૂબ ખખડાવ્યાં. આજે તાત્કાલિક હાચા કેમેરા લગાવવાની સૂચના આપી છે. એ તો હારું થીયું એવા જૂઠા નકલી કેમેરાને કારણે કેટલાક બચી હો ગીયા…હાશ ,
ભગવાન! જોકે હવે તો હાચા કેમેરા છે. એટલે આપણે તો હીધાં કામ પતાવીને ચાલતી જ પકડવાની ટેવ પાડવી પડહે.’
એટલામાં ડોરબેલ રણક્યો અને બારણું ખૂલતાં જ સામે ચાર-પાંચ પોલીસ જોઈને મધુ આઘીપાછી થઈ ગઈ. આવીને સીધું પૂછ્યું, ;
‘આપના ફ્લેટમાં કેમેરા છે? બહારની રોડ સાઇડ લોબીમાં કેમેરા છે?’
‘ના સાહેબ, એક પણ કેમેરા નથી. ’
‘કેમ નથી મુકાવ્યા? ચોરી થાય એની રાહ જુઓ છો? જાતની સેફ્ટી માટે આટલું પણ નથી થતું? ચાર-પાંચ લાખનું ઇન્ટિરિયર કરાવવું છે ને કેમેરા ફીટ કરાવવાના પૈસા ગણો છો કે શું? ’;
‘ના… ના… સાહેબ, સાવ એવું તો નથી જ ’
‘તો પછી કેવું છે?
પોલીસોની એકસરખી આટલી બધી પૂછપરછથી ગભરાઈ ગયેલા મયંકભાઈની જીભ થોથવાવા લાગી.
‘સા…હે…બ, હું તો કેમેરા લગાવવા ઉત્સુક હતો જ. પણ… ’
‘પણ શું? ચોર આવે, થોડો પ્રસાદ આપી જાય, તમને થોડા હલકા કરી જાય, પછી પોલીસ આવે, તમને ધમકાવે. એ પછી કેમેરા મૂકીને પોલીસ ઉપર ઉપકાર કરવાના છો? ’
‘ના… ના, સાવ એવું તો નથી. પણ…’
‘તો શું? તમારી પત્નીએ ના કહી હતી કે કેમેરા નહીં પણ ઝુમ્મર મુકાવો… ચોરની તો શી તાકાત છે કે આપણા ફ્લેટમાં આવે…? ’
‘ના… ના… સાહેબ, સાવ એવું પણ નહીં. પણ… ’
અને એ સાથે નેહાબહેને હિંમત એકઠી કરી પોતાની ભૂલ કબૂલી કે પોતે જ પોતાના પતિને કેમેરા મૂકવાની ના કહી હતી. પણ હવે કાલ સુધીમાં કેમેરા મુકાવી જ દઈશું.
પાછલી લોબીમાં મોઢું સંતાડીને ઊભેલી મધુને થયું, આ તો બંને ઘરમાં કેમેરા લાગી જવાના… હવે નાની-મોટી હાથસફાઈ પણ કરવી મુશ્કેલ થવાની. પોલીસના ગયા પછી મયંકભાઈ અને નેહા વચ્ચે ચોર-સિપાહીની રમત નહીં, પરંતુ યુદ્ધ શરૂ થઈ ગયું. અને મધુએ એક ઝાડુ આમ ને એક ઝાડુ તેમ મારીને કેમેરા લાગે તે પહેલાં નાની મોટી સફાઈ કરીને ચાલવા માંડ્યું. વહેલું આવે ઘર!



